કોઇપણ દેશની પ્રજાને પોતાનો ઇતિહાસ સમજવાની તેમજ તેને જાળવી રાખવાની એક મહેચ્છા રહેતી હોય છે. જો કે એમ પણ કહેવામાં આવે છે કે ઇતિહાસ આપણને શીખવે છે કે આપણે ઇતિહાસમાંથી કશુ શીખ્યા નથી. આ વિધાનની યથાર્થતા અંગેની ચર્ચા બાજુ પર રાખીએ તો પણ એમ કહી શકાય કે ઇતિહાસ જાળવવાની તેમજ તેને પ્રસંગોપાત વાગોળવાની એક વૃત્તિ વિશ્વવ્યાપી છે તેમજ સર્વ સામાન્ય છે. કેટલાક બ્રિટિશ અમલદારો જયારે વિદેશી સત્તાના પ્રતિનિધિ તરીકે હિન્દુસ્તાનમાં ફરજ બજાવતા હતા. તેમને પણ આપણાં દેશના વૈવિધ્યપૂર્ણ ઇતિહાસમાં રસ પડયો હતો. આવા કેટલાક નામોમાં એલેકઝાંડર કિન્લોક ફોર્બ્સનું નામ અગ્રસ્થાને આવે છે. આ બ્રિટિશ અધિકારી ફાર્બસ સાહેબના નામથી લોકપ્રિય થયા હતા. તેઓએ અથાક મહેનત કરીને ‘રાસમાળા’ નું સંકલન કર્યું. રાસમાળા થકી દેશી રજવાડાઓ ઉપરાંત લોકસાહિત્યના તેમજ તત્કાલીન સંસ્કૃતિના અનેક પાસાઓ બાબતની માહિતીનું આયોજનબધ્ધ દસ્તાવેજીકરણ થયું. ફાર્બસ સાહેબ આ કાર્ય કવિ દલપતરામની સહાયના કારણે સારી રીતે પાર પાડી શકયા.
એક સમર્થ ઇતિહાસકાર પંડિત જવાહરલાલ નહેરૂ પોતાની પુત્રી ઇન્દિરા ગાંધીને લખે છે કે ઇતિહાસ વિશે જાણવું રોચક તથા આહલાદક છે. પંડિતજીએ કારાવાસ દરમિયાન પોતાની પુત્રીને જગતના ઇતિહાસનો પરિચય કરાવતા જે પત્રો લખ્યા તે વિશ્વના ઉત્તમ સાહિત્યમાં સ્થાન પામે તેવા સમૃધ્ધ છે. ઉપરાંત આપણાં અનેક શાસ્ત્રો તથા પુરાણોમાં પણ ઇતિહાસ ભરેલો પડયો છે. આમ ઇતિહાસની જાળવણીનું મહત્વ સાર્વત્રિક તથા સર્વકાલીન છે.
આપણે ઇતિહાસની જાળવણી યોગ્ય રીતે કરી શકયા નથી તેમ માનવામાં આવે છે. વિદેશી શાસકોએ લખેલો ઇતિહાસ કેટલાક કિસ્સામાં વાસ્તવિકથી દૂર લઇ જતો હોય તેમ પણ બની શકે. આ બધી સ્થિતિમાં તેમજ સાંપ્રત સમયમાં દસ્તાવેજીકરણ માટે Digital Format નો ઉપયોગ એ સમગ્ર માનવ સમાજને મળેલા અનોખા આશીર્વાદ છે. તાજેતરમાં જ રામચરિત માનસ ડિજિટલ ફોરમેટમાં પ્રકાશિત કરવામાં આવ્યું. એ જ રીતે ગાંધીજીના વિશાળ તથા સમૃધ્ધ સાહિત્યનું ડિજિટલ ફોરમેટમાં પ્રકાશન થોડા સમય પહેલાં જ થયું. રવિશંકર રાવળ તથા બચુભાઇ રાવતના તપ અને નિષ્ઠાથી શરૂ થયેલા તથા ટકેલા કુમારના જૂના અંકો હવે ડિજીટલ સ્વરૂપે મળતા શરૂ થયા છે. ધીરૂભાઇ પરીખ તથા કુમારની ટીમ તે માટે આપણાં અભિનંદનના અધિકારી બન્યા છે. ડિજીટલ ફોરમેટનો ઉપયોગ આપણે ત્યાં શરૂ થયા પછી જે ગતિ પકડી છે તે નોંધપાત્ર તથા આવકારદાયક ઘટના છે.
સાહિત્યના ભિન્ન ભિન્ન સ્વરૂપો તથા તેની જાળવણી માટે ડિજિટલ ફોરમેટ ખૂબ જ ઉપયોગી તેમજ હાથવગું પૂરવાર થયું છે. કેટલાક કિસ્સામાં જે હેતુપૂર્ણ અને આયોજિત વ્યવસ્થા થઇ છે. તેમાં પૂજય મોરારીબાપુની કથાઓ તથા અનેક સુંદર સાહિત્ય સત્રોનું ડિજિટલ ફોરમેટ તૈયાર કરવાની મજબૂત વ્યવસ્થા થઇ છે. વ્યાપક જનસમાજ સુધી આથી જ આ સાહિત્ય પહોંચી શકયું છે તથા સચવાયું છે.
લોકસાહિત્યની બાબતમાં દસ્તાવેજીકરણના અનેક પ્રયાસો થયા છે. આ બાબતનો પ્રથમ યશ શ્રી ઝવેરચંદ મેઘાણીને જાય છે. આ દિશામાં ઘણું કામ કરવાનું હજી બાકી છે. તેની પ્રતિતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોલરરાય માંકડને ઘણાં વર્ષો પહેલાં થઇ હતી. મેધાણીભાઇના ગયા પછી આ કામની ગતિમાં પણ ઘટાડો થયો હતો. આથી ૧૯૬૮માં માંકડ સાહેબે લોકસાહિત્યની અમૂલ્ય હસ્તપ્રતો એકઠી કરવાનું કામ શરૂ કર્યું. માંકડ સાહેબની દીર્ધ દૃષ્ટિને કારણે તેમણે આ કામની જવાબદારી ચારણી સાહિત્યના વિદૃવાન સંપાદક તથા લેખક રતુભાઇ રોહડિયાને સોંપી. શરૂઆતના ગાળામાં આપણાં સુપ્રસિધ્ધ કવિ દાદ પણ આ કામમાં જોડાયા હતા. રતુભાઇ આ કાર્ય માટે એકનિષ્ઠાથી સૌરાષ્ટ્ર ખૂંદી વળ્યાં. અનેક ચારણો તથા ચારણેતર સર્જકોના દ્વારે યુનિવર્સિટીએ હસ્તપ્રતો મેળવવાની ટહેલ નાંખી. સામાપક્ષે હસ્તપ્રતો ધરાવનારા અનેક સાહિત્ય પ્રેમીઓનો ઉજળો હોંકારો મળ્યો. કોઇપણ પ્રકારના નાણાંકીય વળતર સિવાય તેઓએ યુનિવર્સિટીને અમૂલ્ય હસ્તપ્રતો રતુભાઇ રોહડિયાના માધ્યમથી આપી.
આવી ૧૨૦૦૦ થી પણ વધારે કૃતિઓનો અમૂલ્ય ખજાનો યુનિવર્સિટીના કબજામાં આવ્યો. શરૂઆતના વર્ષોમાં આ પ્રોજેક્ટમાં સુપ્રસિધ્ધ સાહિત્યકાર ડૉ.પુષ્કર ચંદરવારકરનું કિંમતી માર્ગદર્શન મળ્યું. ત્યારબાદ ડૉ. બળવંત જાનીએ આ કામને સંભાળ્યું તેમજ હસ્તપ્રતોની જાળવણી માટેના જરૂરી ઉપાયો કર્યા. ઝવેરચંદ મેઘાણી કેન્દ્રની રચના રાજ્ય સહકારના નિર્ણયને કારણે થયા પછી આ કાર્યને વિશેષ ગતિ મળી. કેન્દ્રની રચના પાછળના હેતુઓમાં આ પ્રકારનું કાર્ય એ કેન્દ્રની જવાબદારી છે. મેઘાણી કેન્દ્રના સક્રિય નિયામક ડૉ.અંબાદાન રોહડિયાના જણાવ્યા અનુસાર આ હસ્તપ્રતોના ડિજિટલાઇઝેશનના કામમાં નોંધપાત્ર પ્રગતિ થઇ છે. યુનિવર્સિટીના કબજામાં જે હસ્તપ્રતો છે તેની વિસ્તૃત યાદી મેઘાણી કેન્દ્રની વેબસાઇટ પર મૂકવાનું નક્કી થયું છે. ડૉ.રોહડિયાના જણાવ્યા અનુસાર ચારણી સાહિત્ય કે લોકસાહિત્યના અભ્યાસુઓ તથા સંશોધકોને હવે આ અમૂલ્ય સાહિત્ય તેના ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરને કારણે હાથવગું થશે. અનેક સાહિત્ય પ્રેમીઓ માટે આ એક સારા સમાચાર છે તેમ કહી શકાય. ડૉ.ઇશ્વરભાઇ દવે, રતુભાઇ રોહડિયા તેમજ પુષ્કર ચંદરવાકર જેવા સાહિત્યને સમર્પિત લોકોની નિષ્ઠા તેમજ પ્રયાસોને કારણે આ સાહિત્ય જનસમૂહ સુધી પહોંચી શકશે. ચારણો તથા ચારણેતર સમાજના લોકોએ કોઇ અપેક્ષા સિવાય પોતાની અમૂલ્ય હસ્તપ્રતો યુનિવર્સિટીને આપી છે. તેમની ઉદારતા સિવાય આ બાબત શક્ય બની ન હોત.
ચારણી સાહિત્યના ક્ષેત્રમાં ડિજીટલાઇઝેશનની અનેક સંભાવનાઓ પડેલી છે. જે થયું છે તેનાથી પણ અનેકગણું કામ થઇ શકે તેવું છે અને કરવા જેવું પણ છે. ભાવનગરના રાજ્યકવિ અને દિગ્ગજ સાહિત્યકાર પિંગળશીભાઇ નરેલાના અમૂલ્ય સર્જનને ડિજીટલ ફોરમેટમાં રૂપાંતરિત કરવાના કામમાં ભાઇ ધર્મદીપ તથા સિધ્ધાર્થ નરેલા નોંધપાત્ર પ્રયાસો કરે છે. આ રીતે જ ભવિષ્યમાં અન્ય સર્જકોના કામ હાથ પર લેવા વિચારી શકાય. આ સાહિત્યમાં વીરતા, બલિદાન તેમજ સૌંદર્યના ગંજ ખડકાયેલા છે. આણંદ નામના કવિ લખે છે કે એક સમયે ગ્રહણની ક્ષણે રાહુને ગૂંચવણ થાય છે. (આણંદ-કરમાણ પૈકીના હોઇ શકે) પૃથ્વી પરના અન્ય સૌંદર્ય તેમજ ચન્દ્રના સૌંદર્ય વચ્ચે ગૂંચવાય છે અને તેથી ગ્રહણની વેળા ચૂકી જવાય છે. તે વાત કવિતના સુંદર સ્વરૂપે મહારાજ સિધ્ધરાજ જયસિંહને સંબોધીને કવિ કહે છે.
માંડણ પિઉસે મન,
કરે ગ્રહ આંગણ સોતી,
અડીઅડ જંમ આકાસ,
માંગ જમ દીપે મોતી,
સોળકળ સંપૂટ ચન્દ્ર
ભાલ પણ સોહે
ખણ અધરિ ખણ અધરિ
રાહ ભૂલો મખ જૂએ
ટળ ગયો સંજોગ વળેલી આ,
હેક ત્રિપે ન થયું હરણ. (ગ્રહણ)
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment