: ક્ષણના ચણીબોર : રહે જેનાથી અણનમ શીશ : મુજને એ નમન દેજે :

વિશ્વમાં ઘણી લોકશાહી વ્યવસ્થાના બાળમરણ થયા છે. આ વાસ્તવિક સ્થિતિ વચ્ચે વૈવિધ્યતા તેમજ વિશાળતા ધરાવતા આપણાં દેશની લોકશાહી રાજ્ય વ્યવસ્થા લાલકિલ્લાની જેમ અડિખમ તથા ઉન્નત મસ્તકે ઊભી છે. આ સામાન્ય ઘટના નથી. આપણી સંસદીય લોકશાહીના સુચારુ સંચાલન માટે ઊભી કરવામાં આવેલી તથા વિકસાવવામાં આવેલી સંસદીય પ્રથાઓ તથા સંસ્થાઓ છેલ્લા સાત દાયકાથી મજબૂત રીતે કાર્યરત છે. ડૉ. બાબાસાહેબ તથા બંધારણની ડ્રાફિટીંગ કમિટીના સભ્યોની દીર્ઘદ્રષ્ટિ આજે પણ અહોભાવ ઉપજાવે છે. દેશના ધારાગૃહોને મજબૂત તથા હેતુલક્ષી બનાવવામાં ગુજરાતના બે પનોતા પુત્રો વીર વિઠ્ઠલભાઇ તથા દાદાસાહેબ માવળંકરનો સિંહફાળો છે. વલ્લભભાઇના વડેરા વિઠ્ઠલભાઇએ એક અણનમ યોધ્ધાની જેમ લડત ચલાવીને સ્વાધીન ભારત માટે સંસદીય પ્રથાઓના વિકાસમાં ઐતિહાસિક યોગદાન આપેલું છે. ગમે તેવી આફત સામે ન્યાય તેમજ સત્ય માટે ગમે તે ભોગે લડી લેવાની વીર વિઠ્ઠલભાઇની વૃત્તિ તથા શક્તિનો ઇતિહાસ દરેક યુવકે વાંચવા જેવો છે. વલ્લભવિદ્યાનગરના નાગરિકો તેમજ યુવાન વિદ્યાર્થીઓમાં વીર વિઠ્ઠલભાઇની સ્મૃતિ જીવંત રહે તે માટે તેમની જન્મજયંતીએ વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવે છે તે આથી આવકાર્ય છે.

પરાધીન દેશની પીડાનો કોઇ અંત હોતો નથી. ૧૯૨૪ના ડિસેમ્બરમાં બ્રિટીશ વાઇસરોય લોર્ડ રીડિંગની મુંબઇની મુલાકાતના માનમાં બ્રિટીશ સરકાર તરફથી ઝાકમઝોળ સ્વાગત તથા ઉત્સવની તૈયારી શરૂ કરવામાં આવી. ભારતના સ્વમાની નાગરિકોનું સ્વમાન ઘવાય તેવા આયોજનો થયા. આમ થાય તો જ સત્તાધીશો પોતાનું સ્થાન મજબૂત કરી શકે. સામાન્ય લોકોની રોજીંદી હાડમારી સાથે વિદેશી શાસકોને સ્નાન સુતકનો પણ સંબંધ ન હતો. સરકારના ઉચ્ચ અધિકારીઓએ Minute-to-Minute કાર્યક્રમનું ચોકસાઇથી આયોજન કર્યું. વાઇસરોયનું સ્વાગત મુંબઇ શહેરના પ્રથમ નાગરિક કરે તેવું નકકી થાય તે સ્વાભાવિક હતું. આજે પણ વારસામાં મળેલી Protocol ની આ પ્રથા અમલમાં છે. પરંતુ આ કિસ્સામાં અમલદારો માટેની ખરી સમસ્યા હવે શરૂ થઇ. મુંબઇ શહેરના પ્રથમ નાગરિકે વાઇસરોયના સ્વાગત માટે હાજર રહેવાની ઘસીને ના પાડી. ગોળ ગોળ વાત કરવાની આ મેયર તથા ચરોતરના વીરને કયાં ફાવટ હતી ? મુખ્ય સચિવના નિમંત્રણનો પ્રત્યુત્તર સત્વરે આ વીરે વાળ્યો. કાયદાથી ચૂંટાયેલા મેયરે કહયું કે તેમના પક્ષ (કોંગ્રેસ)ની સ્વીકૃત નીતિ અનુસાર તેઓ આ વિદેશી શાસનનો અંત જોવા ઇચ્છે છે અને તે માટે કાર્યરત છે. આથી આ શાસનના વડા પ્રતિનિધિના સ્વાગતમાં તેઓ સામેલ થશે નહિ. સાથે સાથે વિવેક જાળવીને વાત કરવાની સૂઝ ધરાવનારા આ અનોખા મેયરે સ્પષ્ટતા કરી કે વાઇસરોયના વ્યકિતગત અનાદરનો આ પ્રયાસ નથી. પરંતુ શાસનની જે વ્યવસ્થાનું તેઓ પ્રતિનિધિત્વ કરે છે. તેની સામે તેમનો મૂળભૂત વિરોધ છે. 

વિરોધમાં પણ કેવી સ્પષ્ટતા અને ગરીમા ! વિવેક સાથેના આ પ્રત્યુત્તરમાં આત્મ-સન્માન સહેજ પણ ઝાંખુ થતું નથી. શાયર નાઝીર દેખૈયાના શબ્દો યાદ આવે. 

ખુદાયા ! આટલી તુજને વિનંતી છે આ નાઝીરની,

રહે જેનાથી અણનમ શીશ મુજને એ નમન દેજે.

વાઇસરોય તો નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે આવ્યા. શહેરના મેયરની ગેરહાજરીમાં થયેલું બાંડુ સ્વાગત ઘણાં બ્રિટીશ અમલદારોને ધૂંવાફુંવા કરી ગયું. હવે તેમને મેયર પદે શી રીતે ચાલુ રહેવા દેવાય ? મુંબઇ શહેર કાઉન્સિલની સભા મળી તેમાં કોઇ સભ્યે મેયરની વાઇસરોયના સન્માન સમારંભમાં ગેરહાજરીનો પ્રશ્ન ઉઠાવ્યો. કાયદેબાજ મેયર કહે આ પ્રશ્ન આજે એજન્ડામાં નથી તેથી ચર્ચા થઇ શક્તી નથી. આ પ્રશ્નની ચર્ચા કરવા અલગ બેઠક બોલાવી શકો છો ! સભા બરખાસ્ત કરવામાં આવી. ફરી આ હેતુ માટે સભા બોલાવવામાં આવી. બધાના  આશ્ચર્ય વચ્ચે મેયર સામાન્ય સભાસદો સાથે જ બેઠા હતા. મેયરની ખુરશી ખાલી હતી. સભા શરૂ થવાના સમયે મ્યુનિસિપલ સેક્રેટરીએ મેયરના રાજીનામાનો પત્ર વાંચી સંભળાવ્યો. સભામાં સન્નાટો છવાઇ ગયો. મેયર સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવાની તક પણ ગોરા હાકેમોના હાથમાંથી ગઇ ! પરંતુ ફરી સમસ્યા ઊભી થઇ. સભાના પ્રમુખ સિવાય હવે સભાનું સંચાલન કેવી રીતે અને કોણ કરે? બહુમતી સભ્યો પ્રસ્તાવ રજૂ કરીને કહે કે કામકાજની સરળતા માટે આ બેઠકનું પ્રમુખસ્થાન જૂના મેયર વિઠ્ઠલભાઇ પટેલ જ સંભાળે ! સભાની કાર્યવાહી તે રીતે પૂરી થઇ. ત્યારપછી બીજી સભા આવી. તેમાં પણ આજ બાબતનું પુનરાવર્તન થયું. ત્યારબાદ નવા મેયરની ચૂંટણી સભા મળી. આ સભામાં નવા મેયરની ચૂંટણી કરવાની હતી. રાષ્ટ્રીય પક્ષના એક અગ્રણીએ વિઠ્ઠલભાઇને ફરી ચૂંટવા દરખાસ્ત રજૂ કરી. આશ્ચર્યની ઘટના એ હતી કે દરખાસ્તને બહુમતીનો ટેકો મળ્યો. કેટલાક સરકાર તરફી વલણવાળા સભ્યોનો પણ તેને ટેકો મળ્યો ! આ સમયે એક ગોરા અમલદાર શ્રી કલેટન જેઓ આઇસીએસ અમલદાર હતા તેમજ મ્યુનિસિપલ કમિશ્નર હતા. તેમણે સભાને જણાવ્યું કે વિઠ્ઠલભાઇની કામ કરવાની સૂઝ તથા ધગશને કારણે તેમને ફરી ચૂંટવા જોઇએ ! પુનશ્ચ હરિઓમ થયું. ચરોતરના સુપુત્ર વીર વિઠ્ઠલભાઇ સ્વમાનનું બ્યૂગલ વગાડીને પોતાની આવડત, નિષ્ઠા અને શકિતના જોરે પુનઃ નગરના મેયર બન્યા. કેટલાયે બ્રિટીશ અમલદારોના ગળે આ વાત ઉતરી નહિ. વાઇસરોયના સન્માનનો બહિષ્કાર કરનાર વ્યકિત મુંબઇ શહેરના મેયર તરીકે કેવી રીતે ચાલુ રહી શકે ? પરંતુ ઘટના તેવી જ તેમની આંખ સામે બનીને રહી. અહીં એ વાતની સ્મૃતિ થાય કે વિઠ્ઠલભાઇ અને સરદાર સાહેબના પિતા ઝવેરભાઇ શતરંજના અઠંગ ખેલાડી ગણાતા હતા. આ વાતની પ્રતીતિ તેમના બંન્ને પુત્રોએ હિન્દુસ્તાનના ઇતિહાસની કટોકટકીની ક્ષણોએ મારેલી સોગઠીઓ પરથી થયા સિવાય રહેતી નથી. દેશને સ્વાધીનતા મળી તેને લગભગ સાત દાયકાના વહાણા વાઇ ગયા છતાં વિઠ્ઠલભાઇ-વલ્લભભાઇના દેશ માટેના બલિદાન તેમજ યોગદાનનું મૂલ્ય અનેરું તથા અમૂલ્ય રહયું છે. તેથી જ સૌની સ્મૃતિમાં રહેલું છે.

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑