ભૂજની વ્રજભાષા પાઠશાળા એ માત્ર કચ્છનીજ નહિ પરંતુ પશ્ચિમ ભારતની એક સુપ્રસિધ્ધ સંસ્થા હતી. કવીશ્વર દલપતરામે ‘બુધ્ધિપકાશ’ માં ઉલ્લેખ કર્યો છે કે વ્રજભાષા પાઠશાળા ભૂજ જેવું કાર્ય કર્યુ હોય અને અવિસ્મરણિય યોગદાન આપ્યું હોય તેવી સંસ્થા વિશે કદી સાંભળ્યું નથી કે આવી કોઇ અન્ય વિદ્યાપીઠ જોવા પણ મળી નથી. કવિશ્રીએ જે સંસ્થાના આવા ગુણગાન લખ્યા છે તે વ્રજભાષા પાઠશાળા માત્ર કચ્છનુંજ નહિ પરંતુ સમગ્ર ગુજરાતનું ગૌરવ વધારે તેવી અનોખી શૈક્ષણિક સંસ્થા હતી. બસ્સો વર્ષ સુધી કવિઓ તૈયાર થાય તેવી કોઇ સંસ્થાગત વ્યવસ્થા એક રાજવી તથા તેના રાજ્યકવિની દીર્ઘદ્રષ્ટિથી સ્થાપવામાં અને કાર્યરત રાખવામાં આવે તે ઇતિહાસની એક વિશિષ્ટ ઘટના છે. કાવ્યશાસ્ત્ર ઉપરાંત અનેક વિષયોનું શિક્ષણ આપતી આ પાઠશાળા જીવનના સર્વાંગી તથા સંસ્કારયુક્ત શિક્ષણની એક અદ્વિતિય વ્યવસ્થા હતી. આપણો દેશ સ્વતંત્ર થયો તે ગાળામાં આ સંસ્થા બંધ થઇ. પાઠશાળાના અંતિમ આચાર્ય તરીકે સુપ્રસિધ્ધ કવિ શ્રી શંભુદાનજી અયાચી કાર્ય કરતા હતા. જોકે આ બંધ થયેલી સંસ્થાનું શિક્ષણ સદાકાળ સાંપ્રત ગણાય તેવું હતું. આથી આવી સંસ્થાનો સૂર્યાસ્ત થાય તે અનેક સાહિત્ય અને શાસ્ત્રોના ઉપાસકોને ઉચિત લાગ્યું નથી પરંતુ તે વાસ્તવિકતાનો સ્વીકાર કરવો રહ્યો. ખાસ તો જ્યારે શિક્ષણમાં એકંદર ગુણવત્તાના અભાવનો પ્રશ્ન જ્યારે આજે આપણને પજવે છે ત્યારે આ વ્રજભાષા પાઠશાળાની ઊંચી ગુણવત્તા ફરી ફરી સ્મૃતિમાં આવ્યા કરે છે. કચ્છના શિરમોર કવિ દુલેરાય કારાણી તથા ઇતિહાસવિદ્ રામસિંહજી રાઠોડના મતે ભૂજની વ્રજભાષા પાઠશાળાનું અનેક જીવન વિષયક તથા સાંપ્રત વિષયોમાં નોંધપાત્ર પ્રદાન છે.
કવિઓ જન્મ ધારણ કરે છે. કવિઓનું નિર્માણ થતું નથી. આ એક સ્થાપિત થયેલી અનુભવજન્મ માન્યતા છે. આ માન્યતાથી જુદી રીતે વ્રજભાષા પાઠશાળામાં અનેક કવિઓનું નિર્માણ બસ્સો વર્ષના તેના ઉજળા ઇતિહાસમાં થયું છે તે અહોભાવ પ્રેરક ઘટના છે. પશ્ચિમ ભારતમાં ખૂણે ખૂણે આ સંસ્થાની ખ્યાતિ પ્રસરેલી હતી. દૂર સુદૂરથી વિદ્યાપ્રાપ્તિ માટે સરસ્વતીના ઉપાસકો અહીં આવતા હતા. સ્વામીનારાયણ સંપ્રદાયના મહાન ભક્ત અને મોટા ગજાના કવિ બ્રહ્માનંદસ્વામી ભૂજની આ પાઠશાળામાંજ શિક્ષા દિક્ષા પામ્યા હતા. ખાણ- રાજસ્થાનથી લાડુદાનજી આટલે દૂર કચ્છમાં આવ્યા અને કાવ્યતત્વના પાઠ શીખ્યા તે દર્શાવે છે કે આ સંસ્થાના આકર્ષણથી અનેક પ્રદેશ – ભાષા કે પરંપરામાં જીવન ગાળતા મરમી લોકો માટે વિદ્યાના ધામ જેવી આ પાઠશાળા હશે. લાડુદાનજી સહજાનંદ સ્વામીના પારસમણી સ્પર્શથી બ્રહ્માનંદસ્વામી બન્યા અને એક તેજસ્વી તારકની જેમ આજે પણ તેમના કાવ્યો થકી જીવંત છે અને ઝળહળે છે.
કવિ દ્રષ્ટા અને સૃષ્ટા છે. આચાર્ય આનંદશંકર ધ્રુવ લખે છે તેમ કવિ એ સામાન્ય જનની જબાન છે. આવા કવિનો જશ ગાતા ભર્તુહરી મહારાજે તેમના સુપ્રસિધ્ધ શ્લોકમાં કવિની કીર્તિ વૃધ્ધત્વ પામતી નથી કે વિલાતી નથી તેમ કહેલું છે. કવિ તથા લોકસાહિત્યકાર પિંગળશીભાઇ લીલાએ આજ વાત તેમના સુંદર શબ્દોમાં મૂકી છે.
કવિ ઇશને આભમાંથી ઉતારે
કવિ સ્નેહીઓને હમેશા સંભારે
કવિનો કરું જોખ શા તોલ સામે
કવિ જન્મ લે છે ન તે મૃત્યુ પામે.
સમાજે દરેક સમયે કવિઓને ભાવથી વધાવ્યા છે. કવિ રમેશ પારેખના સન્માનમાં થયેલા અમરેલીના અનેકવિધ કાર્યક્રમો કે શબ્દો મરમી બાબુભાઇ રાણપુરાને વધાવવા સુરેન્દ્રનગરના લોકોએ દર્શાવેલો સ્વયંભૂ ઉત્સાહની વિગતો એ તાજેતરનોજ ભૂતકાળ છે. કવિઓના કવિ દલપતરામ અને એ સમયના એક રાજવી વચ્ચેનો સંવાદ આજે પણ આ સંદર્ભમાં કવિના સ્વાભિમાનની શાક્ષી પૂરે છે. કવીશ્વર દલપતરામ એક રાજાના દરબારમાં જાય છે તથા રાજા જાણે છે કે દલપતરામ જાણીતા કવિ છે. રાજા વ્યંગ કરતા કવીશ્વરને કહે છે :
એક શહેરનો રાય
કહે સુણો કવિરાય
ઘણાં તમ જેવા અહીં
કવિ ઘેર ઘેર છે
અહીં તો આ સમયમાં
કવિ ટકે શેર છે.
રાજવીએ આ અનુચિત વિધાનનો પ્રહાર કદાચ ખોટી જગાએ કર્યો હતો. આવો વ્યંગ સાખીલે તો ફાર્બસના સખા દલપતરામ શાના ? કવિ રાજવીને રોકડું પરખાવે છે :
કહે કવિ સુણો રાય
સર્વ કવિ ટકે શેર
એવું આ સભામાં હોય
એ તો કાળો કેર છે.
ખાજા ભાજી હતા
એક શહેરમાં ટકે શેર
આજે જાણ્યું એવું બીજું
આપનું આ શહેર છે !
કવીશ્વરે શિઘ્ર આ રાજવીને ‘પુરી એક અંધેરીને ગંડુરાજા’ યાદ કરાવી દીધું ! કવિ દલપતરામના ગુરુ દેવાનંદસ્વામી ભૂજની આ ભાતીગળ પાઠશાળાના સંસ્કાર બ્રહ્માનંદસ્વામી મારફત પામ્યા હતા. મહારાઓ લખપતજીએ સુચારુ ઢંગથી આ પાઠશાળાને રાજ્યની નાણાકીય સહાય નિરંતર મળતી રહે તેવો પ્રબંધ કર્યો હતો. આ બાબત દર્શાવે છે કે રાજવીની સાહિત્ય પરત્વેની નિષ્ઠા ઘણી ઊંડી તથા મજબૂત હશે. મહારાજાએ આ પાઠશાળાની સ્થાપના કર્યા પછી અનેક પ્રદેશોમાં તેની વિજ્ઞપ્તિ જાહેર કરી હતી. ભિન્ન ભિન્ન પ્રદેશના સાહિત્ય ઉપાસકો અહીં આવીને જ્ઞાનપ્રાપ્તિ કરે તેવી મહેચ્છા કચ્છના ઉત્તરોત્તર રાજવીઓને રહી હતી. આ બધા વિદ્યા ઉપાસકોના રહેવા-જમવા ઇત્યાદિનો તમામ ખર્ચ રાજ્ય ભોગવતું હતું. શિક્ષાર્થીના દીક્ષાંત સમયે રાજ્ય તરફથી તેમનું સન્માન થતું અને યોગ્યતા અનુસાર ઇનામો અપાતા હતા. તેમના સન્માન થતા હતા. અનેક સમર્થ સર્જકોને તૈયાર કરનાર આ પાઠશાળા આપણા અતિતનું એક ઉજળું પૃષ્ઠ છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment