: ક્ષણના ચણીબોર : આભને થોભ દેનારા મોંઘેરા માનવી :

૨૦૧૫ના વર્ષમાં આપણે કેટલાક આજીવન કર્મશીલોને ગુમાવ્યા. શ્રી નારાયણ દેસાઇ તથા શ્રી રજની કોઠારીની વસમી વિદાયને કળ વળે તે પહેલા શ્રી સનત મહેતા અચાનકજ કાયમી એકઝીટ કરી ગયા. જીવનની સંધ્યાના સમયે પણ આ બધા મહનુભાવોએ સમાજ જીવનની સ્વસ્થતા જળવાઇ રહે તેમજ વિશાળ જન સમૂદાયની  ચેતના ધબકતી રહે તે માટે નિરંતર પ્રયાસો કર્યા. હાર, થાક કે નિરાશાનું તેમના જીવનમાં કોઇ સ્થાન ન હતું.

ગુજરાત રાજ્યની સ્થાપના બાદ જે મંત્રીમંડળોની રચના કરવામાં આવી તેમાં મંત્રી તરીકે ફરજ બજાવનાર ઓછા લોકો એવા હશે કે જેઓ સત્તામાં હોય કે સત્તા બહાર હોય તે દરમિયાન જનવિકાસના કામોમાં નિરંતર સક્રિય રહ્યા હોય. સનત મહેતા દરેક સ્થિતિમાં સતત સક્રિય રહેનારા રાજકીય આગેવાનોની અગ્રહરોળમાં સ્થાન શોભાવતા હતા. જનસેવાના કાર્યોમાં સત્તામાં હોવું તે સ્થિતિ કદાચ વિશેષ ઉપયોગી થાય પરંતુ તે અનિવાર્ય નથી તે વાત સનતભાઇએ સિધ્ધ કરી બતાવી છે. સામાપક્ષે જનસમૂહનો સ્નેહ પણ તેમને સતત મળતો રહેલો છે. 

જાહેર વહીવટમાં સત્તા અને જવાબદારીનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે તો વહીવટ વિશેષ ઝડપી તથા અસરકારક બની શકે તે વાત મેનેજમેન્ટના મૂળ સિધ્ધાંતનો ભાગ છે. ગુજરાતે આ બાબતનો Concept વિકસાવ્યો અને દેશના ઘણાં ભાગોમાં તેનું અનુકરણ કરવામાં આવ્યું. આ બાબતમાં શ્રી બળવંતરાય મહેતા સમિતિ દ્વારા છેક ૧૯૫૭ માં રજૂ થયેલા પંચાયતી રાજ્યનું માળખું એ પણ સત્તાના વિકેન્દ્રીકરણ તથા લોકભાગીદારીની દિશામાં એક મહત્વની ઘટના હતી. આ રીતેજ રાજ્યમાં ૧૯૮૦ થી અમલમાં આવેલા વિકેન્દ્રીત આયોજનના માળખાના વિકાસમાં પાયાના પથ્થરો ગોઠવવાનું ઐતિહાસિક કાર્ય સનતભાઇએ ચિવટ તથા દીર્ઘદ્રષ્ટિપૂર્વક કર્યું હતું. આજે પણ વિકેન્દ્રીત આયોજન મંડળોની કામગીરી નાના મોટા ફેરફારો સાથે પણ અવિરત ચાલી રહી છે. આ પ્રથાની ઉપયોગિતાનો સાર્વત્રિક સ્વીકાર થયો છે. ગ્રામ્ય તથા તાલુકાની વિશિષ્ટ સ્થિતિ ધ્યાનમાં રાખી નાના પરંતુ ઉપયોગી એવી ખૂટતી કડીના કામો મંજુર કરવામાં તેમજ તેનું અમલીકરણ કરવાની પ્રક્રિયામાં લાંબો સમય લાગતો નથી. સનત મહેતાની સૂઝ તથા કુનેહની સુવાસ આ કામથી સ્થાયી સ્વરૂપ પામી છે.

કૃષિ ઉત્પાદકો અને તેમાંયે ખાસ કરીને નાના અને સીમાન્ત કૃષિકારોના કાયમી તથા અણનમ સમર્થક તરીકે સનતભાઇએ હાથ ધરેલી અનેકવિધ પ્રવૃત્તિઓનો તો અલગ ઇતિહાસ લખી શકાય તેમ છે. કપાસના ઉત્પાદકોની વ્યથા તેમણે સમજી છે. ડુંગળી પકવતા ખેડૂતોને સહન કરવી પડતી બજારની પ્રતિકૂળ સ્થિતિનો તેમણે તાગ મેળવ્યો છે. મીઠુ પકવતા અગરીયાઓની વેદનાએ તેમને વ્યથિત કર્યા છે. આ દરેક બાબતમાં માત્ર ટીકાત્મક વલણ લઇને બેસી રહેવાને બદલે સનતભાઇએ આ સ્થિતિના નિરાકરણ માટે ઠોસ ઉપાયો સૂચવ્યા છે. આવું કાર્ય કરવા માટેનું માળખુ ઊભું કરવામાં કે જો માળખું હોય તો તેને મજબૂત બનાવવાના કામમાં તેમણે પોતાના લોહી પસીનો એક કરીને મહેનત કરી છે તથા પરિણામો મેળવ્યા છે. આ બધા કાર્યો દરમિયાન તેમનો અભયાસુ સ્વભાવ ઝળહળી ઊઠેલો છે. ઇન્દુલાલ યાજ્ઞિકને યાદ કરી તેમની અમૂલ્ય કથા ગુજરાતના સુજ્ઞ નાગરિકો સમક્ષ રજૂ કરવાના તેમના સફળ પ્રયાસમાં સનતભાઇની માણસ પારખવાની વિશિષ્ટ શક્તિના દર્શન થાય છે. જ્યારે પણ સનતભાઇ સાથે વાત કરવાની કે ચર્ચા કરવાની તક મળી  છે ત્યારે તેમની સૂઝ તથા શક્તિ સાથે જનસામાન્ય તરફની અપાર સંવેદનશીલતાનું દર્શન થયું છે.

સનતભાઇની પાવન સ્મૃતિ તેમણે કરેલા અનેકવિધ કાર્યો થકી ચિરસ્થાયી છે. દુભ્યા – દુખાયેલા ભાંડુઓ તરફ મનમાં સંવેદનશીલતા જન્મે તથા કંઇક કરી છૂટવાની ઇચ્છા જાગે તો સનતભાઇને સાચી શ્રધ્ધાંજલિ આપી ગણાશે. ‘‘ જીવન અંજલી થાજો ’’ એ પ્રાર્થનામાં વ્યક્ત થતી ભાવના સનતભાઇ આ વ્યવહારલક્ષી જગતમાં પણ જીવીને ગયા. 

વી. એસ. ગઢવી 

ગાંધીનગર. 

Leave a comment

Blog at WordPress.com.

Up ↑