: સંસ્કૃતિ : અવની પર અવિચળ કિરતઃ ભગવત ગુણ ભંડાર :

મહારાજા ભગવતસિહંજી (ગોંડલ) તેમની સૂઝ તથા વિચક્ષણ દૃષ્ટિને કારણે ગોંડલ રાજયને એક નમૂનેદાર રાજય બનાવી શકયા હતા. કેળવણીના ક્ષેત્રમાં રાજયનો વિકાસ એ તેમની હંમેશની અગ્રતાનો વિષય હતો. ભગવદ્ ગોમંડળની રચના એ મહારાજાનો ભવ્ય સંકલ્પ હતો. પરંતુ આ કાર્ય માટે ચંદુલાલ બહેચરલાલ પટેલની પસંદગીએ મહારાજની ઉત્તમ નિર્ણય શકિતનો પણ પરિચય આપે છે. ચંદુભાઇનું જીવન આ ધન્યકાર્ય માટે અપૂર્વ નિષ્ઠાથી  વ્યતિત થયું. કોશના સંપાદનમાં ચંદુભાઇએ લગભગ ત્રણ દાયકા સુધી અખંડ તપશ્ચર્યા જેવી કામગીરી કરી પ્રસિધ્ધ સાક્ષર પંડિત કે. કા. શાસ્ત્રીજી યથાર્થ કહે છે કે ગુજરાતી ભાષા જીવશે ત્યાં સુધી ભગવતસિંહજી તથા ચંદુભાઇની કીર્તિની સૌરભ પ્રસરતી રહેશે. ગાંધીજી ભગવદ્ ગોમંડળની કામગીરીથી પ્રભાવિત થયા હતા અને તેનાથી માતૃભાષાની મોટી સેવા થશે તેવું તેમણે ચંદુભાઇને લખેલા એક પત્રમાં જણાવ્યું હતું. કોશ માટે સમય, શકિત તેમજ નાણાંનો છૂટથી વ્યય કરનાર આ રાજવી પરાધીન દેશના વાઇસરોય રાજયના મહેમાન થાય તો કોઇ ભભકભર્યા સમારંભો કરવાના બદલે રાજયની ગરિમા પણ જળવાય અને છતાં રાજય પર કોઇ અવિચારી આર્થિક ભારણ ન આવે તેની કાળજી રાખતા હતા. વહીવટની આવી કાબેલિયત કોઇ પણ કાળે દિશાસૂચક બને તેવી છે. મહારાજાએ પોતાના સુદીર્ધ શાસન દરમિયાન નાના મોટા પચાસ વેરા દૂર કરીને લોક સુખાકારી વધારવા પ્રયાસ કર્યો હતો. ભગવતસિંહજીના સમયમાં ગોંડલ રાજયનો વહીવટ આજે પણ વહીવટદારોને માર્ગદર્શક બની શકે તેવો અસરકારક તથા ચુસ્ત હતો.

આજના સંદર્ભમાં કેટલીક વાતો કદાચ ગળે ન ઉતરે તેવી લાગે તો પણ ગોંડલ મહારાજા ભગવતસિંહજી કે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના જીવન તથા વહીવટની આવી વાતો એ વાસ્તવિક ઘટનાઓનો ઉજળો ઇતિહાસ છે. ગોંડલના મહારાજા સાહેબના દરબારગઢથી નજીકમાં જ રહેતા એક જૈફ ઉંમરના વિધવા મહિલાનો પુત્ર ખોવાઇ ગયો. માતા માટે તો સ્વાભાવિક રીતે જ આ પુત્ર એ ‘‘રાંકના રતન’’ સમાન હતો. પ્રજાના હિત માટે સદા જાગૃત એવા શાસક મહારાજા ભગવતસિંહજી સુધી આ ફરિયાદ પહોંચી. ખોવાયેલા બાળકની વ્યાપક તથા ઝડપી શોધખોળ કરવા માટે મહારાજા તરફથી અધિકારીઓને સૂચના આપવામાં આવી. અહીં સુધીની વાત તો કદાચ જાગૃત શાસકના સંદર્ભમાં સ્વાભાવિક લાગે. પરંતુ હવે પછીની વાત એ ભગવતસિંહજીને અન્ય શાસનકર્તાઓથી વિશેષ ભૂમિકામાં પ્રસ્તુત કરે છે. મહારાજા અને મહારાણી નંદકુંવરબાએ વિલાપ કરતી આ મહિલાનો પુત્ર ન મળે ત્યાં સુધી ભોજનનો ત્યાગ કર્યો ! શાસનની અસરકારકતા અને પરમ તત્વમાં ભરપૂર શ્રધ્ધાને કારણે છોકરો મળી આવ્યો. જયાં શાસકની આવી પિતાતુલ્ય સંવેદનશીલતા સામાન્ય નાગરિક સુધી પહોંચતી હોય ત્યાં વહીવટના ધોરણ કેટલા ઊંચા તથા ઉજળા હશે એ બાબત અહોભાવ પ્રગટાવી શકે તેવી છે. આવા શાસકની વિદાયને સાત દાયકા થયા પછી પણ જૂના ગોંડલ રાજયની સંસ્થાઓ તથા નાગરિકો ઉમળકાભેર યાદ કરે તેમાં સંપૂર્ણ ઔચિત્ય દેખાય છે. ભગવતસિંહજીની સાર્ધ શતાબ્દીના શુભ પ્રસંગે ધોરાજીમાં એક વર્ષ પહેલાં યોજવામાં આવેલા કાર્યક્રમમાં જે લોકો ઉપસ્થિત હતા. તેમની આંખોમાં પોતાના ભૂતપૂર્વ મહારાજા તરફનો ભારોભાર સ્નેહ છલકતો જોઇ શકાતો હતો. ભાઇ શ્રી રાજેન્દ્ર દવે (રાજકોટ) તેમજ અન્ય ઘણાં લેખકો ઇતિહાસકારોએ ગોંડલ રાજયના વહીવટની શ્રેષ્ઠ બાબતો અંગે લખ્યું છે. આ બધી વાતો તેમજ આવા આભ ઊંચા ચરિત્રો આપણાં માટે ગૌરવપ્રદ તો છે જ. પરંતુ વર્તમાન સમયમાં માર્ગદર્શક પણ બની શકે તેવા સમૃધ્ધ તેમજ સદાકાળ સાંપ્રત છે. આવા શાસકો સ્તુતિ કે નિંદાથી પર રહીને પ્રજાની ખેવના માટે હંમેશા પ્રયત્નશીલ રહેલા છે. 

તુષ્ટ થાય નહિ સ્તુતિ થકી

નિંદાથી ન અતુષ્ટ,

એ ભગવતને અનુગ્રહે

થયો ચિત્ત સંતુષ્ટ

દેશ આઝાદ થયો તે પહેલા ત્રણ વર્ષે ૧૯૪૪ના માર્ચ મહિનાની નવમી તારીખે આ યુગ પ્રવર્તક રાજવીનું નિધન થયું. કાળના સ્વાભાવિક ક્રમના એક ભાગ તરીકે મહારાજા સદેહેન હોવા છતાં તેમના ઉત્કૃષ્ટ કાર્યો તથા ઊંચા વિચારોનું દર્શન આજે પણ જોવા મળે છે. ગોંડલ મહારાજા ભગવતસિંહજીએ ૭૪ વર્ષ સુધી રાજય કારભાર સંભાળ્યો તે પણ દેશી રાજયોની તવારીખમાં એક અજોડ ઘટના સમાન છે. પિતા મહારાજા સંગ્રામજીનું અવસાન થયું ત્યારે ભગવતસિંહજી માત્ર ચાર વર્ષના હોવાથી થોડા વર્ષો સુધી રાજય કારભાર બ્રિટીશ એજન્સી તરફથી નીમાયેલા અધિકારીઓએ કર્યો હતો. દેશી રાજયોના આ વહીવટમાં જયાં રાજાઓનું વલણ પ્રજાના કલ્યાણ તરફ રહેલું છે. ત્યાં જનતાએ તેમને અગાધ આદર તથા સ્નેહ આપેલા છે. જે કિસ્સાઓમાં રાજવીઓ મોજશોખ કે વિલાસમાં પડયા છે. ત્યાં અમૃતલાલ શેઠ જેવા જાગૃત લોકોએ રાજવીઓ સામે આંદોલન પણ કરેલા છે. સૌરાષ્ટ્રમાં દેશી રજવાડાઓની સંખ્યા મોટી હતી અને તેથી દેશી રાજયોના વહીવટના ખાસ પ્રશ્નો પણ ત્યાં જ ઉભા થયા હતાં. ગાંધીજી અને રાજકોટનો સત્યાગ્રહ એ આવી જ એક ઘટનાનો ભાગ છે. 

મહારાજા ભગવતસિંહજી એક સમર્થ સામાજિક સુધારક પણ હતાં. દેશમાં મહિલાઓને ઉચિત સ્થાન તથા માન મળતા નથી તે બાબત અંગે તેમને ભારે નારાજગી રહેતી હતી. ઓઝલ પ્રથાને તેઓ અનિષ્ટ ગણતા હતાં. આજથી લગભગ એક સદી પહેલાં ૧૯૧૯માં ભગવતસિંહજીએ કન્યા કેળવણી મફત તથા ફરજિયાત કરી હતી. દેશ તથા વિદેશના કેટલાક જાણીતા વર્તમાનપત્રોએ તથા શિક્ષણવિદોએ આ નિર્ણયથી પ્રભાવિત થઇ તેની પ્રશંસા કરી હતી. તેમના શાસનકાળમાં કરવેરામાં કોઇ નોંધપાત્ર વધારો કર્યા સિવાય તેમણે કુશળતથા કરકસરયુકત વહીવટની નવી તરાહ વિકસાવી હતી. તે કાળમાં રાજયમાંથી જકાત નાબૂદ કરવાનું કે પીવાના પાણી માટે ફિલ્ટર પ્લાન્ટ નાખવાનું કામ બતાવે છે કે તેઓ તેમના સમયથી ઘણાં આગળ હતાં. મેળાઓ કે ઉત્સવોના પ્રસંગે રમવામાં આવતા જૂગાર પર પ્રતિબંધ મૂકીને આ રાજવીએ પોતાની ઝીણી દૃષ્ટિનો પરિચય કરાવ્યો છે. ધોરાજી તથા ગોંડલ એ બંન્ને નગરોના પ્રજાજનોએ મહારજાને અઢળક આદર તથા સ્નેહ આપીને પ્રસંગોને ઉચિત સન્માન કરેલા છે. મહારાજા ભગવતસિંહજીની જન્મભૂમિ ધોરાજી છે. 

ગોંડલ રાજયના નગરોની બાંધણી આજે પણ અલગ તરી આવે તેવી છે. આપણાં રાજયનાં મુખ્ય સચિવ રહી ચૂકેલા મૂળ દક્ષિણ ભારતના એક અધિકારીએ ગોંડલની તેમની ટુંકી મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે ગોંડલ રાજયનો વહીવટ તેમજ ગોંડલના નગર આયોજનથી તેઓ પ્રભાવિત થયેલા છે. દેશમાં ખૂબ ઓછા સ્થળોએ દેશી રાજયોનો આવો પ્રજા કલ્યાણલક્ષી વહીવટ હતો તે વાત તેમણે ખૂબ ભાવપૂર્વક કરી હતી. રાજવીઓને મળવું તે લગભગ અશકય હતું. તેવા કાળમાં ભગવતસિંહજીને રાજયનો કોઇ પણ નાગરિક મળી શકતો હતો. રાજયની તિજોરીમાંથી પોતે પણ નિશ્ચિત વેતન લેતા હતાં. એ કેવી અસાધારણ વાત કહેવાય ! વહીવટમાં એક પાઇનો પણ ખોટો ખર્ચ ન થાય તેની સંપૂર્ણ તકેદારી રાખતાં તેમજ રખાવતા ભગવતસિંહજીએ કોયટાનગર (હાલ પાકિસ્તાન)માં થયેલા ભૂકંપગ્રસ્ત ભાડુઓ માટે તે સમયે રૂપિયા એક કરોડની સહાય કરીને બ્રિટીશ અમલદારોને આશ્ચર્યચકિત કરી દીધાં હતાં. રાજયમાં વૃક્ષછેદન અટકાવવા માટેનો કાયદો તો હતો જ પરંતુ વિશેષ મહત્વની વાત એ છે કે તેનો અસરકારક અમલ પણ કરવામાં આવતો હતો. મહારાજા ભગવતસિંહજીની અમર કીર્તિ તેમના ભગવદ્ ગો મંડળના યજ્ઞકાર્યથી થઇ છે, તે સુવિદિત છે. ૧૯૨૮માં આ સર્વાગ સુંદરકોષની રચનાનું ભગીરથ કાર્ય શરૂ થયું. ૧૯૫૫માં આ કાર્ય સંપન્ન થયું. મહારાજા ભગવતસિંહજીની મહેચ્છા પૂરી થઇ. ત્રણ દાયકાની અવિરત તપશ્ચર્યાવાળું આ કામ ઇતિહાસમાં અજોડ કહી શકાય તેવું છે. 

મહારાજા ભગવતસિંહજીની નિરક્ષિર તારવી શકવાની શકિત અસાધારણ હતી. કવિગુરુ ટાગોર ગોંડલમાં આવીને રોકાયા ત્યારે તેમની ઉત્તમ મહેમાનગતી કરી અને તેથી કવિવર પ્રસન્ન પણ થયા. કવિશ્વર ત્યારબાદ શાંતિનિકેતન પાછા ગયા પછી ભગવતસિંહજી કવિને મળવા શાંતિનિકેતન ગયા. ત્યાં જઇને સંપૂર્ણ વિવેક સાથે કવિગુરુના ચરણે મોટી રકમનું દાન તેમણે શાંતિનિકેતન માટે આપ્યું. કવિગુરુએ પૂછયું કે તેઓ ગોંડલ હતા ત્યારે જ આ નાણાંકીય સહાય આપી દીધી હોત તો મહારાજાને કલકત્તાનો ધકકો ખાવો જરૂરી બન્યો ન હોત. મહારાજાએ કવિગુરુને ગરિમાયુકત જવાબ આપતાં કહયું કે આપને સહાય લેવા ‘‘ગોંડલ ન આવવું પડે’’ તેમાં ઔચિત્ય પણ નથી. આપના તો શાંતિનિકેતનમાં પ્રથમ દર્શન કરીને ત્યારપછી આર્થિક સહાય આપવામાં આવે તે જ ઉચિત ગણાય. રાજવીનું આ સૌજન્ય તેમની અસામાન્ય પ્રતિભાનું દર્શન કરાવે છે. ૨૪મી ઓકટોમ્બર-૧૮૬૫ના દિવસે ભગવતસિંહજીનો જન્મ થયો હતો. તેમની વિશેષ સ્મૃતિ ઓકટોમ્બર માસમાં તેમના અનેક ચાહકોને આજે પણ થાય છે. લીંબડી રાજકવિ શંકરદાનજી દેથાના શબ્દો આ રાજવી જીવી ગયા હોય તેમ લાગે છે. 

નિર્બળ નિરાશ્રિત દીનની

જયાં જીવિકા જળવાય છે,

એવા સુપુન્યે અધીશ્વરની

આયુવૃધ્ધિ થાય છે

સ્વપ્રજાને સુખ આપવા

જે રાજવી આતુર રહે

તે રાજયમાં સુખ રાખવા

દૃઢ રામ ચિંતાતુર રહે.

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑