વિનોબાજીનો જન્મ તો ૧૧મી સપ્ટેમ્બર-૧૮૯૫ ના રોજ થયો. ઉમ્મરમાં ગાંધીજીથી પચીસેક વર્ષ નાના પરંતુ ડહાપણમાં તથા કર્તવ્યનિષ્ઠામાં ગાંધીની જોડાજોડ ઊભા રહી શકે તેવા વિનોબાજી ગાંધીયુગના આભૂષણ સમાન હતા. સપ્ટેમ્બર માસમાં અનેક સંસ્થાઓ – લોકો વિનોબાજીને સવિશેષ યાદ કરે છે. ગાંધીજીના વિચારોને વાસ્તવિક રૂપે ભૂમિગત કરવાનું કામ બાબાએ અસાધારણ નિષ્ઠાથી કરેલું છે.
સમાજ જીવન જ્યારે ડહોળાય અને તેમાં અનેક અણધાર્યા તથા જોખમી વમળો પેદા થાય ત્યારે વિનોબાજીનું માર્ગદર્શન સાંપ્રતકાળમાં પણ કામ લાગે તેવું છે. બાબા કહેતા કે વ્યક્તિગત જીવનમાં જે મહત્વ શ્વાસનું છે તેવુંજ સામાજિક જીવનમાં વિશ્વાસનું મહત્વ છે. અવિશ્વાસના પાયા ઉપર સ્વસ્થ સમાજનું નિર્માણ થવું અશક્ય છે. વિશ્વાસનું વાવેતર સમાજના ભિન્ન ભિન્ન ઘટકો એકબીજાને ખરા અર્થમાં ઓળખે તથા સમજે તો જરૂર થઇ શકે છે. ભિન્ન વિચાર ધરાવનારને પણ સમજવાની તથા તેના વિચારને સન્માનવાની ટેવ એ સ્વસ્થ સમાજની પૂર્વશરત છે. કેટલીક બાબતોમાં આપણે જે સ્થિતિ મનોમન ધારી લઇએ છીએ અને પછી તેની ચકાસણી કે ચોકસાઇ કર્યા સિવાય સાચી છે તેમ માની ઘૂંટ્યા કરીએ છીએ. આવી મનોસ્થિતિને કારણે આપણે સચ્ચાઇ સુધી પહોંચી શકતા નથી. આ બાબત સ્પષ્ટ કરવા વિનોબાજી એક સુંદર ઉદાહરણ આપે છે. તેઓ કહે છે કે પોતે નાના હતા ત્યારે પોતાની આઇ (માતા)ને કહ્યું કે તેમના ઘર સામે એક ઘેઘૂર આંબલીનું વૃક્ષ છે તેના પર ભૂત રહે છે. વિનોબાજીના માતા શાસ્ત્રો ભણ્યાં નથી પરંતુ સદાચારી જીવનથી સહજ સ્વસ્થતાને પામેલા છે. બાળકના મનમાં જે વહેમ તથા તેના કારણે કાલ્પનિક ભય ઊભો થયો છે તેને નિર્મૂળ કરવો જોઇએ તેવું માતા સમજે છે. વળી બાળકને માની વાત પર સ્વાભાવિક રીતેજ શ્રધ્ધા પણ છે. આથી માતા વિનોબાજીને કહે છે કે આવતીકાલે સવારના પહોરમાં તું આંબલી નીચે જઇને ધ્યાનથી વૃક્ષને નિહાળજે અને પછી મને કહેજે કે તારા જોવામાં શું આવ્યું. વિનોબાજી તેમ કરે છે. આંબલીના વૃક્ષનું ધ્યાનથી દર્શન કર્યા પછી પ્રસન્નતાના ભાવથી ઘર તરફ આવતા શીશુને જોઇ માતા પણ પ્રસન્નતાનો અનુભવ કરે છે. હરખભેર માતા પાસે આવીને બાળક વૃક્ષ દર્શનનો આંખે દેખ્યો અહેવાલ રજૂ કરે છે. બાળક કહે છે કે સૂર્યના કૂમળા તડકામાં વૃક્ષના લીલાછમ પાન ચળકે છે. આંબલીના કાતરા જોઇને મોમાં પાણી આવે છે. નાના નાના અનેક પંખીઓ મધુર સ્વરોમાં ગાતા સંભળાય છે. બાળક છેવટે નિચોડ રજૂ કરે છે. ‘‘ અહીં વળી ભૂત કે પિશાચ ક્યાંથી હોય ? ’’ આજે સમાજ જીવનમાં અનેક જગાએ આપણને કશુંક અજૂગતું હોવાનો અહેસાસ થયા કરે છે. કેટલીક બાબતોમાં તેમ હશે પણ ખરું. પરંતુ પ્રશ્ન એ છે કે આપણે તેને ધારણા કે માન્યતાઓના ચશ્મા ઉતારી નિરખવા તથા સમજવા તૈયાર છીએ ખરા ? વિનોબાજીના માતાએ એક નાના તથા વ્યવહારુ ઉદાહરણથી બાળકમાં એક સ્વસ્થ વિચારનું બીજ રોપ્યું. આપણે પણ કુટુંબના એક સભ્ય તરીકે અથવા સમાજના એક ઘટક તરીકે અન્ય ઘટકોને જોવા તથા સમજવાની કોશિષ માત્ર કરીએ તો પણ અનેક પ્રશ્નોનું આપોઆપ નિરાકરણ થાય છે. રાજકપુરની પ્રસિધ્ધ ફિલ્મ ‘ જાગતે રહો ’ ના છેલ્લા ભાગને યાદ કરો તો તેમાં પણ જગતમાં ચોતરફ ફેલાયેલા આ નૂતન પ્રકાશનું તથા જૂદી દ્રષ્ટિનાજ મહત્વની વાત કલાત્મક રીતે રજૂ કરવામાં આવી છે. વિનોબાજીની સ્મૃતિને વંદન તો સંઘર્ષની જગાએ સંવાદનું વાતાવરણ ઊભું કરીનેજ ખરા અર્થમાં કરી શકાય. કવિ કાગે આ દેશ દબણના બાવાને ભૂદાનકાર્યના સંદર્ભમાં અંતરના ભાવથી બિરદાવ્યા છે. આ અનોખો બાવો જે માગણીની ઝોળી લઇને આવેલો છે તેમાં અનેક વંચિતો તથા ભૂમિહિનોનું હિત સમાયેલું છે. તેથીજ તે અનોખો અને અદ્વિતિય મહામાનવ છે.
દેશ દબણનો બાવો
કોઇ દેખ્યો નથી આવો !
અલેકીઓ માગવા આવ્યો રે
આ તો દેશ દબણનો બાવો !
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment