જીવનના આઠ યાદગાર દાયકા વટાવીને ઊભેલી સ્વસ્થ સોફીયા લોરેનના સમાચારો સપ્ટેમ્બર ૨૦૧૫માં અનેક સમાચાર માધ્યમોમાં જોવા મળ્યાં. ૮૧ વર્ષની સોફીયા કહે છેઃ Retirement ! That’s terrible” કર્મ એજ જીવનની ફીલસૂફી આ કલાકારે જીવી જાણી છે. ૨૦ સપ્ટેમ્બર-૧૯૩૪માં રોમ-ઇટલીમાં જન્મ લેનાર આ વિશ્વ વિખ્યાત હસ્તીનું બાળપણ ખરાબ દશા તથા પ્રતિકૂળ સંજોગોમાં પસાર થયું હતું. બાપ તરફથી તરછોડવામાં આવેલી તેની માતાના સહારે ઝૂંપડપટ્ટીમાં જીવન ગુજાર્યું હોવાની ઘટના તે કદી ભૂલી નથી. બીજા વિશ્વયુધ્ધના કારણે સ્થિતિ વધારે ખરાબ બની. આમ છતાં પિતાના અન્યાયી વલણ કે સાધન-સગવડ સિવાયના જીવનની કડવાશ તેના જીવનમાં જોવા મળી ન હતી. પિતાની મરણ પથારી પાસે સોફીયા તમામ ભૂતકાળને ભૂલીને સાંત્વના આપવા માટે ઊભી રહી હતી. જીવનના વિધાયક દૃષ્ટિનું આ એક ઉદાહરણ છે. માંજરી આંખોવાળી આ અભિનેત્રી જીવનના લગભગ છ દાયકા સુધી આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઉદ્યોગમાં અલગ સ્થાન તથા માન જાળવીને રહી શકી તે એક અસામાન્ય ઘટના છે.
માત્ર ૧૪ વર્ષની ઉંમરે એક સૌદર્ય સ્પર્ધામાં તે ઝળકી ઊઠી અને પ્રગતિના એક પછી એક શિખર સર કરવાની ભાતીગળ જીવન-યાત્રાની શરૂઆત થઇ. સોફીયા આટલી નાની ઉંમરમાં જાણીતા ફિલ્મ પ્રોડયુસર કાર્લો મોન્ટીની નજરમાં વસી ગઇ. કાર્લો સોફીયાથી ઉંમરમાં ૨૨ વર્ષ મોટા અને ફિલ્મ નિર્માણના અનુભવી કસબી હતા. અભિનયક્ષમતા અને સૌદર્યના સાક્ષાત અવતાર સમાન સોફીયા વિશ્વભરના દર્શકોની માનીતી બની. તેની અનેક ફિલ્મોમાં હાઉસબોટ (૧૯૫૮), ટુ વીમેન(૧૯૬૦) અને યસ્ટરડે ટુડે એન્ડ ટુમોરો (૧૯૬૩) જેવી અનેક જાણીતી ફિલ્મો પ્રેક્ષકોએ વખાણી અને વધાવી. ૧૯૬૬માં ફિલ્મ નિર્માતા કાર્લો મોન્ટીને જ પરણી અને બે સંતાનની પ્રેમાળ માતા બની રહી. ૧૯૫૭માં યુએસએમાં નિર્માણ પામેલી એક ફિલ્મમાં કામ કર્યું અને ફિલ્મને અણધારી સફળતા મળી. તેના સુદીર્ધ કાર્યકાળમાં ૫૦ થી વધારે એવોર્ડઝ આ અભિનેત્રીને મળ્યા તે એક ફિલ્મ જગતની નોંધપાત્ર ઘટના છે. ૧૯૯૧માં એક મેગેઝીન દ્વારા યોજવામાં આવેલ સ્પર્ધામાં તે વિશ્વના ૫૦ અતિ સુંદર લોકોની યાદીમાં સ્થાન પામી.
યુએસએના એક કલા-રસિકોના નોન-પ્રોફીટ મંડળે સોફીયાની સિધ્ધિઓ માટે તેનું જાહેર સન્માન કર્યું. સોફીયાની સિધ્ધિઓને જાહેરમાં બીરદાવવામાં આવી. તેને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો. સમાચાર માધ્યમોએ નોંધ કરી કે ૮૧ વર્ષની ઉંમરે ‘‘બ્લેક ઇવનીંગ ગાઉન’’ માં સમારંભમાં પોતાના પુત્ર તથા પુત્રવધુ સાથે હાજર રહેલી આ જાજવલ્યમાન અભિનેત્રીએ સૌને પ્રભાવિત કર્યા હતા. આજે પણ પોતે કાર્યરત છે તેની વિગતો આપીને તેણે સક્રિય જીવન જીવવાની પ્રેરણા આપી હતી. તેણે દુનિયાભરની નવી અભિનેત્રીઓ કે અભિનયને કારર્કિદી બનાવવા માંગતી નાની છોકરીઓને ઉપયોગી tips આપી. આગળ વધવું હોય તો ગંભીરતા તથા તન્મયતાથી મહેનત કરવાનો તેણે સંદેશ આપ્યો. સાથે સાથે જ સફળતાની સીડી સર કરવામાં કાળજી લેનારા મા-બાપની પણ તેણે અનિવાર્યતા બતાવી. આ સાથે જ દુનિયામાં નિત્ય પરિવર્તન પામતા સમય સાથે ડગલા ભરવા તેણે અનુરોધ કર્યો. નવી ટેકનોલોજીને અપનાવવા માટે જરૂરી ક્ષમતા કેળવવા તેણે સલાહ આપી. સ્ત્રી-પુરુષ સમાનતાની બાબતમાં તેણે કહયું કે આ બાબત હજુ પણ સંપૂર્ણ રીતે ‘જેન્ડર-ન્યૂટ્રલ’ થઇ નથી. પરિવર્તન થયું છે છતાં કેટલીક અસમાનતા જોઇ શકાય છે. જિંદગીની અનેક લીલી-સૂકી જોનાર આ અભિનેત્રીનો જીવન તરફનો દૃષ્ટિકોણ કોઇને પણ પ્રભાવી કરી શકે તેવો છે. આપણાં એક ફિલ્મી ગીતના શબ્દોની માફક જીવંત તેમજ નિત્ય વહેતા રહેલા જીવનની તે બ્રાન્ડ એમ્બેસેડર છે.
નદીયાં ચલે ચલે રે ધારા
ચંદા ચલે ચલે રે તારા
તુજકો ચલના હોગા ……
ચમકદમકની દુનિયામાં જીવન વ્યતિત કરનાર આ સ્વભાવથી લો પ્રોફાઇલ અભિનેત્રી કહે છેઃ
Show business is what
I do, not what I am.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment