પરાધીન દેશની પીડાનો કોઇ અંત હોતો નથી. ૧૯૨૪ના ડિસેમ્બરમાં બ્રિટીશ વાઇસરોય લોર્ડ રીડિંગની મુંબઇની મુલાકાતના માનમાં બ્રિટીશ સરકાર તરફથી ઝાકમઝોળ સ્વાગત તથા ઉત્સવની તૈયારી શરૂ કરવામાં આવી. ભારતના સ્વમાની નાગરિકોનું સ્વમાન ઘવાય તેવા આયોજનો થયા. આમ થાય તો જ સત્તાધીશો પોતાનું સ્થાન મજબૂત કરી શકે. સામાન્ય લોકોની રોજીંદી હાડમારી સાથે વિદેશી શાસકોને સ્નાન સુતકનો પણ સંબંધ ન હતો. સરકારના ઉચ્ચ અધિકારીઓએ Minute-to-Minute કાર્યક્રમનું ચોકસાઇથી આયોજન કર્યું. વાઇસરોયનું સ્વાગત મુંબઇ શહેરના પ્રથમ નાગરિક કરે તેવું નકકી થાય તે સ્વાભાવિક હતું. આજે પણ વારસામાં મળેલી Protocol ની આ પ્રથા અમલમાં છે. પરંતુ આ કિસ્સામાં અમલદારો માટેની ખરી સમસ્યા હવે શરૂ થઇ. મુંબઇ શહેરના પ્રથમ નાગરિકે વાઇસરોયના સ્વાગત માટે હાજર રહેવાની ઘસીને ના પાડી. ગોળ ગોળ વાત કરવાની આ મેયર તથા ચરોતરના વીરને કયાં ફાવટ હતી ? મુખ્ય સચિવના નિમંત્રણનો પ્રત્યુત્તર સત્વરે આ વીરે વાળ્યો. કાયદાથી ચૂંટાયેલા મેયરે કહયું કે તેમના પક્ષ (કોંગ્રેસ)ની સ્વીકૃત નીતિ અનુસાર તેઓ આ વિદેશી શાસનનો અંત જોવા ઇચ્છે છે અને તે માટે કાર્યરત છે. આથી આ શાસનના વડા પ્રતિનિધિના સ્વાગતમાં તેઓ સામેલ થશે નહિ. સાથે સાથે વિવેક જાળવીને વાત કરવાની સૂઝ ધરાવનારા આ અનોખા મેયરે સ્પષ્ટતા કરી કે વાઇસરોયના વ્યકિતગત અનાદરનો આ પ્રયાસ નથી. પરંતુ શાસનની જે વ્યવસ્થાનું તેઓ પ્રતિનિધિત્વ કરે છે. તેની સામે તેમનો મૂળભૂત વિરોધ છે.
વિરોધમાં પણ કેવી સ્પષ્ટતા અને ગરીમા ! વિવેક સાથેના આ પ્રત્યુત્તરમાં આત્મ-સન્માન સહેજ પણ ઝાંખુ થતું નથી. શાયર નાઝીર દેખૈયાના શબ્દો યાદ આવે.
ખુદાયા ! આટલી તુજને વિનંતી છે આ નાઝીરની,
રહે જેનાથી અણનમ શીશ મુજને એ નમન દેજે.
વાઇસરોય તો નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે આવ્યા. શહેરના મેયરની ગેરહાજરીમાં થયેલું બાંડુ સ્વાગત ઘણાં બ્રિટીશ અમલદારોને ધૂંવાફુંવા કરી ગયું. પણ થાય શું? સમજાવટના તમામ પ્રયાસો ચરોતરની ધરતીના આ વીરના નિર્ણય સામે મીણબત્તીના મીણની જેમ પીગળી ગયા હતા. હવે તેમને મેયર પદે શી રીતે ચાલુ રહેવા દેવાય ? મુંબઇ શહેર કાઉન્સિલની સભા મળી તેમાં કોઇ સભ્યે મેયરની વાઇસરોયના સન્માન સમારંભમાં ગેરહાજરીનો પ્રશ્ન ઉઠાવ્યો. કાયદેબાજ મેયર કહે આ પ્રશ્ન આજે એજન્ડામાં નથી. આ પ્રશ્નની ચર્ચા કરવા અલગ બેઠક બોલાવી શકો છો ! સભા બરખાસ્ત કરવામાં આવી. ફરી આ હેતુ માટે સભા બોલાવવામાં આવી. બધાના આશ્ચર્ય વચ્ચે મેયર સામાન્ય સભાસદો સાથે જ બેઠા હતા. મેયરની ખુરશી ખાલી હતી. સભા શરૂ થવાના સમયે મ્યુનિસિપલ સેક્રેટરીએ મેયરના રાજીનામાનો પત્ર વાંચી સંભળાવ્યો. સભામાં સન્નાટો છવાઇ ગયો. મેયર સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવાની તક પણ હાથમાંથી ગઇ ! પણ ફરી સમસ્યા ઊભી થઇ. સભાના પ્રમુખ સિવાય હવે સભાનું સંચાલન કેવી રીતે અને કોણ કરે? બહુમતી સભ્યો પ્રસ્તાવ રજૂ કરીને કહે કે કામકાજની સરળતા માટે આ બેઠકનું પ્રમુખસ્થાન જૂના મેયર જ સંભાળે ! સભાની કાર્યવાહી તે રીતે પૂરી થઇ. ત્યારપછી બીજી સભા આવી. તેમાં પણ આજ બાબતનું પુનરાવર્તન થયું. ત્યારબાદ નવા મેયરની ચૂંટણી સભા મળી. આ સભામાં નવા મેયરની ચૂંટણી કરવાની હતી. રાષ્ટ્રીય પક્ષના એક અગ્રણીએ રાજીનામું આપનાર મેયરને ફરી ચૂંટવા દરખાસ્ત રજૂ કરી. આશ્ચર્યની ઘટના એ હતી કે દરખાસ્તને બહુમતીનો ટેકો મળ્યો. કેટલાક સરકાર તરફી વલણવાળા સભ્યોનો પણ તેને ટેકો મળ્યો ! આ સમયે એક ગોરા અમલદાર શ્રી કલેટન જેઓ આઇસીએસ અમલદાર હતા તેમજ મ્યુનિસિપલ કમિશ્નર હતા. તેમણે સભાને જણાવ્યું કે જૂના મેયરની કામ કરવાની સૂઝ તથા ધગશને કારણે તેમને ફરી ચૂંટવા જોઇએ ! પુનશ્ચ હરિઓમ થયું. ચરોતરના સુપુત્ર વીર વિઠ્ઠલભાઇ સ્વમાનનું બ્યૂગલ વગાડીને પોતાની આવડત, નિષ્ઠા અને શકિતના જોરે પુનઃ નગરના મેયર બન્યા. કેટલાયે બ્રિટીશ અમલદારોના ગળે આ વાત ઉતરી નહિ. વાઇસરોયના સન્માનનો બહિષ્કાર કરનાર વ્યકિત મુંબઇ શહેરના મેયર તરીકે કેવી રીતે ચાલુ રહી શકે ? પરંતુ ઘટના તેવી જ તેમની આંખ સામે બની. અહીં એ વાતની સ્મૃતિ થાય કે વિઠ્ઠલભાઇ અને સરદાર સાહેબના પિતા ઝવેરભાઇ શતરંજના અઠંગ ખેલાડી ગણાતા હતા. આ વાતની પ્રતીતિ તેમના બંન્ને પુત્રોએ હિન્દુસ્તાનના ઇતિહાસની કટોકટકીની ક્ષણોએ મારેલી સોગઠીઓ પરથી થયા સિવાય રહેતી નથી. દેશને સ્વાધીનતા મળી તેને લગભગ સાત દાયકાના વહાણા વાઇ ગયા છતાં વિઠ્ઠલભાઇ-વલ્લભભાઇના દેશ માટેના બલિદાન તેમજ યોગદાનનું મૂલ્ય અનેરું તથા અમૂલ્ય રહયું છે. તેથી જ સૌની સ્મૃતિમાં રહયું છે નેતૃત્વની આવી તેજસ્વીતા અને નિષ્ઠાના ભાગ્યે જ દર્શન થાય છે. કુંટુંબ જીવનની સ્વાભાવિક સવલતો તરફ વિઠ્ઠલભાઇનો કદી લગાવ રહયો નથી. વિઠ્ઠલભાઇના પત્ની નિઃસંતાન અવસાન પામ્યા. તેનો ઊંડો આધાત તેમણે અનુભવ્યો. વિઠ્ઠલભાઇની તે સમયે માત્ર ૩૭ વર્ષની ઉંમર હતી. અનેક સ્નેહીઓ તથા શુભેચ્છકોની સલાહ હોવા છતાં તેમણે ફરી સંસાર માંડવાનો વિચાર ન કર્યો. આ વીરની તમામ શકિત જાણે દેશહિતના કાર્યો માટેની અનામત સમાન હતી. કવિ ‘વિશ્વરથ’ ની પંકિતઓ આ બંન્ને વીર પાટીદારોને યથાર્થ રીતે લાગુ પડતી હતી.
મોત જેવા મોતને
પડકારનારા કયાં ગયાં ?
શત્રુના પણ શૌર્ય પર
વારી જનારા કયાં ગયાં ?
વિશ્વના વેરાન ઉપવનને
ફરી મહેકાવવા,
જિંદગીના જોમને સિંચી
જનારા કયાં ગયાં ?
ગર્વમાં ચકચૂર સાગરની
ખબર લઇ નાખવા
નાવડી વમળો મહીં
ફંગોળનારા કયાં ગયાં ?
લોકશાહીના જીવંત તથા અસરકારક અમલ માટે આપણી સંસદ કે વિધાનસભાઓનું મૂલ્ય અદ્વિતીય તથા પાયાનું છે. આ સંસ્થાઓની કાર્યવાહીની પધ્ધતિઓ નિશ્ચિત કરનારા ગુજરાતના બે સપુતો-દાદા સાહેબ માવળંકર તેમજ વીર વિઠ્ઠલભાઇને સ્વાધીન ભારતના લોકો કદી ભૂલી નહિ શકે. આ સંસ્થાઓ કટોકટીની તથા કસોટીની અનેક ક્ષણોમાં આજે પણ ઉન્નત મસ્તકે ગૌરવભેર ઉભી છે. તે જ વીર વિઠ્ઠલભાઇ તથા દાદા સાહેબની ઉજળી સ્મૃતિના અડિખમ સ્મારક સમાન છે.
લાહોર કોંગ્રેસના અધિવેશન તથા દાંડીકૂચ (૧૯૩૦) ના માહોલમાં દેશમાં જાગૃતિનો અસાધારણ જૂવાળ ફેલાયો હતો. વિઠ્ઠલભાઇને આ પરિસ્થિતીમાં એ વાતની પ્રતીતિ થઇ કે ધારાગૃહોમાં રહીને કામ કરવાની હવે વિશેષ ઉપયોગિતા કે અર્થ રહેલા નથી. આથી એપ્રિલ-૧૯૩૦માં વિઠ્ઠલભાઇ પોતાના પ્રમુખ(સ્પીકર)ના પદ પરથી છુટ્ટા થયા. જે વ્યવસ્થા જ અન્યાયના પાયા ઉપર રચાયેલી હતી. તે વ્યવસ્થાના ભાગ તરીકે રહેવાનું તેમને બદલાયેલા સંજોગોમાં ઉચિત ન લાગ્યું. મુકિત સંગ્રામમાં ભાગ લેતા જેલવાસ ભોગવ્યો. તેમનું સ્વાસ્થ્ય પણ કથળ્યું. તેમને સારવાર માટે વિયેના જવું પડયું. પોતાના સ્વાસ્થ્યમાં થોડો સુધારો જણાતાં ફરી આ કર્મવીર કામે લાગ્યા. તેમણે અમેરિકામાં પ્રવચન પ્રવાસો શરૂ કર્યા. આંતરરાષ્ટ્રીય જનમતને ભારતની ગુલામીની દારૂણ સ્થિતિનું સાચું દર્શન થાય તે માટે તેમણે તબિયતના ભોગે પણ વિદેશમાં અનેક સભાઓમાં સંબોધન કર્યું. પંડિત શામજી કૃષ્ણવર્મા, વીર સાવરકર તથા સરદારસિંહ રાણાની જેમ વિઠ્ઠલભાઇએ દેશની સ્વાધીનતાનો મહત્વનો મુદ્દો વિશ્વના જનમતને જાગૃત કરવા કુશળતાથી રજૂ કર્યો. તેમની શરૂઆત હંમેશા તાર્કિક તથા અસરકારક રહેતી હતી. ફરી અતિશય પરિશ્રમના કારણે તેમની તબિયત લથડી. માતૃભૂમિથી દૂર જિનીવામાં રર ઓકટોમ્બર-૧૯૩૩ના રોજ ચરોતરના આ સિંહની ગર્જના સદાકાળ માટે થંભી ગઇ. જેવું એકાકી જીવન તેવું જ એકાકી મૃત્યુ.
વલ્લભવિદ્યાનગરમાં વીર વિઠ્ઠલભાઇની સ્મૃતિમાં વ્યાખ્યાનમાળાનું નિયમિતત આયોજન થાય છે. તે આવકાર્ય તથા અભિનંદનને પાત્ર છે. ચરોતરની વીરભૂમિના આ બંન્ને રત્નો આઝાદીના ઇતિહાસમાં સદાકાળ માટે સૂર્યસમાન ઝળાહળા છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment