લોકસાહિત્ય તથા લોકકળાના વિષયમાં તેમજ તેના વિકાસ અને સંવર્ધન બાબતમાં ઘણાં વર્ષોથી અનેક મહાનુભાવોએ વ્યાપક ખેડાણ કર્યું છે. લોકસાહિત્યના બળૂકા માધ્યમથી લોકોના રીતરિવાજ, પરંપરાઓ, ઉત્સવો તેમજ તેમની સમગ્ર અસ્મિતાના દર્શન થાય છે. કલકત્તામાં બેસીને આરામદાયક જીવન જીવતા મેઘાણીભાઇ આ સાહિત્યના તીવ્ર આકર્ષણને કારણે ૧૯૨૧ માં સૌરાષ્ટ્રમાં આવ્યા અને લોકસાહિત્યના સંશોધનની અભૂતપૂર્વ કામગીરી કરી. બંગાળના લોકગીતો તેમજ નાવિકોના ભાવગીતો એકઠા કરવાનું કાર્ય સચિનદેવ બર્મને પણ પૂરા ખંતથી વર્ષો સુધી કર્યું. બાઉલ ગીતોને ઉજાગર કરવામાં ક્ષિતિમોહન સેને પણ વણથાકી રઝળપાટ કરી. મેઘાણીભાઇ ઉપરાંત સર્વશ્રી રતુભાઇ અદાણી, ડોલરરાય માંકડ, જયમલ્લભાઇ પરમાર, ગોકળદાસ રાયચુરા તથા રતુભાઇ રોહડિયા જેવા આ ક્ષેત્રમાં પડેલા મોટા ગજાના માનવીઓએ પણ પોતાની તમામ સમય તથા શક્તિ લગાવીને લોકસાહિત્યના પ્રચાર અને દસ્તાવેજીકરણના કામમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું. સમર્થ કવિ અને વક્તા શ્રી દુલા કાગ, શ્રી મેરૂભા ગઢવી, શ્રી દુલેરાય કારાણી તથા શ્રી પિંગળશીભાઇ ગઢવી જેવા મર્મી લોકોએ દેશ અને દુનિયાના અનેક સ્થળોએ લોકસાહિત્યમાં રહેલા સત્વની વાતો કરી અને લોકોએ તેમની વાતોને ખૂબજ સ્નેહપૂર્વક વધાવી લીધી. શ્રી સુલેમાન જુમા અને શ્રી નાનજી મિસ્ત્રી જેવા કસબીઓએ તેમની કળાથી લોકસાહિત્યમાં આકર્ષક રંગો પૂર્યા. લોકો એ વાત સમજતા – સ્વીકારતા થયા કે આ સાહિત્ય એ આપણોજ અમૂલ્ય ખજાનો છે અને તેનું આકર્ષણ આજે પણ એટલુંજ અકબંધ છે. આપણાં નેક – ટેક અને ખમીરની વાતો આ સાહિત્યમાં સંઘરાયેલી છે. જે વર્ષો વીત્યા છતાં આજે પણ આપણને પ્રેરણા આપે છે.
લોકકળાના ક્ષેત્ર પર નજર કરીએ તો એક વાત સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે આ કળાઓ લોકોમાંથી ઉદ્દભવી અને બળવત્તર બની. પરંતુ તેનું યોગ્ય દસ્તાવેજીકરણ તેમજ વિવેચન, મૂલ્યાંકન જોઇએ તેટલા થઇ શક્યા નહિ. ઘણું બધું સાહિત્ય કંઠોપકંઠ કહેવાયું અને કાળના પ્રવાહમાં કેટલુંક સાહિત્ય લુપ્ત પણ થયું.
લોકગીતોની એક મોટી શક્તિ એ છે કે તેમાં પૂર્ણત: સમરસતાના ભાવ છે. આપણી સામાજિક સમરસતાનો તાણો-વાણો ગૂંથવામાં અને તેને સબળ બનાવવાના પુણ્યકાર્યમાં લોકગીતોનો સિંહફાળો છે. લોકગીતોમાં ભાવની ગૂંથણી તથા તેની લયબધ્ધ અભિવ્યક્તિ ઊડીને આંખે વળગે તેવા છે. ગાંધીજી તથા કવિ શ્રી મેઘાણીની મુલાકાત સમયે ગાંધીજીએ મેઘાણી પાસેથી લગ્નગીતો સાંભળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી તેમ નોંધાયેલું છે. સૌરાષ્ટ્રમાં ગવાતા એક જાણીતા લગ્નગીતમાં કેવા નાજુકભાવ સંઘરાઇને પડ્યા છે.
ઊંચા રે ઊંચા દાદા ગઢ રે ચણાવ્યા
ગઢ રે સરીખા ગોખ મેલીયા,
ગઢ રે ચડીને બાઇનો દાદોજી જૂએ
કન્યા ગોરાને રાઇવર શામળા !
પરંતુ દિકરીને તરતજ દાદાજીની લગ્ન કરવા માટે આવનાર મૂરતિયો વાને શામળો હોવાની આ ચિંતાનો ભાવ ધ્યાનમાં આવે છે. આથી ચતુરાઇથી ભરેલો જવાબ આપીને દાદાની ચિંતા દૂર કરવાનો દિકરી પ્રયાસ કરે છે.
એના ઓરતડા ન કરજો દાદા,
દ્વારકામાં રણછોડરાય શામળા !
મેઘાણીભાઇએ સરસ લખ્યું છે કે આ ગીતોમાં પ્રવાહિતા ભારોભાર પડેલી છે. નીચેની પંક્તિઓમાં પણ આજ બાબતનો ભાવ અન્ય રીતે ઉઘડે છે.
મેડીને મોલ બેઠાં મોંઘીબા બોલે,
કાં રે દાદાજી વર શામળો !
દાદાજી યુક્તિપૂર્વક વહાલી દિકરીને મનાવતા મૂરતિયો શામળો હોવાનું ‘ઇન્સ્ટંટ’ કારણ શોધી આપે છે.
છેટેથી આવ્યો રજે ભરાણો
રજનો ભરાણો રાયવર શામળો !
લગ્નગાળો શરૂ થવાનો સમય નજીકમાં છે. આજે જ્યારે સામૂહિક માધ્યમો મારફત કેટલીકવાર અર્થહિન તથા વિકૃતિપૂર્ણ ગીતોનો મારો ચલાવાતો હોય તેવું લાગે ત્યારે આપણાં આ પરંપરાગત લોકગીતો તથા લગ્નગીતો તરફ અચૂક ધ્યાન જાય છે. માત્ર એ જૂનું છે માટે સારું છે તેવી વાત નથી. પરંતુ તેમાં સંઘરાઇને પડેલા ભાવ તથા લોકજીવનના અભિન્ન તાણાંવાણાંની જેમ વણાયેલા પ્રસંગો – વાતોને કારણે સમાજજીવનની સ્વસ્થતા તેમજ પ્રસંગનો ઉલલાસ દર્શાવવા તેમજ તેને ટકાવી રાખવા માટે આપણાં આ લગ્નગીતોનું ખાસ મૂલ્ય છે. જે ઘરમાં શુભ લગ્નપ્રસંગ હોય ત્યાં કેટલીકવાર તો દિવસો પહેલા ભાવ તથા સામુહિક ઉમંગથી ગવાતા લગ્નગીતોની પ્રથા હવે ક્ષીણ થતી જાય છે. તેમ થવાના કારણો પણ હશે પરંતુ આ પ્રથા નબળી પડતાં લગ્નપ્રસંગ સમયે સહેજે મળતો સંગનો ગાતો ઉમંગ ઓસરતો ગયો છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment