ગાંધીજીની કેળવણી અંગેની નઇ તાલીમની કલ્પનાને ભૂમિગત કરનાર નાનાભાઇ ભટ્ટના પરદાદાનું નામ ત્રિકમબાપા હતું. ત્રિકમબાપાની એક નોંધાયેલી ઘટના ફરી ફરી વાંચવી-સાંભળવી ગમે તેવી છે. ત્રિકમબાપા પોતાના સમયમાં એક વૈદ તરીકે સુવિખ્યાત હતા. ભાવનગર રાજયના રાજવૈદ તો ખરા જ પરંતુ વર્તન અને વ્યવહારથી લોકવૈદ હતા. દવા માટે રાતી પાઇ પણ લેવાની વાત તેમના જીવનમાં ન હતી. દર્દીઓ પોતાની સ્થિતિ અનુસાર રાજીખુશીથી તેમનું સન્માન કરતા. તેમાંથી જ કરકસરપૂર્વક પોતાનો જીવન વ્યવહાર ચલાવતા હતા. એક પ્રસંગે ત્રિકમબાપાને ભાવનગરના કેટલાક શ્રાવક ભાઇઓ એક બીમાર મુનિની સારવાર કરવા માટે બહારગામ લઇ ગયા, વૈદરાજ ગયા. સાધુ તેમની સારવારથી સ્વસ્થ થયા. સાધુ મહારાજના ભકત સમુદાયે વૈદરાજની સ્પષ્ટ ના હોવા છતાં સારવાર કરી તે માટે ત્રિકમબાપાના હાથમાં સન્માનપૂર્વક સોનાના બે કડા પહેરાવ્યા. ત્રિકમબાપા ભાવનગર પાછા ફરીને પોતાના ઘેર જવાના બદલે સીધા મહાદેવના મંદિરે ગયા. મહાદેવના ચરણોમાં સોનાના આ બંન્ને કડા મૂકીને જાણે ભારમુકત થયા હોય તેવી શાંતિ અનુભવીને પોતાના ઘેર ગયા. નાનાભાઇ આ પરિવારનો સંસ્કાર વારસો ધારણ કરતા હતા. અપરીગ્રહ જેમના લોહીમાં વણાયેલો હોય તે જ વ્યકિતમાં આવી નિર્મળ અનાસકિત પ્રગટી શકે. આજ કુંટુંબની પરંપરાના નાનાભાઇ ભટ્ટ અધ્યાપકની પદ પ્રતિષ્ઠાવાળી નોકરી છોડી શકે. પોતાના જ લોહી-પસીનાથી ઊભી કરેલી સંસ્થા દક્ષિણામૂર્તિ પણ કોઇ અપેક્ષા કે કડવાશ સિવાય છોડી શકે. નાનાભાઇના આ બંન્ને નિર્ણયો તથાગત બુધ્ધના મહાભિનિષ્ક્રમણ જેવા છે. નાનાભાઇ જેવા કેળવણીવિદૃની સ્મૃતિ આજના સંદર્ભમાં વિશેષ થાય તે સ્વાભાવિક છે. ઉછળતા સાગરમાં દૃઢતા અને સમતાથી પોતાનું નાવડું ફંગોળનારા નાનાભાઇ એક વિરાટ શકિતનું સ્વરૂપ હતા.
ગર્વથી ચકચૂર સાગરની
ખબર લઇ નાખવા
નાવડુ વમળો મહી
ફંગોળનારા કયાં ગયાં ?
કવિ ‘વિશ્વરથ’ના આ શબ્દો નાનાભાઇના જીવનને અનુરૂપ છે. કિનારે બેસી રહીને સલામતી અનુભવવાની વાત આ કાળા ભટ્ટના પુત્રે કદી સ્વીકારી નથી. ન્યાયમૂર્તિ ચન્દ્રશેખર ધર્માધિકારીજીએ થોડા સમય પહેલાં ચિંતા વ્યકત કરતા વાત કરી હતી કે શિક્ષણ એ સ્મસ્યાઓના ઉકેલ માટેનું મહત્વનું સાધન છે. ધર્માધિકારીજી કહે છે કે સમાજની સમસ્યાઓના ઉકેલ માટેનું આ સાધન પોતે જ એક સમસ્યા થઇને આપણી સામે ઊભું છે. શિક્ષણમાં ગુણવત્તા લાવવાનો પ્રશ્ન, શિક્ષણને affordable બનાવવાનો પ્રશ્ન, પદવીને કેળવણી સાથે જોડવા જેવા અનેક પ્રશ્નોનો સામનો આજે સમાજ તથા શાસન કરે છે. આવા સમયે નાનાભાઇ ભટ્ટે કરેલા પ્રયોગો તરફ એક નિરાંતવી નજર કરવી તે સાર્વત્રિક હિતમાં છે. નાનાભાઇએ ઊભી કરેલી સંસ્થાઓના માધ્યમથી તેમણે ગુજરાતના શિક્ષણનું સંસ્કાર ઘડતર કર્યું છે. સ્વામી આનંદે નાનાભાઇને વ્યાસ-વાલ્મીકીના વારસ કહેલા છે. આ ઋષિ પુરુષે શિક્ષણને જીવન સાથે જોડીને તેમાં પ્રાણ સંચાર કરેલો છે. ‘‘કેળવે તે કેળવણી’’ નો વ્યાપ વધે તો જ એક શકિતશાળી અને આત્મવિશ્વાસથી પાંગરેલી પેઢીનું નિર્માણ થઇ શકે. આવી કેળવણી થકી જ જવાબદાર નાગરિકનું નિર્માણ થઇ શકે. શિક્ષણ થકી કૌશલ્ય પ્રાપ્ત ન થાય તો દેશના સાધનોનો નિરર્થક વ્યય થવા ઉપરાંત શિક્ષણ પ્રાપ્ત કરેલા યુવાનોને કામે લગાડવાની વિકટ સમસ્યા સમાજ અનુભવે છે. વર્તમાન સમયમાં પણ શિક્ષણની નીતિ ઘડવામાં નાનાભાઇના વિચારો માર્ગદર્શક બને તેવા છે. મહર્ષિ દયાનંદ તથા શ્રી અરવિંદે જે રાષ્ટ્રીય કેળવણીની તરફેણ કરી હતી. તેનો વાસ્તવિક અમલ નાનાભાઇના ઠોસ પ્રયાસોમાં થયેલો જોવા મળે છે. શિક્ષણ બજારું ચીજ ન બની રહે તેની ચિંતા નાનાભાઇને આજીવન રહી હતી. એક સદી પહેલાં ડિસેમ્બર-૧૯૧૦માં ભાવનગરમાં શરૂ કરવામાં આવેલ ‘‘દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન’’ નો ઉદેૃશ શિક્ષણને એક નૂતન દિશા તથા ગતિ આપવાનો મજબૂત પ્રયાસ હતો. શ્રી નથુરામ શર્માના આશીર્વાદ નાનાભાઇને આ કાર્ય કરવા માટે મળ્યા હતા.
નાનાભાઇને એ વાતની પ્રતીતિ હતી કે જીવન ઉપયોગી કેળવણીની માત્ર ચર્ચાઓ કરવાથી કોઇ હેતુ સરતો નથી. આ દિશામાં કોઇક નકકર કામ કરીને જ દિશા દર્શન કરાવી શકાય. આથી જ આ કેળવણીના ઋષિએ અનેક લોકોનું ભિન્ન મંતવ્ય હોવા છતાં અધ્યાપકની ચમકદમકવાળી જગા છોડીને દક્ષિણામૂર્તિ દેવના આશરે કેળવણીનું અનુષ્ઠાન આદર્યું હતું. નાનાભાઇ માર્ગના મહોતાજ ન હતા. તેઓ તો નૂતન માર્ગનું સ્વબળે નિર્માણ કરનારા હતા. ઉછળતા સમુદ્રના મોજાને માર્ગની ચિંતા કયાં હોય છે ? મકરન્દભાઇએ લખ્યું છે.
આ મોજ ચાલી જે દરિયાની
તે મારગની મોહતાજ નથી
એ કેમ ઉછળશે કાંઠા પર
એનો કોઇ અંદાજ નથી.
દક્ષિણામૂર્તિના નિર્માણમાં એક એક ઇંટ નાનાભાઇના લોહી-પસીનાથી ભીંજાયેલી હતી. નાનાભાઇનું જે સ્વપ્ન હતું તેને વાસ્તવિક સ્વરૂપ આ સંસ્થા થકી મળ્યું હતું. એ બાબત આશ્ચર્ય તથા અહોભાવ ઉપજાવે તેવી છે કે નાનાભાઇ આ સંસ્થા પણ સાપ કાંચળી ઉતારે તેમ છોડે છે. શહેરના જીવનની સુવિધાઓ કે સંસ્થાના કારણે તેમને મળતા માન સન્માનની સહેજ પણ પરવા કર્યા સિવાય તેઓ અજાણ્યા તથા અપરિચિત ગામડામાં જઇને ગ્રામશાળાની ધૂણી ધખાવવાનો દૃઢ સંકલ્પ કરે છે. શ્રધ્ધા, સમતા તથા નિર્ણયમાં દૃઢતા એ નાનાભાઇના જીવનમાં તાણાંવાણાંની જેમ ગૂંથાયેલા હતા. નાનાભાઇની શકિત નીડરતામાં તેમજ અનાસકિતમાં છે તેવું શ્રી નારાયણ દેસાઇનું વિધાન યથાર્થ છે. જૂલાઇ-૧૯૩૮માં આંબલા ગામમાં ‘‘દક્ષિણામૂર્તિ ગ્રામશાળા’’ નો દિપક પ્રજવળી ઊઠયો. ગામડાની શાળાના ‘‘મહેતાજી’’ નાનાભાઇએ ગ્રામ્ય વિસ્તારમાં ગુણવત્તાયુકત કેળવણીનો શંખ ફૂંકયો. કેટલાક સાથીઓ આ કપરા કામમાં ન જોડાયા એ ખરું પરંતુ બીજી બાજુ દર્શક જેવા મહામાનવ નાનાભાઇના આ યજ્ઞકાર્યમાં આહૂતિ આપવા સ્વેચ્છાએ આવી પહોંચ્યા. ‘‘ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલાની કથા એટલે ગ્રામાભિમુખ-લોકાભિમુખ રાષ્ટ્રીય કેળવણીની ખોજ અને યાત્રા’’ એવું અનિલભાઇ ભટ્ટનું અવલોકન આ કામની ઓછા શબ્દોમાં પણ અસરકારક ઓળખ આપે છે. કેળવણીની ક્રાંતિયાત્રામાં નાનાભાઇનો દક્ષિણામૂર્તિ ભાવનગર પછી આ બીજો મહત્વનો પડાવ હતો. માનવીમાં ઘરબાયેલા સત્યને ખીલવવાનો પ્રયાસએ આ ઐતિહાસિક પડાવની પશ્ચાદભૂમાં જોઇ શકાય છે. ‘‘એકલો જાને રે’’ ના કેન્દ્રીય વિચારને નાનાભાઇએ જીવી બતાવ્યો છે. આંબલાથી ભણીને તૈયાર થયેલા વિદ્યાર્થીઓ નિષ્ઠાવાન તેમજ ગ્રામલક્ષી રહયા છે. તેમાં જ નાનાભાઇના તપની સફળતા રહેલી છે. આંબલામાં તૈયાર થયેલી અનેક ચીનગારીઓએ જીવનના વિવિધ ક્ષેત્રોમાં જાગૃતિનો પ્રકાશ ફેલાવવા યથાશકિત પ્રયાસ કર્યો છે. નાનાભાઇએ જીવનના મહત્વના વળાંકો ઉપર જે વ્યકિતગત રીતે કપરા તથા પ્રતિકૂળ પરંતુ સામૂહિક દૃષ્ટિએ કલ્યાણમય નિર્ણયો દૃઢતા અને સાહસથી કર્યા છે તે આજે પણ પ્રેરણા પૂરી પાડે તેવા છે. આપણાં ઘડવૈયા આપણે જ થઇએ ત્યારે જ આ શકય બને છે.પારકી આશ નિરાશ કરનારી છે તેથી આ ઘડતર તો કવિ રાજેન્દ્ર શાહ કહે છે તેમ સ્વયં કરવું જ અનિવાર્ય છે.
આપણાં ઘડવૈયા બાંધવ આપણે!
આપણે આવળ બાવળ બોરડી,
કેસર ઘોળ્યા ગલના ગોટાજી,
હલકાતો પારેવાની પાંખથી
પણ મહાદેવથી યે મોટા જી
નજરું ખૂંપી છે જેની ભોંયમાં
સામે પૂર એ શું ધાયજી ?
અધીરા ઘટડાનો ધોડો થનગને
અણદીઠ ઓરું એને પાયજી
બેઠેલાનું બેઠું રહે વિમાસણે
વેળા જુએ નહિ વાટજી
ઝાઝેરો ઝૂકયો છે આંબો સાખથી
વેડે તેને આવે હાથ જી…………
આપણા ઘડવૈયા બાંધવ આપણે.
૧૯૬૧ના ડિસેમ્બર માસમાં નાનાભાઇએ મહાપ્રયાણ કર્યું. ગ્રામ દક્ષિણામૂર્તિની પાવક જવાળાની ખ્યાતિ સમગ્ર દેશમાં થઇ. વિનોબાજી તથા કાકા સાહેબ જેવી હસ્તીઓએ સંસ્થાની મુલાકાત લઇ નાનાભાઇને બીરદાવ્યા. સાંપ્રતકાળમાં જયારે શિક્ષણને જીવન સાથે જોડવાની જરૂર વ્યાપક રીતે અનુભવાય છે ત્યારે નાનાભાઇના પ્રયાસો તરફ એક અભ્યાસુની દૃષ્ટિએ જોવાની જરૂર છે.
Leave a comment