કેદારનાથજી વિષે વાત કરતા નારાયણ દેસાઇ એક ઉદાહરણ આપી નાથજીનું ઝાઝરમાન વ્યકિતત્વ પ્રગટ કરે છે. નારાયણભાઇ કહે છેઃ ‘‘વિજ્ઞાનના ક્ષેત્રે જેવું આઇન્સ્ટાઇનનું તેવું જ આધ્યાત્મિક ક્ષેત્રે કેદારનાથજીનું સ્થાન છે.’’ ગઇ સદીના વિચારકોમાં નાથજીનું સ્થાન અનોખું છે. સંતોની સાદગી તેમજ આધ્યાત્મિકતા નાથજીમાં સહજ રીતે પ્રગટ થતાં હતાં. આપણી ઉજળી સંત પરંપરાના નાથજી એક પ્રભાવી પ્રતિનિધિ હતા. કિશોરલાલ મશરૂવાળા જેવા દિગ્ગજ વિચારકના તેઓ પથદર્શક હતા. ગાંધીજી અનેક બાબતોમાં નાથજીના વિચારો તેમની સાથે ચર્ચા વિચારણા કરીને જાણતા તથા નિર્ણય કરવાની ક્ષણે તેને ધ્યાનમાં લેતા હતાં. સ્વામી આનંદ તથા કાકા સાહેબને નાથજીનું સાંનિધ્ય ખૂબ પસંદ હતું. કરૂણાસભર કેદારનાથજી કોઇનું પણ દુઃખ જોઇને દ્રવી જનાર હતા. કર્તવ્યપાલન એ તેમના જીવનની પ્રાથમિકતા હતી. દેશની સ્વતંત્રતા માટે તેમજ મજબૂત સમાજ જીવન માટે ચારિત્રય ઘડતરને તેઓ અનિવાર્ય માનતા હતા. સ્વેચ્છાએ અવિવાહિત રહીને તેમણે દેશકાર્યમાં અને ગાંધીજીને પૂરક થવામાં શ્રેયનું દર્શન કર્યું હતું. યુવાનોના જીવનમાં અભ્યાસ તથા વ્યાયામ એ બંન્નેની અનિવાર્યતા પર તેમનો હંમેશા આગ્રહ રહેતો હતો. આ બાબતના તેમના વિચારો સ્વામી વિવેકાનંદને મળતા આવે છે. આધ્યાત્મિક ક્ષેત્રે સ્વબળે પગલાં ભરનાર આ મહામાનવને માંદા માણસોની ચાકરી કે શુશ્રુષા કરવી તે હંમેશા આધ્યાત્મિક સાધના જ લાગી છે. નાથજી જીવનનું નવનીત જુગતરામ દવે લખે છે તેમ મથી મથીને પામ્યા હતા.
અનુભવ જીવનનું નવનીત
અમસ્તુ નહિ મળશે નહિ મળશે
જે મથશે તેને મળશે અમસ્તુ નહિ મળશે.
આપણી શિક્ષણ આપવાની પધ્ધતિ તથા વિદ્યાર્થીઓ તરફના વ્યવહારમાં ગીજુભાઇ બધેકાના વિચારો ખૂબજ ઉપયોગી તથા સમયસરના હતા તે ચોક્કસ છે. આ બાબતને પૂરવાર કરવા માટે અનેક પ્રસંગો જોવા મળે છે. ગાંધીજીના એક તેજસ્વી તથા પ્રજ્ઞાવાન સાથી કેદારનાથજીએ લખેલી વાત આ બાબતનું એક વિશેષ ઉદાહરણ પૂરું પાડે છે. મહારાષ્ટ્રમાં નગરપાલિકાની શાળામાં ભણતા કેદારનાથજીએ સ્વાનુભવ ટાંકેલો છે. નાથજી લખે છે કે શિક્ષકે વર્ગના કોઇ એક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો. શિક્ષકની માન્યતા હતી કે પ્રશ્ન સરળ છે તેથી વિદ્યાર્થીને તેનો ઉત્તર આવડવો જોઇએ. જેને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તે વિદ્યાર્થી ઉત્તર આપી શક્યો નહિ. શિક્ષકે કેદારનાથજીને આજ પ્રશ્ન પૂછ્યો અને નાથજીએ તેનો ઉત્તર સત્વરે આપ્યો. જવાબથી શિક્ષકને સંતોષ થયો. પરંતુ જે વિદ્યાર્થી આવા સરળ પ્રશ્નનો ઉત્તર ન આપી શક્યો તેની તરફ શિક્ષકને ખૂબ ગુસ્સો થયો. શિક્ષકે કેદારનાથજીને કહ્યું કે તેઓએ જેને જવાબ નહોતો આવડ્યો તે વિદ્યાર્થીને એક થપ્પડ મારવી. કેદારનાથજીએ નમ્ર પરંતુ નક્કર શબ્દોમાં તેમ કરવાની ના કહી. શિક્ષક ફરી કાળઝાળ થયા. તેમણે નાથજીને ધમકી આપી કે તેઓ આ રીતે પેલા વિદ્યાર્થીને થપ્પડ નહિ મારે તો શિક્ષક તેમને થપ્પડ મારશે ! નાથજી શિક્ષકની આ ચેતવણીથી ગભરાયા નહિ અને શિક્ષકે પણ અંતે કેદારનાથજીની મક્કમતા જોઇને તેમની વાત પડતી મૂકી. કેદારનાથજીના બાળમાનસ પર આ ઘટનાની ઊંડી છાપ પડી હતી. કેદારનાથજીએ તેમના વિચારો સરળ તથા સહજ ભાવે રજૂ કર્યા છે. કોઇનું પણ હૈયું દૂભાય તે આ સંતને સહેજ પણ રુચતું નથી. જો કે વ્યવહારમાં તો કેળવણીમાં શારીરિક શિક્ષાની પ્રથા લાંબા સમય સુધી જળવાઇ રહી હશે તેમ લાગે છે. ગુજરાતમાં ગીજુભાઇ તેમજ નાનાભાઇ ભટ્ટના સતત પ્રયાસો બાદ તેમાં ક્રમશ: સુધારો થતો ગયો છે. મેડમ મોન્ટેસરીની શિક્ષણ આપવાની દ્રષ્ટિ તથા તે સંબંધેના વિચારોને ગીજુભાઇ બધેકાએ ભૂમિગત કર્યા હતા. આજે જોકે શારીરિક શિક્ષાના બનાવો જૂજ અપવાદ સિવાય સામાન્ય રીતે જોવા મળતા નથી. પરંતુ તેનાથી વિદ્યાર્થીનો બોજ ઓછો થયો હોય તેમ પણ લાગતું નથી. વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ શિક્ષણમાં અન્ય પ્રકારનું દબાણ અનુભવતા થયા છે. વાલીઓની મહત્વાકાંક્ષા તથા ગતાનુગતિક્તાના વલણથી પણ કેટલાક નવા પ્રશ્નો ઊભા થયા છે. શિક્ષણ ખર્ચાળ હોવાની બાબત પણ આજકાલ અકળાવનારી સ્થિતિનું નિર્માણ કરે છે. કેદારનાથજીએ તે કાળની આ શારીરિક શિક્ષાની અનિચ્છનીય પ્રથા તરફ ધ્યાન દોર્યા પછી કેળવણીના સ્વરૂપ બાબતમાં પણ મૌલિક વિચારોથી માર્ગદર્શન આપેલું છે.
મહારાષ્ટ્રના કોલાબા જિલ્લાના એક નાના ગામમાં કેદારનાથજીનો જન્મ ૧૮૮૩ ના ડિસેમ્બર મહીનાની ૨૫મી તારીખે થયો હતો. સમગ્ર વિશ્વમાં આ દિવસ ભગવાન ઇશુના આગમનના દિવસ તરીકે ઉજવાય છે. ઇશુજયંતિના પવિત્ર દિવસે મહાન ચિંતક તથા સક્રિય સેવક કેદારનાથજીની સ્મૃતિ થાય છે. જાણીતા ચિંતક કિશોરલાલ મશરૂવાળા કેદારનાથજીને પોતાના ગુરુ ગણતા હતા. કેદારનાથજી ગાંધીયુગની આકાશગંગાના એક તેજસ્વી તારલા હતા. તેઓ નાથજીના નામથી ઓળખાતા હતા. કદાચ તેમને પ્રસિધ્ધિ ઓછી મળી હશે પરંતુ ગાંધી વિચારધારાથી જ્ઞાત હોય તે તમામ લોકો નાથજીને એક અનોખા આદર તથા સન્માનની લાગણીથી જૂએ છે.
કેદારનાથજીએ જે બાબતોનો વિચાર કર્યો છે તે તેમના દીર્ઘ અનુભવ તથા અનુભૂતિમાંથી ઘડાયા છે. આવા વિચારોનું એક અદકેરું મૂલ્ય છે. નાથજીનું દર્શન વિવેકયુક્ત તથા સદાકાળ સાંપ્રત ગણાય તેવું છે. કિશોરલાલ મશરૂવાળાના ભત્રીજા નીલકંઠ મશરૂવાળાએ નાથજીના સંપર્કના પરિણામે તેમના કેટલાક વિચારો નોંધ્યા છે. નાથજીનું વિવિધ વિષયો તરફનું સમ્યક્ દ્રષ્ટિબિંદુ આજે પણ આદર તેમજ અહોભાવ ઉપજાવે તેવું છે. નાથજી કહે છે કે યુરોપના લોકો આપણાં પ્રમાણમાં વિશેષ ઉદ્યોગી છે. નૂતન શોધ તથા વિચારના પુરસ્કર્તા છે. નાથજી કહે છે આપણે કેટલીક વખત આ બાબતોને ‘આસુરી’ કહીને તેની નિંદા કરીએ છીએ. પરંતુ આપણી અકર્મણ્યતા કે નિવૃત્તિ એ પણ ‘આસુરી’ જ છે. આપણે કોઇપણ બાબત વિચારપૂર્વક કરીએ તેમજ નિત્ય જ્ઞાનવર્ધન કરીએ તે તરફ નાથજીએ ભારપૂર્વક ધ્યાન દોરેલું છે. ‘‘ આપણી ઓછી આવશ્યકતા એજ સાત્વિક ત્યાગ છે ’’ એવી નાથજીની વાત આજના સંદર્ભમાં ફરી ધ્યાન પર લેવા જેવી તથા અપનાવવા જેવી છે. સમાજમાં પડેલા પ્રમાદની બાબત નાથજીની ચિંતાનો વિષય છે.
કર્તવ્યપાલનની બાબતમાં જ આગળ વધતાં નાથજી કહે છે કે કાલ્પનિક દેવો તેમજ જુદા જુદા દિવ્યસ્થાનો વિશે ધારણાઓ બાંધીને લોકો પોતાના સ્વાભાવિક કર્તવ્યો અંગે બેદરકાર રહે તો સ્વસ્થ સમાજનું નિર્માણ થવું તે અધરી બાબત છે. નાથજીના વિચારો જોતાં જીવનમાં શ્રધ્ધાનું જેટલું મૂલ્ય છે તેટલું જ જરૂરી અંધશ્રધ્ધાના ત્યાગ અંગેનું છે. સ્વામી દયાનંદ તથા રાજા રામમોહનરાય જેવા આપણાં સંતો-વિચારકોએ પણ અંધશ્રધ્ધા કે કુરૂઢિઓ તરફ ધ્યાન દોરીને સમાજને તેનાથી દૂર કરવા પ્રયાસ કરેલા છે. આજની સ્થિતિ તથા સંદર્ભમાં પણ ભલાભોળા માનવ સમૂદાયની અંધશ્રધ્ધાનો ફાયદો ઉઠાવી તેમનું એક અથવા બીજા પ્રકારે શોષણ કરવાના પ્રયાસો થતાં હોય તેવા અનેક પ્રસંગો સમાચાર માધ્યમોમાં પ્રગટ થતા રહે છે. નાથજી અને નાનાભાઇએ જે કેળવણીની હિમાયત કરી છે તેમાં અતાર્કિકતા કે અંધશ્રધ્ધાને કોઇ સ્થાન નથી. કર્તવ્યો તરફની વિમુખતા પણ તેમાં નથી. ૧૯૮૪નું વર્ષ એ નાથજીનું જન્મ શતાબ્દીનું વર્ષ હતું. આ પ્રસંગ નિમિત્તે કેદારનાથજીના વિચારો કાળજીપૂર્વક ગ્રંથ સ્વરૂપે ફરી પ્રકાશન કરવાનું કામ નવજીવન ટ્રસ્ટે કર્યું. આ એક ઉપયોગી તથા અભિનંદનને પાત્ર કાર્ય થયું છે.
ગાંધીયુગના વિનોબાજી, નાથજી કે દાદા ધર્માધિકારી જેવા વિચારકોએ સમાજને જે વિચારો આપ્યા તે તેમની સ્વપ્રતિતી કે અનુભૂતિની સરાણે ચડીને જ જગત સમક્ષ રજૂ થયા છે. આ વિચારોમાં પ્રમાદ કે અકર્મણ્યતાના સ્થાને સક્રિય કર્મનિષ્ઠતાનું ગાન કરવામાં આવેલું છે. આ બધા વ્યકિતઓ તેમના જીવનકાળમાં સારી રીતે સમાજની ભૂમિગત સ્થિતિ સાથે જોડાયેલા હતા. આથી આ વિચારો કે દૃષ્ટિબિંદુ શુષ્ક કે અવ્યવહારુ થયા નથી. આ વિચારોની મૂળ બાબતો નાના મોટા ફેરફાર સાથે આજના સંદર્ભમાં પણ પ્રસ્તુત છે. ગાંધીયુગના આ વિચારકોના દિલના દિવાએ સ્વને તેમજ સર્વસ્વને પ્રકાશિત કરેલું છે. તેઓ આ દિલના દીવાને પ્રગટાવી બેઠા તથા જાત સાથે જગતને પણ તેનો ઉજળો સંદેશો આપ્યો. કવિ ભોગીલાલ ગાંધી કહે છે તેમ અંતે તો સૌએ પોતા-પોતાના દીવાને પ્રગટાવવાનો તથા તેનો પ્રકાશ મેળવવાનો રહે છે.
તું તારા દિલનો દીવો થાને
ઓ રે, ઓ રે,ઓ ભાયા !
રખે કદી તું ઉછીના લે તો
પારકા તેજ ને છાયા
એ રે ઉછીના ખૂટી જશે રે
રહી જશે પડછાયા….ઓ રે…
કોડિયું તારું કાચી માટીનું
તેલ–દિવેટ છૂપાયાં,
નાની–શી સળી અડી ન અડી
પરગટશે રંગ માયા…..ઓ રે…..
ભગવાન ઇશુના આગમનના ઉત્સવના પડધા ડિસેમ્બર માસમાં સંભળાય છે. પ્રકાશના આ પર્વમાં પવિત્રતાનો પણ સંગમ થયેલો છે. ઇશુના નૂતન વર્ષને વધાવતી વખતે દિલના દીવાની દિવેટ સંકોરવાનો નિર્ણય કરવા જેવો છે.
Leave a comment