ગાંધીજીએ ૧૯૪૧માં વ્યક્તિગત સત્યાગ્રહ શરુ કરવાનો સંકલ્પ જાહેર કર્યો. એક એક ચુનંદા સત્યાગ્રહીને તૈયાર કરવાની તેમજ આ સત્યાગ્રહીના માધ્યમથી વિદેશી સરકાર સામે મુકિતની મશાલ ધરવાની બાપુની આ નવી રણનીતિ હતી. દેશના અનેક લોકોના મનમાં એ જાણવાની ઉત્કંઠા હતી કે બાપુ પહેલા સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરશે? કોણ એવો સદભાગી હશે જેના નામ પર ગાંધીજી મંજૂરીની મહોર મારશે ? ગાંધીયુગના એ કાળના દિગ્ગજ નેતાઓના સમૂહમાંથી કોઇ એકની પસંદગી પ્રથમ સત્યાગ્રહી તરીકે કરવાની હતી. તેથી તે બાબત તરફ લોકોનું વિશેષ ધ્યાન કેન્દ્રિત થયું હતું. અંતે બાપુની પસંદગીનો કળશ વિનોબાજી પર ઢળ્યો. વિનોબાજી સેવાગ્રામમાં બાપુ સમક્ષ હાજર થયા. બાપુએ પ્રથમ સત્યાગ્રહીની જવાબદારી સ્વીકારવા વિનોબાને જણાવ્યું. વિનોબાની આ કામ માટે અનુકૂળતા તથા સંમતિ જાણવા બાપુએ પ્રયાસ કર્યો. વિનોબાજી કહેઃ “આપનો હુકમ તથા યમરાજનો હુકમ પાછા કયાં ઠેલી શકાય છે?” અને વિનોબાજી દેશના પ્રથમ સત્યાગ્રહી તરીકે અસાધારણ આત્મબળથી ઝળહળી ઊઠયાં. વિનોબાજીના બાપુ સાથેના મિલનની પૂર્વભૂમિકા પણ જાણવામાં રસ પડે તેવી છે. બનારસ હિન્દુ યુનિવર્સિટીના શિલાન્યાસ (૧૯૧૬) સમયનું ગાંધીજીનું તે કાળનું બહુચર્ચિત વક્તવ્ય વાંચીને વિનાયક નરહરી ભાવે નામનો એકવીસ વર્ષનો તરૂણ કાશીથી હિમાલય તરફ જવાનો નિર્ણય બદલીને સાબરમતીના કિનારે આફ્રિકાથી પરત આવેલા ગાંધીભાઇને મળવા અમદાવાદ પહોંચી ગયો. બનારસના એ ગાંધીજીના પ્રવચનમાં મોટા મોટા અંગ્રેજ અમલદારો તથા રતનમણિમંડિત રાજાઓની નબળાઇઓ તેમને મોઢામોંઢ સંપૂર્ણ નિર્ભયતાથી અને છતાં કડવાશના ભાવ સિવાય કહેનાર આ વીરમાં વિનોબાજીને જૂદી માટીના માનવીના દર્શન થયાં. ગાંધીજીને મળ્યા અને ગાંધી વિચારના આજીવન જ્યોતિર્ધર બની રહ્યા. ગાંધીજીએ પણ આ વિશિષ્ટ અનુયાઇનું તેજ પારખી તેમને “જ્ઞાનદેવ અને તુકારામના પગલે ચાલતા સાધક” તરીકે ઓળખાવ્યા. વિનોબાજીના પિતાને પત્ર લખીને ગાંધીજીએ જણાવ્યું. ‘‘તમારો પુત્ર મારી પાસે છે. આટલી નાની ઉંમરમાં જ વિનોબાએ જે તેજસ્વિતા અને વૈરાગ્ય કેળવ્યા છે તે કેળવતા મને વર્ષો લાગ્યા હતા.’’ દીનબંધુ એન્ડ્રુઝને બાપુએ કહ્યુઃ ‘‘આશ્રમના દુર્લભ રત્નોમાંના તે એક છે… તેઓ (વિનોબા) પામવા નહિ પરંતુ આપવા આવ્યા છે’’ સ્વયં બાપુના મનમાં આવું સ્થાન પ્રાપ્ત કરનાર વિનોબાજી-વિનાયકનો જન્મ ૧૧મી સપ્ટેંબર-૧૮૯૫ના દિવસે મહારાષ્ટ્રમાં થયો હતો. ગાંધી વિચારની ગંગોત્રીને ભૂમિ પર ઉતારવાનો સંકલ્પયોગ હૈયે કોતરીને જીવનભર કર્મશીલ રહેનાર વિનોબાજીની વિશેષ સ્મૃતિ સપ્ટેમ્બર માસમાં થાય છે. મહાદેવભાઇ તથા નારાયણભાઇ દેસાઇ તેમજ કાન્તિભાઇ શાહ (પિંડવળ)ની નિષ્ઠાપૂર્વકની લેખન તેમજ સંપાદનની મહેનતને કારણે વિનોબાજીના જીવનની-વિચારની અનેક વાતો આપણાં સુધી પહોંચી છે.
વિનોબાજીના અનેક અવિસ્મરણિય કાર્યોમાં તેમના ભગવદ્ ગીતા પરના પ્રવચનો અગ્રસ્થાને છે. અંગ્રેજ સત્તાધિશો સામેની આરપરની લડાઇમાં સત્યાગ્રહીઓ માટે જેલ નિવાસ તેમજ ક્રાંતિકારીઓ માટે ફાંસીના માંચડા કે આજીવન કેદની સજા એ નવાઇની વાત રહી ન હતી. વિનોબાજી આ પ્રક્રિયાના જ એક ભાગ તરીકે ધુળિયા જેલમાં ૧૯૩૨માં હતા ત્યારે ગીતાના દરેક ભાગને આવરી લઇને જેલના સાથીઓ સમક્ષ પ્રવચનો કર્યા. સાને ગુરુજીએ આ પ્રવચનો લિપિબદ્ધ કર્યા. ભગવદ્ ગીતાનું મૌલિક વિચાર વિવરણ વિનોબાજીએ કુશળતાપૂર્વક કર્યુ. વર્ષો પહેલાં બાળપણમાં પોતાની માતાને આપેલા વચનને પણ વિનોબાજીએ પાળી બતાવ્યું. વિનોબાજી નાના હતા ત્યારે તેમના બા રોજ કથા સાંભળવા જતાં. એકવાર સંસ્કારમૂર્તિ સમાન માતાએ પુત્રને કહયું કે ગીતા સંસ્કૃતમાં છે તેથી તે સમજવામાં સંસ્કૃતની જાણકારી ન હોય તેને તકલીફ પડે છે. આથી માતાએ પ્રતાપી પુત્રની શક્તિને પરખીને જણાવ્યું: ‘‘તું જ કેમ ગીતાનો અનુવાદ નથી કરતો ? તું આ કામ કરી શકે તેમ છે.’’ માતાની ચિર વિદાય પછી એક દસકા બાદ વિનોબાજીએ માતાના આગ્રહને હૈયે ધરીને ગીતાઇની રચના કરી. ગીતાઇ એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સમશ્લોકી મરાઠી અનુવાદ. નામ પણ સુંદર તથા અર્થપૂર્ણ આપ્યું. ગીતા=ગીતા +આઇ. માને મરાઠીમાં આઇ કહે છે. આપણે ત્યાં પણ માતા માટે ‘આઇ’ શબ્દ જાણીતો બન્યો છે. વિનોબાજી લખે છે કે મા શબ્દના બધા ભાવ તેમને ગીતામાં જોવા મળેલા છે. માતાના પુણ્ય સ્મરણમાં ગીતા માતાનું ગાન એ વિનોબાજીની સમાજને મળેલી અમૂલ્ય ભેટ છે. વિનોબાજીએ મરાઠીમાં લખેલા સુંદર શબ્દોનો ગુજરાતી અનુવાદ પણ વાંચવો- સાંભળવો ગમે તેવો છે.
ગીતાઇ મારી મા
તેનો હું બાળ અબોધ
પડું છું, રડું છું ઊંચકીને તે
ખોળામાં લઇ લે છે.
ભગવદ્ ગીતાની જેમ વેદ-ઉપનિષદો તથા કુરાને શરીફનુ અધ્યયન પણ વિનોબાજીએ ઊંડાણથી કર્યું. વિનોબજીનું જીવન એ અસાધારણ બુદ્ધિપ્રતિભા તથા સાતત્યપૂર્ણ અધ્યયનશીલતાનુ ઉજળું તથા પ્રેરણાદાયક ઉદાહરણ છે. વિનોબાજી કહે છે કે પચાસ વર્ષ સુધી તેમણે વેદોનું અધ્યયન કર્યુ. ચાર-સાડા ચાર હજાર શ્લોકનો તો તેઓ મુખપાઠ કરી શકતા હતા. ગાંધીયુગના વિનોબાજી જેવા ૠષિતુલ્ય માનવીઓના જીવનનું જ્ઞાન તેમના આચરણ તથા કર્મોમાં જોઇ શકાતું હતું. વિનોબાજીએ અનેક સમયે આ વાત સ્પષ્ટ પણ કરી છે. તેઓ કહેતા કે પાણીમાં જેમ હાઇડ્રોજન તથા ઓક્સિજન હોય છે તેમજ જીવનમાં પણ વિચાર (ચિંતન) તથા કાર્ય (action) બન્નેનું સરખુંજ મહત્વ છે. સ્વાધ્યાયના અભાવે દૃષ્ટિ નિસ્તેજ તથા છીછરી બની રહે છે તેવી વિનોબાજીની વાત સાંપ્રતકાળે પણ કેટલી મહત્વની તથા દિશાસૂચક લાગે છે ! આથી જ વિનોબાજી માટે આચાર્ય શબ્દ યથાસ્થાને છે. આચાર્યના જીવનમાં જીવન તથા કથનની એકરૂપતા હોય છે. અનેક કાર્યો કરવા છતાં તેમનામાં કોઇ કર્તાભાવ લગીરે જોઇ શકાતો નથી. ગાંધીજીની એકાદશ વ્રત પરની પુસ્તિકાનો મરાઠીમાં વિનોબાજીએ અનુવાદ કર્યો. તેની પ્રસ્તાવનામાં આ મહર્ષિ લખે છેઃ
પ્રેરણા પરમાત્માચી,
મહાત્માચી પ્રસન્નતા,
વાણી સંતકૃપેચી હી,
વિન્યાચી કૃતિશૂન્યતા
આ અનુવાદ કર્યો તેની પ્રેરણા પરમાત્માની, બાપુના આશીર્વાદ તથા સંતોની કૃપા-પણ ‘વિન્યા’નું કંઇ નહિ!-માત્ર કૃતિશૂન્યતા! ૠષિકૂળના કોઇ આધુનિક મશાલચીની નમ્રતા તથા નિરાભિમાનપણું અનન્ય છે.
ગાંધીજીની વિદાય પછી તેમના વિચારો અનુસાર અનેક કાર્યો વિનોબાજીએ કપરા સંજોગોમાં પણ કર્યાં. ૧૯૫૧થી ભૂમિહીનો માટે ભૂમિદાન માંગવુ શરુ કર્યુ. લગભગ ૧૩ વર્ષ સુધી સતત પગપાળા ભ્રમણ કરીને લાખો એકર ભૂમિ દાનમાં મેળવીને ભૂમિહીનોને આપી. જેમની પાસે જમીન નથી તેમને જમીન તથા પરિશ્રમ સાથે જોડીને તેમણે માન્યામાં ન આવે તેવું અસાધારણ યજ્ઞકાર્ય કર્યુ. વિનોબાજીના આ યજ્ઞમાં ગુજરાતે પણ ગણનાપાત્ર આહૂતિ આપી. ‘‘ઘસાઇને ઉજળા થાવમાં’’ માનનારા રવિશંકર મહારાજના તેમજ અન્ય ભૂદાન કાર્યકરોની નિષ્ઠા તથા મહેનતનું પરિણામ જોવા મળ્યું. લોકકવિઓએ પણ આ કામ શબ્દપુષ્પોથી વધાવી લીધું. કવિ શ્રી દુલા ભાયા કાગ લખે છેઃ
અલેકીઓ માગવા આવ્યો રે..
આ તો દેશ દખણનો બાવો.
થંભી જાજો હો તરવારીઆ !
કાં તરવારો સજાવો ?
તેગ તોપને ખાંડો ખાંડણીએ
દાતરડાં નિપજાવો.. અલેકીઓ..
સ્વરાજ્ય આશ્રમ વેડછીના શ્રી જુગતરામ દવેએ લખ્યું કે ગુજરાતમાં વિનોબાજીના પગલાં પડે તે પહેલાં કવિકાગ જેવા લોકકવિઓએ અંતરના ભાવથી ભૂદાનના કાવ્યો ગાયા. વ્યાપક લોકજૂવાળ પણ વિનોબાજીના આ કાર્યમાં જોવા મળ્યો. આ ઉપરાંત સંત સાહિત્યમાં પણ વિનોબાજીના લખાણો ખૂબ જ લોકભોગ્ય બની રહ્યાં. એક જેલના જેલરે વિનોબાજીને કહ્યું કે જેમને ફાંસીની સજા થઇ છે તેવા કેટલાક કેદીઓ ગીતાઇ માગતા હતા અને તે વાંચીને જેલર મારફતે વિનોબાજીને ‘દીર્ઘજીવી હો’ ની શુભેચ્છા આપતા હતા! વિનોબાજી કહેતાઃ બાબા (વિનોબાજી) જશે પરંતુ ગીતાઇ રહેશે. વિનોબાજીનું જીવનકાર્ય કાળના કપરા પ્રવાહમાં પણ ઝાંખું પડે તેવું નથી.
Leave a comment