ડૉ. મીણલબેન ચેડ (વરસડા) ઘણાં હાજર જવાબી છે. કાગધામની કથામાં કોઇએ એમને પૂછ્યું કે કથા દરમિયાન ક્યાં રહો છો ? તરતજ જવાબ આપ્યો : અમે તો ચરજ ગલીમાં મોજથી રહીએ છીએ ! ચરજગલી ? કદાચ આ રળિયામણા શબ્દ થકી કાગધામની રામકથામાં નિવાસ માટેની વ્યવસ્થા માટે બાંધવામાં આવેલા સુવિધાપૂર્ણ તંબુઓ તરફ તેમનો ઇશારો હતો. આ તંબુઓમાં નિવાસ કરતી જોગમાયા સ્વરૂપા ચારણ માતાઓ – બહેનો યાદગાર રામકથાના દિવસોમાં વહેલી સવારે અને મોડી સાંજે નવલાખ લોબડિયાળીને વાયક દેતી હોય તેમ મુક્ત કંઠે જોગામાયાના ગુણગાન ભજનો – ચરજો તથા પ્રભાતિયા ગાઇને વાતાવરણમાં પવિત્રતાની સુગંધ ભરતી હતી. દરરોજ આ વાતનો આંખે દેખ્યો અહેવાલ સૌને ભાઇ શ્રી ગોવિંદભાઇ જાળગ (શેઠ) પાસેથી સાંભળીને ધન્યતાનો અનુભવ થતો હતો. આવા ભાવ તથા ભક્તિના વાતાવરણમાં પૂ. કંકુકેસરઆઇનો સતત સંપર્ક તેમજ બહેનો સાથેના તેમના સંવાદનેકારણે કવિ ઇસરદાસજી કહે છે તેવો ‘સોનો ઔર સુગંધ’ જેવો ઘાટ ભગતબાપુના ખેતરમાં જોવા મળતો હતો. બહેનો ગાતી હતી તે મધુરા ગીતોના શબ્દો હલાવી નાખે તેવા છે.
મોત આવે તો ભલે આવે
એનું દુ:ખ નથી દિલ માંય..
એવા મારા રામના દર્શન થાય.
એક રચના પૂરી થાય ન થાય ત્યાં તો બીજી ઉપડે છે.
રામકથા નિમિત્તેના આ પ્રસંગે રામ-ભરતના અલૌકિક સ્નેહનો ઉલ્લેખતો આવ્યા વગર કેમ રહે ?
યાદ ભરતજી આવે….
એને નેણે નિંદર નાવે,
હ્રદયમેં રામચંદ્રને યાદ ભરતજી આવે.
પ્રભાતે દામદરને આપણી માતાઓ સ્નેહથી જગાડે છે.
એ…જી વ્હાલા દિન રે ઊગ્યો દામોદરા
જાગો મારા આનંદદાતા !
નારાયણ જાગો નિંદરથી
પો ફૂટે પ્રભાતા…..
કોકિલ વનની કિલ્લો કરે
કમળા ખીલે સુગંધ શ્વાસા….
પૂરવ દિશાયેં પ્રકાશ થિયો
આભમાં તારા છૂપાતાં…
જાગો મારા આનંદદાતા !
કાગધામ (મજાદર) ખાતે પૂ. મોરારીબાપુની અસીમ કૃપા તથા સ્નેહના બળે યોજવામાં આવેલી રામકથા (તા.૨૧-૦૨-૧૫ થી તા.૦૧-૦૩-૧૫) એક ઐતિહાસિક તથા ચિરસ્મરણીય પ્રસંગ બની રહ્યો. પૂ. ભગતબાપુની ચેતના જે ધરતીમાં હજી ધખી રહી છે તેવી ભૂમિમાં આભકપાળી મા સોનબાઇની દયાથી આ પ્રસંગને ચાર ચાંદ લાગી ગયા. જ્ઞાતિના અનેક વડિલોએ મઢડાના મહાસંમેલનને યાદ કરીને મિલનના આ મધુરા પ્રસંગની સાર્થકતા બતાવી. મોરારીબાપુની પ્રેરણાથી અનેક રાતોના ઉજાગરા કરીને પણ આ વ્યવસ્થા ઊભી કરનાર ચીમનભાઇ વાઘેલા તથા બાબુભાઇ કાગ અને સમગ્ર કાગ પરીવારની આંખોમાંથી સંતોષના અમી વરસતા રહેતા હતા. ‘‘ આવકારો મીઠો આપજે ’’ ની વાત આ ગામ કે આ પરીવારને ક્યાં સમજાવવી પડે તેમ હતી ? સમગ્ર કથાનો વિચાર સ્વયં મોરારીબાપુએ ભાવનગર ચારણ બોર્ડિંગમાં તા.૦૮-૦૬-૨૦૧૩ ના રોજ યોજવામાં આવેલા એક સમારંભમાં આપ્યો હતો. માગ્યા વગર મા ન પીરસે એ કહેવત છે પરંતુ બાપુએ માગ્યા વગર સંત પીરસે એ વાતનું ઉજળું પ્રમાણ આપ્યું. તેઓશ્રીએ સામે ચાલીને રામકથા આપવાનો નિર્ધાર જાહેર કર્યો. આ કથા ભગતબાપુની ચેતના જ્યાં પ્રસરી છે તેવા કાગધામમાં કરવા માટે તેમણે ઇચ્છા વ્યક્ત કરી. કથા માટેના યજમાનની જવાબદારી પણ પોતે સ્વીકારીને સમાજને તે જવાબદારીમાંથી મૂક્ત કર્યો. આ જાહેરાતને હાજર રહેલા સૌએ તેમજ સમગ્ર સમાજ અને સમાજના તમામ શુભેચ્છકોએ હર્ષભેર વધાવી લીધી. ભાવનગરના આ કાર્યક્રમથી કાગધામની રામકથા પૂરી થઇ ત્યાં સુધી જે કોઇ નાના મોટા પ્રશ્નો કે સમસ્યાઓ ઊભી થઇ તેનું નિવારણ આઇ સોનબાઇમાના કૃપાબળથી કંકુકેશરમાએ કર્યું તે એક ઐતિહાસિક ઘટના છે. મા તરફ ચારણો જન્મથી પક્ષપાતી બન્યા છે તેમ ભગતબાપુએ ગાયું છે તો મા પણ અહીં રામકથાના આ પ્રસંગે હાજરાહજૂર રહેલા છે. પૂ. બનુમા કે પૂ. કંકુકેશરમા જેવા આઇ પરંપરાના ઉજળા વાહકોની હાજરીથી આ મીલનને તીર્થસ્થાનની ગરિમા પ્રાપ્ત થઇ હતી. અહીં શ્રી રામભાઇ સોયા (U.S.A.) નો ઉલ્લેખ કરવો જોઇએ કારણકે વતનથી દૂર બેસીને પણ તેમણે કથા આયોજનના મહત્વના નિર્ણયોમાં માર્ગદર્શન પૂરું પાડ્યું. કથાના યજમાન ચીમનભાઇ વાઘેલા ઉપરાંત ‘આપણો યુવાન જણ’ ખેતસી (કચ્છ-હાલમાં મુંબઇ) સમગ્ર વ્યવસ્થાના ચાવીરૂપ ભાગ સમાન હતા. અનેક લોકોની શ્રધ્ધા તથા શ્રમનું પરિણામ આ કથા સ્વરૂપે જોવા મળ્યું. રામભાઇ કાગનો બહોળો પરિવાર તથા મજાદરના યુવાનો રાત્રે પણ નિંદર લેતા હશે કે કેમ તેનો પ્રશ્ન સતત દરેકના મનમાં રહ્યા કરતો હતો.
કથા પૂરી થયા પછી જૂનાગઢના અનુભવી મુરબ્બી શ્રી લખુભાઇ – લીલા કહેતા હતા કે આવા પ્રસંગો સમગ્ર જીવનમાં જવલ્લેજ જોવા મળે. લખુભાઇની વાત અનેક લોકોના મનમાં પણ સમાનભાવેજ રહેલી હતી. કથાનું એક વિશિષ્ટ પાસુ એ રહ્યું કે કવિ શ્રી કાગબાપુ ઉપરાંત અનેક સર્જકોને પણ મોરારીબાપુએ તેમના પવિત્ર વચનોમાં કૂશળતાપૂર્વક વણી લીધા. સાહિત્ય માણનાર તથા સમજનાર અનેક લોકોને ભક્તકવિ ઇસરદાસજી, નરહરદાસજી, બ્રહમાનંદ સ્વામી, પિંગળશીભાઇ નરેલા, મેરૂભા, શંકરદાનજી દેથા જેવા ચિરંજીવી સર્જક – મનિષિઓની આકાશગંગાનું દર્શનવ એકજ સ્થળેથી થયું. મોરારીબાપુ સિવાય આવું સર્વગ્રાહી કથન બીજુ કોણ કરી શકે ? જગતભરમાં ટીવી સેટ પર કથા સાંભળનારા લોકો તેમજ પ્રત્યક્ષ ઉપસ્થિત બહોળા સમૂદાયે ભગતબાપુની કાવ્યકૂશળતા – કર્મશીલતા તેમજ બહુશ્રુત વિદ્વવતાનો ભરપુર અમૃતરસ પણ રામકથાના માધ્યમથી માણ્યો. પૂ. બાપુએ ભગતબાપુના કાવ્યોનું ઊંચુ મૂલ્યાંકન વિશ્વકવિ ટાગોરે કર્યું હતું તેની વાત કરી અને ભગતબાપુના તે યાદગાર શબ્દો ફરી યાદ કર્યા.
આવોને એકલધાર !
સાયબા વરસો મૂશળધાર !
સાગરના જાયા ! ક્યારે આવશો ?
મહાજળના મોભી ! ક્યારે આવશો ?
મોરારીબાપુએ ભગતબાપુની તમામ શક્તિઓનું તારણ કાઢીને સૂચક વિધાન કર્યું કે આ ગજાના કવિનું આ ધરતીમાં પેદા થવું તે અકસ્માત નથી પરંતુ ‘‘ ઇશ્વરીય વ્યવસ્થા ’’ નો એક ભાગ છે. રજમાંથી સૂરજ બનવાની ક્ષમતા આવા કવિઓમાં હોય છે એવી વાત કરીને મોરારીબાપુએ એક સર્જકની અસીમ શક્તિને પોંખી હતી. ભગતબાપુના ભજનોની લોકપ્રિયતાનો બાપુએ ખાસ ઉલ્લેખ કર્યો. બાપુએ કહ્યું કે તેમની રામકથાનું શ્રવણ કરતાં ગુણીજનો કેવટ પ્રસંગમાં હમેશા ‘‘ પગ મને ધોવા દ્યો રઘુરાય ’’ એ ભજનની રાહ જૂએ છે. કેટલીકવાર કથાના પાવક પ્રવાહમાં આ ભજન છૂટી જાય તો લોકો પૂછે. ‘‘ બાપુ, કેવટ પ્રસંગમાં પગ મને ધોવાદ્યો… એ ભજન કેમ ન આવ્યું ? ’’ સર્જકની આવી અસામાન્ય લોક સ્વીકૃતિની વાત મોરારીબાપુના આ વિચક્ષણ અવલોકનમાંથી સ્પષ્ટ થાય છે. જે સમાજ આ સર્જક તથા તેના શબ્દનો વારસદાર છે તેની ફરજ આ ગરીમાને જાળવી રાખવાની રહે છે. પૂ. આઇમાતાઓની કૃપા તથા સ્વવિવેકથી આ બાબત સિધ્ધ થઇ શકે તેવી છે. આ વારસો અમૂલ્ય છે તેથી તે જાળવવા જેવો છે.
બહોળો સમૂદાય એકત્રિત થાય અને નવ દિવસ સુધી સાથે રહે તેમજ અંતરનો ઉમળકો તથા પ્રસંગની દિવ્યતા તમામ લોકો એક સરખી રીતેજ અનુભવે તે સામાન્ય ઘટના નથી. ભગતબાપુના પરિવાર તરફ તેમજ તમામ ચારણ સર્જકો તરફ જેમની વિશેષ પ્રીતિ છે તેવા અનેક સમાજના લોકોએ સમગ્ર વ્યવસ્થાને મૂંગો છતાં મહામૂલો ટેકો પૂરો પાડ્યો. વર્તમાન સમયમાં આવી ઘટનાઓ ઓછી બને છે. ભગતબાપુની સ્મૃતિમાં થયેલા આ ભંડારામાં પ્રસાદ લેવા મોરારીબાપુ હાકલ કરતા એ ક્ષણેજ અનેક લોકોને અમીના ઓડકાર આવતા હતા. રામકથા દરમિયાન પ્રસંગોને ઉચિત રચનાઓની રસલ્હાણ કરનાર કળાધરો આ કથાની સુગંધમાં વૃધ્ધિ કરતા હતા. ઉપરાંત ગુજરાતના અનેક નામી તથા નિવડેલા કલાકારો પણ કથાસ્થાને પૂ. મોરારીબાપુ તથા પૂ. ભગતબાપુ તરફ પોતાનો સ્નેહાદર વ્યક્ત કરવા માટે અંતરનો ઉમળકો લઇને આવ્યા હતા. સમય જાણે કે ઓછો પડતો હતો. પ્રતિવર્ષ કવિ શ્રી કાગની સ્મૃતિમાં આપવામાં આવતા કાગ એવોર્ડની ધન્યનામ લોકોને અર્પણવિધિનો મહત્વનો પ્રસંગ પણ રામકથાના સમય દરમિયાનજ સંપન્ન થયો. મોરારીબાપુની દરેક રામકથા વિશિષ્ટ હોય છે. રામગુણ ગાવાની ઘટનાજ મંગળકારી છે – તેથી તેમ હોવું સ્વાભાવિક છે. પરંતુ ભગતબાપુના અસંખ્ય ચાહકો માટે કાગધામ (મજાદર) ની કથા સ્થાયી સ્વરૂપે એક અવિસ્મરણિય પ્રસંગ તરીકે દિલમાં સંઘરાઇને સૌરભ આપતી રહેશે તે નિશ્ચિત છે. કાગના માળામાં કવિતાની કોયલ ઉછેરનારા પદ્મશ્રી દુલા ભાયા કાગના બાવન ફૂલડાનો બાગ કદી કરમાય તેવો નથી.
રંગ રંગના ફૂલડાં એમાં
રામચરિતનો ત્રાગ જી….
એનો ગૂંથે હારલો……
કોઇ કંઠે ધરે બડભાગ ….
ભાઇ ! તારો બહેકે ફૂલડાંનો બાગ…
એનો પાણતીયો રૂડો રામ….
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment