બ્રિટિશ હાકેમોની ભારતમાંથી વિદાય પછી દેશી રજવાડાઓના વિલિનીકરણનો પ્રશ્ન પડકારરૂપ તેમજ અટપટો હતો. ગાંધીજીનો વિશ્વાસ આ કાર્યમાં સરદાર સાહેબની ઠંડી તાકાત તેમજ અસાધારણ સૂઝ પર નિર્ભર હતો. ભાવનગર મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના દેશહિતના વલણને કારણે શરૂઆત તો સારી થઇ હતી. પરંતુ જામનગરનો પ્રશ્ન હજુ ઉકેલાયો ન હતો. શ્રી દિનકર જોશીએ ઐતિહાસિક તથ્યોને પાયામાં રાખીને નવલકથા સ્વરૂપે લખેલી વાતોમાં જામસાહેબ તેમજ સરદાર સાહેબની મુલાકાતના પ્રસંગને સુંદર રીતે રજૂ કરવામાં આવેલો છે. નવાનગરના જામસાહેબનો રજવાડાઓ ઉપર પ્રભાવ હતો. આથી નવાનગર રાજય તરફથી જે વલણ લેવામાં આવે તેની અસર અન્ય રજવાડાઓ પર થવાનો સંભવ હતો. અખિલ ભારતીય રાજવી મંડળમાં પણ જામસાહેબનો અભિપ્રાય ધ્યાનમાં લેવામાં આવતો હતો. કેટલાક રાજવીઓ ફરી રાજપાટ ભોગવવાના સ્વપ્ન સેવતા થયા હતા. જામસાહેબના પણ આ બાબતમાં કેટલાક વિચારો હતા. જે સરદાર સાહેબના આયોજનમાં બેસતા ન હતા. તેથી રજવાડાઓના વિલિનીકરણની સમગ્ર પ્રક્રિયા ઉપર તેની વિપરીત અસર થઇ શકે તેમ હતી. આથી જામસાહેબ સાથે આ વિષયમાં સરદાર સાહેબની ચર્ચા મહત્વની અને કાઠિયાવાડ માટે નિર્ણયાત્મક હતી. સરદાર સાહેબે જામસાહેબ તથા રાણીસાહેબાને આયોજનપૂર્વક ભોજનનું નિમંત્રણ આપ્યું. જામસાહેબ તથા ગુલાબકુંવરબાને સરદારે ઉમળકાભેર આવકાર્યા. પછીની વાતમાં નમ્રતાના શબ્દોમાં સરદાર પટેલની દૃઢતા તેમજ દીર્ધદૃષ્ટિતાના દર્શન થતાં હતા. દેશી રજવાડાઓના વિલિનીકરણની અનિવાર્યતા તેમજ જામસાહેબ તથા ગુલાબકુંવર તેમાં મહત્વની ભૂમિકા ભજવે તેનો સ્પષ્ટ નિર્દેશ સરદાર સાહેબે ભોજનના ટેબલ ઉપર રાજવી દંપતિને આપ્યો. આ વાતમાં મહારાણી સાહેબે વિશેષ અને સક્રિય ભાગ ભજવવાનો છે તેનો નિર્દેશ કરીને સરદાર સાહેબે રાણી સાહેબના કમીટમેન્ટની પણ સ્પષ્ટ માંગણી કરી. સમજપૂર્વક ફેંકાયેલા પાસા પોબાર પડયાં. નવાનગરના જામસાહેબનો મોભો પણ જળવાયો અને રજવાડાઓના વિલિનીકરણનો કઠીન માર્ગ સરળ બન્યો. ખુશવંતસિંઘે લખ્યું છે તેમ ‘‘સરદાર પટેલના પગ દ્રઢતાપૂર્વક ધરતીમાં ખોડાયેલા હતાં’’ રજવાડાઓના નાના મોટા વાવંટોળમાં હટે તેવા ઉપરછલ્લાં અને તકલાદી પિંડમાંથી તેમનું નિર્માણ થયું ન હતું. સરદાર સાહેબે અસાધારણ શકિત તથા સૂઝથી દેશનો નવો નકશો બનાવીને ઇતિહાસનું સર્જન કરતા ગયા છે.
સરદાર સાહેબ પૌરુષનું પ્રતીક હતા. નિર્ભયતાએ જાણે કે સરદાર સ્વરૂપે માનવ દેહ ધારણ કર્યો હતો. કવિ હરિવંશરાય બચ્ચનના શબ્દો યાદ આવે.
યહી પ્રસિધ્ધ લોહકા પુરુષ પ્રબલ
યહી પ્રસિધ્ધ શકિત કી શિલા અટલ
હિલા ઇસે સકા કભી ન શત્રુ દલ
પટેલ પર સ્વદેશ કો ગુમાન હૈ
પટેલ હિન્દકી નિડર જબાન હૈ.
આપણાં એક સંન્નિષ્ઠ આગેવાન બાબુભાઇ જશભાઇ પટેલે લખ્યું છે કે દેશનું વિભાજન થયા પછી ઊભી થયેલી વૈરાગ્નિની જવાળાઓ વચ્ચે નિર્ભયતા તથા દ્રઢતાથી ઊભાં રહેલાં સરદાર ઇતિહાસમાં ચિરસ્થાયી થયેલા છે. બોરસદ, બારડોલી અને નાગપુર સત્યાગ્રહોને સમર્થ નેતૃત્વ પૂરું પાડીને સરદાર એક અદ્વિતીય રાષ્ટ્રપુરુષ તરીકે ઊભરી આવેલા હતા. ખુલ્લી કિતાબ જેવું તેમનું જીવન દેશના યુવાનોને આજે પણ પ્રેરણા આપે તેવું છે. અભિપ્રાય વ્યકત કરવામાં તેમણે કદી સંકોચ કે ભય અનુભવ્યો નથી. કેટલીકવાર તેમના વિશે ગેરસમજો ઊભી થઇ છે. પરંતુ સરદારના આરપાર નિહાળી શકાય તેવા વાણી તથા વ્યવહારથી આ ગેરસમજો એક ભ્રમ સમાન સાબિત થઇને રહી છે. અનેક રાજવીઓએ માત્ર સરદારની સમજાવટ તેમજ તેમના શબ્દોમાં શ્રધ્ધા રાખીને પોતાના અમૂલ્ય વારસાને દેશના ચરણોમાં ધરી દીધો હતો તે જગતના ઇતિહાસની એક અસાધારણ ઘટના છે. આઝાદી પહેલાં આવી અસાધારણ શકિતનું દર્શન સરદારે પોતાના વર્તન તેમજ નિર્ણયથી કરાવ્યું હતું. દરેક શબ્દ જોખી-તોળીને બોલતા-લખતાં બાપુએ લખ્યું છે કે ‘‘વલ્લભભાઇ મને ન મળ્યા હોત તો જે કામ થયું છે તે ન જ થાત.’’
ઝવેરભાઇ પટેલના બે પ્રતાપી પુત્રો-વિઠ્ઠલભાઇ તેમજ વલ્લભભાઇ કદી કોઇની શેહમાં આવ્યા હોય તેમ જણાતું નથી. વિઠ્ઠલભાઇ તો ગાંધી વિચારથી પણ જયાં જૂદા પડયાં ત્યાં તેની સ્પષ્ટ રજૂઆત કરી છે. સરદાર ગાંધીજીની સંપૂર્ણ અસર હેઠળ હતાં. પરંતુ દરેક બાબતને કસીને સ્વીકારવાની તેમની ટેવ આજીવન અકબંધ રહેવા પામી હતી. ગાંધીજી તરફ પણ શરૂઆતમાં તો તેમનો ઉપેક્ષા ભાવ હતો. પોતાની મસ્તી તથા પધ્ધતિથી જીવન જીવનાર આ હોનહાર એડવોકેટ સરદારને જયારે ગાંધીજીના જીવન તથા કાર્યોમાં એક અલગ તથા શકિતશાળી અંદાજનું દર્શન થયું પછી જ તેઓ ગાંધી માર્ગે પૂરી સમજ સાથે ડગલાં ભરે છે. એકવાર ડગલું ભર્યા પછી આ ચરોતરના વીરપુત્ર કાળના અનેક કપરા પ્રવાહમાં મકકમ શિલા સમાન સ્થિર તથા મજબૂત રહેલા છે.
ગાંધીજીની રાહબરીમાં જે સ્વાતંત્રય સંગ્રામ લડાયો તેના દરેક તબકકે સરદાર સાહેબે જે ભાગ ભજવ્યો તેની અસરકારકતા ઊડીને આંખે વળગે તેવી છે. ગાંધીજીની દાંડીકૂચનો માર્ગ નકકી કરવામાં સરદારનો મહત્વનો ફાળો હતો. ગાંધીજીની આ યાત્રા થકી લોક જૂવાળ જાગશે તેવી ચોકકસ ગણતરી પણ હતી. આમ છતાં લોક જાગૃતિ કેળવવા માટે ખાસ પ્રયાસોની આવશ્યકતા હતી. સરદાર સાહેબથી વધારે સારી રીતે આ કામ કોણ કરી શકે? સરદારની વાણીએ ગાંધીજીના દાંડીકૂચના માર્ગ ઉપરના ગામોને જાગૃત કર્યા. આરપારની લડાઇ માટે પ્રજામત ઊભો થતો ગયો. હકૂમતને એ વાતનો અણસાર આવી ગયો કે સરદાર પટેલ જો તેમની ગતિ તથા પધ્ધતિએ લોક જાગૃતિ કેળવવાનું કાર્ય ચાલુ રાખશે તો દાંડીયાત્રા શાસન માટે વિશેષ પડકારરૂપ બની રહેશે. બારડોલી તથા ખેડા સત્યાગ્રહમાં સરદાર સાહેબની તાકાતનો અનુભવ સરકારને હતો જ. સરદાર સાહેબની તેજસ્વી વાણીથી કૂચને અણધાર્યું બળ મળવાનું શરૂ થયું હતું. આથી ૭ માર્ચ ૧૯૩૦ના રોજ ખેડા જિલ્લાના રાસ ગામેથી વલ્લભભાઇ પટેલની ધરપકડ કરવામાં આવી. તત્કાલીન બ્રિટિશ કલેકટર આલ્ફ્રેડના હુકમથી સરદાર સાહેબને બંદીવાન બનાવાયાં. ફોજદારી કેસના નિવડેલા વકીલ સરદારે બચાવમાં કોઇ દલીલો રજૂ ન કરી. એક ટૂંકા તથા અતાર્કિક ચુકાદાથી જેલવાસની સજા ભોગવવા માટે સરદાર સાબરમતી જેલમાં ગયાં. દાંડીયાત્રાના સમર્થ આયોજકની સરકારે ધરપકડ કરી એ ધોડા છૂટી ગયા બાદ તબેલાને તાળાં મારવા જેવી ઘટના હતી. દાંડીયાત્રાને મળેલા પ્રચંડ પ્રતિસાદના પાયામાં સરદાર સાહેબના લોહી-પસીનો રેડાયેલા હતા. આ રીતે કોઇપણ પ્રસંગ જોઇએ તો તેને હલ કરવાની તેમજ તેમાંથી ઇચ્છિત પરિણામ મેળવવાની આ વીર પુરુષની સૂઝ અદ્વિતીય હતી.
સરદારની સૂઝબૂઝમાં એક સમજપૂર્વકની હળવાશ પણ જોવા મળે છે. શ્રી નારાયણ દેસાઇએ સરદાર સાહેબ જયારે નાયબ પ્રધાનમંત્રી હતા ત્યારે સરદારના એક ગુજરાત પ્રવાસની ઘટના આલેખી છે. તે દરમિયાન બનેલી ઘટનામાં સરદાર સાહેબની આ શકિતની પ્રતીતિ થાય છે. સરદારને લખાયેલા કેટલાક મહત્વના પત્રોના પ્રત્યુત્તર આપવા આઇસીએસ અધિકારીશ્રી શંકર સરદાર સાહેબ સાથે ચર્ચા કરી તેમનું માર્ગદર્શન કે સૂચના મેળવતા હતા. આ પત્રો પૈકી એક પત્ર વચ્ચે આવતો હતો છતાં શંકરે એ બાજુ પર રાખ્યો. બધા પત્રો વિશે વાત પૂરી થયા પછી આ બાજુ પર રખાયેલો પત્ર હાથ પર લેવામાં આવ્યો. બારડોલીના એક બંગલામાં આ કાર્યવાહી ચાલતી હતી ત્યારે નારાયણ દેસાઇ હાજર હતા. આથી તેમને પણ જિજ્ઞાસા હતી કે આ છેલ્લે હાથમાં લેવાયેલા પત્રમાં શું હશે! ત્યારબાદ વિશેષ સ્પષ્ટતા થઇ. પત્ર વડાપ્રધાન તરફથી આવેલો હતો. પત્રમાં વડાપ્રધાને લખ્યું હતું કે મંત્રાલયના અધિકારીઓનો ગણવેશ હોવો જોઇએ. ત્યારબાદ ગણવેશ વિશે સ્પષ્ટતા કરતાં પ્રધાનમંત્રીએ લખ્યું હતું કે ગણવેશમાં પશ્ચિમની ઢબનો અંગ્રેજ અધિકારીઓ પહેરતા હતા તેવો સૂટ હોય. તેના વિકલ્પ તરીકે ચૂડીદાર પાયજામો, કાળા રંગની શેરવાની અને સફેદ અચકન તથા સફેદ ટોપી હોઇ શકે. પ્રધાનમંત્રી લખે છે કે તેમણે પોતાના વિભાગ માટે તો આ નિર્ણય લઇ લીધેલો છે. સરદાર સાહેબ તેમના નિયંત્રણ હેઠળના વિભાગમાં પણ આ બાબતનો અમલ કરાવે તેવો નિર્દેશ પ્રધાનમંત્રીના પત્રમાં હતો. સરદાર સાહેબ પત્રની આ વિગત સાંભળીને થોડી ક્ષણ માટે વિચારમાં પડી ગયા. પછી તેઓ બોલ્યા કે હું તો ચૂડીદાર પાયજામો, શેરવાની કે સૂટ પહેરતો નથી. ધોતિયું પહેરું છું. આમ હોવાથી મંત્રાલયના અધિકારીઓને આવો આદેશ કઇ રીતે આપી શકું ? પછી હસતા હસતા તેમણે શ્રી શંકરને સૂચના આપીઃ “Refer the matter to Governor General’’ તે સમયે ગર્વનર જરલ તરીકે રાજાજી હતા અને તેઓ પણ ધોતિયું પહેરતા હતા! ઉકેલની ચિંતા રાજાજીને ગળે વળગાડી સરદાર સાહેબ ખડખડાટ હસી પડયા.
સરદાર સાહેબનું સ્મરણ નિરાશામાં પણ આશાનો સંચાર કરે તેવું છે. કાકાસાહેબે ખૂબ યોગ્ય શબ્દોમાં લખ્યું છેઃ ‘‘વલ્લભભાઇનું જીવન એક યોગીને છાજે તેવું છે. આ યોગ સાધુ સંતોનો નહિ પરંતુ વીર ક્ષત્રિયનો છે.’’ સરદારની ચિરવિદાય પછી સરદારના જવાથી ‘‘મને એકલતા અને ખાલીપણું’’ લાગશે તેવું પંડિત નહેરૂએ લોકસભાના તેમના પ્રવચનમાં કહયું હતું. કવિ કરસનદાસ માણેકના શબ્દો યાદ કરી સરદારની ચિરસ્થાયી સ્મૃતિને વંદન કરીએ.
તારી વીરતા જુદા જ તેજે ઘડી
વણશસ્ત્ર ને એકલા હાથે લડી
નિજ કિરણ-કામણે સૈન્ય સજાવતી
રોષ-રાતી તારી આંખલડી
એને ઢોલ ને ત્રાંસાના કૃત્રિમ
કેફની લેશ દિલે દરકાર નથી
કોઇ પૂર-પ્રવાહની વાટ જુવે
એવો કાયર તેનો પ્રકાર નથી.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment