માનવ પુરુષાર્થની મહાકથા સમાન જીવતર જીવી જનાર પંડિત સુખલાલજીને સંવત્સરીના પ્રસંગેયાદ કરીને તેમના ઉજળા જીવનને વંદન કરવાનો તથા પ્રેરણા લેવાનો પ્રસંગ છે. પંડિતજીને સંત કબીર જેવા મૌલિક તથા ક્રાંતિકારી સંત તરીકે ઓળખાવીને વાડીલાલ ડગલીએ યોગ્ય સરખામણી કરી છે તેમ કહી શકાય. જીવનના સાર્થક ૭૫ વર્ષ પૂરા કર્યા ત્યારે ૧૯૫૭ માં પંડિત સુખલાલજીનું સ્વયંભૂ જાહેર અભિવાદન કરવામાં આવ્યું. ડૉ. સર્વપલ્લી રાધાક્રિષ્નન જેવા વિદ્વાનના પ્રમુખસ્થાને આ ગૌરવયુક્ત સમારંભ થયો. મુંબઇ યુનિવર્સિટીમાં યોજવામાં આવેલા આ સમારંભની શોભા સમાન વક્તવ્ય કાકાસાહેબ કાલેલકરે આપ્યું. ડૉ. રાધાક્રિષ્નને પંડિતજીને ચેતના પુરુષ કહ્યાં. કાકાસાહેબે પંડિતજીને ગાંધીયુગના દર્શનશાસ્ત્રીતરીકે ઓળખાવ્યા. પંડિતજીની સમન્વયકારી અને માનવીય નિસ્બત ધરાવતી ઉદાર ફિલસૂફિનો નિચોડ તેમના રચેલા ગ્રંથોમાં જોવા મળે છે તે વાતનો વિદ્વાન લોકોએ પુનરોચ્ચાર કર્યો. ગુજરાતી સમાજ પર જૈન દર્શન તથા જીવન જીવવાની પધ્ધતિની એક ઊંડી અસર જોવા મળે છે. શ્રીમદ રાજચન્દ્ર કે પંડિત સુખલાલજી જેવા પ્રકાંડ પંડિતોની વાણી થકી આપણું સાહિત્ય તથા આધ્યાત્મિક જીવન સમૃધ્ધ થયું છે. સમાજ જીવનમાં પડેલા આ ઊંડા સંસ્કારના બળે અનેક પ્રકારના દુષણો આવતા અટકાવી શકાયા છે કે નિયંત્રણમાં રાખી શકાયા છે. વિશ્વના કેટલાય ભાગના લોકો ભિન્ન ભિન્ન કારણોસર ભય કે આતંકના ઓળા હેઠળ જીવન જીવે છે ત્યારે તિર્થંકર દેવોનો સર્વજન હિતાય સર્વજન સુખાયનો મંત્ર વિશેષ પ્રાસંગિક બનેલો છે.
પુષ્પ પાંખડી જ્યાં દુભાય
જિનવરની ત્યાં નહિ આજ્ઞાય
સર્વ જીવોનું ઇચ્છો સુખ
મહાવીરની શિક્ષા મુખ્ય.
લગભગ એકસો દસ વર્ષ પહેલા વીરમગામથી લોકલ ટ્રેઇન પકડીને ઝાલાવાડના એક નાના એવા ગામડાનો યુવાન કાશી વિદ્યા પ્રાપ્ત કરવા માટે પ્રયાણ કરે તેજ એક અનન્ય ઘટના છે. પરંતુ જ્યારે એ યુવાન પ્રજ્ઞાચક્ષુ છે તથા ભાગ્યેજ જીવનાં કોઇ લાંબી મુસાફરીનો તેનો પૂર્વ અનુભવ છે તેની જાણકારી થાય ત્યારે આ પડકારરૂપ પુરુષાર્થ કરનારની વીરતા તરફ અહોભાવ થવો સ્વાભાવિક છે. કુટુંબના તમામ સભ્યોની ચિંતા તથા અસહમતિ તેમજ પડકારરૂપ શારીરિક સ્થિતિ હોવા છતાં સરસ્વતીની સાધના માટે કાશી જવા નીકળેલા પંડિત સુખલાલજીનું જીવન ગંગાના પ્રવાહ સમાન પવિત્ર તેમજ ગતિશીલ છે. વાડીલાલ ડગલી તથા નવલભાઇ શાહ જેવા વિદ્વાન લોકોને પંડિતજીને જોઇને જગવિખ્યાત ચિંતક સોક્રેટીસની સ્મૃતિ તાજી થાય તો તે નવાઇની વાત નથી. નાનાભાઇ ભટ્ટને પંડિતજીના જીવનમાં જ્ઞાન તથા આચરણનો સુમેળ દેખાયો છે. પંડિત સુખલાલજીની આભા કદી ઝાંખી પડે તેવી નથી. ધર્મના સર્વગ્રાહી ચિંતનને પોથીમુક્ત કરવાની ક્ષમતા ધરાવનારા પંડિતજીનું જીવન કોઇપણ સામાન્ય માણસને પણ પ્રેરણા આપી શકે તેવું ઉજ્વળ છે. દેહને કર્મનો ભોગ તો ભોગવવો પડે પરંતુ જીવનની યાત્રામાં નિરંતર ઉર્ધ્વગતિ હોય તો સહજ આત્મસ્વરૂપ સ્વદેશમાં પહોંચવાનો પુરુષાર્થ પાર પડે તેવા શ્રીમદ્ રાજચન્દ્રના શબ્દોનું પ્રતિબિંબ પંડિતજીના જીવનમાં ઝીલાયું છે.
અવશ્ય કર્મનો ભોગ છે
ભોગવવો અવશેષ રે
તેથી દેહ એકજ ધારીને
જાશું સ્વરૂપ સ્વદેશ રે…
સંવત્સરીના પવિત્ર પસંગે ગુજરાતના આ મહાન ચિંતક તેમજ દાર્શનિક મનિષિનું સ્મરણ થાય તે સ્વાભાવિક છે. પંડિતજીનું જ્ઞાન ઘણું વ્યાપક તથા વિશ્વતોમુખી છે અને જૈન સંઘમાં તેઓની જોડી ભાગ્યેજ મળે તેવું પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજનું વિધાન યથાર્થ છે. પંડિત સુખલાલજીનો જન્મ ડિસેમ્બરની આઠમી તારીખે ૧૮૮૦ માં થયો તેમ નોંધાયું છે. તેમનો જન્મ પિતૃભૂમિ લીમલી કે મોસાળ કોંઢમાં થયો તે બાબત પર ચોક્કસ નિર્ણય થઇ શક્યો નથી. આ બન્ને ગામો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા છે. પંડિતજીએ અનેક વિષયોને આવરી લઇને લખાણો લખ્યાં છે. આપણાં દર્શન સાહિત્યમાં પંડિતજીના ગ્રંથો આભૂષણ સમાન છે. પંડિતજી વિશે ગુજરાતી ગ્રંથકાર શ્રેણીના ભાગ તરીકે પંડિતજીના અંતેવાસી દલસુખ માલવણિયાએ તેમજ વાડીલાલ ડગલી જેવા વિદ્વાનોએ જે વિગતો લખી છે તે ગમે ત્યારે ફરી ફરી વાંચવી ગમે તેવી છે. પંડિત સુખલાલજીના વિરાટ વ્યક્તિત્વને કવિ શ્રી ઉમાશંકર જોશીએ સુંદર શબ્દોમાં શબ્દબધ્ધ કર્યું છે.
પ્રજ્ઞા પ્રાસાદથી
અંત: ચક્ષુએ જગ પેખતા
પરસન્નશીલ ગરવા
નમુ પંડિતવર્યને.
પંડિત સુખલાલજીનું જીવન સર્વગ્રાહી હતું. તેઓ તેમની ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકાને કારણે સંસારના વ્યવહારોથી અલિપ્ત હતા પરંતુ સાંપ્રતકાળથી વિમુખ ન હતા. ગાંધીજીના સત્ય તેમજ અહિંસાના માર્ગે દેશમાં ચાલતી મુક્તિ માટેની ચળવળના તથા ગાંધી વિચારના તેઓ સમર્થક હતા. ગાંધીજી પણ પંડિતજીના જીવન તેમજ જ્ઞાનોપાર્જનની નિરંતર પ્રવૃત્તિથી પ્રભાવિત થયા હતા. વાડીલાલ ડગલી એક સ્વાનુભાવનો પ્રસંગ ટાંકતા કહે છે કે તેઓ (વાડીલાલ ડગલી) એક પ્રસંગે પંડિતજી સાથે ગાંધીજીને મળવા ગયા હતા. તેઓએ મુલાકાત પૂરી કર્યા બાદ ગાંધીજીની વિદાય લીધી ત્યારે ગાંધીજીએ સુખલાલજી તરફ આંગળી ચીંધીને વાડીલાલ ડગલીને કહ્યું : ‘‘ છોકરા, એમને (પંડિતજીને) છોડતો નહિ, તેઓ આપણી હરતી-ફરતી વિદ્યાપીઠ છે.
સામાન્યમાં સામાન્ય માણસને પણ ધર્મનું સાચું સ્વરૂપ સરળતાથી સમજાવવામાં પંડિતજી સફળ રહ્યાં છે. જીવનયાત્રામાં એક પગથિયું ઊંચે ચડવાની દ્રષ્ટિ પંડિતજીના લખાણોમાંથી મળી શકે છે. ધર્મનું ધ્યેય શું છે તેની સરળ અને સર્વકાળે સાંપ્રત ગણી શકાય તેવી સમજૂતી પંડિતજીએ પોતાના પુસ્તક ‘‘ જૈનધર્મનો પ્રાણ ’’ માં લખેલી છે. પંડિતજી કહે છે કે દરેકને પોતાના વ્યક્તિગત અને સામાજિક કર્તવ્યનું ભાન તથા કર્તવ્ય પ્રત્યેની જવાબદારીમાં રસ પડે તથા એ રસને મૂર્ત કરી બતાવવા જેટલા પુરુષાર્થની જાગૃતિ કેળવાય એજ ધર્મનું ખરું ધ્યેય મનાવું જોઇએ. ધર્મની આવી સાર્વભૌમ સમજ આપીને આ જૈન પ્રજ્ઞા પુરુષ એક નૂતન દિશાનું દર્શન કરાવી ગયા છે. શ્રી યશોવિજયજી જૈન પાઠશાળા બનારસના આ તેજસ્વી વિદ્યાર્થીને દેશની અનેક મહાવિદ્યાલયોએ આદરપૂર્વકના સન્માનોથી નવાજ્યા છે. ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠમાં પુરાતત્વ મંદિરની સ્થાપના કરી હતી. જૈન મુનિ શ્રી જિનવિજયજી તેના આચાર્યપદે હતા. પંડિતજીએ વિદ્યાપીઠમાં અધ્યાપક તથા સંશોધક તરીકે અમૂલય યોગદાન આપ્યું હતું. પંડિત મદનમોહન માલવીયા તેમજ આચાર્ય આનંદશંકર ધ્રુવના આગ્રહથી તેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં અધ્યાપન કાર્ય પણ કર્યું. તરુણવયે શિતળાના રોગથી આંખો ગુમાવનાર આ પ્રજ્ઞાચક્ષુ પુરુષે અસંખ્ય લોકોના જીવનમાં જ્ઞાનના અજવાળા પાથર્યા છે. જૈન ધર્મના આ સુવિખ્યાત પંડિતે જૈન સમાજની નબળાઇઓ – કે ક્ષતિઓ હોય તો તેના તરફ સ્પષ્ટ નિર્દેશ કરીને તેને નિવારવા માટે પગલા ભર્યા છે. જીવનના પાછળના વર્ષોમાં તેઓ અમદાવાદમાં રહ્યા હતા. તે પહેલા પાલનપુરમાં તેઓ યુવાનવયે સાધુઓને જૈન શાસ્ત્રો તથા દર્શન શાસ્ત્રનું જ્ઞાન આપતા હતા. તે સમયે તેઓ એક સંસ્કારી તથા જીજ્ઞાસુ મહિલાને પણ શાસ્ત્રોનું જ્ઞાન આપતા હતા ત્યારે કેટલાક રુઢિચુસ્ત લોકોએ તેમને જ્ઞાન વિતરણની આ પ્રવૃત્તિ કરતા રોકવા પ્રયાસ કર્યો. ખાસ કરીને મહિલાઓને શાસ્ત્રોનું જ્ઞાન આપવાની વાત તે કાળમાં હજુ કેટલાક લોકોના ગળે ઊતરતી ન હતી. પંડિતજીએ મક્કમતાથી ફેંસલો સંભળાવ્યો કે તેઓ જ્ઞાન વિસ્તરણના આ સારસ્વત કામ માટે બહેનો તથા સમાજના કહેવાતા છેવાડાના વર્ગના લોકોને પ્રાથમિકતા આપે છે. સમયનો અભાવ રહેશેતો તેઓ સાધુઓને ભણાવવાનું છોડી દેશે પરંતુ બહેનોને તથા વંચિતોને જ્ઞાન વિતરણનું કાર્ય કદી છોડશે નહિ ! પંડિતજીનું જીવન સાદું તથા કરકસરયુક્ત હતું. પંડિતજીએ નાનપણમાં પોતાના પિતાની અંધ માતાને ગાયો દોહતા, છાશ વલોવતા તેમજ ઘર તથા આંગણાની સફાઇ કરતાં જોયા હતા અને તેમાંથીજ જીવનમાં શ્રમનું ગૌરવ કરતાં શીખ્યા હતા. આથી ગાંધીજીના આશ્રમમાં તેમણે દળવાનું કામ માગ્યું ! દરેક બાબતને ઝીણી નજરે જોનારા બાપુને ખબર હતી કે પંડિતજીએ કદી દળવાનું કામ કર્યું નથી એટલે ઘંટી પર પોતાની સાથે બેસાડીને ગાંધીજીએ સુખલાલજીને દળણું દળવાની શિક્ષા આપી !
અસાધારણ પ્રતિભા તથા લોખંડી નિર્ણયશક્તિ ધરાવનાર આ મહામાનવે જીવનજ્યોત સતત જ્વલંત રાખી હતી. જ્ઞાનના પ્રકાશ સામે આંખોના કાળા ડિબાંગ અંધકારે હાર કબૂલી હતી. સુન્દરમના શબ્દો પંડિતજીના જીવનના સંદર્ભમાં યાદ આવે છે.
ટચૂકડી આ આંગળિયોમાં
ઝાઝું જોર જમાવો,
આ નાનકડા પગને
વેગે ભમતા જગત બનાવો
અમને રડવડતાં શિખવાડો !
પ્રભુ હે ! જીવન જ્યોત જગાવો.
ઉરની સાંકલડી શેરીના
પંથ વિશાળ રચાવો
હૈયાના ઝરણા નાનાને
સાગર જેવું બનાવો..
અમને ગરજંતા શિખવાડો !
પ્રભુ હે ! જીવન જ્યોત જગાવો.
‘‘ ન દૈન્યં ન પલાયમન્ ’’ નો ઉન્મત જીવનમંત્ર વ્યવહારમાં આચરીને પંડિતજી તેમના જ્ઞાન થકી આપણો વારસો સમૃધ્ધ કરતા ગયા. સંવત્સરીના પવિત્ર પ્રસંગે ખમવા – ખમાવવાની ઉજળી પરંપરાને વ્યવહારમાં આત્મસાત કરીએ તો પંડિત સુખલાલજીની મેઘાવી પ્રતિભાને સાર્થક અંજલિ આપી ગણાય.

Leave a comment