ભાઇ શ્રી રમણલાલ શ્રીમાળીની ઉપસ્થિતિ ગાંધીનગરના અનેક નાના મોટા કાર્યક્રમોમાં જોવા મળી છે. અનેક કાર્યક્રમો માણ્યા પછી તેના વિશેની મીઠી વાતો પણ એટલા જ ઉત્સાહથી તેઓ હંમેશા કરતા રહે છે. આ માર્ગ અને મકાન વિભાગના ભૂતપૂર્વ નકશાગારે જીવનનો નકશો પણ સુંદર-સુરેખ બનાવીને મહેકતો રાખ્યો છે. ‘‘ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી’’ એવા કવિ મકરંદ દવેના શબ્દો કવિ રમણલાલને જોઇ સ્મૃતિમાં આવે છે. ભાઇ રમણલાલે ‘‘વાંસળીના સૂર’’ નામથી કાવ્યસંગ્રહની રચના કરીને કૃષ્ણભકિતની મધુરતાની હોંશથી લહાણી કરી છે. કવિ શ્રી દલપત પઢિયારે ઉચિત રીતે લખ્યું છે કે ‘‘વાંસળીના સૂર’’ ની રચનાઓમાં કવિને જે ઉમટયું છે તેની જ અભિવ્યકિત કરી છે. ગાંધીનગર સાહિત્ય સભાના પ્રમુખ ભરત કવિએ આ સંગ્રહના વધામણા કરીને આપણાં સૌની લાગણીનો સુયોગ્ય પડધો પાડ્યો છે.
જેના ઉરની લાગણીઓ કૃષ્ણ સાથે જોડાયેલી હોય તે વ્યકિતમાં પુષ્પનો પમરાટ સહેજે પ્રસરે છે. એકવાર પુષ્પતત્વની અનુભૂતિ થયા બાદ તરત જ તન-મનથી જન-જન સુધી તેની મહેક રેલાતી રહે છે. આથી જ કવિ લખે છેઃ
બનું હું ફૂલ વન-ઉપવનનું
મહેકાવું તન-મન જનજનનું
કૃષ્ણમય થયા પછી કોઇ વાડામાં બંધાઇને કયાં રહી શકાય છે? કવિ લખે છે તેમ કૃષ્ણમયતાની અનુભૂતિ સર્વજન સુધી વહેંચવાની હોય છે. નરસૈયાના પદની ભોળી ભરવાડણ આથીજતો મટુકીમાં મોરારીને લઇને તેને વહેંચવા માટે નીકળી પડે છે.
કૃષ્ણ તેના અનેક સ્વરૂપોમાં લોક સુધી પહોંચ્યા છે. સાંપ્રતકાળમાં પણ મજબૂત રીતે જનજનના હૃદયમાં ખોડાયેલા છે. કવિ ઉશનસને આથી સૌ શિશુમા કાન-દર્શન થાય છે.
પ્રથમ શિશુ સૌ કહાનો,
માતા બધી જ યશોમતી
મૃદમલિન મ્હોંમાં
બ્રહમાંડો અનંત વિલોકતી !
દરેક બાળક એ કૃષ્ણનું જ નાનું સ્વરૂપ છે તેવી કવિની વાત સાંભળતાં જ ગમી જાય તેવી છે. માત્ર પ્રશ્ન એટલો જ રહે છે કે આપણા વર્તનમાં આપણે સામુહિક રીતે શિશુ સ્નેહનો આવો ભાવ લાવી શકયા છીએ ખરા ? શાંતિ માટેનું નોબેલ પારિતોષિક હજુ ગયા વર્ષે જ મેળવનાર કૈલાશ સત્યાર્થીની વાત સાંભળીએ અને સમજીયે તો આપણો આ અંગેનો ‘‘સ્કોરબોર્ડ’’ ગૌરવ અપાવી શકે તેવો નથી. અનેક કૂમળી વયના કિશોરોને શાળામાં જોવાના બદલે કપરી મજૂરીના કામમાં જોઇને થોડી ઘણી પણ સંવેદનશીલતા દિલમાં ઉગવી જોઇએ. આ હેતુ માટે કોઇ કાયદો કે શાસનનું ફરમાન ન હોઇ શકે. સમાજના દરેક શિશુ તરફની સંવેદનશીલતા સ્વ થી શરૂ થાય તો જ સર્વ સુધી પહોંચી શકે છે.
જેના તરફ લાગણી કે સંવેદના જન્મે તેનાથી હરિ અળગો થતો નથી. તેની શાખ નરસિંહે પૂરી છે. કૃષ્ણ જેવો પ્રેમ સમાજના જનજનમાં પ્રગટે તો આવા સ્નેહ અને સંવેદનાના તાણાંવાણાં આપોઆપ વણાતાં થશે.
પ્રીત કરે તેની કેડ ન મૂકે
રસ આપે અતિ રસિયો રે
નરસૈયાનો સ્વામી ભલે મળિયો,
મારા હૃદયકમળમાં વસિયો રે.
હૈયામાં ફૂટેલી સ્નેહની સરવાણીને કોઇ મોંધેરા તથા ભવ્ય ઉત્સવ કે ઉજવણીની પરવા નથી. વાડા કે સંપ્રદાયને અતિક્રમી જવાની આ સ્નેહધારાની નિયતિ છે. મીરાં અને નરસિંહ જેવા ભીંજાયા છે તથા ત્રિકમસાહેબ જેવા મધ્યયુગના સંત કવિએ જેનો મહિમા કર્યો છે તેવા આ પ્રેમરસની સરવાણી સંસારમાં મધુરતા રેલાવી શકે તેવું સત્વ ધરાવે છે. મીરાં જેવી મુખડાની માયા લાગે પછી તો સર્વ બાબતો આપમેળે જ સર્જન પામે છે.
મુખડું મેં જોયું તારું
સર્વ જગ થયું ખારું
મન મારું રહયું ન્યારું રે..
મોહન! મુખડાની માયા લાગી રે….
મુખડાની માયા અંગે મીરાંની આ માર્મિક વાતની સ્મૃતિ કવિ રમણલાલ શ્રીમાળીની રચનાઓ વાંચીને ફરી તાજી થાય છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment