મલપતી મહાલતી ફલંગે ચાલતી,
સાંઢણીઓ તણાં ઝુંડ ફરતાં
પવનથી ચમકતાં ઘોડલાં ઘમકતાં
ધમકતાં ધરણ પર પાંવ ઘરતાં
ઢળકતી ઢેલ-શી રણકતી માણકી
થનગનતી કોંતલો કનક વરણી
ભારતી માતને ખોળલે ખેલતી
ધન્ય હો ! ધન્ય હો ! કચ્છ ધરણી !
કચ્છ-સૌરાષ્ટ્રના પાણીપંથા અશ્વો તેમજ કચ્છ-મારવાડની સાંઢણીઓની પવનવેગી ગતિ સુવિખ્યાત છે. આ સંદર્ભમાં જ મર્મજ્ઞ કચ્છી કવિ તથા મોટા ગજાના સંશોધક દુલેરાય કારાણીએ લાખા-ફૂલાણી તથા તેના માનીતા અશ્વની વાત લખી છે. લાખા ફૂલાણીની ખ્યાતિ પરાક્રમી તથા દાનવીર રાજવી તરીકે મશહૂર હતી. પબૂપસર નામનો તેમનો અશ્વ રાજાને પ્રાણથી પણ પ્રિય હતો. ચેતક અને મહારાણા પ્રતાપ જેવી ઉજળી જોડ પબૂપસર અને લાખા-ફૂલાણીની હતી. આ અશ્વને પગ ઊંચો રાખવાનો વિચિત્ર રોગ થયો. રાજવીએ શાલિહોત્રશાસ્ત્રના નિષ્ણાતોની સલાહ લઇ સારવાર કરી. પરંતુ રોગ મટવાનું નામ લેતો નથી. અશ્વ લંગડાતો રહે છે. આ સમયે ગુજરાતના તે સમયના સોલંકી રાજવીના પુત્રો કચ્છના રાજવીના મહેમાન બને છે. આ કુમારોમાંથી એક અંધ હોવા છતાં અશ્વવિદ્યામાં પારંગત હતો. લાખા ફૂલાણીએ આ કુમારને પોતાના અશ્વના રોગ વિશે વાત કરી. કુમારે દેવાંગી અશ્વ પર હાથ ફેરવીને તેનું હીર પારખી લીધું. રોગનું કારણ પણ તેના મનમાં અભ્યાસના જોરે સ્થિર થયું. સ્વપ્નમાં અનુભવેલા કોઇ આઘાતને કારણે આ રોગ અશ્વને થયો છે તેવું તેનું નિદાન થયું. મોઘેંરા અશ્વને થયેલા આ રોગનો ઉપાય પણ કુમારે સૂચવ્યો. લાખા ફૂલાણીને સૂચવીને તેણે કૃત્રિમ રીતે રણયુધ્ધનો આબેહૂબ માહોલ ઊભો કર્યો. સિંધૂડો વાગ્યો, રણભેદીના ગગનભેદી નાદ થયા. એ વખતે અગાઉથી ગોઠવણ થયા પ્રમાણે રાજવીએ લંગડાતાં અશ્વ પર પલાણ નાખી સવારી કરી. વીરહાક કરીને પોતાના પ્રિય અશ્વને સંગ્રામમાં જવા વહેતો કર્યો. ચમત્કાર હવે થયો. થોડી ક્ષણોમાં જ અશ્વમાં વીરરસનો સાંગોપાંગ સંચાર થયો. વીજળીના ચમકારાની જેમ દેવાંગી અશ્વ મૂંગિયો વાગતો હતો તે દિશામાં દોડવા માંડયો. રોગ રોગના ઠેકાણે રહયો. લાખા ફૂલાણીના આનંદની કોઇ સીમા ન રહી.માનવ પશુની મૂલ્યવાન મૈત્રીની આવી અનેક પાણીદાર વાતો દુલેરાય કારાણીએ લખી છે. અનેક હકીકતોનું સંશોધન કરીને આવું આલેખન થયું છે. જોરાવરસિંહ જાદવ આવા જ એક સંશોધક છે. જેઓ મેધાણી અને કારાણીના પંથે ચાલ્યા છે. ભગવદૃગીતાથી માંડી મહારાણા પ્રતાપ સુધીના આપણાં સાહિત્યમાં અશ્વની બહુમૂલ્યતાનું દર્શન કરાવવામાં આવેલું છે. આપણાં સાહિત્ય તથા લોક સંસ્કૃતિ સાથે આવી અનેક ઘટનાઓ તાણાંવાણાંની જેમ વણાઇને પડી છે. આ વાતો જાણવા તથા માણવા જેવી છે. જોરાવરસિંહભાઇએ આ સંશોધન – સંપાદનની દિશામાં લાંબી તથા પરિણામલક્ષી ખેપ કરી છે.
લોકકલા તેમજ લોકસંસ્કૃતિ માટેનો અનુરાગ જેમને વતનની માટીની મહેકમાંથી જન્મેલો છે એવા જોરાવરસિંહ જાદવ આ મોંઘેરી કળાઓના સંવર્ધન તેમજ પ્રસાર માટે ભાતીગળ જીવન જીવી રહેલા છે. શ્રી ઝવેરચંદ મેઘાણી કેન્દ્ર, રાજકોટ દ્વારા સ્થાપિત લોકસાહિત્ય એવોર્ડ-૨૦૧૫ શ્રી જોરાવરસિંહ જાદવને એનાયત કરવાનો નિર્ણય ઉચિત તથા આવકાર્ય છે. રામકથાના અમૃત ઝરણાં રેલાવનારા પૂ. મોરારીબાપુના વરદ્ હસ્તે આ એવોર્ડ જોરાવરસિંહને આપવામાં આવ્યો તે ‘‘સોનો ઓર સુગંધ’’ જેવો ઘાટ થયો છે. અગાઉ આ એવોર્ડ સર્વશ્રી ભગવાનદાસ પટેલ, ડૉ. હસુભાઇ યાજ્ઞિક, ડૉ. કનુભાઇ જાની તથા ડૉ. શાંતિભાઇ આચાર્યને અર્પણ થયેલા છે. આ દરેક એવોર્ડ અર્પણ સમારંભમાં પૂ. મોરારીબાપુની ઉપસ્થિતિ એ નોંધપાત્ર તથા ગૌરવયુક્ત ઘટના છે. મેઘાણી કેન્દ્રના દરેક એવોર્ડ સમારંભમાં બાપુની ઉપસ્થિતિ એ સમારંભની ગરિમા વધારનારી તથા કેન્દ્રની પ્રવૃત્તિને બળ પૂરું પાડનારી બાબત છે. જોરાવરસિંહને આ અગાઉ મોરારીબાપુ સ્થાપિત કાગ એવોર્ડ પણ મજાદરમાં કાગના ફળિયે બેસીને આપવામાં આવેલો છે.
વિશ્વના કોઇપણ ભાગમાં તેના તળના સાહિત્યનું એક અદકેરું મૂલ્ય છે. આ સાહિત્ય લોકસંસ્કૃતિ સાથે વણાઇને પડેલું છે. આવા સાહિત્યનું સંવર્ધન પણ લોક થકીજ થયેલું છે. આવા સાહિત્યને શોધવાનું કામ એ દરિયો ડહોળવા જેવું વિરાટ કાર્ય છે. મેઘાણીભાઇએ આ કાર્ય પોતાનો લોહી – પસીનો એક કરીને કર્યું. જયમલ્લભાઇ પરમાર તથા ગોકુળદાસ રાયચુરા જેવા મર્મજ્ઞોએ મેઘાણીભાઇએ પ્રગટાવેલી મશાલને જ્વલંત રાખી.આવુંજ ધૂળધોયાનું કામ જોરાવરસિંહે સાંપ્રત કાળમાં અનેક અવરોધ હોવા છતાં કર્યું તે સામાન્ય ઘટના નથી. આવા તળના સાહિત્યનું દસ્તાવેજીકરણનું એક આગવું મહત્વ છે. કલાગુરુ રવિશંકર રાવળ આ બાબતની અનુભૂતિ વ્યક્ત કરતા લખે છે :
‘‘ આજનો વ્યવસાયપ્રિય નાગરિક તો આપણાં આ સૌંદર્યને પામે ત્યારે ખરો ! રેડિયો તથા ફિલ્મોના (હવે ટી.વી.ના પણ) આ યુગમાં આપણાં લોકના રિવાજો ઉત્સવો તથા ભર્યાભાદર્યા લોકજીવનના પ્રતિકો કાળના ગર્ભમાં વિલીન થઇ જશે ત્યારે તેના અભ્યાસુઓને જોરાવરસિંહે કર્યું છે તેવું કામ એક ઉપકારક સાધન તરીકે કામમાં આવશે. ’’ આવા વિસરાતા સૂરોની સાધનાનું અવિરત કાર્ય એ જોરાવરસિંહની સ્વબળે અને સ્વપરિશ્રમે સંચિત કરેલી મોંઘી મૂડી છે. કાળના નિરંતર ધસમસતા પ્રવાહમાં પણ ટકી શકે તેવું સત્વ ધરાવનારું ધરતીના લૂણ સમુ આ સાહિત્ય તથા તેના વાહકો આપણું ગૌરવ વધારનારા છે. બદલાતા કાળમાં અનેક બોલીઓ લૂપ્ત થઇ કે ક્ષીણ થઇ છે. આવી એક એક ક્ષીણ થતી બોલી સાથેજ એક ઉજળી તથા ભાતીગળ જીવન પરંપરા અને સંસ્કૃતિનો ક્ષય થતો રહેલો છે. ડૉ. ગણેશ દેવી જેવા અનેક લોકોએ આ સ્થિતિમાંથી પણ બચાવી લેવા જેવું બચાવીને તેને સાચવવાનો પ્રયત્ન કરેલો છે. સરવાળે તો સમાજના ઘણાં લોકોએ તથા શૈક્ષણિક સંસ્થાઓએ આ બાબત તરફ એક નજર રાખવી પડશે. આથી મેઘાણી કેન્દ્ર તરફથી આવા મર્મજ્ઞ કર્મશીલોને બીરદાવવાનો પ્રયાસ પ્રશંસાને પાત્ર છે.
જોરાવરસિંહ પોતાની વાત માંડતા કહે છે તેમ લોકસંસ્કૃતિ તેમજ લોકકલાઓ તરફનો પ્રેમ તેમને માતૃભૂમિ તથા માતાપિતાના ઉછેરમાંથી સહેજે મળેલો છે. બાળપણમાં ઉત્તમ ઓલાદના અશ્વો તથા ખંતથી શણગારવામાં આવેલા બળદો જોયેલા તેની ઊંડી છાપ મનમાં સ્થિત થયેલી છે. તેમના પિતાનું મોટું નામ અને અતિથિને અંતરના ઉમળકાથી આવકારવાની ખ્યાતિને કારણે અનેક લોકો મહેમાન થાય. કેટલાયે કલામર્મીઓ પણ આવતા રહે. લીંબડી રાજ્યકવિ શંકરદાનજી દેથા સાથેના સંબંધને કારણે અનેક ગુજરાત – રાજસ્થાનના ચારણ કવિઓ પણ મહેમાન થઇને આવતા હતા. દુહા-છંદ અને વાતોના રસથાળ પીરસાતા રહે. શિશુ જોરાવરસિંહનું આ ભાતીગળ વાતાવરણ વચ્ચે ઘડતર તથા પોષણ થયું. જેના પાયાજ આવા મજબૂત હોય તે ઇમારતતો ભાતીગળજ બને તે સ્વાભાવિક છે. આજ સમયગાળામાં વાદી, કાંગશિયા, બહુરૂપી, રાવણહથ્થાવાળા ભરથરીઓ પણ જોયા તથા તેમની કલાને સમજતા તેમજ માણતા શીખ્યા. આ બધા રંગારાઓની વેદના અને પ્રશ્નો પણ જોરાવરસિંહ આવા જીવંત સંપર્કથી સમજી શક્યા. ‘‘યુગ વંદના’’ અને ‘‘રઢિયાળી રાત’’ ના મેઘાણીના કાવ્ય સંગ્રહોએ જોરાવરસિંહ પર ભૂરકી છાંટી. પુષ્કર ચંદરવાકર જેવા અધ્યાપકે જોરાવરસિંહની કલાયાત્રાને બળ તથા માર્ગદર્શન પૂરા પાડ્યા. જોરાવરસિંહે આપબળે તથા આત્મસૂઝથી સંશોધનના નવા ચીલાં પાડ્યા.
જોરાવરસિંહ જીવનમાં યશ તથા ખ્યાતિને તો વર્યા પરંતુ દિલમાં લોકકળાઓ અને લોકવિદ્યાઓના મર્મીઓને શોધીને જગતની સામે રજૂ કરવાની ધગશ સતત જીવંત રહી હતી. આથી જીવનના સાત દાયકા વિતાવ્યા પછી સમાજે જોરાવરસિંહનું ઋણ અદા કરવાના પ્રયાસ સ્વરૂપે જાહેર અભિવાદન કર્યું. આ નિમિત્તે જે રકમ આવી તે ગુજરાત લોકકલા ફાઉન્ડેશનની સ્થાપના કરીને તેના હેતુઓ માટે તે ધનરાશીનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. આ રીતે અનેક વિચરતી જાતિના કલાધરોની સાધનાને બીરદાવવાનો એક સ્થિર તથા મજબૂત પ્રયાસ શરૂ થયો. આવી બાબત જો આ કલામર્મજ્ઞ જોરાવરસિંહને સૂઝી ન હોત તો પુષ્કર (રાજસ્થાન)ના મેળામાં રસ્તા પર નાચનારી મદારણ ગુલાબોને વિશ્વના રંગમંચ ઉપર કેવી રીતે પહોંચાડી શકાત ? વિશ્વના અનેક દેશોમાં ગુજરાત – રાજસ્થાનના કલાકારોને લઇ તેઓ હેતુપૂર્ણ ખેપ કરી આવ્યા. આ રીતે દેશના કોઇ અંધારા ખૂણામાં છૂપાયેલી આ કળાને તેઓએ વિશ્વના ચોકમાં રજૂ કરી. આ કલાકારોએ પણ પોતાની ભાતીગળ કળાથી દેશ – વિદેશના અનેક દર્શકોને અભિભૂત કર્યા. અનેક ટીવી ચેનલોના માધ્યમથી પણ આ કલાકારો સતત રજૂ થતાં રહ્યાં અને અસાધારણ દાદ મેળવતાં રહ્યાં. ગુજરાતના અનેક કલા રસિકોએ જોરાવરસિંહના આ યજ્ઞકાર્યને યથાશક્તિ બળ પૂરું પાડ્યું. સમાજમાં હજુ પણ ધરબાઇને રહેલી કલા તરફની લાગણીનું આ નક્કર ઉદાહરણ છે. સાંઇ મકરંદે કહ્યું છે તેમ એકવાર બીજ વાવો તો વાદળ અને વસુંધરા તેનો ધર્મ અચૂક બજાવે છે. જોરાવરસિંહે વાવેલા બીજ સુંદર તથા ઘટાદાર વૃક્ષો થઇને ફૂલ્યા-ફાલ્યા છે. જોરાવરસિંહ અનેક અનામી કલાકારોનો સધિયારો થઇને જીવ્યા છે.
અનેક માટીની મહેક ધરાવતાં કલાકારોમાં વાદી- નટ, બજાણીયા તથા ભરથરીઓનો તેમજ ભવાઇના રંગબેરંગી વેશ ધારણ કરનારાઓનો સમાવેશ થાય છે. એમના ખેલમાં રજૂ થતી કાવ્ય પંક્તિઓમાં ઘણીવાર સાંપ્રતકાળની સમસ્યાઓ સહેજે રજૂ થતી હોય છે.
પાપ અભિમાન એંકાર વધ્યો
કામ કરોધ (ક્રોધ)ને ઘમંડ વધ્યો
બાપનું કીધું દીકરો ના કરે
ગુરુનું કીધું ચેલો ન કરે
સાસુનું કીધું વહુ ના કરે.
તળ સાહિત્યની આ સમૃધ્ધિનું મેઘાણીને અનેરું આકર્ષણ હતું. આપણી સંતવાણીના પર્યાય જેવા બાઉલગીતોનો પડઘો કવિગુરુ ટાગોરની વાણીમાંપણ ઝીલાયો હતો. સાગરકાંઠાના રસાળ પ્રદેશમાં ઝીણેરા મોર બોલ્યા અને તે સાંભળતાંજ કવિ ઝવેરચંદ વતનની ધૂળની સોડમ માણવા બંગાળથી અણધાર્યાજ ઉપડ્યા હતા.
ઝીણા મોર બોલે આ લીલી નાઘેરમાં
લીલી નાઘેરમાં, હરી વનરાઇમાં… ઝીણા મોર…
ઉતારા કરોને આજ લીલી નાઘેરમાં
દેશું દેશું મેડીના મોલ રાજ… ઝીણા મોર…
નાવણ કરોને આજ લીલી નાઘેરમાં
દેશું દેશું નદિયુંના નીર રાજ… ઝીણા મોર…
ભોજન કરોને આજ લીલી નાઘેરમાં
દેશું દેશું સાકરિયો કંસાર રાજ… ઝીણા મોર…
કાળના બદલતાં પ્રવાહમાં કલા તથા તેની અભિવ્યક્તિના સ્વરૂપ બદલાય તે સ્વાભાવિક છે. આવા ઉજળા પરિવર્તનનું સ્વાગત પણ છે. પરંતુ જે ભાતીગળ વારસો આપણને મળ્યો છે તેના સત્વને જોતાં તેને ટકાવી રાખવું તેમજ સંવર્ધિત કરવું તે કાર્ય સામુહિત હિતમાં છે. આપણામાંથી આવું કાર્ય ભેખ ધારીને જોરાવરસિંહ જેવા કોઇ વીરલા કરે તો એ આપણું સૌનું ગૌરવ છે. આવો આનંદનો દીવો ચેતવનારાંને તો કવિ મકરંદ દવેના શબ્દો થકી અંતરની વધાયુંજ હોય.
તારા આનંદના દીવાથી ચેતવે તું
કોઇના આનંદનો દીવો.
ઓરે ઓ બંધવા ! ઝાઝી ખમાયું તને
ઝાઝી વધાયું તને જીવો ! ભાઇ જીવો !
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment