જેમનું જીવન અને કવન એ બન્ને સરળ તથા લોકાભિમુખ હોય તેવા ગુજરાતના સર્જકોની યાદી તૈયાર કરીએ તો કવિ ઉશનસનું નામ તેમાં અગ્રસ્થાને મૂકવું પડે. કવિ હસિત બૂચ કહેતા કે આપણાં કવિ ઉશનસને કવિ ઉમાશંકર જોશીની હરોળમાં બેસારી શકાય તેવા મોટા ગજાના સર્જક છે.
મુજ કવનો
જૂજવી જૂજવી ક્ષણો.
રાજ્ય સરકારના એક વલસાડમાં યોજવામાં આવેલા કાર્યક્રમમાં તેમનું સન્માન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આવા સારા પ્રસંગ નિમિત્તે તેમને મળવાનું તથા વાતચીત કરવાની તક મળી ત્યારે આ કવિનું સરળ વ્યક્તિત્વ તથા નિરાંડબરીપણું જોઇને અહોભાવ થયો. કવિ ઉશનસનો જન્મ ૨૮ સપ્ટેમ્બર ૧૯૨૦ માં થયો હતો. આથી સપ્ટેમ્બર માસમાં કવિનું વિશેષ સ્મરણ થવું સ્વાભાવિક છે. કવિનું નામ નટવરલાલ કુબેરભાઇ પંડ્યા હતું પરંતુ ‘ઉશનસ’ ઉપનામ તેમણે સ્વીકાર્યું હતું. કવિઓના ઉપનામ રાખવાની આ પ્રથા સામાન્ય રહી છે. કેટલાક કવિઓના ઉપનામ તો એટલા પ્રસિધ્ધ થયા છે કે કવિનું મૂળનામ શું હતું તેની ખબર લોકોને ભાગ્યેજ હોય છે. સુવિખ્યાત સર્જક ‘ધૂમકેતુ’ નું નામ ગૌરીશંકર જોશી હતું તેની જાણકારી ઓછા લોકોને હશે. ગઝલ સમ્રાટ ‘શયદા’ નું નામ હરજી લવજી હતું તેની જાણ ‘શયદા’ ના અનેક ચાહકોને હશે નહિ તેમ કહી શકાય. કવિ ઉશનસે આવું ઉપનામ શા માટે રાખ્યું તેની સ્પષ્ટતા તેમણે કોઇ જગ્યાએ કરી છે. તેઓ કહે છે કે ભગવદ્દગીતામાં ‘‘કવીનામ્ ઉશેના કવિ:’’ એ શ્લોક વાંચીને તેઓએ ઉશનસ ઉપનામ પોતાના માટે પસંદ કર્યું. વડોદરા જિલ્લાના સાવલીમાં જન્મેલા કવિએ આજીવન એક નિષ્ઠાવાન અધ્યાપક તરીકે કામ કર્યું. ૧૯૮૦ સુધી તેઓ સક્રિય રીતે અધ્યાપક તરીકેની કામગીરી કરતા રહ્યા હતા.
કવિ ઉશનસની સ્મૃતિ સાથેજ તેમના કેટલાક ચિરંજીવી કાવ્યોની સ્મૃતિ તાજી થાય છે. એક બાબત જે તેમણે કાવ્યમાં બારીકાઇથી તથા ખૂબીપૂર્વક વણી લીધી છે તે આજકાલના સમયમાં ખૂબ પ્રસ્તુત બાબત છે. ઘણા કુટુંબોમાં બાળકો ઉંમરલાયક થતાં તેમની ભાવિ કારકિર્દીના ઘડતર માટે તેઓ દૂરના સ્થળે તથા અનેક પ્રસંગોમાં વિદેશોમાં નોકરી ધંધા માટે સ્થાયી થવાનું પસંદ કરે છે. માત્ર શહેરોમાંજ નહિ પરંતુ નગરો અને ગામડાઓમાં પણ એકલા રહેતા માતા પિતાની સંખ્યા વધતી જાય છે. કેટલાક કિસ્સામાં માતા અથવા પિતા એ બેમાંથી એકજ રહેતા હોય તેવી સ્થિતિ પણ થાય છે. આ સંજોગોમાં રજાઓ કે તહેવારોમાં બાળકો ઘેર આવે અને તેમના સમયે વિદાય થાય તે ઘટના સ્વાભાવિક અને સહજ છે. આ સહજ લાગતી ઘટનાની અસર માબાપ પર કેવી પડે છે તેનું સુંદર નક્શીકામ કવિ ઉશનસે પોતાના પ્રસિધ્ધ કાવ્ય ‘ વળાવી બા આવી ’ માં કરેલું છે. માનવ જીવનમાં વણાયેલા લાગણીના તાણા વાણાનું આ સચોટ દર્શન છે.
રજાઓ દિવાળી તણી
થઇ પૂરી, ને ઘર મહીં
દહાડાઓ કેરી સ્ખલિત
થઇ શાંતિ પ્રથમની
સવારે ભાભીનું ભર્યું ઘર
લઇ ભાઇ ઊપડ્યા
ગઇ અર્ધી વસ્તી
ઘર થઇ ગયું શાંત સઘળું
બપોરે બે ભાઇ અવર
ઊપડ્યા લઇ નિજની
નવોઢા ભાર્યાઓ
પ્રિયવચનમંદ સ્મિત વતી
વળાવી બા આવી નિજ
સકલ સંતાન ક્રમશ:
ગૃહવ્યાપી જોયો વિરહ
પડી બેસી પગથિયે.
કવિ ઉશનસ સદેહે આપણી વચ્ચે નથી પરંતુ પોતાની રચનાઓ માટે અનેક ચંદ્રકો મેળવનાર આ કવિનું સ્થાન આપણી ભાષાના સાહિત્ય સાથે નિસબત ધરાવતા સૌ ભાવકોના દિલમાં આદર સહ સચવાયેલું છે. સર્જનના અનેક વિષયોમાં તેમણે ખેડાણ કરેલું છે. આપણી ભાવિ પેઢીઓ સુધી ઉશનસની કવિતાઓ પહોંચે તો તે સુખદ બાબત ગણાશે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment