: ક્ષણના ચણીબોર : ઊભું વરસ દિવાળીજ રે : જેના રુદિયામાં રામ :

નવા આ વરસના

બાપા, રામ, રામ !

રાત દિ રામને સંભારતા

કરજો ભાવતી લીલાલેર

નવા વરસના… રામ રામ !

ખેતર ખેડી ખાતર પૂરજો

વાલો વરસે અનરાધાર

સાચુકલાં બિયારણ વાવજો

કે ધાન ઉતરે અપરંપાર

નવા વરસના… રામ રામ !

ઊભું વરસ દિવાળીજ રે

જેના રુદિયામાં રામ

હરખ સંતોષ ગાજે સામટો

ખોરડું ને આખું ગામ…

નવા વરસના… રામ રામ !

કવિ મુકુન્દરાય પારાશર્યના આ સુંદર શબ્દો દીપોત્સવ પર્વના આ શુભપ્રસંગે યાદ આવે છે. અનંત કાળને આપણે આપણી સૂઝ તથા સગવડ પ્રમાણે આપણે નામકરણ કરીએ છીએ. આ નામાભિધાન ક્યારેક ઋતુઓના નામથી હોય છે તો ક્યારેક તહેવારો કે પ્રસંગો પરથી પણ હોય છે. કાળને તેથી ક્યાં કશો ફરક પડે છે ? આપણે સંધ્યા કે સૂર્યાસ્ત માણતા હોઇએ ત્યારે વિશ્વના અન્ય કોઇ ખૂણાના આપણા ભાંડુઓ ઉગતા સૂર્યને વધાવતા હોય છે. આથી કવિ કહે છે કે આ અસિમિત કાળનો જે ભાગ આપણાં હિસ્સામાં આવ્યો છે ત્યાં રામને સંભારીને કર્તા ભાવ સિવાય ભાગમાં આવ્યું છે તે કર્મ ભાવથી કરતા રહીએ તો જીવનમાં આનંદ કે સંતોષની શોધ કરવા બહાર ભટકવું પડે નહિ. આ ભાવ પ્રગટ થાય તો અંતરમાં અજવાળું પ્રગટ થયેલુંજ સમજવું. કવિ માધવ રામાનુજના શબ્દો સ્મૃતિમાં આવે છે. 

અંદરતો હવે અજવાળું અજવાળું

ટળવળતી હોય આંખ જેને જોવાને

એ મીંચેલી આંખેય ભાળું…

ખેતર ખેડવાનો પુરુષાર્થ હશે અને સાચા બિયારણની વાવણી કરી હશે તો ધન ધાન્યની મણા રહેશે નહિ. આપણી નિષ્ઠા અને મહેનતનો પ્રતિસાદ આપવામાં પરમ તત્વની કદી ચૂક થતી નથી. આપણું કામ તો ખરા દિલથી અને પરિશ્રમથી બીજ રોપવાનું છે. એકવાર બીજ રોપાયા પછી તો કુદરતના સઘળા તત્વો પોતપોતાની ફરજ નિભાવશે તેવો સાંઇ મકરંદનો સધિયારો છે. 

વેર્યા છે બીજ અમે છૂટ્ટે હાથે

હવે વાદળ જાણેને વસુંધરા !

કવિ બીજી એક મહત્વની વાત ઉપરના કાવ્યમાં કરે છે. તે વાત ધ્યાન દઇને સાંભળવા જેવી છે. સાચુકલાં બીજ રોપવાની વાત ક્રાંતદ્રષ્ટા કવિ કરે છે. ‘‘ જેવું વાવો તેવું લણો ’’ વાળું આપણું અનુભવનું ડહાપણ ભૂલવા જેવું નથી. બીજ સાચું હોય તોજ તેનું ફળ કલ્યાણકારી બને. નહિતર કદાચ ધાન અપરંપાર ઉતરે તેવું બને પરંતુ સંતોષની સાચુકલી સમૃધ્ધિ તો દૂરજ રહે. વ્યક્તિગત તો ઠીક પરંતુ સામુહિક કાર્યમાં પણ સાચા બીજ રોપવાની ગાંધીજી માત્ર વાત કરીને અટક્યા નથી. તે બાબતને પ્રયોગથી પ્રમાણભૂત પણ કરી છે. સદ્દગુરુના વચનોના બી વાવવાથી તેનું પરિણામ પણ મંગળમય હોય છે. કવિ શ્રી કાગ લખે છે : 

માડી ! તારા વચનુનાં

બી જેણે વાવ્યા

કોઠારે રૂડાં કણ ભર્યા રેજી…

માડી એના દાણે દાણે

દીનાનાથ વિશંભર વાતું કરે રેજી…

ધન્ય ધરામાં જો વાવણી પણ ધન્ય હશે તો તેનું પરિણામ ધન્ય – મંગળમય ન હોય તેવું કેમ બને ? 

નૂતન વર્ષના રામ-રામ કવિ મુકુન્દરાયની કાવ્ય પંક્તિઓ સાથે કરતા કવિએ ભાવથી લખેલી સત્યકથાઓના નાના-મોટા સ્વયંપ્રકાશિત પાત્રોનું તેજ આપણાં વ્યક્તિગત તેમજ સામુહિક જીવનમાં પ્રગટે તેવી પ્રાર્થના કરવી અસ્થાને નથી.  

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑