
નવા આ વરસના
બાપા, રામ, રામ !
રાત દિ રામને સંભારતા
કરજો ભાવતી લીલાલેર
નવા વરસના… રામ રામ !
ખેતર ખેડી ખાતર પૂરજો
વાલો વરસે અનરાધાર
સાચુકલાં બિયારણ વાવજો
કે ધાન ઉતરે અપરંપાર
નવા વરસના… રામ રામ !
વરસ દિવાળીજ રે
જેના રુદિયામાં રામ
હરખ સંતોષ ગાજે સામટો
ખોરડું ને આખું ગામ…
નવા વરસના… રામ રામ !
અનંત કાળને આપણે આપણી સૂઝ તથા સગવડ પ્રમાણે નામકરણ કરીએ છીએ. આ નામાભિધાન ક્યારેક ઋતુઓના નામથી હોય છે તો ક્યારેક તહેવારો કે પ્રસંગો પરથી પણ હોય છે. કાળને તેથી ક્યાં કશો ફરક પડે છે ? આપણે સંધ્યા કે સૂર્યાસ્ત માણતા હોઇએ ત્યારે વિશ્વના અન્ય કોઇ ખૂણાના આપણા ભાંડુઓ ઉગતા સૂર્યને વધાવતા હોય છે. આથી કવિ કહે છે કે આ અસિમિત કાળનો જે ભાગ આપણાં હિસ્સામાં આવ્યો છે ત્યાં રામને સંભારીને કર્તા ભાવ સિવાય ભાગમાં આવ્યું છે તે કર્મ ભાવથી કરતા રહીએ તો જીવનમાં આનંદ કે સંતોષની શોધ કરવા બહાર ભટકવું પડે નહિ. આ ભાવ પ્રગટ થાય તો અંતરમાં અજવાળું પ્રગટ થયેલુંજ સમજવું. કવિ માધવ રામાનુજના શબ્દો યાદ આવે.
અંદરતો હવે અજવાળું અજવાળું
ટળવળતી હોય આંખ જેને જોવાને
એ મીંચેલી આંખેય ભાળું…
ખેતર ખેડવાનો પુરુષાર્થ હશે અને સાચા બિયારણની વાવણી કરી હશે તો ધન ધાન્યની મણા રહેશે નહિ. આપણી નિષ્ઠા અને મહેનતનો પ્રતિસાદ આપવામાં પરમ તત્વની કદી ચૂક થતી નથી. આપણું કામ તો ખરા દિલથી અને પરિશ્રમથી બીજ રોપવાનું છે. એકવાર બીજ રોપાયા પછી તો કુદરતના સઘળા તત્વો પોતપોતાની ફરજ નિભાવશે તેવો સાંઇ મકરંદનો સધિયારો છે.
વેર્યા છે બીજ અમે છૂટ્ટે હાથે
હવે વાદળ જાણેને વસુંધરા !
કવિ બીજી એક મહત્વની વાત ઉપરના કાવ્યમાં કરે છે. તે વાત ધ્યાન દઇને સાંભળવા જેવી છે. સાચુકલાં બીજ રોપવાની વાત ક્રાંતદ્રષ્ટા કવિ કરે છે. ‘‘ જેવું વાવો તેવું લણો ’’ વાળું આપણું અનુભવનું ડહાપણ ભૂલવા જેવું નથી. બીજ સાચું હોય તોજ તેનું ફળ કલ્યાણકારી બને. નહિતર કદાચ ધાન અપરંપાર ઉતરે તેવું બને પરંતુ સંતોષની સાચુકલી સમૃધ્ધિ તો દૂરજ રહે. વ્યક્તિગત તો ઠીક પરંતુ સામુહિક કાર્યમાં પણ સાચા બીજ રોપવાની ગાંધીજી માત્ર વાત કરીને અટક્યા નથી. તે બાબતને પ્રયોગથી પ્રમાણભૂત પણ કરી છે. સદ્દગુરુના વચનોના બી વાવવાથી તેનું પરિણામ પણ મંગળમય હોય છે. કવિ શ્રી કાગ લખે છે :
માડી ! તારા વચનુનાં
બી જેણે વાવ્યા
કોઠારે રૂડાં કણ ભર્યા રેજી…
માડી એના દાણે દાણે
દીનાનાથ વિશંભર વાતું કરે રેજી…
ધન્ય ધરામાં જો વાવણી પણ ધન્ય હશે તો તેનું પરિણામ ધન્ય – મંગળમય ન હોય તેવું કેમ બને ?
સાહિત્ય જગતમાં અનેક ઘટનાઓ બનતી હોય છે. આવી બાબતોને કેટલી પ્રસિધ્ધિ મળે છે કે કેટલી સંખ્યામાં લોકો તેમાં હાજરી આપે છે તે બહુ મહત્વનું નથી. પાયાની વાત એ છે કે મુકુન્દરાય પારાશર્યની સત્યકથાઓનું પુન: પ્રકાશન થાય તથા સાહિત્ય પરિષદમાં અનેક સાહિત્યના તથા પારાશર્યના ચાહકો તેમાં અંતરના ઉમળકાથી ઉપસ્થિત રહે તે એક આ વર્ષની નોંધપાત્ર ઘટના છે. મે-૨૦૧૫ માં સાહિત્ય પરિષદના પરીસરમાં જ્યારે આ પ્રસંગ યોજવામાં આવ્યો ત્યારે ધીરૂભાઇ પરીખ તથા રઘુવીરભાઇ ચૌધરી જેવા અનેક મર્મીઓએ સર્જક મુકુન્દરાયની બળુકી અને મૌલિક સર્જનકળાના અનેક પાસા તેમની રસપ્રદ શૈલિમાં ખોલી આપ્યા. પુન: પ્રકાશનની ચીવટ તથા સાહિત્યના આ સુંદર પ્રસાદના સુંદર પડિયા માટે પિયુષભાઇ તથા પ્રવિણ પ્રકાશનના ગોપાલભાઇ આપણાં અભિનંદનના અધિકારી બને છે. આ વર્ષની આ એક યાદગાર સાહિત્યીક ઘટના બની. સત્યકથાઓનો ઉલ્લેખ કરીએ ત્યારે બચુભાઇ રાવત તથા કુમારના સક્રિય યોગદાનનો ઉલ્લેખ અસ્થાને નહિ ગણાય. ‘‘ તંત્રી એ સમાજની સારપનો સંત્રી છે ’’ તેવું કનુભાઇ જાનીનું બચુભાઇ બચુભાઇ રાવત માટેનું અવલોકન સત્યકથાઓના શબ્દદેહ માટે યથાર્થ છે. ‘સત્યકથા’ એવું અર્થસભર નામ બચુભાઇએ નક્કી કર્યું અને મુકુન્દરાય પાસે આગ્રહપૂર્વક આ વાતો લખાવીને બચુભાઇએ આપણાં પર ઋણ ચઢાવ્યું છે. સત્યકથાઓ છપાવવા માટે પૂજ્ય મોટાનો આગ્રહ અને મજબૂત ટેકો એક સંતની આધ્યાત્મિક તથા વૈચારિક ભૂમિકાની ઊંચાઇનું દર્શન કરાવે છે. મુકુન્દભાઇના કથન પ્રમાણે આ વાતો તેમણે પોતાના મોટીબા પાસેથી સાંભળીને ટપકાવેલી છે. કુટુંબના વડીલો તથા કિશોરો અને તરૂણો વચ્ચેનો જાગૃત સંવાદ એ આપણી એક અર્થસભર તથા વણલીખી પરંપરા હતી. અનેક વ્યક્તિઓને આવા અમીઘૂંટનું પાન કરવાનું સદ્દભાગ્ય સાંપડ્યું છે. કંઠોપકંઠ કહેવાતી આ વાતોએ સમાજની સભ્યતા તથા સ્વસ્થતાને સાચવી રાખવામાં કે તેને સંકોરવામાં મૂંગી છતાં અસરકારક મદદ કરી છે. આજે આવી પ્રથા અનેક કારણોસર નામશેષ થવાના આરે છે પરંતુ તેથી સાંપ્રત કાળમાં તે પ્રસ્તુત નથી તેમ કહી શકાશે નહિ. મુકુન્દભાઇએ લગભગ વિસ્મૃતિમાં સરી જતા માનવતાસભર ઇતિહાસની નોંધ જાળવવા સાથે આપણી અમૂલ્ય સાહિત્યૃષ્ટિમાં કેટલાંક પ્રભાવી પાત્રોનું આબેહૂબ દર્શન સત્યકથાઓના માધ્યમથી કરાવ્યું છે. આ કથાઓ માટે તેમનો કર્તુત્વનો દાવો સહેજ પણ નથી પરંતુતેમનો વસ્તુતત્વ તરફનો લગાવ ભાવકોને પણ સહજતાથી ખેંચી જાય તેવો સર્વગ્રાહી છે.
સત્યકથાઓના પ્રકાશન પાછળ મુકુન્દરાયના દ્રષ્ટિ સંપન્ન પિતા તેમજ પતિના ભાવવિશ્વને પારખી સકનાર તેમના અર્ધાંગનાનો પણ સમાવેશ થાય છે. પ્રસંગોની – સ્મૃતિઓની આ લીલીછમ વેલીને પાનખર બેસવી મુશ્કેલ છે. વિશ્વસાહિત્યમાં પણ મૂકવા માટે આ કથાઓ સર્વાંગી પાત્રતા ધરાવે તેવા માનવજીવનના સર્વોચ્ચ શિખરોની આ યાત્રા છે.
જોતાં રે જોતાં અમને
જડિયા રે સાચા સાગરના મોતી !
સત્યકથાઓના પાત્રો આજના સમયના ઝાકમઝોળ કે બાહ્ય દેખાવના ઠઠારા સિવાય પોતાની જીવનયાત્રા શાંત તથા સ્વસ્થ ચિત્તે કરી શકે છે તે વાત મહત્વની છે. ઉચ્ચ શિક્ષણની પ્રાપ્તિ તેમજ આર્થિક ઉપાર્જનના પ્રયાસો અનિવાર્ય છે. પરંતુ તેની સાથે સાથે જીવન જીવવા માટેની એક સ્વસ્થ તથા સમ્યક દ્રષ્ટિ ન કેળવાય તો સમાજને કેટલીક નવી તેમજ કોઇ કોઇ કિસ્સામાં ભયાવહ સ્થિતિનો સામનો કરવો પડે છે. આ સ્થિતિના નિવારણમાં કાનૂની વ્યવસ્થાનું યોગદાન હોય તો પણ તે મર્યાદિત છે તે વાત ભાગ્યેજ સમજાવવી પડે તેવી છે. સમાજના સામુહિક તથા જાગૃત પ્રયાસો થકીજ વધારે સારા અને સ્વસ્થ સમાજનું નિર્માણ શક્ય બને છે. પર્લ બકે કહ્યું છે તેમ નવી દુનિયા એટલે નવા માનવી. આવા નિત્ય નૂતનમાનવીના ઘડતરમાંઆવી સત્યકથાઓ અસરકારક તેમજ પૂરક બની શકે તેવી છે. વિશાળ સમુદ્રના તળિયે પડી હોય તો પણ આવી છીપના મોતી અમૂલ્ય છે. તિલકદાસના શબ્દો છે :
સ્વર્ગ મૃત્યુ પાતાળમેં
જોયા સાતે દ્વિપ
સાયરમાંહી નીપજે
સો મોતી સંઘરે છીપ !
જ્ઞાની ગોતજો રે
માતમ મોતીનો મરમ !
નૂતન વર્ષના રામ-રામ કવિ મુકુન્દરાયની કાવ્ય પંક્તિઓ સાથે કરતા સત્યકથાઓના નાના-મોટા સ્વયંપ્રકાશિત પાત્રોનું તેજ આપણાં વ્યક્તિગત તેમજ સામુહિક જીવનમાં પ્રગટે તેવી પ્રાર્થના કરવી અસ્થાને નથી.
Leave a comment