: ક્ષણના ચણીબોર : સ્વસ્થ સમાજ માટે આવશ્યક શિક્ષણ: તત્કાલિન સમયનો પડકાર :

સ્વસ્થ સમાજનું નિર્માણ કરીને તેને ટકાવી રાખવાની સમસ્યાએ દરેક યુગમાં લોકોને મથાવ્યા છે. સમાજ સ્વસ્થ ત્યારે જ કહેવાય કે જયારે સમાજનો સામાન્ય નાગરિક પોતાની જવાબદારી સમજે અને સ્વેચ્છાએ તેનો સ્વીકાર કરતો થાય. પર્લ બકે નવી દુનિયા એટલે નવા માનવી એવી સૂચક વાત કદાચ આજ સંદર્ભમાં કહી હશે. સરેરાશ નાગરિકનું ઘડતર કરવા માટે શિક્ષણનો આશરો લેવાની વાત અનુભવજન્ય સમજથી દૃઢ થયેલો છે. જયારે શિક્ષણનું મહત્વ એક પાયાના સાધન તરીકે સ્વીકારીએ ત્યારે ફરી આવા શિક્ષણની વ્યાપકતા તથા ગુણવત્તા બાબતના પ્રશ્નો શાસન તથા સમાજ માટે પડકારરૂપ બનેલા છે. આથી જ શિક્ષણને સર્વ સુલભ બનાવવા માટેના પ્રયાસો દેશ આઝાદ થયો તે પહેલાં મહારાજ સયાજીરાવ ગાયકવાડ તથા ભગવતસિંહજી (ગોંડલ) જેવા રાજવીઓએ હેતુપૂર્વક કર્યા તથા તેવા કાર્યો થકી તેઓ ઇતિહાસમાં અમર થયાં. અંગ્રેજી શાસને જોકે તેમની જરૂરિયાત મુજબનો work force મેળવવા માટે દેશની એક ચોકકસ શિક્ષણ પ્રથા હતી તેને નબળી પાડવાના પ્રયાસો કર્યા અને મહદૃઅંશે તેવા પ્રયાસો સફળ પણ થયા. આમ છતાં તે સમયગાળામાં ફાર્બસ સાહેબ તથા સર થિયોડોર હોપ જેવા કેળવણીકારોએ કેટલાક નકકર પ્રયાસોથી આપણી કેળવણીમાં નવું જોમ સિંચવાનો પ્રયાસ પણ કર્યો. દર્શકદાદા તેમજ નાનાભાઇ ભટ્ટ જેવા ગાંધીના ગોવાળોએ પણ શિક્ષણના આ પડકારરૂપ ક્ષેત્રને મજબૂત તથા સ્થાનિક જરૂરિયાતને અનુરૂપ બનાવવા માટે અનેકવિધ આયામો કર્યા. છેલ્લા સાત દાયકાથી તો શિક્ષણપ્રથાને જીવન ઉપયોગી તેમજ અસરકારક બનાવવાની સ્વતંત્રતા આપણાં જ હાથમાં છે. તેમ છતાં શિક્ષણના આધારભૂત માધ્યમથી સ્વસ્થ સમાજનું નિર્માણ થાય તેવું સર્વસુલભ તેમજ ગુણવત્તાયુકત શિક્ષણ આપણે હજુ પણ પૂરું પાડી શકતા નથી. આવી લાગણી સતત વ્યકત થતી રહે છે. આ બાબત મહદ્અંશે સકારણ પણ જણાય છે. આ વાતનો ઉલ્લેખ ન્યાયમૂર્તિ ચન્દ્રશેખર ધર્માધિકારીજીએ ગુજરાત વિદ્યાપીઠમાં આપેલા એક પ્રવચનમાં પણ વિશદ્ રીતે કરેલો છે. ધર્માધિકારીજી જણાવે છે  તેમ પ્રશ્નોના ઉકેલ માટેનું સાધન એ શિક્ષણ છે તે શિક્ષણ સ્વયં એક પ્રશ્ન બનીને આજે સમાજ સામે ઊભું છે. અનેક નિષ્ઠાવાન લોકોના પ્રયાસોના બળથી આ પ્રશ્નનો ઉકેલ આવશે તેવી શ્રધ્ધા રાખવી જો કે અસ્થાને નથી. કેટલાક પુણ્યશ્ર્લોક લોકોએ દેશ સ્વતંત્ર થયો ત્યારબાદ પણ આ દિશામાં કરેલા પ્રયાસો નોંધપાત્ર તેમજ અસરકારક રહેલા છે. આવા પ્રયાસોથી શિક્ષણને એક નોંધપાત્ર દિશા મળી પણ મળી શકી છે. દર્શક નાનાભાઇની જેમ જ શિક્ષણના આ ક્ષેત્રમાં પોતાના ઉજળા યોગદાન થકી કાર્યસિધ્ધિ મેળવનારા અનેક ધન્યનામ લોકો છે. તેઓ જે સ્થિતિ છે તેનો સ્વીકાર કરીને ઘરેડમાં પડયા નથી. તેઓએ સાંપ્રત સ્થિતિ સામે ફરિયાદ પણ કરી નથી કે નિરાશાના ભાવથી હથિયાર હેઠા મૂકયા નથી. પોતાના વિચારો તેમજ આચરણથી આવા લોકોએ નવા ચિલા પાડ્યા છે. આ સંદર્ભમાં કેટલાક નામોનું ત્વરિત સ્મરણ થાય તેમાં સર્વ શ્રી ડોલરરાય માંકડ, પી.સી. વૈદ્ય, ઉમાશંકર જોષી, ધીરુભાઇ ઠાકર તેમજ પ્રાધ્યાપક તખ્તસિંહજી ગોહિલ(ગુરુજી) જેવા સાક્ષરો છે. તેઓએ શિક્ષણના આ યજ્ઞકાર્યમાં જે ફરજ કે હોદૃાઓ સંભાળ્યા તેવા સ્થાનોની ગરિમા વધી છે. આથી જ માંકડ સાહેબ કે વૈદ્ય સાહેબ કુલપતિ હતા તેમ કહીએ ત્યારે કુલપતિ પદની ગરિમા વધતી હોય તેવો અનુભવ થયા કરે છે. કપરી અને પડકારૂપ પરિસ્થિતિમાં પણ ગુજરાતના આવા શિક્ષણવિદોએ શિક્ષણનો ધ્વજ ઉજવળ તથા ઉન્નત રીતે લહેરાવ્યો છે. સમાજ તરફથી પણ આવા પ્રયાસોને સમર્થન મળેલું છે. આથી એવી શ્રધ્ધા જરૂર થાય છે કે સમસ્યારૂપ લાગતી શિક્ષણની આ બાબતમાં પણ સાચી દિશાના નકકર પ્રયાસો ગુણાત્મક ફેરફાર લાવી શકે છે. આ માર્ગ કઠિન છે, પડકારરૂપ પણ છે પરંતુ દુસાધ્ય નથી આ વાતની પ્રતિતિ આ બધા કેળવણીકારોના જીવનકાર્યો જોતાં જણાય છે. હાર્યા કે થાકયા સિવાય કદાચ એકલા હોય છતાં અણનમ રહેનારા કેળવણીના આ મહારથીઓએ કવિ વેણીભાઇ પુરોહિતના શબ્દો સાર્થક કર્યા છે. 

તારે ઉલ્લંઘવાના મારગ ભુલામણાં

તારે ઉધ્ધારવાના જીવન દયામણાં

હિમ્મત ન હારજે તું કયાંયે

હે ! માનવી, ન લેજે વિસામો

ઝાંખા જગતમાં એકલો પ્રકાશ જે,

આવે અંધાર તેને એકેલો વિદારજે

છો ને આ આયખું હણાયે

હો માનવી, ન લેજે વિસામો,

થાકે ન થાકે છતાંયે હો માનવી

ન લેજે વિસામો

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑