: ક્ષણના ચણીબોર : હોડીને દૂર શું ? નજીક શું ? :

૧૯૫૪ ના નવેમ્બરની ૧પમી તારીખે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી (અમૂલ – આણંદ)ના વિશાળ પરિસરમાં ભારતના રાષ્ટ્રપતિ આવ્યા તે પ્રસંગ ખેડા જિલ્લાના તથા ગુજરાત રાજ્યના તમામ દૂધ ઉત્પાદકો – ખેડૂતો માટે આનંદ તેમજ ગૌરવનો હતો. દૂધ ઉત્પાદકોમાં જાગેલો એક નૂતન આત્મવિશ્વાસ દેશના અનેક લોકો જોઇ શકતા હતા. અમૂલના નવા ડેરી પ્લાન્ટનું આ દિવસે ડૉ. રાજેન્દ્રપ્રસાદ ભૂમિપૂજન કરવાના હતા. આ એક એવો ડેરી પ્લાન્ટ હતો કે જેની માલિકી ખુદ દૂધ ઉત્પાદકો ધરાવતા હતા. આ બાબત એ તેની વિશેષતા હતી. સમગ્ર દૂધના વેપારમાં થતા શોષણ તેમજ ઇજારાશાહીનો સૂર્યાસ્ત થતો જોઇ શકાતો હતો. ડૉ. રાજેન્દ્રપ્રસાદે ગુજરાતના ખેડૂતોને આ પ્રસંગે બીરદાવ્યા. સહકારી ધોરણે દૂધનો વેપાર કરવામાં આવે તો નાનાનાના અનેક દૂધ ઉત્પાદકોને વિશેષ આર્થિક વળતર મળે અને દૂધની ઉપલબ્ધિમાં વૃધ્ધિ થાય તેવો વિચાર આપનારા સરદાર પટેલની સ્મૃતિ અનેક લોકોને આ પ્રસંગે થઇ આવી. સરદાર સાહેબના આ સ્વપ્નને ભૂમિ પર ઉતારવાનું શ્રેય ચરોતરના સુપુત્ર ત્રિભોવનદાસ પટેલ તથા ડેરી ટેકનોલોજીના નિષ્ણાત ડૉ. કુરિયનને જતું હતું. white revolution નો પ્રારંભ આ પગલાથી થતો હતો. નવેમ્બર મહિનામાં જ્યારે વિશ્વભરમાં ‘સહકાર સપ્તાહ’ ની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ખેડા જિલ્લાની આ ઐતિહાસિક પહેલની સુખદ સ્મૃતિ થાય છે. યોગાનુયોગ આ શ્વતેક્રાંતિના જનક ડૉ. વર્ગીસ કુરિયનનો જન્મ પણ કેરાળા રાજ્યમાં નવેમ્બરની ૨૬મી તારીખે ૧૯૨૧ માં થયો હતો. ગુજરાતને પોતાનું ઘર બનાવનારા આ સવાયા ગુજરાતીને રાજ્યના અસંખ્ય દૂધ ઉત્પાદકોનો સ્નેહ તથા સમર્થન મળ્યા હતા. આપણી આજની બજાર વ્યવસ્થામાં સહકારી ધોરણે કાર્ય કરતી સંસ્થાઓ, ખેડૂતો તેમજ દૂધ ઉત્પાદકોનું આર્થિક હિત વિશેષ સારી રીતે જાળવી શકે છે તે વાતની પ્રતીતિ અમૂલ તથા દૂધસાગર જેવી સંસ્થાઓને મળેલી સફળતા પરથી થઇ શકે છે. 

ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અને બીજા છેડે ગ્રાહકને (end user) વાજબી ભાવે તેમજ ગુણવત્તાયુક્ત વસ્તુ મળી રહે તે પ્રશ્ન દરેક સમયે એક પડકારનો વિષય બની રહેલો છે. દરેક સરકારને પણ આ પ્રશ્ન સતાવતો રહે છે અને તેના નિરાકરણ માટે પ્રયાસો થતા રહે છે. ચરોતરમાં દૂધ ઉત્પાદકોની મોટી સંખ્યા હતી. આ ઉત્પાદકોને તેમના ઉત્પાદનના વેચાણ માટે ખાનગી એજન્સીઓ પર આધાર રાખવો પડતો હતો. પેસ્તનજી નામના એક પારસી વેપારીની દૂધના વેચાણની સમગ્ર વ્યવસ્થા પર પૂરી પકડ હતી. આ વેપારીએ માખણનો પણ મોટો વેપાર શરૂ કર્યો હતો. આ માખણને પશ્ચિમી ઢબનું લાગે તેવું ‘પોલસન’ નામ આપવામાં આવ્યું હતું. પોલસન એક લોકપ્રિય બ્રાન્ડ બની ગઇ હતી. માખણના પર્યાય તરીકે લોકો સામાન્ય વાતચીતમાં પોલસન શબ્દનો ઉપયોગ કરતા હતા ! પોલસન તથા તેની મદદમાં રહેલા અનેક પ્રત્યક્ષ તથા પરોક્ષ સ્થાપિત હિતોને અમૂલે આત્મવિશ્વાસના બળે પડકાર્યા હતા. ત્રિભુવનદાસ જેવા નિષ્ઠાવાન તેમજ સમર્પિત સહકારી આગેવાન તેમજ ડૉ. કુરિયન જેવા વહીવટ તેમજ વિષયના નિષ્ણાંત અધિકારી સમગ્ર પ્રવૃત્તિનું આયોજનબધ્ધ સંચાલન કરતા હતા. અમૂલનો વિજયધ્વજ ખેડૂતોની મૂંગી અને મજબૂત શક્તિના બળે ફરકાવી શકાયો હતો. અનેક પડકારોને ઝીલીને સહકારી ધોરણે ગોઠવાયેલા દૂધ અને દૂધની અનેકવિધ બનાવટોના વેચાણે સ્થિરતા પ્રાપ્ત કરી છે. એકવાર શઢ ભરીને યાત્રા શરૂ કરનાર હોડીની માફક દૂધ મંડળીઓનો વિકાસ અનેક ઝંઝાવાતો સામે ટકીને નિરંતર આગળ વધેલો છે. શઢ ભરીને સફર શરૂ કરનાર હોડી ફરી ક્યાં પાછું વાળીને જૂએ છે ? કવિ ઉમાશંકર જોશીના શબ્દો યાદ આવે છે. 

એકવાર શઢ ભર્યા ફૂલ્યા

ને વાયરા ખૂલ્યા,

કે હોડીને દૂર શું ? નજીક શું ?

કદી ઝંઝાને વીંજણે રમંતી

તૂફાને ભમંતી

કે હોડીને દૂર શું ? નજીક શું ?

આપણા દેશના અનેક રાજ્યોમાં ‘અમૂલ પેટર્ન’ નો અભ્યાસ થયો અને તેનું અનુકરણ અનેક સ્થળોએ દેશમાં કરવામાં આવ્યું. વિશ્વના પણ કેટલાક દેશોએ આ પેટર્ન મુજબ પોતાને ત્યાં દૂધના સમગ્ર વેપારનું આયોજન ગોઠવ્યું. અમૂલ ગુજરાતની ઓળખ સમાન બની રહયું. આણંદ વિશ્વના નક્શા ઉપર ગૌરવભેર મૂકાયું. ડૉ. વર્ગીસ કુરિયનની સ્મૃતિ અનેક દૂધ ઉત્પાદકોના દિલમાં હજુ પણ તરોતાજા રહેલી છે. 

વી. એસ. ગઢવી 

ગાંધીનગર. 

Leave a comment

Blog at WordPress.com.

Up ↑