: સંતવાણી સમિપે : પગ પગ ભમ્યા પહાડઃ ધરા છાંડ રાખ્યો ધરમ :

બ્રિટીશરોની સત્તા તથા પ્રભાવનો સૂર્ય વિશ્વના અનેક ભાગો પર પથરાયેલો હતો. સ્વાધીનતાની વાત એ પરાધીન દેશના લોકોનું પ્રિય સ્વપ્ન હતું. અલબત્ત, આ સ્વપ્ન કયારે તથા કયા માર્ગે વાસ્તવિકતાનું સ્વરૂપ ધારણ કરશે તે બાબતમાં વ્યાપક અનિશ્ચિતતા હતી. અંગ્રેજો પોતાની સત્તાનો પ્રભાવ વિસ્તરે તથા  મજબૂત બને તે માટે નિરંતર પ્રયાસ કરતા રહેતા હતા. દેશની આ સ્થિતિની પૂર્વભૂમિકામાં ૧૯૦૩ના એક ઐતિહાસિક પ્રસંગની વાત સ્વાધિનતા સંગ્રામમાં નોંધાયેલી ઉજવળ તથા યાદગાર ઘટના છે. ઇંગ્લાંડના એડવર્ડ (સાતમા)ના રાજયારોહણનો આ પ્રસંગ છે. બંગાળના વીર ક્રાંતિકારીઓની ગતિવિધિથી ગભરાયેલી સરકારે પોતાની સ્થાયી શકિતનું મજબૂત નિદર્શન કરાવવા માટે દિલ્હીમાં એક દરબારનું આયોજન કર્યું. ભારતના વાઇસરોય તરીકે તે સમયે ફરજ બજાવતા લોર્ડ કર્ઝનનો આ વિચાર હતો. લોર્ડ કર્ઝન વિચક્ષણ હતા. ઉપરાંત જયાં જરૂર જણાય ત્યાં યેનકેન પ્રકારેણ બ્રિટિશ સત્તાને મજબૂત કરવા માટેના તમામ પ્રયાસો કરવા માટે તેઓ જાણીતા હતા. ૧૯૦૩ના દિલ્હી દરબારમાં તમામ મહત્વના રાજવીઓને હાજરી આપવા માટેનું નિમંત્રણ આપવામાં આવ્યું. નિમંત્રણનો કોઇ રાજવી અસ્વીકાર કરે તો  શાસનની કરડી નજર તે રાજય તરફ રહે તે વણલખી વાત સૌ કોઇ સમજતા હતા. અંગ્રજો તરફની રાજવીઓની નિષ્ઠાનું તેમજ સ્વામીભકિતનું આ પ્રદર્શન હતું. આ સમારંભમાં હાજરી ભરનાર રાજવીએ પોતાના ઉજળા ઇતિહાસ તથા સ્વાભિમાનને અળગા મૂકવાના હતા. આ સમારંભમાં કોઇ મહત્વના રાજવી ઉપસ્થિત ન રહે તો  લોર્ડ કર્ઝનની ઇચ્છિત મુરાદ પૂરી ન થાય. તત્કાલીન મેવાડના મહારાણા ફતેસિંહ આ દરબારમાં હાજરી આપવા માટે ઉત્સુક ન હતા. ઉદેપુર તથા મેવાડની કીર્તિ દેશમાં સૂર્ય  સમાન તેજસ્વી ગણાતી હતી. આ સંજોગોમાં ઉદેપુર મહારાણાને આવી સલામી કરવાનું કામ તેમના ઉજળા ઇતિહાસને ધ્યાનમાં લેતાં ઠીક ન લાગ્યું તે સ્વાભાવિક પણ હતું. સત્તા સામે તમામ તકલીફો સહન કરીને પણ સંઘર્ષ કરનાર તેમના પૂર્વજ મહારાણા પ્રતાપનું પુણ્ય મરી પરવાર્યું ન હતું. પરંતુ કાળ બદલાયો હતો. એક અથવા બીજી યુકિત પ્રયુકિતથી લોર્ડ કર્ઝને મહારાણા ફતેસિંહને દરબારમાં હાજરી આપવા માટે સમજાવી લીધા હતા. મહારાણા આ સમારંભમાં હાજરી આપવાના છે તેવા સમાચારથી અનેક સ્વાભિમાની લોકોના દિલ દુભાયા હતા. પરંતુ આ સ્થિતિનું  હવે નિવારણ કેમ કરવું? મહારાજાની દરબારમાં ઉપસ્થિત રહેવાની વાત તો વાયુવેગે પ્રસરી ગયેલી હતી. મહારાણાની સવારી દિલ્હી તરફ રવાના થાય તે દરમિયાન કેટલાક સ્વાભિમાની દેશભકતોના આગ્રહ તથા વિનંતીથી ઠાકુર કેશરીસિંહજી નામના વિચારક તથા નિર્ભય રાજય કવિએ સમગ્ર મેવાડની પ્રજાના મનમાં પડેલી વાત મહારાણા સુધી પહોંચાડવા પ્રયાસ કર્યો. મહારાણાના દિલ્હી જવાના અને દરબારમાં હાજરી આપવાના નિર્ણયને માન્યતા આ સ્વાભિમાની કવિ કદી આપી શકે તેમ ન હતા. મહારાજને રોકવાના છેલ્લા પ્રયાસ તરીકે આ ક્રાંતિકારી કવિએ કેટલાક સોરઠાઓ (દુહાનો એક પ્રકાર) લખ્યા અને તેમાં પોતાની ઉછળતી લાગણીઓની ભરપૂર અભિવ્યકિત કરી આ પ્રકારનું લખાણ કરીને બ્રિટીશ સત્તાધીશોને નારાજ કરવાનું પરિણામ કવિ જાણતા હતાં. તે માટે સર્વસ્વ હોમવાની તેમની સંપૂર્ણ તૈયારી હતી. સ્વાધીનતાનું સ્વપ્ન સેવનારે તેની આકરી કિંમત ચૂકવવી પડે છે.તેનાથી કેશરીસિંહજી સારી રીતે વાકેફ હતા. એક સ્વાભિમાની પ્રજાના તથા ઉજળો ઇતિહાસ ધરાવતા રાજવીને તેમ કરતા રોકવામાં કવિને પોતાનો યુગધર્મ દેખાયો હતો. કવિ મેવાડના રાજવીને સંબોધીને શબ્દોના તાતા તીર છોડે છેઃ 

પગ પગ ભમ્યા પહાડ

ધરા છાંડ રાખ્યો ધરમ

(ઇસૂ) મહારાણા અરુ મેવાડ

હિરદે બસીયા હિન્દરે

કવિ મહારાણાને સંબોધીને કહે છે કે સચ્ચાઇ તથા નિજ ધર્મ સાચવવા માટે તારા પૂર્વજોએ અનેક આફતોને હસતા મુખે આવકારી છે. પહાડો તથા અરવલ્લીની ટેકરીઓમાં તેઓ ભટકયા છે. પરંતુ સ્વમાન અને સ્વાધિનતા જાળવી રાખ્યા છે અને આવા પરાક્રમને કારણે જ સમગ્ર હિન્દુસ્તાનને મહારાણા તથા મેવાડ પ્રિય છે. 

દેખેલા હિન્દવાણ નિજ

સૂરજ દિસ નેહ સૂં

પણ તારા પરમાણ

નિરખ નિસાસા ન્હાકશી.

આ સમારંભમાં હાજર રહેનાર મેવાડના મહારાણાને બ્રિટીશ સરકાર Star of India નો ખિતાબ આપવાની હતી તેવી વાતો તે સમયે વહેતી થયેલી હતી. આ વાતને પકડીને કવિ એક  ચોટદાર કટાક્ષ કરે છે કે મેવાડ અને સમગ્ર હિન્દુસ્તાન આપને સૂર્ય સમાન માને છે. આપ સૂર્યવંશી છો. પરંતુ આજે આપ સામે ચાલીને આપનું સૂર્યપણું છોડીને તારા (star) નો ખિતાબ સ્વીકારવા ઉત્સુક થયા છો તે જોઇને પૂરો સમાજ ઊંડા નિસાસા  ભરે છે ! 

માન મોદ સીસોદ

રાજનીતિ બલ રાખણો

ગવરમેન્ટરી ગોદ,

ફલ મીઠા દીઠા ફતા !

કવિ સિસોદીયા કુળના મહારાણાને કહે છે કે આપણું સ્વાભિમાન તો આપણી તાકાત થકી જ જળવાય છે. સત્તાધીશ સરકારના ખોળામાં બેસીને મીઠા ફળ ચાખવાની ઘેલછા સામે કવિએ મહારાણાને ખબરદાર કર્યો છે. ‘‘ચેતાવણી રા ચૂંગટ્યાં’’ (ચેતવણીના ચૂંટીયા) શીર્ષક હેઠળ મારવાડીમાં લખાયેલા આ સોરઠા મહારાણાને દિલ્હી નજીક તેઓ પહોંચી જાય છે. તેવા સમયે ખાસ પ્રયાસો કરીને પહોંચાડવામાં આવે છે. શબ્દોના ઘાવ ઊંડા અને અસરકારક હોય છે. મહારાણાની સ્વમાનની  લાગણી કવિના શબ્દે પુનઃ જાગૃત થાય છે. દિલ્હી જઇને તેઓ લોર્ડ કર્ઝન આયોજિત દરબારમાં હાજરી આપતા નથી. મેવાડની ખાલી ખુરશી લોર્ડ કર્ઝનને ખૂંચે છે. પરંતુ સમગ્ર લોકસમૂહમાં સ્વાભિમાનના ગૌરવની એક લહેર પ્રસરી જાય છે. રાજસ્થાન સાહિત્ય અકાદમીએ કવિ કેશરીસિંહજીના ઉજવળ જીવનને ગ્રંથસ્થ કરેલું છે. તેમાં આ ઘટનાનો ગૌરવપૂર્ણ ઉલ્લેખ કરવામાં આવેલો છે. ૩૧ માર્ચ ૧૯૧૪ના દિવસે બ્રિટીશ સરકાર અનેક પ્રકારના આરોપ મૂકીને રાજનૈતિક ષડયંત્ર માટે કવિની ધરપકડ કરે છે. કવિની વારસામાં મળેલી સંપૂર્ણ જાગીર જપ્ત કરવામાં આવે છે. વિશાળ પુસ્તકાલય સાથેની તેમની હવેલી ખાલસા કરવામાં આવે છે. સુખી તથા સમૃધ્ધ કુંટુંબના સભ્યો એકાએક ઉપર આભ અને નીચે ધરતી એવી કફોડી હાલતમાં આવી જાય છે. ઠાકુર કેશરીસિંહના યુવાન ક્રાંતિકારી પુત્ર કુંવર પ્રતાપની ધરપકડ કરીને તેને બરેલી જેલમાં ગોંધી રાખવામાં આવે છે. યુવાન ક્રાંતિકારી કુંવર પ્રતાપ જેલમાં અદમ્ય યાતનાઓ ભોગવીને આ જગતમાંથી કાયમી મુકિત મેળવે છે. અનેક શકયતાઓથી ભરેલું આ યુવાનનું જીવન અકાળે તથા અન્યાયી રીતે અસ્ત પામે છે. પ્રસિધ્ધ ક્રાંતિકારી રાસબીહારી બોઝ લખે છે કે કેસરીસિંહે પોતાનું કહી શકાય તેવું સર્વસ્વ મુકિત સંગ્રામની વેદી પર અર્પણ કર્યું છે. આવા ઉદાહરણો ઇતિહાસમાં જવલ્લે જ જોવા મળે છે. ૦૬ ઓકટોમ્બર-૧૯૧૪ના  દિવસે ઠાકુર સાહેબને આજીવન કેદની સજા ફરમાવવામાં આવી. સરકાર તરફથી દલીલ તો ખૂબ ભારપૂર્વક એવી કરવામાં આવી હતી કે કવિરાજાને મૃત્યુદંડની સજા કરવામાં આવે. પરંતુ તત્કાલીન સુવિખ્યાત બેરિસ્ટર નવાબ હામિદ અલીખાને ઠાકુર સાહેબની નિર્દોષતા સાબિત કરવા માટે જુસ્સાપૂર્વકની તથા તર્કબધ્ધ દલીલો કરવામાં આવી. આ રજૂઆતને અવગણીને મૃત્યુદંડનો નિર્ણય કરવો તે અદાલત માટે મુશ્કેલ હતું. ભરી અદાલતમાં ભાવુક બની બારિસ્ટર ખાન સાહેબે પોતાના અસીલનું ઉજવળ જીવન પ્રકાશિત કરવા અદાલતની અનુમતિથી ‘નઝમ’ સંભળાવી. 

વો મુલ્ઝિમ કેસરી

જાનો દિલ સે હૈ દેશકા હામી

વો મુલ્ઝિમ ઉમ્ર જીસકી

દેશ કી ખિદમત મેં ગુઝરી હૈ

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑