સંસ્કૃતિ : : દેશકી આબાદી શંભુ : પ્રગટ દીખાને વાલી ખાદીને વિલાયતકી કીની બરબાદી હૈ

Shambhudan Ayachi

ગુજરાત વિદ્યાપીઠમાં આપેલા એક પ્રવચનમાં ન્યાયમૂર્તિ ચંદ્રશેખર ધર્માધિકારીજીએ આધુનિક શિક્ષણના એકાંગિપણા તરફ ધ્યાન દોરીને ચિંતા વ્યક્ત કરી હતી. શિક્ષણનો હેતુ બાળક કે કિશોરનો સર્વાંગી વિકાસ કરવાનો હોય તો શિક્ષણ ખરા સ્વરૂપે સાર્થક બને છે. શિક્ષણ જો જીવન સાથે તથા જગત સાથે જોડાયેલું ન હોય તો તેનો પ્રસાર થવા છતાં સમાજને લાભ મળી શકતો નથી. દક્ષિણામૂર્તિ ભાવનગર કે લોકશાળા-આંબલામાં જેમનું શિક્ષણ થયું તે શિક્ષાર્થીઓમાં જીવન તરફ સમગ્ર તથા સમ્યક દ્રષ્ટિ વધતા ઓછી અંશે કેળવાઇ હતી. આ માટે અનેક લોકોના નામ ઉદાહરણ તરીકે આપી શકાય. આવીજ શિક્ષણની એક ભવ્ય સંસ્થા કચ્છમાં દેશ આઝાદ થયો તેની બે સદી પહેલા શરૂ કરવામાં આવી તે એક ગૌરવયુક્ત ઘટના છે. નાલંદા કે તક્ષશિલા વિદ્યાપીઠોની વાત મહત્વની હોવા છતાં દૂરના સમયની છે. વ્રજભાષા પાઠશાળા તરીકે ઓળખાતી તથા કચ્છની ખ્યાતિમાં વૃધ્ધિ કરતી આ સંસ્થા તો નજીકના ભૂતકાળની ઘટના છે. કચ્છના રાજવી મહારાઓ લખપતજીના પૂણ્યશ્લોક નામ સાથે જોડાયેલી આ સંસ્થાનો કડિબધ્ધ ઇતિહાસ જળવાયો છે તે આપણું સદ્દભાગ્ય છે. ડૉ. નિર્મલા આસનાનીએ રતુભાઇ રોહડિયા તેમજ વ્રજભાષા પાઠશાળાના છેલ્લા આચાર્ય તથા સુપ્રસિધ્ધ કવિ શંભુદાનજી અયાચીના માર્ગદર્શનથી આ કાર્ય કરેલું છે. વિદુષિ બહેન શ્રી નિર્મલાબહેને આ કાર્ય એક તપસ્વીની નિષ્ઠા તેમજ દ્રઢતાથી કરેલું છે. કવિ શ્રી નાનાલાલે આ શાળાને કચ્છ પ્રદેશના કીર્તિમુગટ તરીકે ગણાવી છે તે યથાર્થ છે. હમણાં સુધી આપણી વચ્ચે હતા તેવા આ ઐતિહાસિક શાળાના અંતિમ આચાર્ય કવિરાજ શ્રી શંભુદાનજીએ સુંદર શબ્દોમાં વ્રજભાષા પાઠશાળાનું મહત્વ પ્રગટ કરેલું છે.

ઇણ શાલા આશ્રયી

ગામ ગજપશા કમાયા

ઇણ શાલા આશ્રયી

બડા વૈભવ સુ કમાયા

ઇસ તરહ ઇણ શાલા તણો

સુજ્જસ જગ સંચર્યો

કવિ કથે આદિ કવિતા કરત

ભુજનાથ નામ ભલમણ ભયો.

      આ શાળાનું શિક્ષણ સર્વાંગી હતું. કાવ્યશાસ્ત્ર ઉપરાંત સંગીત, જ્યોતિષ, નૃત્ય તેમજ અશ્વશાસ્ત્ર આદિ વિષયોનું જ્ઞાન પણ વિદ્યાર્થીઓને આપવામાં આવતું હતું. જ્ઞાની તથા સમર્પિત એવા જૈન આચાર્યો તેમજ વિદ્વાન ચારણ કવિઓ થકી આ સંસ્થાનું ઉચ્ચ ધોરણ જળવાયું હતું. આપણાં સાક્ષર ડૉ. બળવંત જાની તેમજ ડૉ. અંબાદાન રોહડિયાએ પણ આ પાઠશાળા વિશે વિસ્તૃત જાણકારી મળે તેવા લખાણો લખ્યા છે.

કવીશ્વર દલપતરામે ‘બુધ્ધિપકાશ’ માં ઉલ્લેખ કર્યો કે વ્રજભાષા પાઠશાળા ભૂજ જેવું કાર્ય કર્યુ હોય અને અવિસ્મરણિય યોગદાન આપ્યું હોય તેવી સંસ્થા વિશે કદી સાંભળ્યું નથી કે આવી કોઇ અન્ય વિદ્યાપીઠ જોવા પણ મળી નથી. કવિશ્રીએ જે સંસ્થાના આવા ગુણગાન લખ્યા છે તે વ્રજભાષા પાઠશાળા માત્ર કચ્છનુંજ નહિ પરંતુ સમગ્ર ગુજરાતનું ગૌરવ વધારે તેવી અનોખી શૈક્ષણિક સંસ્થા હતી. બસ્સો વર્ષ સુધી કવિઓ તૈયાર થાય તેવી કોઇ સંસ્થાગત વ્યવસ્થા એક રાજવી તથા તેના રાજ્યકવિની દીર્ઘદ્રષ્ટિથી સ્થાપવામાં અને કાર્યરત રાખવામાં આવે તે ઇતિહાસની એક વિશિષ્ટ ઘટના છે. કાવ્યશાસ્ત્ર ઉપરાંત અનેક વિષયોનું શિક્ષણ આપતી આ પાઠશાળા જીવનના સર્વાંગી તથા સંસ્કારયુક્ત શિક્ષણની એક અદ્વિતિય વ્યવસ્થા હતી. આપણો દેશ સ્વતંત્ર થયો તે ગાળામાં આ સંસ્થા બંધ થઇ. જોકે આ સંસ્થાનું શિક્ષણ સદાકાળ સાંપ્રત ગણાય તેવું હતું. આથી આવી સંસ્થાનો સૂર્યાસ્ત થાય તે અનેક સાહિત્ય અને શાસ્ત્રોના ઉપાસકોને ઉચિત લાગ્યું નથી પરંતુ તે વાસ્તવિકતાનો સ્વીકાર કરવો રહ્યો. ખાસ તો જ્યારે શિક્ષણમાં એકંદર ગુણવત્તાના અભાવનો પ્રશ્ન જ્યારે આજે આપણને પજવે છે ત્યારે આ વ્રજભાષા પાઠશાળાની ઊંચી ગુણવત્તા ફરી ફરી સ્મૃતિમાં આવ્યા કરે છે. કચ્છના શિરમોર કવિ દુલેરાય કારાણી તથા ઇતિહાસવિદ્ રામસિંહજી રાઠોડના મતે ભૂજની વ્રજભાષા પાઠશાળાનું અનેક જીવન વિષયક તથા સાંપ્રત વિષયોમાં નોંધપાત્ર પ્રદાન છે.

      કવિઓ જન્મ ધારણ કરે છે. કવિઓનું નિર્માણ થતું નથી. આ એક સ્થાપિત થયેલી અનુભવજન્મ માન્યતા છે. આ માન્યતાથી જુદી રીતે વ્રજભાષા પાઠશાળામાં અનેક કવિઓનું નિર્માણ બસ્સો વર્ષના તેના ઉજળા ઇતિહાસમાં થયું છે તે અહોભાવ પ્રેરક ઘટના છે. પશ્ચિમ ભારતમાં ખૂણે ખૂણે આ સંસ્થાની ખ્યાતિ પ્રસરેલી હતી. દૂર સુદૂરથી વિદ્યાપ્રાપ્તિ માટે સરસ્વતીના ઉપાસકો અહીં આવતા હતા. સ્વામીનારાયણ સંપ્રદાયના મહાન ભક્ત અને મોટા ગજાના કવિ બ્રહ્માનંદસ્વામી ભૂજની આ પાઠશાળામાંજ શિક્ષા દિક્ષા પામ્યા હતા. ખાણ- રાજસ્થાનથી લાડુદાનજી આટલે દૂર કચ્છમાં આવ્યા અને કાવ્યતત્વના પાઠ શીખ્યા તે દર્શાવે છે કે આ સંસ્થાના આકર્ષણથી અનેક પ્રદેશ – ભાષા કે પરંપરામાં જીવન ગાળતા મરમી લોકો માટે વિદ્યાના ધામ જેવી આ પાઠશાળા હશે. લાડુદાનજી સહજાનંદ સ્વામીના પારસમણી સ્પર્શથી બ્રહ્માનંદસ્વામી બન્યા અને એક તેજસ્વી તારકની જેમ આજે પણ તેમના કાવ્યો થકી જીવંત છે અને ઝળહળે છે.

      કવિ દ્રષ્ટા અને સૃષ્ટા છે. આચાર્ય આનંદશંકર ધ્રુવ લખે છે તેમ કવિ એ સામાન્ય જનની જબાન છે. આવા કવિનો જશ ગાતા ભર્તુહરી મહારાજે તેમના સુપ્રસિધ્ધ શ્લોકમાં કવિની કીર્તિ વૃધ્ધત્વ પામતી નથી કે વિલાતી નથી તેમ કહેલું છે. કવિ તથા લોકસાહિત્યકાર પિંગળશીભાઇ લીલાએ આજ વાત તેમના સુંદર શબ્દોમાં મૂકી છે.

કવિ ઇશને આભમાંથી ઉતારે

કવિ સ્નેહીઓને હમેશા સંભારે

કવિનો કરું જોખ શા તોલ સામે

કવિ જન્મ લે છે ન તે મૃત્યુ પામે.

       સમાજે દરેક સમયે કવિઓને ભાવથી વધાવ્યા છે. કવિ રમેશ પારેખના સન્માનમાં થયેલા અમરેલીના અનેકવિધ કાર્યક્રમો કે શબ્દો મરમી બાબુભાઇ રાણપુરાને વધાવવા સુરેન્દ્રનગરના લોકોએ દર્શાવેલો સ્વયંભૂ ઉત્સાહની વિગતો એ તાજેતરનોજ ભૂતકાળ છે. કવિઓના કવિ દલપતરામ અને એ સમયના એક રાજવી વચ્ચેનો સંવાદ આજે પણ આ સંદર્ભમાં કવિના સ્વાભિમાનની શાક્ષી પૂરે છે. કવીશ્વર દલપતરામ એક રાજાના દરબારમાં જાય છે તથા રાજા જાણે છે કે દલપતરામ જાણીતા કવિ છે. રાજા વ્યંગ કરતા કવીશ્વરને કહે છે :

 એક શહેરનો રાય

કહે સુણો કવિરાય

ઘણાં તમ જેવા અહીં

કવિ ઘેર ઘેર છે

અહીં તો આ સમયમાં

કવિ ટકે શેર છે.

      રાજવીએ આ અનુચિત વિધાનનો પ્રહાર કદાચ ખોટી જગાએ કર્યો હતો. આવો વ્યંગ સાખીલે તો ફાર્બસના સખા દલપતરામ શાના ? કવિ રાજવીને રોકડું પરખાવે છે :

કહે કવિ સુણો રાય

સર્વ કવિ ટકે શેર

એવું આ સભામાં હોય

એ તો કાળો કેર છે.

ખાજા ભાજી હતા

એક શહેરમાં ટકે શેર

આજે જાણ્યું એવું બીજું

આપનું આ શહેર છે !

      કવીશ્વરે શિઘ્ર આ રાજવીને ‘પુરી એક અંધેરીને ગંડુરાજા’ યાદ કરાવી દીધું ! કવિ દલપતરામના ગુરુ દેવાનંદસ્વામી ભૂજની આ ભાતીગળ પાઠશાળાના સંસ્કાર બ્રહ્માનંદસ્વામી મારફત પામ્યા હતા. મહારાઓ લખપતજીએ સુચારુ ઢંગથી આ પાઠશાળાને રાજ્યની નાણાકીય સહાય નિરંતર મળતી રહે તેવો પ્રબંધ કર્યો હતો. આ બાબત દર્શાવે છે કે રાજવીની સાહિત્ય પરત્વેની નિષ્ઠા ઘણી ઊંડી તથા મજબૂત હશે. મહારાજાએ આ પાઠશાળાની સ્થાપના કર્યા પછી અનેક પ્રદેશોમાં તેની વિજ્ઞપ્તિ જાહેર કરી હતી. ભિન્ન ભિન્ન પ્રદેશના સાહિત્ય ઉપાસકો અહીં આવીને જ્ઞાનપ્રાપ્તિ કરે તેવી મહેચ્છા કચ્છના ઉત્તરોત્તર રાજવીઓને રહી હતી. આ બધા વિદ્યા ઉપાસકોના રહેવા-જમવા ઇત્યાદિનો તમામ ખર્ચ રાજ્ય ભોગવતું હતું. શિક્ષાર્થીના દીક્ષાંત સમયે રાજ્ય તરફથી તેમનું સન્માન થતું અને યોગ્યતા અનુસાર ઇનામો અપાતા હતા. તેમના સન્માન થતા હતા.

      વ્રજભાષા પાઠશાળાના આ કવિઓ તેમના સમયના સાંપ્રત પ્રવાહોથી વિમુખ ન હતા. મહાત્મા ગાંધી તથા તેમની અનેક ચળવળો અને હાકલોનો અસરકારક પ્રતિભાવ તેમના કાવ્યોમાં આપતા હતા. આઝાદીની લડતના આ કવિઓ પૈકીના કેટલાક કવિઓ સમર્થક તથા પૂરક હતા. કવિ શ્રી શંભુદાનજીનો આ સબંધેનો નોંધાયેલો એક સુંદર પ્રસંગ છે. તેઓએ કવિત્વનું શિક્ષણ વ્રજભાષા પાઠશાળામાં મેળવ્યું હતું. કવિ શંભુદાનજીને એક પંક્તિ આપીને તેની પાદપૂર્તિ કરવાનું કહેવામાં આવ્યું. કવિની પરીક્ષા કરવાની આ માન્ય પ્રથા ગણાતી હતી. પંક્તિ આ મુજબ હતી.

યે ખાદીને વિલાયતકી

કીની બરબાદી હૈ.

      શંભુદાનજીએ શિઘ્ર તથા સુંદર પાદપૂર્તિ કરી. ગાંધીજીના પ્રયાસોથી થયેલ ખાદીની પ્રતિષ્ઠાનું તેમાં મનોહર બયાન છે.

કીરત કથી ન જાય

સુતવે સુતા કી ખાસ

મોહ મંત્ર મારી

સારી આલમ જગાદી રે

ફૈશન ફિતૂરી ફંદ હૂ મે

જો ફસી થી ઐસી

કૈતી શાહજાદી કો

સિખાઇ રીત સાદી રે.

માનચેસ્ટર મિલન કી

રક્ષા રાજધાની બીચ

અમર કટારી સમ

ભીતિ કો મચાદી રે

દેશ કી આબાદી શંભુ

પ્રગટ દીખાને વાલી

યે ખાદીને વિલાયત કી

કીની બરબાદી હૈ.

      કવિઓનું સ્થાન જનજનના હ્રદયમાં ચિરસ્થાયી છે તેવીજ રીતે આપણી વિરાસત સમાન ભૂજની આ પાઠશાળાની પણ અનેક સુખદ સાહિત્યીક સ્મૃતિઓ જીવંત અને ધબકતી રહી છે. સરસ્વતીની ઉપાસનાનો આ અનોખો તથા જનમાન્ય પ્રવાહ નિરંતર રહે એ સમાજની સ્વસ્થતા સૂચવે છે. આજે બંધ થવા છતાં વ્રજભાષા પાઠશાળાનું યોગદાન અનેક સાહિત્ય સર્જન તથા સર્જકોમાં જોઇ શકાય છે. દરેક યુગમાં સમાજ તો કવિઓને વધાવવા ઉત્સુક હોય છેજ. એ ખરું કે કવિપદની ગરિમા તથા વિવેક તો કવિઓએજ જાળવવા પડશે.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑