સંતવાણી સમિપે : : ગરબે ઘૂમંત ગોરી મીઠી ગુજરાતણ :

ગુજરાતની ખ્યાતિને વિશ્વસ્તરે ઉજાગર કરવા માટેની કેટલીક બાબતો છે. તેમાંની એક બાબત ગુજરાતની નવરાત્રી તથા તેનો ગરબા મહોત્સવ છે. આઠમી માર્ચનો દિવસ એ વિશ્વના નારી આંદોલનના સંદર્ભમાં વિશેષ રીતે યાદ કરીને ઉજવવામાં આવે છે. પરંતુ માતૃ તત્વની સર્વોચ્ચ સ્થિતિ (supremacy) નું સહજ સંધાન આપણા સંસ્કારોમાં તેમજ આપણાં ઘડતરમાં પડેલું છે. નારી શક્તિએ કટોકટી તથા સંઘર્ષની અનેક ક્ષણોએ પડકારને સ્વેચ્છાએ ઝીલ્યો છે અને પોતાનું કૌવત દેખાડ્યું છે. જે તે સમયે નારી સામેના પડકાર સામાન્ય રહ્યા નથી. શાસ્ત્રોમાં ભલે નારી તરફની ઉમદા લાગણી વ્યક્ત કરીને તેના ગુણગાન ગવાયા હોય. કથાઓમાં પણ નારીશક્તિને ખોબે અને ધોબે ઉત્તમ શબ્દોથી વધાવવામાં આવી હશે. પરંતુ પુરુષપ્રધાન સમાજનું એકંદર વલણ કે લગભગ દરેક કાળના સમાજની માનસિક સ્થિતિ મહિલાઓ તરફ પૂર્ણ ન્યાય અને ઉચિત આદર વ્યવહારમાં બતાવી શકી નથી તે બાબત ઘણા બધા પ્રસંગો પરથી સ્પષ્ટ થતી જોવા મળે છે. આ બાબતમાં કથની અને કરણી વચ્ચે મોટો gap છે. આથીજ મહિલાઓએ મોરચો સંભાળીને ન્યાય તથા જાગૃતિની મશાલ ઊંચકવાનું કાર્ય પોતાના માથે લીધું છે. આવા કામ હાથ પર લીધા પછી આપણાં નારીરત્નોએ તે દ્રઢતા અને નિર્ભયતાથી પાર પાડેલા છે. આ તમામ નારીરત્નોમાં માતા દુર્ગાનો અંશ પ્રગટ થતો જોવા મળે છે. નવરાત્રીના પાવન પ્રસંગે શક્તિતત્વની વાહક આ મોંઘેરી માતાઓ તથા બહેનોનું સ્મરણ થાય છે. તેમનું સ્મરણ જ નવરાત્રીના ભગવતીની આરાધનાના પાવક પર્વમાં લોબાનની પવિત્ર સુગંધ પ્રસરાવે છે. શાયર અદમ ટંકારવીના શબ્દો આ સંદર્ભમાં યાદ આવે.

સ્મરણ લીલું કપૂરી પાન જેવું

હવામાં ચોતરફ લોબાન જેવું.

આપણાં નારીરત્નોના અનેક પ્રતાપી તથા પ્રભાવી કાર્યોને સ્થળકાળના બંધનો નડ્યા નથી. આવા કૃત્રિમ બંધનોના પાયામાંજ તેમણે વિરતાથી પ્રહારો કર્યા છે. આથી આપણી માતાઓની આ વાતો આજે પણ એટલીજ જીવંત તથા પ્રાસંગિક લાગે છે. દેશની આઝાદી હજુ લગભગ એકસો વર્ષ દૂર હતી ત્યારે જ્યોતીબાના મજબૂત ટેકાથી સાવિત્રીબાઇ ફૂલેએ તમામ પીડિત અને અશિક્ષિત મહીલાઓની સમસ્યાને હાથ પર લઇ તે સમયમાં એક નૂતન તથા ન્યાયયુક્ત દ્રષ્ટિથી અનોખી ક્રાંતિના મંડાણ કર્યા. સમાજે પોતાને ‘માફક’ હતી તેવી રૂઢિગત સમાજરચના જાળવી રાખવા માટે આ ચિનગારીને ઠારી દેવા શક્ય હતા તે તમામ પ્રયાસો કર્યા પરંતુ આ નાની શી ચીનગારીએ નારી જાગૃતિના વ્પાયક તથા ઊંડા પાયા નાખ્યા. ભવિષ્યમાં ફૂલે દંપતિના પગલે અનેક સુધારકોએ ડગ માંડ્યા. સાવિત્રીબાઇની ધીરજ તથા દ્રઢતા પ્રેરણાદાયક છે. મા ની કરુણા સાવિત્રીતાઇના કાર્ય થકી પ્રગટી છે. આજ રીતે ગાંધીજી પછી જેમનો જન્મ લગભગ ચાર દાયકા બાદ યુગોસ્લોવીયામાં થયો હતો તેવા એક ખ્રિસ્તી સાધ્વી પણ દૈવી શક્તિનો તથા માતાની કરુણતાનો ઉજળો દાખલો થઇને કેટલાં વિસ્તર્યા હતા ! ઝૂંપડપટ્ટીતો શહેરોમાં રહેનારા આપણે સૌ હમેશા જોયા કરીએ છીએ. પ્રસંગોપાત તેના પર ચર્ચા કરીને શાસનની આલોચના પણ કરીએ છીએ, પરંતુ આ સાધ્વીતો ‘મધર’ હતા. તેમને  ટીકા કરવામાં નહિ પરંતુ ઝૂંપડપટ્ટીમાં વસનારા આ ભાંડુઓને ટેકો કરવામાં રસ હતો. શુભ સંકલ્પને કપરી સ્થિતિમાં પણ પાર પાડવાની માતા દુર્ગાની વૃત્તિ તથા શક્તિનું દર્શન મધર ટેરેસાના જીવન કાર્યોમાં થાય છે. વેદનાનો મૂંગો સ્વીકાર કરનાર લોકો એ માતા ટેરેસાને પ્રાણથી પણ વિશેષ વહાલા હતા. આ બાજુ ચરોતરના વીર પ્રદેશમાંથી પણ આવાજ એક માતૃત્વના ઉજળા સ્વરૂપનું દર્શન થાય છે. મહાવીર ત્યાગીએ એક પ્રસંગ લખ્યો છે. શ્રી ત્યાગી સરદાર સાહેબને મળવા ગયા ત્યારે તેમણે સરદાર સાહેબના સતત કાર્યરત પુત્રી મણિબેનને જોયા. મણિબેનના સાડલા પર મોટું થીગડું મારેલું હતું. ત્યાગી પૂછે છે કે દેશનું ચક્રવર્તી રાજ્ય સ્થાપવાનું અસાધારણ કાર્ય પાર પાડનાર આ મહામાનવની પુત્રીએ સાડલાને થીંગડું કેમ મારવું પડે છે ? આ મુલાકાત સમયે ત્યાં હાજર હતા તે સુશીલા નૈયર ઘટસ્ફોટ કરતા કહે છે કે સરદારના ઉતરેલા કપડાનો મણિબેન આ રીતે સદ્દઉપયોગ કરે છે. સાડલો ફાટે કે તરતજ નવો સાડલો મણિબેન કયાં ખરીદે છે ? તેઓતો આ રીતે પિતાના ઉતરેલા કપડામાંથી થીગડું મારીને ચાલે તેટલો લાંબો સમય જૂનો સાડલો ચલાવે છે. હમેશા પોતાની વાત ત્વરિત અને આરપાર ઉતરી જાય તે રીતે કહેવાની શક્તિ ધરાવતા સરદાર પટેલ ઉમેરે છે : એનો (મણિબેનનો) બાપ ક્યાં કશું કમાય છે તે નવા કપડા ખરીદે ? સંવેદનશીલતાના આવા દૈવીગુણનું દર્શન મણિબેનમાં કરીને નવદુર્ગાની કરુણા કેવા વિધ વિધ રૂપે વિચરે છે તેનો અહોભાવ થયા કરે છે. દેશના અનેક ભાંડુંઓને જો પુરતા પ્રમાણમાં અન્ન વસ્ત્ર મળતાં ન હોય તો દેશના પ્રથમ નાયબ પ્રધાનમંત્રીના પુત્રી-વ-સચિવ દુન્વયી મોજશોખથી સ્વેચ્છા અને સમજદારીથી દુર રહે તેમાં દુર્ગા તત્વના ઉજળા પાસાનું ઝળાંહળાં દર્શન થાય છે. કવિ ઉમાશંકર જોશીના શબ્દો મણીબેનના જીવનને જોતા યાદ આવે.

 ધૂરા વહે જનતાની જે અગ્રિણો

તે પંગતે હો સહુથીયે છેલ્લાં.

નવરાત્રીનો સામુહિક ઉલ્લાસ માણવાની તેમજ મા દુર્ગાની આરાધના કરવાનો આપણો ભાવ ઉચિત છે. તહેવારો રોજિંદા જીવનમાં એક પરિવર્તનનો પ્રાણ પણ ફૂંકીને જાય છે. પરંતુ આ દીપપર્વના પ્રસંગે તથા તેના અજવાળે આપણે મહિલાઓ તરફની આપણી માનસિક સ્થિતમાં કોઇ ફરક લાવી શક્યા છીએ કે કેમ તેનેા વિચાર પણ કરીએ તો તહેવારની તથા એક જાગૃત તથા જવાબદાર સમાજ તરીકે આપણી શોભામાં ચોક્કસ અભિવૃધ્ધિ થશે. સાવિત્રીતાઇ, કસ્તુરબા, મણિબેનના જીવન ખૂલ્લી કિતાબ જેમ આપણી સામે પડેલા છે અને પ્રેરણા આપતા રહે છે. અલગ અલગ રીતે અમલમાં મૂકવામાં આવેલા પ્રગતિશીલ દ્રષ્ટિવાળા કાયદાઓથી સુધારો થયો હશે તેમ માની શકાય. પરંતુ સામાજિક દ્રષ્ટિકોણ, આપણા વ્યવહાર તેમજ કેટલાક સ્થાયી થયેલા કાળબાહ્ય માન્યતાઓના સમૂળગા ત્યાગ સિવાય સ્થાયી તથા વ્યાપક પરિણામ મેળવી શકાશે નહિ. આ સંકલ્પ આપણે કરીને માતા દુર્ગાની આરાધના કરીએ તો વાસ્તવિક રીતે કોઇ નક્કર પરિણામ મેળવી શકાશે. જાગૃતિ તરફ એક ડગ ભરવાની આ ક્ષણ વધાવી લેવા જેવી છે. મા ના ગર્ભગૃહની એકાદ ચિનગારી આપણામાં પ્રગટે તો નવરાત્રીના માતૃપર્વની સંપૂર્ણ સાર્થકતા થઇ ગણાય. કવિ હરિહર ભટ્ટના શબ્દોમાં જ જગદંબા સમક્ષ મનના તમામ આવરણો હટાવીને કરવા જેવી આ પ્રાર્થના છે.

એકજદે ચિનગારી મહાનલ !

એકજ દે ચિનગારી

ચકમક લોઢું ઘસતાં ઘસતાં

ખરચી જિંદગી સારી

જામગરીમાં તણખો ન પડ્યો

ન ફળી મહેનત મારી.

ઠંડીમાં મુજ કાયા થથરે

ખૂટી ધીરજ મારી

વિશ્વાનલ હું અધિક ન માગું

માગું એક ચિનગારી.

પ્રકાશનું પર્વ એ વિચારનું પણ પર્વ છે. આ પર્વને ઘોંઘાટ કે બાહ્ય ઠઠારા સાથે મર્યાદિત નિસબત રહે તે ઇચ્છવા યોગ્ય બાબત છે. ઉત્સવો એ દેખાદેખીનું તથા અંધ અનુકરણનું કારણ બને તો સમાજની સ્વસ્થતા જોખમમાં મૂકાય. દુર્ગાનું અનુષ્ઠાન તો આપણાં હૈયામાં થાય તોજ કરુણા અને સ્નેહની સરવાણીઓ ફૂટી નીકળે છે. સર્વ ભૂતોમાં માતૃસ્વરૂપે વિસ્તરેલા જગદંબાની આરાધના તો ગરવી ગુજરાતણની ગરવાઇ તેમજ સામાજિક સમરસતા તરફની આપણી ગતિ થકી અર્થસભર બને છે. કવિ ઉમાશંકરે ગાયું છે.

સોળે કળા ખીલી દીઠી ગુજરાતણ

ગરબે ઘૂમંત ગોરી મીઠી ગુજરાતણ

વીજભરી વાદળી શી છલગી ગુજરાતણ

ઘેર ઘેર ઢેલડ શી ઢળતી ગુજરાતણ.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑