સંતોનું સ્થાન તેમણે આપેલા ઉપદેશ સાથે તેમણે વિતાવેલા સેવામય ઉજળા જીવનને કારણે સમાજમાં દૃઢ થયું છે. ‘‘ બે રોટી અને એક લંગોટી’’ ના ધણી એવા સંતોએ આપણી જીવન તરફની શ્રધ્ધાનું સર્જન તેમજ સંવર્ધન કરેલું છે. સ્વામી આનંદ આવા સાધુ સંતોની જમાતના અનેક પાત્રોની ઓળખ આપતી વખતે તે લોકોને ‘‘મારા પિતરાઇઓ’’ કહીને ઓળખાવતા હતા. સ્વામીદાદાએ પોતાના પિતરાઇઓની અનેક લીલી-સૂકી વાતો સ્વાનુભવથી લખી છે. તેમાંની એક અનુભવજન્ય ઘટના ફરી ફરી યાદ કરવી ગમે તેવી છે. આજથી લગભગ પોણી સદી પહેલા ગંગોત્રી-કેદારનાથનો રસ્તો અતિ દુર્ગમ ગણાતો હતો. મૂઠીમાં જીવ લઇને યાત્રાળુઓ તે વિકટમાર્ગ પસાર કરતા હતા. માઇલો સુધીનો બરફ અને વિકરાળ વાવાઝોડા કે ભૂસ્ખલનનો પણ ભય રહેતો હતો. આથી આ માર્ગનો પ્રવાસ ‘‘યાત્રાળુઓના પાણીપત’’ તરીકે ઓળખાતો હતો. સ્વામીદાદા કહે છે કે વચ્ચે એક કાલિકમલીવાળા બાબાનું સદાવ્રત આવે. જાત્રાળુઓને પ્રેમથી ખવરાવે અને એક બે રોટી આગ્રહ કરીને સાથે પણ બંધાવે. વચ્ચે કોઇ જગાએ અણધાર્યો અટકવાનો સમય આવે તો આવી સાથે બંધાયેલી રોટી ઉપયોગી થઇ પડે. સ્વામીદાદાએ એક સાધુને બે શેકેલી રોટી ખાઇને આ કઠીન માર્ગે આગળ ધપતા જોયા. સદાવ્રતમાં સેવા આપનારા લોકોએ બુમ પાડીને સાધુને રોક્યા અને એકાદ ટંક બપોર માટે બે રોટી સાથે લઇ જવા સૂચવ્યું. અલખના આધારે સમગ્ર આયખું પસાર કરનાર સાધુએ નમ્રતા સાથે પણ દૃઢતાના ભાવ સાથે કહ્યું : ‘‘પ્યારે! સાધુ કભી શામ કી ફીકર નહિ કરતાં’’ કીડીને કણ અને હાથીને મણ આપનાર કોઇ અગમ અગોચર તત્વ ઉપર સાધુનો ભરોસો કેટલો ઊંડો અને મજબૂત હશે ! સંતોએ પોતાના આવા સ્વભાવ અને વર્તનથી જગતના અનેક દેશોના અનેક લોકોના હૃદય પર પ્રેમનું શાસન કરેલું છે. આપણાં દેશમા પણ વિવિધ વિચારધારા સાથે જોડાયેલા અનેક સંતોએ ‘‘સંત પરમ હિતકારી’’ ની વાત જીવંત રાખેલી છે. આવા ઉપકારી આત્માઓ કટોકટીની ક્ષણે સમાજના ભેરૂ તથા માર્ગદર્શક થઇને ઊભા છે. પોતાની ઓળખ કે કીર્તિની તેમણે તમા કરી નથી. એમના સ્વભાવમાં જ કવિ શ્રી કાગ લખે છે તેમ ઉપકાર કરવાનો ગુણ છે.
ઝાડવાં પોતે રે પોતાનાં
ફળ નથી ખાતાં, ઉપકારી એનો આતમા
ગાવલડી પોતે રે પોતાનું દૂધ
નથી પીતી, ઉપકારી એનો આતમા.
ગુજરાતમાં પણ સાધુસંતોના એક ઉજળા અને ગરિમાયુક્ત પ્રવાહનું આપણે સતત દર્શન કરતા આવ્યા છીએ. કાળના કપરા તથા વિકટ પ્રવાહમાં પણ આવા સંતોનો પ્રવાહ ઝાંખો પડ્યો નથી. આવા સંતપુરુષોની આકાશગંગામાં સ્વામીનારાણદેવની આરાધના કરનાર સંતોનું સ્થાન પણ તેમના કાર્યો થકી પ્રભાવી તથા મજબૂત છે. ઉત્તર ભારતમાં અઢારમી સદીના પૂર્વાર્ધમાં પ્રગટ થયેલા નીલકંઠવર્ણિ મહારાજે ગુજરાતની ધરતી પર પોતાનું ત્યાગ તથા ભક્તિપ્રધાન જીવનકાર્ય શરૂ કરીને દેશ-વિદેશના અનેક હરિભક્તોનું જીવન મંગળમય તથા કલ્યાણમય કરેલું છે. આ કાર્ય કરવામાં મહારાજે કોઇ નાના-મોટાનો ભેદ કર્યો નથી. સહજાનંદ સ્વામીએ પ્રગટાવેલી આ કલ્યાણમાર્ગની પાવકજવાળાને મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી જેવા આભને થોભ દઇ શકે તેવા અડિખમ સાધુઓએ જીવંત તેમજ જવલંત રાખી છે. ગોંડલમાં યોગીબાપા કે છારોડી (અમદાવાદ) ગુરુકૂળમાં જોગીસ્વામી કે મણીનગરમાં મુક્તજીવન સ્વામીબાપાનું જેમણે દર્શન કરેલું છે તેમણે અલૌકિક પ્રસન્નતાની અનુભૂતિ કરી છે. મુક્તજીવન સ્વામીબાપાના માર્ગદર્શન પ્રમાણે લોકહિતનું કાર્ય કરતા અનેક સંતો-હરિભક્તોને અમદાવાદ તેમજ કચ્છમાં મળવાનું થયું છે. સમાજહિત માટે ઘસાઇને ઉજળા થવાની આ સંતોમાં એક ઊંડી વૃત્તિ છે. આ વૃત્તિના પાયામાં સ્વામીબાપાનું તપ તેમજ સામર્થ્ય પડેલા જોઇ શકાય છે. અમદાવાદના શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી પણ આ ઉજળી પરંપરાના એક તેજસ્વી મણકા સમાન છે.
શ્રી મુક્તજીવન સ્વામીબાપાનો પ્રાગટ્ય દિવસ સાતમી ઓક્ટોબર-૧૯૦૭ છે. આ પ્રસંગની અનેક હરિભકતો ભાવથી ઉજવણી કરે છે. શેઢી અને વાત્રક જેવી પાવક સરિતાઓના તટે ધર્મશીલ પિતા તેમજ ભક્તિનિષ્ઠ માતાની કૂખે તેમનો અવતાર થયો. આ મુક્ત આત્માએ જીવનના છેલ્લા શ્વાસ સુધી વિશ્વના અનેક ભાગોમાં સદગુણ તથા સંસ્કારના પ્રસારણ માટે અથાક પરિશ્રમ કર્યો. સંસ્કારી માતા-પિતાના પુત્ર પુરુષોત્તમે પોતાના જીવનકાર્યોના માધ્યમથી જગતને શણગાર્યું હતું. જેટલા વ્યવહાર કાર્યમાં ચોકકસ હતા તેટલા જ ચોકકસ સ્વામીબાપા ધર્મપાલનમાં હતા. આપણાં અનેક સંતોએ આવા જળકમળવત્ જીવનના ઉજળા ઉદાહરણ પૂરા પાડેલા છે. કેટલાક કિસ્સામાં આવા પુણ્યશ્લોક લોકો સાધુ થઇને સર્વજનહિતાય કાર્ય કરતા હોય કે પછી શ્રીમદ્ રાજચન્દ્ર જેવા કિસ્સામાં સંસારજીવનના આટાપાટા વચ્ચે ગૂંથાયેલા હોય તેમ છતાં સ્વ ધર્મપાલનમાં તેમણે કોઇ જગાએ સુસ્તી દર્શાવી નથી. ટૂંકા રસ્તા પકડ્યા નથી કે વિકટ સ્થિતિમાં નબળું કે સમાધાનકારી વલણ દર્શાવ્યું નથી.
સ્વામીનારાયણ દેવે પોતાના સમગ્ર જીવનકાળમાં સમાજ સુધારણાના કાર્યો કરીને એક ઉમદા ઉદાહરણ જગત સામે રજૂ કર્યું. ભકિતના બળથી અને અપાર સ્નેહની કળથી તેમણે અનેક લોકોની વ્યસનમુકિત કરાવી. જડ રૂઢિઓને હટાવીને એક નૂતન જીવનનો સૂર્યોદય કરાવ્યો. શ્રીજીમહારાજના પગલે સ્વામીબાપાએ પણ દેશ વિદેશમાં હેતુપૂર્ણ વિચરણ કર્યું. સત્સંગની સરિતા સૌના કલ્યાણ માટે વહાવી. કચ્છમાં પણ અનેક ગામોમાં સત્સંગના માધ્યમથી જાગૃતિ આવી. ૧૯૭૭માં અમદાવાદમાં યોજાયેલા ભાતીગળ મહોત્સવમાં અનેક લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો. છાત્રાલયના માધ્યમથી કેળવણીના દિપકને સતેજ કરવાના પ્રયાસો કર્યા. મણીનગરમાં શાળા-કોલેજની સ્થાપના કરીને શૈક્ષણિક ચેતના પ્રગટાવવાનું ઉમદા કાર્ય સ્વામીબાપાએ કર્યુ. સ્વામીનારાયણ કોલેજ તરીકે ઓળખાતી સંસ્થા આજે પણ કાર્યરત છે અને શિક્ષણની અમૂલ્ય સેવા કરે છે. મુકતજીવન સ્વામીબાપાએ સામાજિક એકતા તેમજ સમાજમાં સંપ તથા સેવાના ગુણોનો વિકાસ થાય તેવા પ્રયાસ કર્યા. અનેક આંધી તથા અવરોધો વચ્ચે સ્થિરતા તેમજ મકકમતાથી કાર્ય કરવાનો મહાગુણ તેમના સ્વભાવમાં જોઇ શકાય છે. નિષ્કુળાનંદ સ્વામીએ કહયું છે તેમ ઇશ્વરનું અવતરણ તેજસ્વી સંતોના જીવન થકી જ થાય છે. સંત અને શ્રીજી અંતે તો એક જ સ્વરૂપના બે ભાગ છે.
સંત પૂજે હું પૂજાણો રે
સંત દુખવે હું દૂખાણો રે
સંત હું ને હું તે વળી સંત રે
એમ શ્રીમુખે કહે ભગવંત રે.
સ્વામીનારાયણ સંપ્રદાયના અનેક સંતોએ મહારાજની ઉપાસના માટે તેમજ વ્યાપક જનજાગૃત્તિ માટે સુંદર તથા અર્થસભર પદોની રચના કરી છે. બ્રહમાનંદ સ્વામી આવા એક જાજવલ્યમાન સાધુ હતા. ભૂજની વ્રજભાષા પાઠશાળામાં તેમનું શિક્ષણ થયું હતું. બ્રહમાનંદસ્વામીની રચનાઓ આજે પણ ગાઇએ તો એક નવો આત્મવિશ્વાસ પ્રગટે તેવી છે. સ્વામી લખે છેઃ
તીરથ જાનેકુ પાંવ રચે પ્રભુ
હાથ રચે હરિ સેવ હિ ઠાની
કાન રચે સુનીયે જશ કેશવ
જીભ રચી કહીએ હરિબાની
નેન રચે હરિ સંતકુ દેખન
તાતે સબ સુખ પાવત માની
ઓર તો સાજ ભલો બ્રહમાનંદ
પેટ રચ્યો સો તો પાકી ખાની
સંસારમાં આવવાનો તથા જીવન જીવવાનો હેતુ તો સંતો સ્પષ્ટ કરીને કહેતા ગયા છે. સ્વામીબાપા જેવા સંતોએ સ્વયં પોતાના જીવન થકી સેવા તથા સત્સંગનો અપાર મહિમા કર્યો છે. આજે જયારે અનેક નાના મોટા પ્રશ્નોને કારણે સમાજજીવન ક્ષણમાત્રમાં ડહોળાય છે ત્યારે સંતોના જીવનમાંથી ધીરજ તથા સહિષ્ણુતાનો સંદેશ મળે છે. આપણે સંતોની વાણીનો આ પ્રવાહ ઝીલી શકીએ તો સામુહિક ધોરણે તેના અનેક લાભ છે. વ્યકિતગત જીવનમાં પણ સાંપ્રતકાળમાં ઊભાં થતાં વમળો સામે ટકી રહેવાની સ્વસ્થતા આવા સંતોના વચનામૃતમાંથી પ્રાપ્ત થાય છે. મુકતાત્મા સ્વામીબાપાનું સ્મરણ કાળજયી છે.

Leave a comment