: ક્ષણના ચણીબોર : ગાંધી મારો સો સો વાતુનો જાણનારો :

ગાંધીજી ગોળીએથી વિંધાયા પછી લગભગ છ દાયકા બાદ યુનાઇટેડ નેશન્સ તરફથી સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો. આ ઠરાવથી દરેક વર્ષની બીજી ઓક્ટોબરને વિશ્વ અહિંસા દિવસ તરીકે ગણાવીને ગાંધી વિચારની સ્મૃતિને સ્થાયી સ્વરૂપ આપવાનો આવકારપાત્ર પ્રયાસ થયો. ગાંધી એક વિચારસરણીનું નામ છે તેમ કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી. વ્યક્તિની સ્મૃતિ કાળના નિરંતર વહેતા પ્રવાહમાં ઝાંખી થઇ શકે છે. સંસ્થાઓ પણ કાળબળના કારણે કેટલાક કિસ્સામાં ક્ષિણ થતી જોવા મળે છે. પરંતુ વિચાર એ નિત્ય તથા નૂતન સ્વરૂપે સદાકાળ વહેતો રહે છે. સોક્રેટીસ, લિંકન કે ગાંધીને અકુદરતી રીતે મારનારનો હેતુ આ મહાનુભાવોના વિચાર પ્રવાહની હત્યા કરવાનો હોય તો તેઓ તેમાં સફળ થયા નથી તેમ ઇતિહાસ પ્રમાણે છે. આજે પણ પોતે જે માન્યતા ધરાવે છે તે બાબતો માટે ભોગ આપવાની તૈયારી રાખનારા ‘‘માથાના ફરેલા’’ લોકો છેજ. કાલબુર્ગી, પાનસરે કે નરેન્દ્ર દાભોલકર આપણી નજર સામેના ઉદાહરણ છે. તેઓએ સર્વોચ્ચ બલિદાન આપ્યા પરંતુ વિચારનું હણી ન શકાય તેવું બીજ રોપીને ગયા. આ રીતેજ ગાંધી વિચારને જીવંત તથા વહેતો રાખવાનું કામ કેટલાક લોકો થાક્યા કે હાર્યા સિવાય કરે છે. ગાંધી મિત્ર વર્તુળ ગાંધીનગર આવી એક સંસ્થા છે. ભાનુભાઇ પુરાણી કે મહેન્દ્રભાઇ ત્રિવેદીનો સંપર્ક કરવાથી આ સંસ્થાની કામગીરીનો વિશેષ પરિચય મેળવી શકાય છે. આ સંસ્થાએ નવરાત્રિના આરાધના કરવાના દિવસોમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું. આ કાર્યક્રમમાંજ ત્રણ ગાંધી વિચારને વરેલા વરિષ્ઠ મહાનુભાવોનું સન્માન કર્યું. આ ત્રણ મહાનુભાવોમાં સર્વશ્રી અમૃતભાઇ ત્રિવેદી, વસંતભાઇ શાહ તેમજ મનસુખભાઇ પંચાલનો સમાવેશ થાય છે. ગાંધી વિચારને નવી પેઢી સુધી લઇ જવાના પ્રયાસો સંસ્થા નાના-મોટા કાર્યક્રમો કરીને કરે છે. આવા પ્રયત્નો કરતી વખતે ‘‘એકલો જાને રે’’ ની ભાવના મનમાં પાકી ન થઇ હોય તો લાંબો પંથ કાપવો મુશ્કેલ છે. 

જો સૌએ પાછા જાય

ઓરે ઓરે ઓ અભાગી !

સૌએ પાછા જાય.

જો રણમારગ નીસરવા ટાણે

સૌ ખૂણે સંતાય

તો કાંટા રાને

તારે લોહી નીગળતે ચરણે

ભાઇ ! એકલો ધાને રે.

આ સંસ્થાના પ્રયાસો થકી કેટલાક શાળા – કોલેજના વિદ્યાર્થીઓ ગાંધી વિશે વાંચતા – વિચારતા અને બોલતા થયા. આથી આવા પ્રયાસનું સ્વાગત છે. ગાંધી વિચારની સ્મૃતિ ચિરંજીવી રહે અને વ્યક્તિગત રીતે નાગરિકને સમાજ માટે કંઇક કરી છૂટવાની વૃત્તિ કેળવાયતો અનેક પ્રશ્નોનો અણધાર્યો ઉકેલ મળી શકે તેમ છે. બાપુ એ જીવાતા જીવનનો વિષય છે. સદાકાળ આપણાં દૈનિક જીવનમાં પણ પ્રાસંગિક છે. બાપુના વિચારતત્વને માત્ર બીજી ઓક્ટોબર કે ત્રીસમી જાન્યુઆરીની ફ્રેમમાં મઢી રાખવાનો પ્રયાસ કોઇ અર્થસભર પરિણામ લાવી શકે નહિ. કવિ ઉશનસે ઉચિત રીતેજ ધારદાર ટકોર કરી છે. 

જે કાળ કેરો સાંઢ

શૃંગેથી ગ્રહી હાંકી ગયા,

તે આટલે વર્ષે હવે

ખુદ બે મિનિટનું મૌન !

દક્ષિણ ગુજરાતના હરિપુરા ગામમાં ૧૯૩૮માં કોંગ્રેસ મહાસભાનું અધિવેશન થયું તે અનેક સંદર્ભમાં ઐતિહાસિક છે. આ સંમેલનમાં બન્ને દિવસ કવિ શ્રી દુલા ભાયા કાગે કેટલીક રચનાઓ રજૂ કરી તેમાં સો સો વાતુનો જાણનારો વિશેષ પ્રસિધ્ધિને વરી છે. ગાંધી ચરિત્રને તળપદી અને મીઠી ભાષામાં પ્રગટાવવાનું કામ આ કવિએ ખૂબીપૂર્વક કરેલું છે તેની નોંધ મેઘાણીભાઇએ લીધી છે. 

સો સો વાતુનો જાણનારો

મોભીડો મારો ઝાઝી વાતુનો ઝીલનારો

ભાંગ્યા હોય એનો ભેરુ થનારો

મેલાઘેલાને માનનારો

ઉપર ઉજળા અને મનના મેલા

એવા ધોળાને નહિ ધીરનારો..

ગાંધી મારો સો સો વાતુનો જાણનારો.

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑