રવિશંકર મહારાજના મુખમાંથી અમૃત સ્વરૂપે સહજ રીતે સરેલા શબ્દો મેઘાણીભાઇ કાળજીથી નોંધે છે. મહારાજ કહે છે કે પાટણવાડિયાની પુત્રી અને જાજરમાન માતા સ્વરૂપ જીબા પોતાના પતિ મથુરના મૃત્યુ નીમિત્તે ગામલોકોને ભેગા કરે છે અને મથુરની સ્મૃતિમાં ગામના હિતમાં હોય તેવું કોઇ કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કરે છે. સીધા સાદા ગામલોકો કહે છે : ‘‘ ગામમાં પંખીઓ માટે કાયમી ચણની વ્યવસ્થા થાય તો સારું ’’ લોહી અને પરસેવો એક કરીને બચાવેલી તથા અથાક શ્રમ કરીને જાળવેલી પોતાની સૌથી સારી અને ફળદ્રુપ ચાર વીઘા જમીન પંખીઓના ચણ માટે જૈફ ઉમ્મરના જીબા બેજીજક અર્પણ કરે છે. આમાં માંગણી કરનાર ગ્રામજનોનું મંગળમય દર્શન તથા આપનારની અસાધારણ ગરવાઇમાં એવેરેસ્ટનું તેજોમય દર્શન થાય છે. બ્રિટીશ સત્તાધિશોએ ગુનાહિત જાહેર કરેલા સમાજના આ ઉજળા પાત્રોની સારી તથા નબળી વાતો મહારાજ અને મેઘાણી થકી જગત સમક્ષ પહોંચી શકી. સ્નેહયુક્ત સદ્દભાવના માત્ર માનવ સમાજ પુરતીજ નહિ પરંતુ તમામ ચૈતન્યયુક્ત જીવો માટે હોવાનો એક અમૂલ્ય અભિગમ માનવતા અને માનવીય મૂલ્યો તરફની આપણી શ્રધ્ધાને ટકાવી રાખે છે તથા દ્રઢ કરે છે. આથીજ કદાચ મહારાજે આ અંધારી રાતના તારલાઓની વાતો કહેવા તેમજ લખવા સંમતિ આપી હશે. સદ્દભાવના – સહિષ્ણુતા તેમજ નિર્ભયતાનુ સિંચન લોકમાનસમાં તથા વિશેષ કરીને બાળમાનસમાં થાય તો એક સ્વસ્થ દ્રષ્ટિકોણ ધરાવતા સમાજનુ નિર્માણ કરવુ તે અઘરું હોય તો પણ અશક્ય કાર્ય નથી.
ડૉ. પી. સી. વૈદ્યની ઓળખાણ ગુજરાતને આપવાની હોય નહિ. જેઓને ગણિત સાથે નિસ્બત છે તેવા દેશભરના વિદ્વાનો વૈદ્ય સાહેબના ગણિતશાસ્ત્રના યોગદાનને વિસરી શકે તેમ નથી. જેઓ શિક્ષણ તથા અધ્યાપનના ક્ષેત્રમાં કાર્ય કરે છે તેવા શિક્ષણવિદો પણ આજીવન શિક્ષક એવા વૈદ્ય સાહેબના વ્યક્તિત્વથી પ્રભાવિત થયા છે. વૈદ્ય સાહેબ પોતાનો એક સ્વાનુભવ લખે છે. તેઓ જણાવે છે કે તેઓ પ્રાથમિક શાળામાં ત્રીજા ચોથા ધોરણમાં અભ્યાસ કરતા હતા. તેમની ઉંમર દસેક વર્ષની હતી. આવી શિશુવયમાં તેમના પિતાએ વૈદ્ય સાહેબને એક કામ સોંપ્યું. આ સમયગાળો ગાંધીજીની આત્મકથા – સત્યના પ્રયોગો – પ્રસિધ્ધ થઇ તે સમયનો હતો. પિતાએ કહ્યું કે તેમને ગાંધીજીની આત્મકથા વાંચવી છે પરંતુ આંખો નબળી હોવાથી તેઓ ખૂબ ઇચ્છા હોવા છતાં ગાંધીજીની આત્મકથા વાંચી શકતા નથી. આથી તેમણે પોતાના પુત્ર પ્રહલાદ (પ્ર.ચુ.વૈદ્ય)ને કહ્યું કે દરરોજ સાંજે તેણે ‘સત્યના પ્રયોગો’ નું એક પ્રકરણ પિતાજીને વાંચી સંભળાવવું. શિશુએ હોંશભેર આ કાર્ય કર્યું. વૈદ્ય સાહેબ લખે છે કે તે સમયે તેઓ શિશુવયના હોવાથી ગાંધીજીના વિચારો કેટલા સમજ્યાતે કહેવું તો મુશ્કેલ છે. પરંતુ ભવિષ્યમાં જ્યારે તેઓ કોલેજના અધ્યાપક તથા પ્રિન્સીપાલ, ગુજરાત યુનિવર્સિટીના કૂલપતિ તથા ગુજરાત પબ્લીક સર્વીસ કમિશનના ચેરમેન તરીકેની ફરજ બજાવતા હતા ત્યારે કોઇ મહત્વનો તેમજ અટપટો પ્રશ્ન વહીવટના ભાગ તરીકે ઉકેલવામાં આવે ત્યારે તેમને પેલા ‘પોતડીધારી મહાપુરુષ’ ની કથા અને વિચારો આ પ્રકારનો નિર્ણય કરવામાં ઉપયોગી અને માર્ગદર્શક બન્યા છે. એંસી વર્ષની ઉમ્મરે આ ‘ગણિત અને ગાંધીવાળા’ ગુજરાતીની ભિતર પોતાના જીવનના સાત દાયકા પહેલાની મીઠી સ્મૃતિ તરોતાજી રહી છે તથા મહેકતી રહી છે. તેમનું આ સ્મરણ કદી ન સુકાયું કે ન ઝાંખું થયું. ધૂપસળીની સુંગધની જાણે કાયમી અનુભૂતિ ! શાયર અદમ ટંકારવીના સુંદર શબ્દો યાદ આવે.
સ્મરણ લીલુ કપુરી
પાન જેવું, હવામાં
ચોતરફ લોબાન જેવું.
આવુંજ જીવનપર્યંતનું એક સ્મરણ બાળક મોહનને રંભાબાઇ તરફથી મળ્યું. રંભાબાઇએ શીખવ્યું કે અંધારામાં ભય લાગે તો રામનામનું સ્મરણ કરવું. સીધી અને સરળ આ વાત હૈયામાં શ્રધ્ધાપૂર્વક ધારણ કરીને મોહનમાંથી મહાત્મા બનેલા ગાંધીજીએ જગતભરના શોષિતો તથા પીડિતોને નિર્ભયતાનો અમર સંદેશ આપ્યો. સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્ય સેનાની તથા લોકકવિ ભૂદરજી લાલજી જોશીની અર્થસભર પંક્તિઓ યાદ આવે.
તોપ તલવાર નહિ,
બંદૂર બારુદ નહિ,
હાથ હથિયાર નહિ,
ખૂલ્લે શિર ફિરતે
ભૂધરભનંત બીન
શસ્ત્ર ઇસ જમાનેમેં
ગાંધી બીન વસુધામેં
કૌન વિજય વરતે !
જ્યાં ભય નથી ત્યાં શસ્ત્રો પણ અપ્રસ્તુત બની રહે છે. આવા તો અનેક પ્રસંગો ઇતિહાસમાં નોંધાયા છે કે જ્યાં વ્યક્તિના જીવન ઘડતરમાં તેને શિશુવયે મળેલા વિચારો કે સંસ્કારોએ વ્યક્તિના વ્યક્તિત્વ નિર્માણમાં નિર્ણયાત્મક યોગદાન આપ્યું હોય. સ્વસ્થ સમાજનું નિર્માણ સ્વસ્થ નાગરિકો થકીજ થઇ શકે. વિકાસના અન્ય પરિબળો કે સાધન સગવડ ભૌતિક સુખ જરૂર વધારી શકે છે પરંતુ તેનાથી સમાજના લોકોની આંતરિક સમૃધ્ધિ-શાંતિ અને સંતોષનું નિર્માણ થશે તેવી કોઇ બાંહેધરી નથી. સતત વધતી જતી જીવનની અનેકવિધ સવલતો વચ્ચે પણ આત્મહત્યાનું તેમજ વિવિધ સ્વરૂપે થતી ગુનાખોરીનું વધતુ પ્રમાણ આ વાતની શાક્ષી પૂરે છે. કાયદેસરના કે ગેરકાયદે શસ્ત્રો ધરાવવાનું વલણ પણ ધટ્યું નથી. સહિષ્ણુતાનું વાતાવરણ પણ સામાન્ય કારણોસર ડહોળાય છે. વિચારભેદ કે મત ભિન્નતા હોઇ શકે છે. પરંતુ આવાજ કારણોસર ૨૦૧૫ ના વર્ષમાં મહારાષ્ટ્રમાં ગોવિંદ પાનસરે કે કર્ણાટકમાં કાલબર્ગીની હત્યા થાય તે સમાજની સ્વસ્થતા સામે પડકારરૂપ ધટનાઓ છે. નરેન્દ્ર દાભોલકરની હત્યાની દુખદ સ્મૃતિ હજુ પણ તાજી છે. જો કે અસંખ્ય જાગૃત લોકોને આ બધી ઘટનાઓએ આઘાત આપ્યો છે તથા કાનૂની પ્રક્રિયા દોષિતને શોધવા તથા સજા કરવા તત્પર છે એ જરૂર રાહતનો વિષય છે. પરંતુ સમાજે આ બાબતમાં ઉપેક્ષા સેવવી તે પાલવે તેવું નથી. અસહિષ્ણુતાને સ્થાને સદ્દભાવનાનું પુષ્પ પાંગરે અને ટકી રહે તે જોવાની આપણી સામૂહિક જવાબદારી છે. આ બાબતમાં એક સચોટ ઉપાયનું દર્શન આપણાં સમર્થ કેળવણીકારો – દર્શક, નાનાભાઇ ભટ્ટ કે ગિજુભાઇ બધેકાના વિચારોમાં કે તેમના જીવન કાર્યોમાં જોવા મળે છે. ‘catch them young’ જેવી વાત આજે સાંભળવા મળે છે. આ વાતના પથદર્શક આપણાં આવા ભૂમિ સાથે જોડાયેલા કેળવણીકારો હતા. વિદેશી શાસકો તરફથી વારસામાં મળેલી કેળવણી પ્રથા સમાજને જોડી શકતી નથી. યુવાન છાત્રોમાં સંવેદનશીલતા પ્રગટાવી શકતી નથી. ઘણા વિચારકોનો આ મત છે તથા તેમાં તથ્ય પણ છે. કેળવણીની હાલની આપણી પ્રથામાં ઉચિત બદલાવ અનિવાર્ય જણાય છે. ગાંધીજીએ મદ્રાસની ક્રિશ્ચિયન મહિલા કોલેજમાં આપેલા એક પ્રવચનમાં પણ આજ વાત કરી છે. ગાંધીજીએ કહ્યું કે જો કેળવણી આપણને આસપાસના સમાજ સાથે જોડે નહિ કે તેમની સમસ્યાઓ તરફ જાગૃત તથા સંવેદનશીલ ન બનાવે તો વધેલા અક્ષરજ્ઞાન સાથે પણ કેટલીક મૂળભૂત સમસ્યાઓ ચાલુ રહે કે વૃધ્ધિ પણ પામે. કેળવણીમાં આવા ગુણાત્મક સુધારા માટે પ્રયાસો જરૂર થયા છે પરંતુ તેમ છતાં આ બાબતમાં સતત તથા વિચારયુક્ત પરિવર્તન એ કાળની માગ છે. બાળકને માનવી તરીકે કેળવે તેમજ સ્વનિર્ભર બનવાની શક્તિ તથા આત્મવિશ્વાસનું દરેક બાળકમાં સિંચન કરે તેવી મજબૂત અને ટકાઉ વ્યવસ્થા આજના સમયની માંગ છે. આવી વ્યવસ્થાની સરળ ઉપલબ્ધિ જેમ જરૂરી છે તેમજ તે સામાન્ય જનના બજેટમાં પરવડે તેવી હોવી અનિવાર્ય છે. સંસ્કાર તથા મૂલ્યનિષ્ઠાની રોપણી સમાજના એકંદર માહોલ પર તેમજ માતા-પિતા અને ગુરુજનોના ઉચિત યોગદાન પર પણ અવલંબે છે. શરૂઆતના બે દ્રષ્ટાંતો જોયા તેમાં આવી મૂલ્યનિષ્ઠાનું સિંચન સહજ રીતેજ થયેલું જોવા મળે છે. વિશ્વની પ્રતાપી અને પરોપકારી વિભૂતિઓની વાતો તેમજ આપણાં સંતકવિઓની વાણી તે આ અંગે કામમાં લઇ શકાય તેવા હાથવગા અને અસરકારક સાધનો છે. સદ્દભાવના તથા સહિષ્ણુતા સિવાય સમાજની સ્વસ્થતામાં વૃધ્ધિ થવી મુશ્કેલ છે.
આપણાં પરમ વૈષ્ણવ નરસિંહના શબ્દો ગાઇએ – સાંભળીએ તથા પ્રયત્નપૂર્વક આચરણમાં મૂકીએ તો સમાજની સ્વસ્થતા અને સહિષ્ણુતા દૂર કે અપ્રાપ્ય લાગતા નથી.
વૈષ્ણવ જનતો તેને કહીએ
જે પીડ પરાઇ જાણે રે
પરદુ:ખે ઉપકાર કરે તોયે
મન અભિમાન ન આણે રે.
મોહ માયા વ્યાપે નહિ જેને
દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામનામ શું તાળી લાગી
સકળ તીરથ તેના તનમાં રે.
વણલોભીને કપટરહિત છે
કામ ક્રોધ નિવાર્યા રે
ભણે નરસૈયો તેનું દરશન કરતાં
કુળ એકોતેર તાર્યા રે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment