મા ની આરાધના કરવાના દિવસો છે. નવરાત્રીની ઝાકમઝોળ ગુજરાતના ખૂણે ખાંચરે જોઇ શકાય છે. શરદના મૃદુ વાયરાઓનું આગમન તેમજ નવરાત્રીની શક્તિ આરાધના સાથે દર્શકની પવિત્ર સ્મૃતિ થવી સ્વાભાવિક છે. પ્રાજ્ઞ પુરુષ દર્શક ઓક્ટોબર-૧૯૧૪ ના ઓક્ટોબરની ૧૫મી તારીખે સંસારમાં આવ્યા. તેમનું વિશાળ તેમજ બહુઆયામી સાહિત્ય તેમની જન્મ શતાબ્દિ બાદ આજે પણ નવરાત્રીના દિપોત્સવની જેમ પ્રકાશ પાથરી રહેલું છે. નાનાભાઇ ભટ્ટના આ પ્રતાપી શિષ્યે માત્ર કેળવણીના ક્ષેત્રેજ પોતાના કામનું સીમાંકન કર્યું હોત તો પણ તેમનું નામ તથા પ્રભાવી પ્રદાન અમર થઇ ગયા હોત. ગુજરાતે સફળ તથા વ્યાપારી કૂનેહ ધરાવતા ઉદ્યોગપતિઓનીભેટ દેશના ચરણે ધરી છે. તે બાબતની સાથે સાથે એ વાતની પણ સ્મૃતિ થાય છે કે ગુજરાતે ઉત્તમ શિક્ષકોની તેમજ કેળવણીની એક જૂદી પધ્ધતિની ભેટ દેશને આપી છે. ઉમાશંકર જોશી, ધીરૂભાઇ ઠાકર, ડોલરરાય માંકડ જેવા શિક્ષણશાસ્ત્રીઓની હરોળમાં એક તેજસ્વી નામ દર્શકદાદાનું છે.
શિક્ષણના ક્ષેત્રમાં દર્શકના વિચારો એક નૂતન દિશાનું દર્શન કરાવે છે. દાદા લખે છે : ‘‘જે સમાજ બાળકો માટે સર્જનકાર્યની વ્યવસ્થા પોતાની શિક્ષણપ્રથામાં વણી લે છે તે સમાજને કોર્ટો, જેલો તથા લશ્કરોનું ખર્ચ ઓછું કરવું પડે છે.‘‘ યોગ્ય તથા ઉત્તમ કેળવણીને તેઓ વિશ્વશાંતિ માટેની અનિવાર્ય પૂર્વ શરત ગણાવે છે. સંહારવૃત્તિને બદલે સર્જનવૃત્તિ તરફ વાળતું શિક્ષણ સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકે છે. દર્શકે પોતાના પ્રવચનમાં આપેલું એક દ્રષ્ટાંત સુવિખ્યાત છે પરંતુ ફરી ફરી કહેવું તથા સાંભળવું ગમે તેવું છે.
મેડમ મોન્ટેસરીને કોઇકે કહ્યું કે ઇઝરાયેલમાં કોઇકે ડંખ વગરની મધમાખીની શોધ કરી છે. આ સાંભળીને કેળવણીને સમર્પિત આ સુજ્ઞ મહિલા કહે છે કે આપણે તો ડંખ વગરનો માણસ પેદા કરી શકીએ તેવું કરવું છે ! કેળવણી જે ડંખ વગરનો માણસ પેદા કરી શકે તેનું અવતરણ તથા સ્થાપનનું કાર્ય દર્શક નાનાભાઇ જેવા વ્યક્તિવિશેષોએ કરેલું છે. દર્શક કે નાનાભાઇ ભટ્ટ ભલે બીજા અનેક ક્ષેત્રોમાં ગયા અને અધિકારપૂર્વક પ્રદાન કર્યું પરંતુ તેમની ખરી શિક્ષકત્વની સાધના તો અખંડ અને અવિરત ચાલી હતી. નાનાભાઇ તથા દર્શકની ગામડાઓમાં ધૂણી ધખાવીને શિક્ષણનો પ્રસાર કરવાની વિચારપૂર્વકની યોજનાના કારણે ગ્રામદક્ષિણામૂર્તિ અસ્તિત્વમાં આવી.
માનવજીવનનાં મોંઘેરા મૂલ્યો સાચવીને બેઠેલા વિશાળ જનસમૂહના ચરણોમાં મેઘાણીભાઇ જેવા આડાભીડ સાહિત્યકારે શ્રધ્ધાથી શીશ નમાવ્યું તેનું અદકેરુ મૂલ્યે દર્શકે કર્યું છે. મેઘાણીની સ્મૃતિમાં દર્શકે ચોટીલાની વિશાળ સભામાં એક લોકસાહિત્યકારની ભાતીગળ છબીનું આબેહૂબ દર્શન કરાવ્યું. જે વાસ્તવિકતાનું દર્શન ગાંધીજીએ કરીને ચિંતા સેવી હતી તે સ્થિતિનુંજ દર્શન દશર્કે કર્યું છે. સમાજમાં બે ભાગ પડી ગયા છે. એક ભણેલા લોકોનો સમૂહ છે અને બીજો અભણ લોકોનો સમૂહ છે. આ બન્ને વર્ગ વચ્ચે સેતુબંધ રચવાનું મહત્વનું તથા જરૂરી કાર્ય મેઘાણીએ કર્યું તેવો દર્શકનો મત સંપૂર્ણપણે યથાર્થ છે. મેઘાણી લખે છે.
ભેદની ભીંતુ ને આજ મારે ભાંગવી
મનડાની આખરી ઉમેદ.
જ્યાં સુધી સમાજમાં બે વર્ગોનું અસ્તિત્વ રહે ત્યાં સુધી સ્વસ્થ સમાજનું નિર્માણ થઇ શકે નહિ. આ ‘લોક’ નો પરિચય જગતને કરાવીને મેઘાણીભાઇ ઐતિહાસિક કાર્ય કરી ગયા છે તેની પ્રતિતિ દર્શક કરી શક્યા અને વિગતો રજૂ કરીને તર્કબધ્ધ રીતે કરાવી પણ શક્યા. કહેવાતા બહારવટિયાઓમાં પડેલા ખુમારીના તત્વની વાતો પણ દર્શકે લોકસાહિત્યના પ્રવાહોનું આલેખન કરીને સુંદર રીતે તથા સંદર્ભયુક્ત ટાંકી છે. દાના ભગતને વિસામણ નામનો બહારવટિયો રોકે છે. બહારવટિયાનો ઇરાદો તો વટેમાર્ગુને લૂંટવાનો હોય તે સ્વાભાવિક છે. નિર્ભયતા તથા આંખોમાં કરુણતાનો શણગાર જેમણે સજ્યો છે તે દાના ભગત બહારવટિયાને જઇને કહે છે કે પોતે ભૂખ્યા છે અને કંઇક ખાવા માટે મળે તેવું ઇચ્છે છે. બહારવટિયો સંતની નિર્દોષતાના દર્શન કરીને પોતાના કૃત્યો માટે શરમાય છે. ભગત હવે બરાબર સોગઠી મારે છે. ‘‘ બાપા વિહામણ, તને ભાત અને ગોળ ખાવા ગમે છે તો પાળિયાદમાં દીન-દુખિયા અને ભૂખ્યાજનોને એ ખવરાવવાનુંજ શરૂ કરીને જીવતર સુધારી લે ! ’’ દાના ભગતના આ અમૃતથી સિંચેલા વેણ અને આપા વિહામણના સુયોગથી પાળિયાદમાં આજે પણ અન્નદાનનું સદાવ્રત અવિરત ચાલે છે. દર્શક દાદાએ કાળી અંધારી રાતમાં પણ ઝળાહળા વિજળીના દર્શન કરવાની લોકસાહિત્યની શક્તિને પીછાણી અને પ્રમાણી છે. ત્રિકમ સાહેબ લખે છે.
વસ્તીમેં રહેના અવધૂ
માગીને ખાના હો…જી…
ટૂકડે મે ટૂકડા કરી દેના
મેરે લાલ ! લાલ મેરા
દિલમાં સંતો … જોયું મેં તો જાગી.
લોકવાણીના અંતિમ પરિપાક સમાન સંતવાણીનું દર્શકે ધરાઇને આલેખન કરેલું છે તથા તૃપ્તિ અનુભવી છે. આ ખજાનો દર્શકદાદાએ સમાજ સમક્ષ લૂંટાવ્યો છે. કેળવણીના ક્ષેત્રમાં રહીને તેમણે સમાજની નાની મોટી સમસ્યાઓનો ઊંડો અભ્યાસ કર્યો છે. જરૂર પડી ત્યાં સત્યના પક્ષમાં રહીને અસત્ય કે અનુચિત બાબત સામે મોરચો પણ માંડ્યો છે. ભાવનગર રાજ્ય તરફથી ખેડૂતોની શેરડી અમૂક ભાવ બાંધીને ખરીદવાના નિર્ણય સામે નાનાભાઇની સંમતિથી દર્શકે વિરોધનો ધ્વજ લહેરાવ્યો. આમ તેમનું સમગ્ર જીવન લોકના પ્રશ્નો તરફ સજાગ અને સક્રિય રહેલું છે. તેઓ બરાબર સમજતા હતા કે ક્ષુધાતુર અને દુર્બળ લોકોની જાગૃતિ સિવાય સ્વાધિનતાના ફળ છેલ્લા માણસ સુધી નહિ પહોંચે. આ લોકની કોઠાસૂઝને કેળવણીના માધ્યમથીજ જાગૃત કરી શકાય તે વાતની દર્શકને પ્રતિતિ હતી. મેઘાણીભાઇએ આ સંદર્ભમાં લખેલા શબ્દો અમર થયા છે.
જાગો જગના ક્ષુધાર્ત !
જાગો દુર્બલ અશક્ત !
ઇન્સાની તખ્ત પર
કરાળ કાળ જાગે
ભેદો સહુ રુઢિબંધ
આંખો ખોલો રે અંધ
નૌતમ દુનિયાનો સ્વર્ણ
સૂર્યોદય લાગે.
પૃથ્વીના જીર્ણ પાય,
આંસુડે સાફ થાય
રક્તે ધોવાય, જાલિમોના
દળ ભાગે
જાગો જુગના ગુલામ
ઇન્સાની તખ્ત પર
કરાળ કાળ જાગે.
દર્શકના સાહિત્યનો અમૂલ્ય વારસો છે. વિશેષ કરીને શિક્ષણના ક્ષેત્રમા પડેલા તમામ લોકો માટે તો દર્શકનું સાહિત્ય તથા શિક્ષણ અંગેનું તેમનું અનુભવજન્ય ચિંતન આજના સંદર્ભમાં પણ એટલું જ સાંપ્રત તથા દિશાદર્શક છે. કેળવણીના ક્ષેત્રમાં અનેક પ્રયોગો કર્યા પછી કેળવણીની ગુણવત્તા તેમજ કેળવાયેલાઓનો આત્મવિશ્વાસ ઊભો થાય તેવા પડકારનો આજે આપણે સામનો કરી રહ્યા છીએ. દર્શકના વિચારોનું માર્ગદર્શન તથા તેમની સંસ્થાઓએ વિકસાવેલી કાર્ય કરવાની પદ્ધતિ આપણા સાંપ્રત શિક્ષણશાસ્ત્રીઓને હેતુપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડી શકે તેમ છે. દર્શકદાદાને ખરી અંજલિ તો સાંપ્રતકાળની સ્થિતિ ધ્યાનમાં રાખીને વધારે જીવન ઉપયોગી કેળવણીની વ્યવસ્થા ગોઠવીનેજ આપી શકાય.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment