૧૯૫૪ના ૧૫મી નવેમ્બરના રોજ અમૂલ(આણંદ)માં ભારતના રાષ્ટ્રપતિ આવ્યા તે પ્રસંગ રાજયના તમામ દૂધ ઉત્પાદકો માટે ગૌરવનો તેમજ નૂતન આત્મવિશ્વાસનો હતો. ખેડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની નવી ડેરીના ભૂમિપૂજનનો આ ભવ્ય પ્રસંગ હતો. એક એવો ડેરી પ્લાન્ટ કે જેની માલિકી સ્વયં ખેડૂતો-ઉત્પાદકો ધરાવતા હતા. સમગ્ર દૂધના વેપારમાં થતા વ્યાપક શોષણ તેમજ ઇજારાશાહીનો સૂર્યાસ્ત થતો નજરે દેખાતો હતો. ભૂમિપૂજન કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ ર્ડા.રાજેન્દ્રપ્રસાદે ગુજરાતના દૂધ ઉત્પાદકોના આ વિરાટ પગલાંને બીરદાવ્યું. ર્ડા. કુરિયન લખે છે કે તેમના સમગ્ર આયોજનમાં મદદરૂપ તથા માર્ગદર્શક બની રહેનાર સાંસદ તથા સરદાર પટેલના લોકસેવા માટે ભેખધારી પુત્રી મણિબહેન ત્યાં હાજર હતાં. મણિબહેન એટલે ગતિશીલતાનું બીજું સ્વરૂપ. તેઓએ કુરિયનને સીધો જ પ્રશ્ન કર્યો કે ડેરીનો આ નવો પ્લાન્ટ કયારે તૈયાર થશે? ર્ડા. કુરિયને એક વર્ષનો સમય કહયો. નવા પ્લાન્ટનું ઉદૃધાટન આધુનિક ભારતના સ્વપ્નદૃષ્ટ્રા પ્રધાનમંત્રી પંડિત નહેરૂના હસ્તે કરવાનું ત્યાં જ નકકી થયું. નહેરૂજી સાથેનું સંકલન કરવાનું કામ મણિબહેને સ્વીકાર્યું. દૂધનો વેપાર સહકારી ધોરણે ખેડૂતો મારફત થાય તેવી સ્પષ્ટ સૂઝ સરદાર પટેલ ધરાવતા હતા. આથી આ સમગ્ર પ્રવૃત્તિના મૂળ સ્વપ્નદૃષ્ટ્રા અને દેશના સરદાર તેમજ આ ભૂમિના જ સુપુત્ર વલ્લભભાઇ પટેલના જન્મદિવસે-૩૧ મી ઓકટોમ્બરે ઉદૃધાટન કરવું તેવો પણ વિચાર થયો. સરદાર સાહેબનું સ્વપ્ન ત્રિભુવનદાસ પટેલ તથા ર્ડા.કુરિયન મણિબહેનના સમર્થનથી સાર્થક કરી રહયા હતા. એક નૂતન ઇતિહાસનું સર્જન થતું હતું. સમગ્ર પ્રવૃત્તિના કેન્દ્રસ્થાને દૂધ ઉત્પાદકોના આર્થિક કલ્યાણનો મજબૂત ઇરાદો હતો. ર્ડા. કુરિયનની શકિત આ કાર્ય માટે ચરોતરની વીરભૂમિમાં સોળે કળાએ ખીલી ઊઠી હતી.
વિદેશમાં શિક્ષિત થઇને આવેલા યુવાન વર્ગીસ કુરિયન ભારત સરકારના મંત્રાલયમાં નોકરીની પૂછપરછ માટે જાય છે. ભારત સરકારની શિષ્યવૃત્તિ મેળવીને વિદેશમાં ડેરી એન્જિનીયરીંગ ભણીને આવેલા કુરિયન માટે સરકારની નોકરી અનિવાર્ય હતી. મંત્રાલયના ઉપસચિવ કુરિયનને કહે છે: ‘‘ તમારે આણંદ જવાનું છે.’’ આણંદ વિશેની કોઇ પણ પ્રકારની જાણકારી ન ધરાવનાર યુવાન કુરિયન કહે છે : ‘‘આણંદ ક્યાં છે ? ’’ અંડર સેક્રેટરી કહે છે: ‘‘મુંબઇ આસપાસ કોઇ જગાએ!’’ અને ત્યારબાદ મિશિગન સ્ટેઇટ યુનિર્વસીટીમાં ભણેલા આ કેરાલા રાજ્યના યુવાન destiny ના કારણે તે સમયના ધૂળિયા નગર આણંદમાં ૧૯૪૯માં પહોંચે છે. વિધિનો આ અસાધારણ યોગાનુયોગ હશે. ત્રિભુવનદાસ પટેલ જેવા વટવૃક્ષ સમાન વ્યક્તિત્વ ધરાવતા મહાનુભાવ સાથે રહીને આણંદને વિશ્વના નકશા પર મૂકનાર કુરિયન આ રીતે આણંદમાં આવી ચડ્યા તે એક ઐતિહાસિક ઘટના છે. દેશના અન્ય રાજ્યો તેમજ વિશ્વના અનેક દેશોએ ‘‘આણંદ પેટર્ન’’ નો અભ્યાસ કર્યો તથા તેનું અનુકરણ કર્યું. દૂધ ઉત્પાદકોના આર્થિક કલ્યાણ માટે સહકારી ધોરણે હાથ ધરવામાં આવેલી દૂધ તથા દૂધમાંથી બનેલી વિવિધ વાનગીઓના વેપાર માટેની યોજનાઓ તથા તેનો વિકાસ ગુજરાતની એક નવી ઓળખ બની રહી. ગુજરાતને તેમજ સમગ્ર દેશને ગૌરવ અપાવી શકે તેવી આ પ્રભાવશાળી ઘટના આપણાં આર્થિક વિકાસના ઇતિહાસનું ઉજવળ પ્રકરણ છે.
આપણાં દેશના તમામ રાજયોમાં સહકાર સપ્તાહની ઉજવણી નવેમ્બર માસની ૧૪ તારીખથી ૨૦ તારીખ સુધી કરવામાં આવે છે. પંડિત નહેરૂની જન્મજયંતિના શુભ દિવસથી આ સપ્તાહનો પ્રારંભ થાય છે. ડૉ.કુરિયનનો જન્મ પણ ૧૯૨૧ની નવેમ્બરની ૨૬મી તારીખે કાલિકટ (કેરાલા)માં થયો હતા. કેરળના આ વર્ગીસ કુરિયન કાકાસાહેબની જેમ ‘સવાયા ગુજરાતી’ થઇને ‘‘ગુર્જર ભારતવાસી’’ બની રહ્યા. ગુજરાત તેના મજબૂત પંચાયત રાજ્યના માળખા માટે તેમજ સહકારી પ્રવૃત્તિના વિકાસ માટે દેશનું અગ્રણી રાજ્ય ગણાય છે. સહકારી પ્રવૃત્તિના માળખામાં દૂધ સહકારી મંડળીઓનો વિકાસ એ નોંધપાત્ર અને સફળ પ્રયોગ ગણાય છે. સહકારી પ્રવૃત્તિના વિવિધ સ્વરૂપો તરફ નજર કરીએ ત્યારે અલગ અલગ ક્ષેત્રમાં ત્રિભુવનદાસ પટેલ, વૈકુંઠભાઇ મહેતા, પ્રમોદભાઇ દેસાઇ, જયરામભાઇ પટેલ તથા વલ્લભભાઇ પટેલ (રાજકોટ) જેવા યશસ્વી નામો નજર સમક્ષ તરવરે છે. શહેરી બેંકોમાં અરવિંદભાઇ મણીયાર (રાજકોટ) તેમજ વિઠ્ઠલભાઇ પટેલ (દહેગામ) અને બળદેભાઇ પટેલ (અમદાવાદ) જેવા અનેક સમર્પિત લોકોએ પોતાની દીર્ધદૃષ્ટિથી પાયાનું યોગદાન આપેલું છે.
આજે પણ એ બાબતનો ઉલ્લેખ અવારનવાર કરવામાં આવે છે કે ખેત પેદાશોનું પોષણક્ષમ વળતર ખેત ઉત્પાદકોને મળતું નથી. બીજા છેડે ગ્રાહકને પણ વાજબી કિંમતથી વિવિધ પ્રકારની ખેત પેદાશો મળતી નથી. બટાકાના વિપુલ ઉત્પાદન પછી ઉત્તર ગુજરાતના તેના ઉત્પાદકો પોતાની તમામ મહેનતથી પેદા કરવામાં આવેલ બટાકાનો ઓછી કિંમતે ફરજિયાત નિકાલ (Distress sell) કરવો પડે છે. આ બાબતના અહેવાલો પણ અવારનવાર પ્રસિધ્ધ થતા રહે છે. સૌરાષ્ટ્ર તથા કચ્છના અનેક કપાસ ઉત્પાદકોની પણ આવી જ ફરિયાદ રહે છે. કપાસનું સારું ઉત્પાદન થાય પરંતુ તેના વાજબી ભાવ ખેડૂતોને ન મળે તો ખેડૂત ઠેરનો ઠેર રહે છે. હમણાં જ જેમણે આપણી વચ્ચેથી ચિરવિદાય લીધી તેવા સનતભાઇ મહેતા આ પ્રશ્નના તલસ્પર્શી અભ્યાસુ હતા. તેઓ આ વિપુલ ઉત્પાદનની સ્થિતિને problems of plenty તરીકે ઓળખાવતા હતા. સનતભાઇ ઉત્પાદકોનું હિત જળવાય તે માટે આજીવન સક્રિય રહ્યા હતા. ર્ડા.કુરિયન તથા ત્રિભુવનદાસ પટેલની જોડીએ દૂધ ઉત્પાદકોની સરખા પ્રકારની જ સમસ્યા સમજીને તેના નિવારણ માટે એક ઠોસ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાનો આયોજનબધ્ધ પ્રયાસ કર્યો. દૂધ ઉત્પાદકોની સહકારી મંડળીઓ તેમજ સહકારી સંઘો મજબૂત બનીને દૂધ ઉત્પાદકોનું હિત જાળવવાના તમામ પ્રયાસો કરે છે.
સમગ્ર વિશ્વ જેને ‘‘મીલ્કમેન ઓફ ઇન્ડીયા’’ તરીકે ઓળખે છે તથા સન્માને છે તેવા ડૉ. કુરિયન સહકારી પ્રવૃત્તિમાં વહીવટી તેમજ તાંત્રિક સંચાલકોના કુશળ કેડરનું પ્રતિનિધિત્વ કરે છે. ‘‘હું ભારતના ખેડૂતોનો સેવક છું.’’ તેવું ડૉ. કુરિયનનું વિધાન યથાર્થ છે. ડૉ. કુરિયને જોયેલું અને ભૂમિગત કરેલું operation flood નું સ્વપ્ન વિશ્વના ખેતવિકાસ માટેની યોજનાઓમાં ટોચની યોજના ગણાય છે. આ મહત્વાકાંક્ષી યોજના થકી જ દેશના દૂધ ઉત્પાદકોને White revolution નો અનુભવ થયો. લાખો દૂધ ઉત્પાદકોનો વિશ્વાસ સહકારી પ્રવૃત્તિમાં સ્થિર થયો ઉત્પાદકો જ સમગ્ર પ્રવૃત્તિનું ચાલકબળ બની રહ્યા. પદ્મવિભૂષણ જેવા અનેક સન્માનો ડૉ. કુરિયનને મળ્યા પરંતુ તેઓ જે દૂધ ઉત્પાદકોના સ્નેહ તથા વિશ્વાસનું સંપાદન કરી શક્યા તે અજોડ છે. ડૉ. કુરિયન કહે છે તેમ તેઓ આણંદ-ગુજરાતમાં રહી ગયા તે ત્રિભુવનદાસ પટેલના આગ્રહ તથા ત્રિભુવનદાસ પટેલની અનોખી પ્રતિભાને આભારી હતું. પરંતુ તેઓ ઉમેરે છે કે તેમણે યુવાનીમાં વર્ષો પહેલાં કરેલો આ નિર્ણય તેમને કદી ઉતાવળિયો કે અનુચિત લાગ્યો નથી. ગામડાઓમાં રોજગારી ઊભી થાય તો શહેરો પરનું દબાણ ઓછું થાય તે બાબતમાં પણ દૂધના વેચાણની આ સુઆયોજિત વ્યવસ્થાએ નમૂનારૂપ કામગીરી કરી છે. દૂધનું સંપાદન અને તેની પ્રક્રિયાએ પડકારરૂપ કામ છે. વર્ષના ૩૬૫ દિવસ અને દરેક દિવસે બે વખત દૂધ એકઠું કરી તેને નિર્ધારીત સ્થળે સમયસર પહોંચાડવાનું કામ કેટલા બધા વિસ્તૃત આયોજન પછી જ થઇ શકે છે. છૂટ્ટા છવાયા કોઇક બનાવોને બાદ કરતા મહદ્અંશે આ સમગ્ર વ્યવસ્થા ટકી રહી તથા મજબૂત બની તેની પાછળ દૂધ ઉત્પાદકોની જાગૃતિ તથા ત્રિભુવનદાસ પટેલ તેમજ મોતીભાઇ ચૌધરી (મહેસાણા) જેવા સમર્પિત આગેવાનોનો નિરંતર પરિશ્રમ છે. કુરિયન આ સમગ્ર આયોજનમાં ‘‘પ્રોફેશનલોઝમ’’ નું મહત્વ પ્રસ્થાપિત કરી શક્યા અને વિકસાવી શક્યા તે તેમની અનોખી સૂઝ તથા શક્તિનું દર્શન કરાવે છે. પંડિત નહેરુ તથા લાલબહાદુર શાસ્ત્રીનો વિશ્વાસ સંપાદન કરીને કુરિયન ભારત સરકાર પાસે દૂધ ઉત્પાદકોના હિતના મહત્વના નિર્ણયો કરાવી શક્યા હતા. ત્રિભુવનદાસ પટેલ ડૉ. કુરિયનને મળ્યા તે સૌથી વિશેષ સુયોગ થયો હતા. પેસ્તનજી તથા પોલસનની પક્કડમાંથી દૂધ ઉત્પાદકોને મુક્ત કરવાની ઘટના એ દેશના સમગ્ર આર્થિક વિકાસમાં અતિ મહત્વની ઘટના છે. અમૂલ તથા દૂધસાગર જેવા સક્ષમ દૂધસંઘોનો વિજયધ્વજ ખેડૂતોની મૂંગી તથા મજબૂત શક્તિના જોરે ફરકાવી શકાયો હતો. સફર શરૂ કર્યા પછી અનેક આકરા ચડાણ પણ આ પ્રવૃત્તિ પોતાના આંતરિક બળે સફળતાથી કરી શકી છે. એકવાર શઢ ભરીને સફરનો આરંભ કરનાર હોડી ક્યાં પાછુ વાળીને કદી જૂએ છે ! કવિ ઉમાશંકર જોશીના શબ્દો યાદ આવે છે:
એકવાર શઢ ભર્યા, ફૂલ્યા
ને વાયરા ખૂલ્યા
કે હોડીને દૂર શું? નજીક શું ?
કદી ઝંઝાને વીંજણે રમતી તૂફાને ભમંતી
કે હોડીને દૂર શું? નજીક શું ?
આપણાં દેશમાં તેમજ વિશ્વના પણ અન્ય કેટલાક દેશોમાં સહકારી ધોરણ મુજબ વિકાસ પામેલી ‘‘અમૂલ પેટર્ન’’ નો અભ્યાસ થયો. અનેક સ્થળોએ દૂધ ઉત્પાદકોના આર્થિક કલ્યાણ માટે આ પેટર્નનું અનુકરણ પણ કરવામાં આવ્યું. ગામડાઓના તથા ખેડૂતોના વિકાસ માટે જે આવશ્યક હોય તેવા કાર્યો કરી શકે તેવા સક્ષમ મેનેજરો તૈયાર કરવા માટે ઇરમાની સ્થાપના આણંદમાં કરવામાં આવી. ર્ડા.કુરિયનની સ્મૃતિને ચિરંજીવી બનાવતી આ બધી સંસ્થાઓ છે. ‘અમૂલ’ ગુજરાતની એક વિશિષ્ટ ઓળખ બની રહી. આણંદ વિશ્વના નકશા ઉપર ગૌરવભેર મૂકાયું. ડૉ. વર્ગીસ કુરિયનની સ્મૃતિ અનેક દૂધ ઉત્પાદકોના હૈયે હજુ પણ તરોતાજા રહેલી છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment