લોકસાહિત્ય તથા લોકકળાના વિષયમાં તેમજ તેના વિકાસ અને સંવર્ધન બાબતમાં ઘણાં વર્ષોથી અનેક મહાનુભાવોએ વ્યાપક ખેડાણ કર્યું છે. લોકસાહિત્યના બળૂકા માધ્યમથી લોકોના રીતરિવાજ, પરંપરાઓ, ઉત્સવો તેમજ તેમની સમગ્ર અસ્મિતાના દર્શન થાય છે. કલકત્તામાં નોકરી માટે ગયેલા મેઘાણીભાઇ આ સાહિત્યના તીવ્ર આકર્ષણને કારણે ૧૯૨૧ માં સૌરાષ્ટ્રમાં આવ્યા અને લોકસાહિત્યના સંશોધનની અભૂતપૂર્વ કામગીરી કરી. તળના આ સાહિત્યની સુગંધને કારણેજ બંગાળના લોકગીતો તેમજ નાવિકોના ભાવગીતો એકઠા કરવાનું કાર્ય સચિનદેવ બર્મને પણ વર્ષો સુધી કર્યું. બાઉલ ગીતોને ઉજાગર કરવામાં ક્ષિતિમોહન સેને પણ વણથાકી રઝળપાટ કરી. કવિગુરુ ટાગોર સુધી ક્ષિતિબાબુએ બાઉલ ગીતોનો ખજાનો પહોંચાડ્યો. મેઘાણીભાઇ ઉપરાંત સર્વશ્રી રતુભાઇ અદાણી, ડોલરરાય માંકડ, જયમલ્લભાઇ પરમાર, ગોકળદાસ રાયચુરા તથા રતુભાઇ રોહડિયા જેવા આ ક્ષેત્રમાં પડેલા મોટા ગજાના માનવીઓએ પણ પોતાની તમામ સમય તથા શક્તિ લગાવીને લોકસાહિત્યના પ્રચાર અને દસ્તાવેજીકરણના કામમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું. સમર્થ કવિ અને વક્તા શ્રી દુલા કાગ, શ્રી મેરૂભા ગઢવી, શ્રી દુલેરાય કારાણી તથા શ્રી પિંગળશીભાઇ લીલા જેવા મર્મી લોકોએ દેશ અને દુનિયાના અનેક સ્થળોએ લોકસાહિત્યમાં રહેલા સત્વની વાતો કરી અને લોકોએ તેમની વાતોને ખૂબજ સ્નેહપૂર્વક વધાવી લીધી. શ્રી સુલેમાન જુમા અને શ્રી નાનજી મિસ્ત્રી જેવા કસબીઓએ તેમની કળાથી લોકસાહિત્યમાં આકર્ષક રંગો પૂર્યા. લોકો એ વાત સમજતા – સ્વીકારતા થયા કે આ સાહિત્ય એ આપણોજ અમૂલ્ય ખજાનો છે અને તેનું આકર્ષક આજે પણ એટલુંજ અકબંધછે. આપણાં નેક – ટેક અને ખમીરની વાતો આ સાહિત્યમાં સંઘરાયેલી છે. જે વર્ષો વીત્યા છતાં આજે પણ આપણને પ્રેરણા આપે છે.
લોકકળાના ક્ષેત્ર પર નજર કરીએ તો એક વાત સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે આ કળાઓ લોકોમાંથી ઉદ્દભવી અને બળવત્તર બની. પરંતુ તેનું યોગ્ય દસ્તાવેજીકરણ તેમજ વિવેચન, મૂલ્યાંકન જોઇએ તેટલા થઇ શક્યા નહિ. ઘણું બધું સાહિત્ય કંઠોપકંઠ કહેવાયું અને કાળના પ્રવાહમાં કેટલુંક સાહિત્ય લુપ્ત પણ થયું. દસ્તાવેજીકરણનું કાર્ય એ એક પડકારરૂપ બાબત છે. આમ છતાં મેઘાણીભાઇની ઐતિહાસિક રઝળપાટને કારણે જગતને લોકસાહિત્યનો એક અમૂલ્ય ખજાનો મળી શક્યો. કચ્છમાં શ્રી દુલેરાય કારાણીના આજીનવ પ્રયાસોને કારણે કચ્છની અનેક તળની કથાઓ આપણાં સુધી પહોંચી શકી.
આ કાર્ય સૌરાષ્ટ્રમાં જયમલ્લભાઇએ અર્ધી સદી સુધી કર્યું અને તેના પરિણામે ઘણાં માહિતીપ્રદ પુસ્તકો ગુજરાતને મળી શક્યા. ઊર્મિ – નવરચનાના માધ્યમથી પણ લોકસાહિત્ય – સંત સાહિત્યને ભર્યો ભાદર્યો રસથાળ અનેક લોકો સુધી સારી રીતે પહોંચી શક્યો. વિષય લોકકળાનો હોય, લોકગીતો હોય કે વેશભૂષા કે વાજિંત્રોનો હોય, આ બધા ક્ષેત્રોમાં નિષ્ઠાવાન સંશોધનના ફળસ્વરૂપે સમાજ સમક્ષ સમૃધ્ધ અને આકર્ષક સાહિત્ય મૂકી શકાયું. રતુભાઇ અદાણીના પ્રયાસોથી ૧૯૫૬ માં જૂનાગઢ ખાતે લોકસાહિત્ય વિદ્યાલયની સ્થાપના કરીને આ વિષયની પધ્ધતિસરની તાલીમ મળી શકે તેવું આયોજન કરવામાં આવેલું હતું. તે સમયની સૌરાષ્ટ્ર સરકારનો આ એક ઉચિત તથા અર્થસભર પ્રયાસ હતો. લોકસાહિત્ય વિદ્યાલયમાંથી તાલીમ મેળવીને તૈયાર થયેલા સાહિત્ય મર્મીઓએ સમાજ સમક્ષ લોકસાહિત્યની ધારાને નિરંતર વહેતી રાખી છે. આ પ્રકારની તાલીમ માટે યોગ્ય અભ્યાસક્રમ ગોઠવાય અને આ અભ્યાસક્રમને અનુરૂપ જરૂરી પુસ્તકો – દસ્તાવેજો મળી રહે તે માટે પણ વ્યાપક પ્રયાસો થયા. શિષ્ટ સાહિત્ય સાથે જોડાયેલા ઘણાં વિદ્વાનોએ મેઘાણીભાઇ તથા કવિ કાગ જેવા મહાનુભાવોના લખાણોના માધ્યમથી લોકસાહિત્યનો પરિચય કેળવ્યો અને તેઓ લોકસાહિત્યની શક્તિથી પ્રભાવિત થયા છે.
લોકસાહિત્યમાં લોકગીતોનું મહત્વ અનેરું છે. લોકગીતોમાં લોકોની લાગણી, પરંપરા તથા જીવન જીવવાની સમગ્ર શૈલી કલાત્મક રીતે વણાયેલી છે. લોકગીતો એ લોકોના જીવન સાથે વણાયેલા હોવાથી તેમનું અસ્તિત્વ જીવંત છે, ચિરંજીવી છે. મેઘાણીભાઇએ લોકગીતોના ભાવને સુપેરે ઝીલ્યા અને તેના મર્મીઓ પાસેથી આ ખજાનો કુનેહપૂર્વક મેળવીને આપણી સમક્ષ રજૂ કર્યો. આ ગીતોમાંથી ઘણા ગીતોને હેમુભાઇ ગઢવી, કનુભાઇ બરોટ, ઇસ્માઇલ વાલેરા તથા દીના ગાંધર્વ જેવા વાણીના સમર્થ ઉપાસકોએ પોતાના મધુર કંઠમાં ઢાળ્યા અને રાજકોટ રેડિયો સ્ટેશને તેમને વહેતા કર્યા. લોકગીતોના તમામ સ્વરૂપોને લોકસમૂહે હમેશા ભારે પ્રતિસાદ આપ્યો છે. આજે પણ એવોજ ઉજળો આવકાર લોકસાહિત્યને લોક તરફથી મળે છે.
સાક્ષર શ્રી રણજીતરામ વાવાભાઇ લોકગીતોના ઉષાકાળને સાહિત્યનો ઉષાકાળ ગણે છે તે ખૂબ સૂચક છે. તેમણે લખ્યું છે કે વસ્તૂત: સાહિત્યનો ઉદ્દભવ લોકગીતોમાંથીજ થયો છે. લોકગીત એ ખરા અર્થમાં લોકજીવનનો ભાવ ઝીલે છે અને તેનોજ સંગીતમય પ્રતિઘોષ ગજાવે છે. લોકગીતના કોઇ ચોક્કસ લેખક હોતા નથી. તેની રચનાનો ચોક્કસ કાળ નક્કી કરવો પણ મોટા ભાગે મુશ્કેલ બને છે. લોકગીતોના મૂળ શબ્દોમાં કેટલાક ફેરફારો પાછળથી થયા હોય કે તેમાં કેટલાક શબ્દો/પંક્તિઓ ઉમેરાઇ હોય તેમ પણ બનવાનો સંભવ રહે છે. લોકગીતોનું મોટામાં મોટું બળ એ તેની સાર્વજનિકતા છે. આ રચનાઓ લોક ઉલ્લાસમાંથીજ જન્મી, ત્યાંજ તેનું રૂડું જતન થયું અને તેની વૃધ્ધિ પણ ત્યાંજ થઇ. આ રચનાઓ કદી વિદ્વાનોની મહોતાજ રહી નથી. મેઘાણીભાઇ ગામડે-ગામડે, નેસડે-નેસડે તથા ઝૂંપડે-ઝૂંપડે રાત દિવસ, ટાઢ તડકો, સગવડ-અગવડ જોયા સિવાય સતત પરિભ્રમણ કરતા રહ્યા અને પરિણામે આપણે સૌ અમૂલ્ય લોકગીતોનો ઉત્તમ ખજાનો મેળવી શક્યા. ગુજરાતી જેમજ દેશની વિવિધ ભાષાઓના લોકગીતો અંગે પણ મેઘાણીભાઇએ અભ્યાસકાર્ય કર્યું. આપણા લોકગીતો સહજ રીતેજ મીઠા માનવ સંબંધોનો ભાવ પ્રગટ કરે છે. તેમાં કયાંય કૃત્રિમતાનો અંશ પણ દેખાતો નથી. આ બધી વાતો ભલે શાસ્ત્રમાં ન હોય કે કદાચ શાસ્ત્રોક્ત ન લાગતી હોય તો પણ તેની ભાવપૂર્ણ વાતોમાં વેદમંત્રો જેવાજ ભાવ અને પવિત્રતા પ્રગટથાય છે. શ્રી જયમલ્લભાઇએ લોકગીત બાબત વિશેષ સ્પષ્ટ કરતાં લખ્યું છે કે લોકગીતનું આ પવિત્ર સરવાણ તો અનાયાસેજ ઉદ્દભવે છે અને આવા અનાયાસે ઉદ્દભવેલા મનોભાવની તે એક લયયુક્ત અભિવ્યક્તિ છે.
લોકગીતોની એક મોટી શક્તિ એ છે કે તેમાં પૂર્ણત: સમરસતાના ભાવ છે. આપણી સામાજિક સમરસતાનો તાણો-વાણો ગૂંથવામાં અને તેને સબળ બનાવવાના પુણ્યકાર્યમાં લોકગીતોનો સિંહફાળો છે. સૌરાષ્ટ્રમાં ગવાતા એક જાણીતા લગ્નગીતમાં કેવા નાજુકભાવ સંઘરાઇને પડ્યા છે તે ફરી સાંભળવા ગમે તેવા છે.
ઊંભા રે ઊંચા દાદા ગઢ રે ચણાવ્યા
ગઢ રે સરીખા ગોખ મેલીયા,
ગઢ રે ચડીને બાઇનો દાદોજી જૂએ
કન્યા ગોરાને રાઇવર શામળા !
નિર્દોષતા તથા સુંદરતા ધરાવતી વહાલી દિકરીને પરણવા આવતા વરરાજા શામળા હોવાથી તે બાબત દાદાની ચિંતાનો વિષય બને છે. પરંતુ દિકરીને તરતજ દાદાજીની આ ચિંતાનો ભાવ ધ્યાનમાં આવે છે અને તેનો કેવો ચતુરાઇથી ભરેલો જવાબ આપીને પોતાને પ્રિય એવા દાદાની ચિંતા દૂર કરવાનો પ્રયાસ કરે છે.
એના ઓરતડા ન કરજો દાદા,
દ્વારકામાં રણછોડરાય શામળા !
મેઘાણીભાઇએ સરસ લખ્યું છે કે આ ગીતોમાં લાવણ્ય ભારોભાર પડેલું છે. નીચેની પંક્તિઓમાં પણ આજ બાબતનો ભાવ અન્ય રીતે ઉઘડે છે.
મેડીને મોલ બેઠાં મોંઘીબા બોલે,
કાં રે દાદાજી વર શામળો !
દાદાજી યુક્તિપૂર્વક વહાલી દિકરીને મનાવે છે.
છેટેથી આવ્યો રજે ભરાણો
રજનો ભરાણો રાયવર શામળો !
આજે જ્યારે સામૂહિક માધ્યમો મારફત કેટલીકવાર અર્થહિન તથા વિકૃતિપૂર્ણ ગીતોનો મારો ચલાવાતો હોય તેવું લાગે ત્યારે આપણાં આ પરંપરાગત લોકગીતો તરફ અચૂક ધ્યાન જાય છે. માત્ર એ જૂનું છે માટે સારું છે તેવી વાત નથી. આ ગીતોમાં સંઘરાઇને પડેલા ભાવ તથા લોકજીવનના અભિન્ન તાણાંવાણાંની જેમ વણાયેલા પ્રસંગો – સમાજજીવનની સ્વાસ્થતા દર્શાવવા તેમજ તેને ટકાવી રાખવા માટે એક શાસ્વત મૂલ્ય ધરાવે છે તેની પ્રતિતિ થાય છે. લોકગીતોનો ઉષાકાળ તેજ સાહિત્યનો ઉષાકાળ છે તેવું રણજીતરામ વાવાભાઇનું વિધાન યથાર્ય છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment