: ક્ષણના ચણીબોર : જયપ્રકાશ હૈ નામ દેશકી, આતુર હઠી જવાની કા :

૧૯૦૨ના ઓકટોમ્બરની ૧૧ મી તારીખે જયપ્રકાશ નારાયણનો જન્મ થયો. વિજયાદશમીના વિજય પર્વમાં જન્મેલા આ મહામાનવે જન સામાન્યના વિજય માટે પોતાના જીવનનું સમજપૂર્વક બલિદાન આપ્યું. દેશના રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રીના પદ માટે પણ ઉપેક્ષા સેવનાર આ ક્રાંતિવીર દેશના અનેક લોકોના દિલોદિમાગ પર તેમની ચિર વિદાય પછી રાજય કરે છે. દાદા ધર્માધિકારી કહે છે તેમ જયપ્રકાશ એક નિષ્પક્ષ તથા લોકનિષ્ઠ વ્યકિત છે. તેઓ લોકાત્માના જાગ્રત પ્રહરી છે. 

જાણીતા અર્થશાસ્ત્રી અને આપણી લોકસભામાં ગુજરાતના પ્રતિનિધિ તરીકે બેસનાર મીનુ મસાણીએ ૧૯૩૬ના લખનઉ કોંગ્રેસ અધિવેશનનો એક કિસ્સો ટાંકેલો છે. અધિવેશનમાં પંડિત નહેરુનું પ્રભાવશાળી પ્રવચન થયું. ત્યારબાદ ર્ડા. રાજેન્દ્રપ્રસાદ સંબોધન કરવા માટે ઊભા થયા. ર્ડા.રાજેન્દ્રપ્રસાદે પંડિતજીના પ્રવચનની કેટલીક બાબતો અંગે આલોચનાત્મક ટિપ્પણી કરી. નહેરુજીએ કેટલાક વિદેશના પોતાના અનુભવોની વાત પોતાના પ્રવચનમાં કરી હતી. આ બાબતોનો સંદર્ભ લઇને વ્યંગ કર્યો કે તેમણે (રાજેન્દ્રપ્રસાદે) વિદેશોનો પ્રવાસ નથી કર્યો કે વિદેશી પુસ્તકોમાંથી વિચાર ગ્રહણ કર્યો નથી. 

જયપ્રકાશ આ અધિવેશનમાં હાજર હતા. જવાહરલાલ તરફ ર્ડા.પ્રસાદે કરેલો આ વ્યંગ તેમને ગમ્યો નહિ. એટલે એમણે બાજુમાં બેઠેલા સાથીને કહયું કે પંડિત નહેરુની ટીકા કરવાની ક્ષમતા રાજેન્દ્રપ્રસાદમાં નથી અને તેથી આ અનુચિત ટીકા છે. પરંતુ ગુસ્સો શાંત થયા પછી જયપ્રકાશ નારાયણને લાગ્યું કે તેમણે રાજેન્દ્રપ્રસાદ જેવી વ્યકિતના વિચારો બાબત અનુચિત વિચાર કર્યો છે. રાજેન્દ્રબાબુને આ વાતની ખબર પણ ન હતી છતાં જયપ્રકાશ સાંજે રાજેન્દ્રપ્રસાદને રૂબરૂ મળ્યા અને તેમની અંતઃકરણપૂર્વક માફી માંગી! હવે જયપ્રકાશને તો માફી માંગ્યા બાદ નિરાંત થઇ. પરંતુ રાજેન્દ્રપ્રસાદને મનમાં અફસોસ થયો. રાજેન્દ્રબાબુએ વિચાર કર્યો કે આ તેજસ્વી યુવાન જયપ્રકાશ મારી પાસે માફી માંગી ગયો. પરંતુ મૂળમાં દોષિત તો હું છું. નહેરુ જેવા સાથી માટે મારે અણછાજતી ભાષા વાપરવી જોઇતી ન હતી. આ વાત ફેંસલા માટે રાજેન્દ્રબાબુએ પોતડીધારી સર્વમાન્ય નેતા મહાત્મા ગાંધી પાસે પ્રાયશ્ચિત માટે રજૂ કરી. પોરબંદરના આ મહામાનવે હાસ્ય વિનોદ સાથે વાત ‘‘દફતરે કરી’’ અને રાજેન્દ્રબાબુને ગ્લાનિ-મુકત કર્યા. ગાંધીયુગના આ દિગ્ગજોની ગરવાઇ પણ કેવી હશે! જયપ્રકાશનો પોતાની ભૂલ ગ્રહણ કરવાનો આ સ્વભાવ અનેક પ્રસંગોએ ઝળકયો છે. આથી વિનોબાજી પ્રેમપૂર્વક કહેતા કે આપણાં સર્વોદય આંદોલનમાં જોડાયેલા જયપ્રકાશ એક સંત છે. માણસાઇના ભોગે ત્રિભૂવનનું રાજય મળતું હોય તો પણ જે.પી.ને તે ખપતું ન હતું. 

૧૯૪૨ના ‘‘કવીટ ઇન્ડિયા’’ ના ઐતિહાસિક આંદોલન પ્રસંગે તેઓ હઝારીબાગની સેન્ટ્રલ પ્રિઝનમાં બંદિવાન હતાં. હઝારીબાગની સેન્ટ્રલ જેલમાંથી જેલના સલામતી સ્ટાફને થાપ આપીને ભાગી છૂટવાનું લગભગ અશકય કહી શકાય તેવું અઘરું કામ જયપ્રકાશે થોડા સાથીઓને સાથે રાખીને કર્યું. મહાદેવભાઇ દેસાઇ લખે છે કે આ વીરતાપૂર્ણ ઘટનાથી જયપ્રકાશ તે સમયે યુવાનોના આદર્શ નેતા બની રહયા હતા.ઇતિહાસમાં ભાગ્યે જ બને તેમ દેશ આઝાદ થયા પછી છેક ૧૯૭૪માં બિહારના યુવા છાત્રોએ જયપ્રકાશનું માર્ગદર્શન માંગ્યું અને જયપ્રકાશ સ્વરૂપે એક નૂતન ક્રાંતિનો સૂર્ય ઝળહળી ઊઠયો. 

જયપ્રકાશ અને પ્રભાવતીદેવીનું દાંપત્યજીવન પણ પરસ્પર સન્માન અને સહયોગના એક જવલંત ઉદાહરણ સમાન છે. પ્રભાવતીદેવી ગાંધીજીના સમર્પિત અનુયાઇ અને જયપ્રકાશ દરેક બાબતને તર્કના સરાણે ચડાવીને જ સ્વીકારનારા સ્વતંત્ર વિચારધારા ધરાવનારા માનવી. પરંતુ ઊભય પક્ષે સંપૂર્ણ સમજદારી અને શાલિનતા હોવાથી એકબીજાના વૈચારિક સ્વાતંત્રયમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ બંન્નેમાંથી કોઇએ કર્યો નહિં. ખરા અર્થમાં એક આદર્શ દાંપત્યનું દ્રષ્ટાંત જગતે નજર સમક્ષ જોયું.  દાદા ધર્માધિકારી કહે છે તેમ જય-પ્રભાની જોડ અજોડ છે. 

૧૯૭૯ના ઓકટોમ્બરમાં જેપીનું સ્વાસ્થ્ય વધારે કથળ્યું. જીવનની છેલ્લી ક્ષણો સુધી દેશ તથા દુનિયાના સમાચાર જાણવા ઉત્સુક રહેતા. વિચાર તથા તેની અભિવ્યકિત છેક સુધી તેજસ્વી અને પ્રભાવી રહી હતી. કવિગુરુ ટાગોરની મૃત્યુ વિશેની કેટલીક રચનાઓ સાંભળતા અને તેનાથી પ્રસન્નતા અનુભવતા હતા. આઠમી ઓકટોમ્બર-૧૯૭૯ના દિવસે આ લોકનાયકે મહાપ્રસ્થાન કર્યું.પટણાના એમના નિવાસસ્થાનમાં જયપ્રકાશજીના રૂમમાં એક પંકિત લખેલી હતી. 

માલિક તેરી રજા રહે

ઔર તૂ હી તૂ રહે,

બાકીન મૈં રહૂ

ન મેરી આરઝૂ રહે.

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑