માતૃભક્તિનું વરદાન માનવ સમાજનો એક અમૂલ્ય વારસો છે સંપ્રદાયોમાં કે કથાઓમાં શકિતના વિવિધ રૂપો તેમજ તેમની સાથે જોડાયેલા પ્રસંગો કે કિવદંતીઓની અનેક વાતો સાંભળવા મળે છે. શક્તિ આરાધનાનું આજકાલ જોવા મળતું સ્વરૂપ કેટલાક અન્ય તહેવારોની જેમ વધારે ઝાકઝમાળ તથા ભપકાયુક્ત થયું છે. સામાન્ય માનવી માટે તેમાં ભાગ લેવાનું ખર્ચાળ બન્યું છે. શેરીમાં ઓછા સાધનો તથા ઓછી ઝાકઝમાળથી થતાં રાસ-ગરબા ખોવાયા હોય કે હાંસિયામાં ધકેલાયા હોય તેવો અનુભવ થાય છે. આ બાબતની સાથે જ સાંપ્રત સમયમાં પોતાને મા કે માતા તરીકે ઓળખાવતા કેટલાક પાત્રો સામે કાનુની રાહે ધરપકડ સહિતની કાર્યવાહી કરવી પડે તેવી વિસંગતતા પણ જોવા મળે છે. આ પ્રકારની ઘટનાઓનો નિર્ણય કાયદાની સામાન્ય પ્રક્રિયાથી આપણાં ન્યાયતંત્રમાં થાય છે. સદૃભાગ્યે આ કાનુની પ્રક્રિયાની વિશ્વસનિયતા જળવાઇ રહી છે. પરંતુ આવી ઘટનાઓ શ્રધ્ધાવાન લોકોના વિશ્વાસ પર પ્રહાર કરે છે. આવી ઘટનાઓથી સમાજના ઘણાં શ્રધ્ધાળું લોકોના મનમાં એક ખિન્નતાનો તથા કવચિત ધ્રૂણાનો ભાવ પણ પેદા થાય છે. આજ પ્રકારે મહિલાઓ તરફના સમાજના કેટલાક લોકોના એક ચોક્કસ પૂર્વગ્રહયુક્ત તેમજ અણગમા સાથેના વલણથી આપણી માતૃતત્વ તરફથી શ્રધ્ધા કે આસ્થાના મૂળમાં પ્રહાર થાય છે. કેટલીકવાર કોઇ મહિલા સાથેના દુર્વ્યવહારથી સમગ્ર સમાજ ખળભળી ઉઠે છે અને નિર્ભયાની ઘટનામાં બન્યુ તેમ આવી લોકલાગણી આક્રોશનું વલણ પણ ધારણ કરે છે. મહિલાઓ તરફના સામાન્ય વ્યવહારમાં આપણે જો સમાજ તરીકે ઉણા ઉતરતા હોઇએ તો ‘‘નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે’’ તેવી યાંત્રિક રટણા કરતા રહેવાનો અર્થ નથી. આ વાતનો વિચાર કરવાનો તથા સમાજના બદલાવ માટે સ્વના બદલાવ તરફ ડગ માંડવાનો નિર્ધાર અનિવાર્ય છે. દુર્ગાપુજાના પવિત્ર માહોલમાં આવો શુભ સંકલ્પ થાય તો આપણે આ પર્વની સાર્થકતાનો આત્મસંતોષ લઇ શકીએ તેમ છીએ. મહિલાઓનુ ગૌરવ જળવાય તે માટેના કાયદા તો જરૂરી છે જ. તેના અસરકારક અમલ માટેની સામાન્ય જનની લાગણી પણ સ્વાગતને પાત્ર છે. પરંતુ સમાજની સંવેદનશીલતા તેમજ જાગૃત્તિ સિવાય માત્ર કાયદાથી આ બાબતને નિયંત્રણમાં લાવવી મુશ્કેલ છે. રાજા રામમોહનરામને આ વાત વર્ષો પહેલા સૂઝી હતી. સમાજનો અડધો હિસ્સો છે તેવા મહિલાઓના વિશાળ વર્ગ તરફનું સમાજનું વલણ સમજ્યા પછી તેઓ પોતાના જીવનમાં પગ વાળીને બેઠા નથી. આ અન્યાયની સ્થિતિ છે અને માટે તે બદલવી જ જોઇએ તેવા નિર્ધાર સાથે તેમણે પ્રયાસો કર્યા અને તેનું પરિણામ પણ મળ્યું. તેમના વ્યક્તિગત અને વણથાક્યા પ્રયાસોને અનેક લોકોનું સમર્થન મળ્યું અને સરવાળે સતીપ્રથાની નાબૂદીનો નિર્ણય દેશને મુક્તિ મળી તે પહેલા થયો. વિધવા અને ત્યક્તાઓ પરના સામાજિક દુર્વ્યવહાર સામે જયોતિબા તથા સાવિત્રીબાઇએ આઝાદી મળી તે પહેલાં અસરકારક અને પરિણામલક્ષી પ્રયાસો કર્યા. અનસુયાબેન સારાભાઇ તથા અરુણાબહેન દેસાઇ જેવા લોકોએ નજીકના ભૂતકાળમાંજ મહિલાઓની સ્થિતિને સુધારવા માટે પ્રગતિશીલ વલણ લીધું અને આ વિચારને નક્કર કાર્યમાં પરિવર્તીત કર્યો. આ વિચારશીલ લોકો તેમજ તેમના ઉજળા કાર્યોનું સ્મરણ આપણું મિથ્યાભિમાન પોષવા માટે નહિ પરંતુ આપણાં આજ તથા આવતીકાલના વલણ તેમજ વર્તનને ઘડનારું બને તો સમસ્યાના મૂળ સુધી પહોંચી શકાય તેવું છે. નવરાત્રિ મહોત્સવ તથા દિપાવલીના દિપોત્સ્વની શાખે આપણે ક્યાં ઉણાં ઉતર્યા છીએ તેનું મનોમંથન કરવાથી લાંબાગાળાના લાભ મેળવી શકાય તેવી શક્યતા છે. મહિલાઓની અસામાન્ય તથા વિધેયાત્મક શક્તિની સંપૂર્ણ પ્રતિતિ ગાંધીજી તથા નેતાજી સુભાષચંન્દ્ર બોઝને હતી. આ બન્ને મહાપુરુષોએ નારીશક્તિનો અસરકારક ઉપયોગ દેશના મુક્તિ સંગ્રામ માટે કર્યો. આર્થિક મોરચે પણ મહિલાઓની સૂઝ તથા શક્તિનો ઉપયોગ આઝાદી પછી સેવા બેંક, લિજ્જત પાપડ કે દૂધ સહકારી મંડળીઓ જેવી સંસ્થાગત વ્યવસ્થાઓમાં હેતુપૂર્ણ રીતે થયેલો જોઇ શકાય છે. આ બધી હકીકતો બનેલી છે તેનો આનંદ થાય ત્યારે તેની સાથેજ સમાજની એકંદર જવાબદારી પણ વધે છે. આ જવાબદારીના વહનની પહેલી શરત દરેક નાગરિકની જાગૃતિની છે. મહિલાઓના મહત્વનો સામાજિક સ્થાનમાં સ્વીકાર થયો હોવા છતાં તેને અન્યાય તથા શોષણની સ્થિતિનો અંત માની લેવો કદાચ ઉતાવળિયું ગણાશે. મહિલાઓ તરફના દૃષ્ટિકોણમાં આપણાં વિચારોનો વ્યાપક બદલાવ સ્થાયી સ્વરૂપ પામે તે માટે સતત ખબરદાર રહેવાની જવાબદારી Civilised Society ના દરેક વ્યક્તિની રહે છે. આ બાબતની અવગણના Self defeating બની રહેવાનો પૂરો સંભવ છે.
દિપોત્સવના પર્વ મહોત્સવના ઉલ્લાસિત દિવસોમાં મા સરસ્વતી-વીણાવાદિની પાસે નૂતન વિચારો તથા ન્યાયયુક્ત અને ભેદભાવ રહીત સમાજની રચનાની પ્રાર્થના કરવી ગમે તેવું છે. આ દિશામાં આપણાં પ્રયાસોમાં જો નિષ્ઠા તેમજ ઉર્જા હશે તો તેની સફળતા માટે વીણાવાદિનીના આશીર્વાદ અવશ્ય મળે. હિન્દીના સુપ્રસિધ્ધ સર્જક સૂર્યકાન્ત ત્રિપાઠી (નીરાલા)ના આ સંદર્ભમાં લખાયેલા સુંદર શબ્દો આજે પણ સૌરભ પ્રસરાવી શકે તેવા છે.
વર દે, વીણાવાદિની વર દે!
પ્રિય સ્વતંત્ર- રવ અમૃત- મંત્ર તવ
ભારતમેં ભર દે!
કાટ અન્ધ–ઉર કે બંધન–સ્તર,
બહા જનનિ, જ્યોતિર્મય નિર્ઝર
કલુષ ભેદ તમ હર પ્રકાશ ભર
જગમગ જગ કર દે!
નવ ગતિ નવ લય તાલ છંદ નવ
નવલ કંઠ નવ જદલ-મન્દ્ર રવ
નવ નભકે નવ બિહગ વૃંદ કો
નવ પર નવ સ્વર દે !
વીણા વાદિની વર દે !
નવગતિ અને નવલયના આ નૂતન પ્રયાણમાં કાલ બાહ્ય થયેલા અન્યાયી તથા અનુચિત વિચારો તથા માન્યતાઓને તિલાંજલી આપવાનો સમય છે. દુર્ગાપૂજાનું અનુષ્ઠાન ત્યારે જ ખરા અર્થમાં સંપન્ન થાય કે જ્યારે આપણી માતાઓ–બહેનો તરફના આપણાં વલણ અને વર્તનમાં શાલિનતા આવે. સમયની આ અનિવાર્ય અને આવતીકાલ પર ઠેલી ન શકાય તેવી માંગ છે.
માતા તથા પુત્ર વચ્ચેના સંબંધોની ઉષ્મા કોઇપણ કાળ તથા ગમેતેવા પ્રતિકૂળ સંજોગોમાં પણ ટકી રહે છે. પિતા અને પુત્ર વચ્ચેના સંબંધોના તાણાવાણાં જ્યારે નબળા કે ઝાંખા પડે છે ત્યારે પણ માતા અને પુત્ર વચ્ચેના સંબંધોની સૌરભ ઝાંખી પડતી નથી. આથી જ માતૃશક્તિની ઉપાસના એ સમાજ માટે કોઇ ઉપદેશો કે સંપ્રદાય આધારિત નથી પરંતુ લોહીમાં વણાયેલાં ઘાટાં અને ઊંડા સંસ્કાર છે. શ્રી નારાયણ દેસાઇએ ગાંધીજીના જયેષ્ઠ પુત્ર હરિલાલ તથા કસ્તુરબા વચ્ચેના સંબંધોની વાત તથા તેને સંબંધિત એક પ્રસંગનું આલેખન કર્યું છે. હરિલાલના ગાંધીજી સાથેના તંગ સંબંધો વચ્ચે પણ કસ્તુરબા સાથેના હરિલાલના વ્યવહારમાં પૂર્ણત: માતૃભક્તિ ઊભરતી હતી. બાપુ અલ્હાબાદથી વર્ધા ટ્રેઇનમાં જતા હતા ત્યારે તેમની મુસાફરીની જાણ લોકોને થઇ હોવાથી લગભગ દરેક રેલ્વે સ્ટેશન ઉપર ગાંધીજીના જય બોલાવતા લોકોની ભીડ જામતી, પરંતુ કટની નામના રેલ્વે સ્ટેશને એક જૂદો પણ મજબૂત જયઘોષ સંભળાયો ‘‘માતા કસ્તૂરબાકી જય’’ એવો નારો પૂરા જોશ સાથે એક વ્યક્તિ કથળેલી શારીરિક સ્થિતિમાં પણ કરતી હતી! આ જયઘોષ કરનાર ‘બા ના દિકરા’ હરિલાલ હતા ! ફાટેલા કપડામાં ટોળા વચ્ચેથી માર્ગ કાઢીને હરિલાલ બા ને એક મોસંબી પૂરા સ્નેહથી અને આદરથી આપે છે: ‘‘ બા, આ તમારા માટે લાવ્યો છું બા, તમે મોસંબી ખાશોને !’’ ટ્રેઇનની સ્વાભાવિક ગતિથી બા તથા દુભાયેલો દીકરો જૂદા તો પડયા પરંતુ હરિલાલની આંખોમાં ઉભરાયેલો સ્નેહ કયાંય સુધી બાની આંખમાં સતત ઊભરાતો રહ્યો ! ‘જનની જન્મભૂમિ શ્ચ સ્વર્ગાદયી ગરિયસી’.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment