સંતવાણી સમિપે : : શ્વાસ છેલ્લેરો ભરી જેમણેઃ આ જગતની ચિંતા કરી

૨૦૧૫ના વર્ષમાં અનેક નાગરિકોના હૃદયને આંચકો આપી જાય તેવા તેજોમય વિચારકોએ પોતાની ભાતીગળ જીવનલીલા સંકેલીને કાયમી પ્રયાણ કર્યું. હજુ તો આર. કે. લક્ષ્મણ તથા રજની કોઠારીના મહાપ્રયાણને કળ વળે ન વળે ત્યાં ગાંધીના ખેપીયા નારાયણ દેસાઇની વિદાયથી સમાજે પોતાની અમૂલ્ય સામૂહિક સંપતિ ગુમાવી હોય તેવો ભાવ વ્યાપક રીતે જોવા મળ્યો. સમાજની સ્વસ્થતાની ચિંતા પોતાના છેલ્લા શ્વાસ સુધી આ લોકોએ કરી. સમાજને હિતકારી બને તેવા વિચારોનું માત્ર પ્રદાન કરીને સંતોષ માની લેવાને બદલે આ લોકોએ વ્યાપક જનહિતના અનેક કાર્યોમાં પોતાની આહૂતિ આપીને સર્વસ્વને હોમી દીધું. જેવું ઉજળું જીવતર જીવ્યા તેવા જ ઉજળા અને યશકારી મૃત્યુને તેઓ વર્યા. તેમની વિદાયની ખોટ લાંબા સમય સુધી વરતાયા કરશે.

શ્વાસ છેલ્લેરો ભણી જેમણે

આ જગતની ચિંતા કરી

ને પછી છોડયું બધુંયે એકશ્વાસે

એમની પાસે શું રહયું ને શું ગયું

ને શું થયું એની નથી કંઇ ખબર પણ

મૂળમાં સૃષ્ટિ તણાં ચમકી ગયો ત્યાં તેજકણ

 મહાદેવ દેસાઇના હોનહાર પુત્ર નારાયણ દેસાઇનું વેડછી ખાતે ૧૫મી માર્ચ-૨૦૧૫ના દિવસે અવસાન થયું. ગાંધી જીવન અને ગાંધી વિચાર સાથેના જોડાણની એક મહત્વની કડીનો અંત આવ્યો. ગાંધીજી-વિનોબાજી તથા જયપ્રકાશ નારાયણ એમ ત્રણ ત્રણ જયોતિર્ધરોની સાથે રહેવાનો તથા વિકસવાનો લ્હાવો નારાયણ દેસાઇ સિવાય ભાગ્યે જ કોઇ બીજાને મળ્યો હશે. વૈચારિક સ્પષ્ટતા તથા કાર્યનિષ્ઠાનો સુયોગ નારાયણ દેસાઇની પ્રકૃત્તિમાં જ ઘરબાયેલો હતો. ‘‘ગાંધી સાથે વિકસતાં જવું એ મારા માટે મોટા આનંદની વાત રહી છે.’’ એમ કહીને તેમણે ગાંધી વિચારના તેમના સાતત્ય તથા સામિપ્યની યથાર્યતા દર્શાવી છે. ઉશનસના આ સંદર્ભમાં લખાયેલા શબ્દો જોઇએ તો આ વાત વિશેષ સ્પષ્ટ થાય છે.‘‘એવું જોઇ શકાય છે કે ગાંધીજી નારાયણભાઇને નિજી દૃષ્ટિથી ઘડી રહયાં છે. તેમનું વધુ ને વધુ જવાબદારીવાળું ઘડતર ગાંધીને હાથે થતું જાય છે. ગાંધી જ વિદ્યાપીઠ છે. ગાંધી જ અભ્યાસક્રમ છે ને ગાંધી જ અધ્યાપક છે. આ ગાંધી વિદ્યાપીઠની શ્રેષ્ઠ ફલશ્રુતિ એ વિકસિત એવા નારાયણભાઇ.’’

શ્રી નારાયણભાઇ દેસાઇના ગણ્યા ગણાય નહિ અને વિણ્યા વિણાય નહિ તેવા અનેક તથા ઉજળા જીવનકાર્યોમાં ગાંધીકથાનો પ્રયોગ એક જૂદી પધ્ધતિનું દર્શન કરાવે છે. કથા-પારાયણ કે આખ્યાનો આપણાં સમાજ માટે નવી કે અજાણી બાબત નથી. સમાજમાં તેની વ્યાપક સ્વીકૃતિ પણ છે. પરંતુ પૌરાણિક કથા તેમજ આખ્યાનોના સામાન્ય રીતે કલ્પિત પાત્રો સામે ગાંધીકથા એ તદૃન વાસ્તવિક હકીકતો તથા પાત્રોનું મંગળમય તથા ઝળાહળા દર્શન છે. અનેક મર્યાદાઓથી ભરેલા માણસના જીવનના અસાધારણ વિકાસની આવી કથા ‘માયલાને જગાડે’ એવી પ્રભાવી તથા સત્વશીલ છે. આ વિષયમાં પ્રમાણભૂત વાત કરવાની નારાયણભાઇની અધિકૃતતા તથા અભિવ્યકિતની અનોખી છટાએ તેમની દેશ વિદેશની ગાંધીકથાઓ અનેક લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહી. ગાંધીકથાનો આ જાદુ સ્થળ, દેશકે કાળની મર્યાદામાં બાંધી શકાય તેવો નથી. ગાંધી વિચારએ માનવતા અને માનવજીવનના મૂલ્યો સાથે જોડાયેલી બાબત છે. ઈઝરાયેલમાં એક નાની નિર્દોષ આરબ કન્યા ઉત્સુકતાથી નારાયણભાઇને પૂછે છેઃ ‘‘તમે ગાંધીને જોયા છે?’’ નારાયણભાઇએ તેની વિગતે સ્પષ્ટતા કરી એટલે બાળકી કહે છેઃ મને ગાંધી વિષે કંઇક કહો’’ નારાયણભાઇ કહે છે ‘‘હું મૂંઝાઇ ગયો. ૧૨ વર્ષની દૂર દેશમાં વસતી આ માસુમ કન્યાને ગાંધી વિશે શું કહેવું? પછી વિચાર કરીને નારાયણભાઇ કહે છેઃ તારાથી પણ નાની ઉંમરના અમે હતા ત્યારે ગાંધીજી અમારી સાથે એવી રીતે વર્તતા હતા કે જાણે અમે પણ કોઇ વ્યકિત છીએ તેમજ અમારું પણ એક સ્વતંત્ર વ્યકિતત્વ છે. પેલી કિશોરી કહે છેઃ ‘‘હવે હું એ વાત સમજી શકું છું કે મારી મા મને હંમેશા એમ શા માટે કહે છે કે મોટી થઇને ગાંધીજી જેવી થજે! ગાંધીએ પોતાના બાળમિત્રોને આપેલો સ્નેહ તથા આદરયુકત દોસ્તીનો કોલ દૂર દેશાવર બેઠેલી કિશોરીને કેવો ગળે ઉતરી ગયો હશે!

વાદ વિવાદે લવાદને લાવે

સંવાદિતામાં જીત

વેર મિટાવે ઝેર મિટાવે

વાંછે સૌનું હિત,

જગત જોડે બાંધી દીધી પ્રીત.

 ગાંધીજીની જીવનયાત્રા અનેક આરોહણ-અવરોહણથી સભર છે. ગાંધીજીના જીવનનું એક એક કદમ તત્કાલીન કાળની સ્થિતિને લક્ષમાં રાખીને તેમજ સર્વોચ્ચ માનવહિતને નજર સમક્ષ રાખીને ભરવામાં આવેલું છે. આથી નારાયણભાઇ યથાર્થ રીતે ગાંધીજીનું દર્શન વ્યવહારુ આદર્શવાદી તરીકે કરાવે છે તે ખૂબ જ ઉચિત છે. દેશના ભાગલા પડે તે બાબત ભલે પસંદ ન પડે પણ આ મહાત્મા આ ભાગલાની વાસ્તવિકતા સ્વીકારીને બંન્ને દેશો વચ્ચેના સંબંધો સુમેળયુકત રહે તેવા તમામ પ્રયાસો કરવામાં લાગી જાય છે. ગાંધીજીની શુધ્ધિનો માર્ગ સ્વને ઓગાળવામાં હતો. ગાંધીજીએ જીવવના છેલ્લા શ્વાસ સુધી સત્યની શોધ કરવાનો અભિગમ ઝાંખો થવા દીધો નથી. નોઆબલીની ‘‘એકલો જાને રે’’ જેવી યાત્રા હોય કે વિદેશની ધરતી પર ગિરમીટીયાની કૂચ હોય-ગાંધીજી સત્ય, અહિંસા અને માનવમાત્રના કલ્યાણની મશાલ ઊંચકીને ચાલ્યા અને વ્યાપક જનસમૂહ તેમનાથી સહેજે દોરવાયો છે તેવી પ્રતિતી નારાયણ દેસાઇના ‘‘મારું જીવન એજ મારી વાણી’’ માંથી પ્રગટ થાય છે. નારાયણ દેસાઇ જેવા સમૃધ્ધ તથા સમર્પિત ગધકારને કારણે મોહનમાંથી મહાત્મા બનવાની આ મહામાનવની વિચાર પ્રક્રિયાની અનેક તેજસ્વી ક્ષણો સામાન્ય વાચક સુધી સમજી શકાય તેવી ભાષા તથા શૈલીમાં પહોંચી શકી છે. સાબરમતીના આ સંતના જીવન તથા વાણીને નોખા તારવી શકાય તેમ નથી. તે વાત નારાયણભાઇના  લખાણો વાંચતા ખૂબ જ સ્પષ્ટ રીતે સામે આવે છે. કવિ ઉમાશંકર જોશીના શબ્દો સ્મૃતિમાં સહજ રીતે આવે છે.

 મારું જીવન એજ મારી વાણી,

બીજું તે તો ઝાકળ પાણી

સત્ય ટકે, છો જાય આ દાસ

સત્ય એજ હો છેલ્લો શ્વાસ !

 નારાયણભાઇની ગાંધી વિચારની ગંગોત્રીને ઝીલવાની તેમજ તેને વહેતી રાખવાની શકિતએ આપણાં સમાજ અને સાહિત્યને વિશેષ ઉજળા કરી બતાવ્યાં છે. સ્વામી આનંદ લખે છેઃ મહાદેવભાઇનો સરસ્વતીનો તથા દુર્ગાબેનનો ભકિતનો વારસો બેઉ એનામાં (નારાયણભાઇમાં) સામટાં ઠલવાયાં છે.’’ બાપુ તથા આશ્રમ જીવનના સંસ્મરણો નારાયણભાઇની કલમે સદાકાળ લીલાછમ રહે તેવી કુશળતાથી લખાયા છે. નારાયણભાઇએ એક પ્રસંગની નોંધ કરી છે. એક વખત સામૂહિક રસોડે જમવા જવામાં નારાયણભાઇ મોડા પડયાં. આમેય જમવા જવામાં આવું લશ્કરી શિસ્ત પાળવું બાળકો માટે સહેલું નથી હોતું. પરંતુ અહીં તો નિયમ એટલે રસોડાનું બારણું બંધ. બાળ નારાયણ અને ભોજન વચ્ચે એક બારણાનું અંતરપટ! આપત્તિનો ઉકેલ કરવા એક વિચાર સૂઝયો અને ભૂખ્યા બાળકે લલકાર્યું.

 મંગળ મંદિર ખોલો,

દયામય! મંગળ મંદિર ખોલો.

 નરસિંહરાવના શબ્દો બાળકને બરાબર કામમાં આવ્યા. બાપુના કાને આ શબ્દો પડયા અને રસોડાના બંધ બારણાં બાબલા માટે ખૂલી ગયા ! મહાદેવભાઇનો ઉપકાર ગાંધીજીના જીવનની અમૂલ્ય ક્ષણો ગ્રંથસ્થ કરવા માટે આપણે ચૂકવી શકીએ તેમ નથી. તેજ રીતે નારાયણ દેસાઇના લખાણો તથા વકતવ્યો થકી આપણે રળિયાત થયા છીએ. ગાંધીકુડના યજ્ઞના અજવાળા સમાન પ્રકાશ પાથરીને નારાયણભાઇ ગયા. તેમને અસંખ્ય લોકોના સ્નેહ તથા આદર પ્રાપ્ત થયા તે તેમને મળેલા અનેક એવોર્ડઝથી પણ અદકેરા છે.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑