કવિ શ્રી દૂલા ભાયા કાગ (ભગતબાપુ) લખે છે કે એક દિવસ ઓચિંતુજ તેમને શેઠ શ્રી કલ્યાણજીભાઇનું નોતરું (નિમંત્રણ) મળ્યું. પૂ. રવિશંકર મહારાજ રાજુલા તાલુકાના (જિ. અમરેલી) નાના એવા ગામ ડુંગર ખાતે આવે છે અને ભૂદાન માટે સભા કરવાના છે તેવો સંદેશો હતો. કલ્યાણજીશેઠનો આગ્રહ હતો કે કવિ શ્રી કાગે આ સભામાં હાજર રહેવું તથા મહારાજને મળવું. સ્નેહી મિત્રના નિમંત્રણને ઠુકરાવવાનું કવિને ગમતું ન હતું. પરંતુ સૌરાષ્ટ્ર સરકારે ઘરખેડ (ખેડે તેની જમીન) નો કાયદો કર્યો હતો તે બાબતમાં કવિશ્રીના કેટલાક અલગ વિચારો તથા અનુભવો હતા. તેથી આ સભામાં જતા તેમણે મૂંઝવણ અનુભવી. સ્નેહીજનના નિમંત્રણને કારણે કવિ ગયા તો ખરાજ. વિનોબાજીનો ભૂદાનનો ઉજળો સંદેશો લઇને રવિશંકર મહારાજ આવ્યા હતા. કવિ શ્રી કાગે પોતાના મિત્ર મેઘાણીભાઇ પાસેથી પણ મહારાજ વિશે ઘણી વાતો સાંભળી હતી. આથી મહારાજના દર્શનની ઇચ્છા પણ હતી. મહારાજની વાણી તથા વિનોબાજીના સંકલ્પની વાતો સાંભળતાજ કવિને આ બન્ને મહાનુભાવો તરફ એક અનેરું ખેંચાણ થયું. આ ખેંચાણ તથા મહારાજ સાથેના સંબંધોનું અનુસંધાન કવિને જીવનના છેલ્લા શ્વાસ સુધી રહ્યું. ભૂદાન પ્રવૃત્તિ એ સમયની અનિવાર્ય જરૂરિયાત છે તેની કવિને પૂર્ણ પ્રતિતિ થઇ. મહારાજની મોરલીએ કાગને ભિતરથી ડોલાવ્યા.
રવિશંકરકી મુરલીકો
રુચિર સુન્યો જબ રાગ
હુલસ્યો હિય ભૂદાનમેં
રીઝયો કાગ સુનાગ.
કવિએ પોતાની જમીનમાંથી અમૂક ભાગ ભૂદાનમાં પોતાના ગામના ભૂમિ વિહોણાને આપ્યો અને વિનોબાજી તથા રવિશંકર મહારાજના વિચારોના વાહક બનીને આજીવન રહ્યા. કવિ આ પરિવર્તનને મહારાજના સતસંગનો પ્રતાપ ગણાવે છે.
કોટી કર્મકે પુણ્ય જબ
ઉદય હોત ઇક સંગ
(તબ) છૂટે મનકી મલિનતા,
અરુ ભાવે સતસંગ.
વિનોબાજીની વાણીથી કવિને ભીંજાતા વાર ન લાગી. કારણકે કવિ ગાંધી વિચારના રંગે પૂરેપૂરા રંગાયેલા હતા. કવિ શ્રી કાગ –ભગતબાપુ-વર્તનથી કે પ્રકૃતિથી કયારે પણ રાજ દરબારી કવિ ન હતા. દેશના લોકોની નાડ અને સમયને પારખનારા ક્રાંતદ્રષ્ટા કવિ હતા. આથી ગાંધીનો પ્રભાવ જયારે લોકોમાં વ્યાપક રીતે ઝીલાયો ત્યારે કવિએ આ શાંત છતાં પ્રભાવી પરિવર્તનની નોંધ પોતાના કાવ્યોના માધ્યમથી લીધી. સૌરાષ્ટ્રની મીઠી તળપદી ભાષા તેમજ લોકોની બોલચાલની ભાષામાં પ્રચલિત શબ્દ પ્રયોગોનો કુશળતાપૂર્વક ઉપયોગ કરીને તેમણે કાવ્યધારા વહાવી. વિષયની દ્રષ્ટિએ કદાચ પરાપૂર્વથી ચાલી આવતી ચારણ કવિઓની રચનામાં આ નવું પ્રસ્થાન છે. લોકવાણીનો મર્મ પારખનાર – પચાવનાર આ કવિ ગાંધી ગીતોમાં સોળે કલાએ ખીલ્યાં છે. આ રચનાઓમાં કેટલાંક સ્થળોએ કદાચ શબ્દો તથા છંદોનું બંધારણ પૂર્ણતઃ ન સચવાયું હોય તો પણ લોકોએ આ કવિને તથા તેમના કાવ્ય સર્જનને અંતરના અપૂર્વ ઉમળકાથી વધાવ્યું છે. ગાંધી વિચારને કેન્દ્રમાં રાખીને ભગતબાપુએ જે કાવ્યોની રચના કરી છે તે ખૂબ લોકભોગ્ય બન્યા છે. ગાંધીજી માટે આ કાવ્યોમાં પ્રયોજવામાં આવેલી વિવિધ ઉપમાઓ ગાંધીકાર્યને વિશેષ રીતે પ્રગટ કરવામાં સફળ રહી છે.
કોંગ્રેસ મહાસભાની બેઠક ૧૯૩૮માં ગુજરાત રાજ્યના હરિપુરામાં મળી ત્યારે ભગતબાપુ તેમાં ખાસ નિમંત્રણથી ઉપસ્થિત રહ્યા હતા. મહાસભાના બન્ને દિવસના કાર્યક્રમની શરુઆતમાં પ્રાર્થના થતી તે સમયે તેઓ સભાને તેમના વાણી પ્રવાહથી રસ તરબોળ કરતા હતા. આ સમયે તેઓએ સૌ પ્રથમ તેમની પ્રસિધ્ધ રચના ‘મોભીડો’ રજૂ કરી હતી જેને હાજર રહેલા સૌએ આવકારી હતી, વધાવી લીધી હતી.
સો સો વાતુંનો જાણનારો
મોભીડો મારો ઝાઝી વાતુંનો ઝીલનારો
ડગલે ડગલે હાલ્યા કરે છે,
ઊંચાણમા ન ઊભનારો
ઢાળ ભાળીને સૌ દોડવા માંડે
(ઇ તો) ઢાળમાં નવ દોડનારો…
ઝીણી ઝૂંપડીએ ઝીણી આંખડીએ,
ઝીણી નજરથી જોનારો
પોતે ચણેલામાં પોલ ભાળે તો,
પાયામાંથી જ પાડનારો…
ગાંધીજીના વ્યક્તિત્વને ઉપરની પંક્તિઓમાં આબેહૂબ રીતે વણી લેવામાં આવ્યું છે. ગાંધીજીના ગીતોને ભગતબાપુએ પોતાના જીવન વિષય તરીકે ગણાવેલાં. મેઘાણીભાઇએ જેમ ગાંધી જીવનનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરીને પોતાની અમર રચના ‘છેલ્લો કટોરો’ લખી છે તેમ કવિ શ્રી કાગે પણ ગાંધીજીની વાણી અને વર્તનનું નિરીક્ષણ કરી ગાંધી કાવ્યોની શબ્દ ગુંથણી કરી છે. આપણાં યુગના ગાંધીજી એવા મહામાનવ કે જેઓ દરેક ક્ષણે પોતાના જ કાર્યોનું કડક મૂલ્યાંકન કરે અને તે નિરીક્ષણમાં સહેજ પણ નબળાઇ જણાય તો પોતે આપેલા વિચારને પણ ક્ષણ માત્રના વિલંબ સિવાય ત્યાગે અને નૂતન દ્રષ્ટિકોણનો સ્વીકાર કરે. આ બાબત અને તેને અનુરૂપ વર્તન ગાંધી જીવનમાં જોઇ શકાય છે. પોતાના કોઇ સર્જન પરત્વેના મમત્વને કારણે નૂતન દ્રષ્ટિકોણની તેમણે ક્યારેય ઉપેક્ષા ન કરી તે ગાંધીજીના જીવનનું એક અસાધારણ પાસુ છે. પોતાના સર્જનમાં સહેજ પણ નબળાઇ દેખાય – પોલુ જણાય તે પાયામાંથી જ પાડવાના ગાંધીગુણની વાત કવિએ તળપદા શબ્દોમાં સરળ રીતે રજૂ કરી છે. પ્રવાહની સાથે વહેવાનું અથવા ઢાળ ભાળીને દોડવાનું વલણ પણ મહાત્માજીના જીવનમાં જોવા મળ્યું નથી. તેનો અર્થસૂચક સંકેત લોકકવિએ કૂશળતાપુર્વક કર્યો છે. દેશમાં બનતી નાનામાં નાની, ઝીણામાં ઝીણી ઘટનાને ધ્યાનમાં લઇને નિર્ણયો કરનાર આ યુગપુરુષ ધરતીની વાસ્તવિકતાઓ સાથે જોડાયા છે તેનું ગાન કવિએ કર્યું છે. ‘ સો સો વાતુંનો જાણનારો’ સાંભળ્યા પછી મેઘાણીભાઇએ લખ્યું કે ગાંધી જીવન અને કર્મની આવી બારીક રેખાઓ કોઇ સર્જક લોકવાણીમાં પકડી શક્યા નથી. કવિ કાગની આ ખૂબી અનેરી છે.
ભગતબાપુ સાથેની વાતચીતમાં પુણ્યશ્ર્લોક સર પ્રભાશંકર પટણી કહે છે કે ગાંધી એક એવું અભૂતપૂર્વ વ્યક્તિત્વ અને વિચાર છે કે તેની નોબતનો અવાજ આજે આખી દુનિયામાં સંભળાય છે. ગાંધીનો આ વિચાર અને વિચારને અનુરૂપ દ્રઢતાપૂર્વકનું આચરણ દેશની સ્થિતિમાં ધરમૂળથી ફેરફાર લાવશે તેવું સ્પષ્ટ જણાતુ હતું. પટ્ટણી સાહેબનું આ અવલોકન તથા ગાંધી વિચારની નિર્ભયતાની ખૂબીને કેન્દ્રમાં રાખીને ભગતબાપુએ સુંદર રચના લખી :
માતાજીની નોબતું વાગે છે,
આજ સૂતા સૌ માનવી જાગે છે,
લીલુડાં માથડાં માગે છે.
એક જોઘો એવો જાગીઓ રે,
એણે સૂતો જગાડ્યો કાળ
એ…પગ પાતાળે ને શીશ આકાશે
હાથ પહોંચ્યા દિગપાળ….
માતાજીની નોંબતું વાગે…
સૂતાં સૌ માનવી જાગે.
ગાંધી વાણીના પ્રભાવ હેઠળ સમાજના તમામ વર્ગો ભીરુતાની તેમજ સ્વાર્થની લાગણીઓ કોરાણે મુકીને જાગૃત થયાં, સક્રિય થયાં. આઝાદી માટે જે બલિદાન આપવું પડે તે હસતા મુખે આપવાની તૈયારી બતાવી. ‘સૂતો જગાડયો કાળ’ એવા સૂચક તથા બળુકા શબ્દોની ગુંથણી કરીને ભગતબાપુએ સાંપ્રત સમયની જાગૃતિને આપણી સમક્ષ આબેહુબ રજૂ કરી છે. ગાંધીના વિચારની પહોંચ પણ સચરાચરમાં ફેલાયેલી છે તેવી વાત કવિએ ખૂબ કુશળતાથી પોતાની રચનામાં વણી છે.
ઘાવ ઝીલે ઘમસાણનાં રે,
એની આંખમાં નાવ્યા ઝેર,
દુનિયા આખી ડોલવા લાગી,
વાણીયો ખેડે વેર,
માતાજીની નોબતું વાગે,
સૂતાં સૌ માનવી જાગે.
દેશને આઝાદ કરવાના આ ભિષણ સંગ્રામના મોવડીની આંખમાં વિદેશી શાસકો માટેનું ઝેર ન હતું તે આ સંગ્રામની એક અનોખી બાબત હતી. યુધ્ધના કાળમાં તો દરેક બાબત ક્ષમ્ય ગણાય અને દરેક સાધન યોગ્ય ગણાય તેવી યુગોપર્યન્તની માન્યતાને સંપૂર્ણ તિલાંજલી આપીને દેશના પનોતા પુત્રે માંડેલી અહિંસક તથા નીતિમત્તાયુકત લડાઇને કવિશ્રીએ બિરદાવી છે. માત્ર હિન્દુસ્તાન જ નહિ પરંતુ સમગ્ર વિશ્વ આ અસાધારણ ઘટનાથી પ્રભાવિત થતું કવિને જણાય છે.
વિશ્વની અનેક ક્રાંતિના સમયે જન સમાજની સામુહિક જાગૃતિના પ્રસંગે અનેક કવિઓએ તેમના સાહિત્યના માધ્યમથી આ સમગ્ર પ્રક્રિયાને વેગ આપ્યો છે, દિશાસૂચન કર્યું છે. કવિઓ ક્રાંતદ્રષ્ટા હોય છે. તેથી ભાવિના ગર્ભની આરપાર દ્રષ્ટિ કરીને તેઓ આગમના એંધાણ પારખી શકે છે. ભગતબાપુની કવિતા ગાંધીના રંગે રંગાયેલી હતી અને હિન્દને સ્વરાજય મળશે તેવી ભારોભાર શ્રધ્ધા તેમાં છલકાતી હતી. ગાંધીયુગના આ લોકકવિની લોકબોલીમાં ઝિલાયેલી કાવ્યધારા આજે પણ એટલીજ તરોતાજા લાગે છે. આપણી આઝાદીની લડતના અનેક નામી-અનામી વાહકોમાં ભગતબાપુનું નામ અગ્રસ્થાને છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment