ક્ષણના ચણીબોર : : હજુ છે આશ સૃષ્ટિની જયાં લગી ખીલે છે ફૂલો :

આપણાં રોજિંદા જીવનમાં આપણે રૂચિ અનુસાર સમૂહ માધ્યમોના સંપર્કમાં આવતા રહીએ છીએ. અનેક પ્રકારના સમાચારો-Breaking News- ફંગોળાતા રહે છે. Social Media ના હસ્તવગા સાધનથી સંદેશાઓ મેળવાતા અને છૂટથી મોકલાતા રહે છે. આ બધી સવલતોને કારણે આપણી માહિતીમાં વૃધ્ધિ થતી રહે છે તે નિઃશંક છે. આ પ્રક્રિયાથી જ્ઞાનવૃધ્ધિ થાય છે કે કેમ તે હંમેશા ચર્ચાનો વિષય રહેલો છે. આ તમામ માધ્યમોના મોટા ભાગના સમાચારો જોતાં સાંભળતાં કે વાંચતા એક સામાન્ય બાબત નજર સામે તરી આવે છે. સમાચારોમાં વિસંવાદિતા અને વૈમનસ્ય વધારે તેવા અનેક સમાચારો સામે આવે છે. કેટલાક લોકો આ બાબતને ચિંતાજનક ગણાવે છે. કેટલાક લોકોના મનમાં આ પરિસ્થિતિ જોતાં નિરાશાનો ભાવ પ્રગટે છે. આ સ્થિતિના ઉપાય તરીકે અમુક ઉપચારકો ધર્મ કે સંપ્રદાયના નામે ઉપાય સૂચવતા રહે છે. ‘‘અમારા ગુરુ’’ પાસે આવો તો સર્વ તકલીફોનું નિવારણ ગુરુના દર્શન થકી જ થઇ જશે. આ પ્રકારના દાવા છૂટથી થાય છે. લોકોનો જુસ્સો વધે તેવા પ્રવચનો પણ ગોઠવાય છે. કેટલાક કિસ્સામાં તેની ઊંચી ફી વસુલ કરવામાં આવે છે. જેમ સમાજમાં સમસ્યાઓ ઊભી કરનારાની સંખ્યા વધે છે લગભગ તેટલી જ સંખ્યામાં અનેક લોકો ઇલાજ માટેના રેડીમેઇડ પેકેજ લઇને હાજર થાય છે. જાહેરાતોની ભરમાર થતી રહે છે. એકંદરે એવું ચિત્ર ઉપસે છે કે પ્રયત્નપૂર્વક ઉપસાવવામાં આવે છે કે સર્વ રીતે ખરાબ તથા પ્રદૂષિત કાળમાં (કળિયુગમાં) આપણે જીવીએ છીએ. સમગ્ર સમાજની કે મોટા ભાગના સમૂહની આવી તળિયે ગયેલી સ્થિતિ કેવી રીતે હોઇ શકે? માણસાઇના દીવા કદાચ ઝાંખા પડયા હોય પરંતુ અસ્ત થઇ ગયા હોય તેમ શી રીતે માની શકાય? પરમાત્માની એક વ્યવસ્થા પ્રમાણે રચાયેલી સૃષ્ટિ તદૃન બેડોળ તથા બેરંગી થઇ હોય તેમ માની લેવું અઘરું છે. સૂર્યના ઉદય તથા અસ્ત થતા કિરણોની છડી પોકારવા આજે પણ ઉષા અને સંધ્યાના રંગો નજર સામે જ કોઇ અદૃભૂત નઝારો પ્રગટ કરે છે. વિહંગોના ગાન વણથંભ્યા સંભળાય છે. શિશુના યોગક્ષેમ માટે માતાના વાત્સલ્યનું ઝરણું ક્ષીણ થયું નથી. બાળકની નિર્દોષતા અકબંધ જળવાઇ રહી છે. આથી છેક જ સ્થિતિ વણસી ગઇ છે અને હવે ત્યાંથી પાછા ફરી શકાય તેમ નથી તેવું માનવું કે મનાવવું ઉચિત લાગતું નથી. કવિ શ્રી સ્નેહરશ્મિના શબ્દો યાદ આવે.

હજુ છે આશ સૃષ્ટિની

જયાં લગી ખીલે છે ફૂલો

ડાળે ડાળે વિહંગોને

શિશુસોહ્યા મનુફૂલો.

થોડા દિવસો પહેલાં જ કવિના આ આશાનું સિંચન કરે તેવા શબ્દોનું સમર્થન કરતી હોય તેવી એક ઘટના સમાચાર માધ્યમોમાં જોવા મળી. મહારાષ્ટ્રનાં ઘણાં વિસ્તારોમાં આ વર્ષે વરસાદના અભાવે આકરા દુષ્કાળની સ્થિતિ પ્રવર્તે છે. માનવી ઉપરાંત પશુ તથા પંખી પણ પાણી અને ખોરાકની તંગી અનુભવે છે. માણસો માટે અનાજની તેમજ પાણીની વ્યવસ્થા યેનકેન પ્રકારેણ થાય પરંતુ મુંગા પશુ તથા નિર્દોષ પક્ષીઓનું શું થાય? તેમની કાળજી કોણ કરે? આ કપરી સ્થિતિમાં કોલ્હાપુર નજીકના એક ગામના સાધારણ ખેડૂત અશોક સોનુલેએ એક અસાધારણ નિર્ણય કર્યો. આ સામાન્ય ખેડૂતે પોતાની કે પોતાના કુંટુંબીજનોની તકલીફ કે સમસ્યા સાથે ગગનવિહારી પક્ષીઓની ચિંતા પણ નિઃસ્વાર્થ ભાવે કરી. અશોક સોનુલેએ તેની એક નાની એવી વાડીમાં પાણીની થોડી સવલતને કારણે જુવારનો પાક તૈયાર કર્યો છે. લીલોછમ પાક જુવારના ડુંડા સાથે ઊભો છે. આ ખેડૂતે નિર્ણય કર્યો કે આ જુવારનો પાક તે લણી લેશે નહિ. અનેક પક્ષીઓ જે ખોરાકની શોધમાં આકાશમાં વિહરતા દેખાય છે તેમને જુવારના દાણાં ચણતા રોકવાનું કે અવાજ કરીને પંખીઓને ઉડાડી મૂકવાનું તેણે બંધ કર્યું. ઉલ્ટું આ ખેડૂતે થોડા પાણીના માટલા ખેતરમાં ખાસ પક્ષીઓની તૃષા છૂપાવવા ગોઠવ્યા. ‘‘રામ કી ચીડિયા, રામ કા ખેત’’ વાળી ઉકિત તેણે સાંપ્રત કપરા કાળમાં પણ પોતાના યજ્ઞસમાન કાર્યથી ખરી કરીને બતાવી. ‘‘બહુરત્ના વસુંધરા’’માં આજે પણ મહોરતું-મહેકતું આ માણસાઇનું તત્વ આપણી ડગુ ડગુ થતી શ્રધ્ધાને રોકે તેવું મજબૂત અને પાવક છે.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑