સબ સુખીહો ભદ્ર સબહો,
પુણ્ય દેશ પુકારતા હૈ,
‘‘ભાવરંગ’’ સ્વભાવત:
યહ ભારતીય ઉદારતા હૈ !
ગંગા કિનારે બેસીને જેમની આરાધનાના ઉપરના શબ્દોમાં આટલું ઊંડાણ તથા અર્થગાંભીર્ય છે તે ખરા અર્થમાં પ્રજ્ઞાચક્ષુ છે પ્રજ્ઞાવાન છે. જગતમાં વસતા તમામ ગુજરાતીઓ જેમના માટે સકારણ ગૌરવ લઇ શકે તે પંડિત બળવંતભાઇ ભટ્ટનું પુણ્ય સ્મરણ ઉપરના શબ્દો કાને પડતાજ થાય છે. અર્થસભર જીવનની શતાબ્દી તરફ આ મહાનુભાવ પગલાં માંડી રહેલા છે. તા.૨૩ નવેમ્બર-૨૦૧૪ ના રોજ અમદાવાદમાં યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં તેમની કેટલીક રચનાઓ તથા સ્વરાંકનો સાંભળીને હાજર રહેલા સૌ ભાવવિભોર થયા હતા. પંડિત બળવંતરાય ભટ્ટ તથા તેમના ગુરુ તથા ગુજરાતનું ગૌરવ એવા પંડિત ઓમકારનાથજી ઠાકુર બાબતમાં એક ઐતહાસિક પ્રસંગ વિશે શ્રી રાજેન્દ્રભાઇ ભટ્ટે ધ્યાન દોર્યું હતું. ૧૫ ઓગસ્ટ – ૧૯૪૭ ના દિવસનો આનંદ સમગ્ર દેશમાં એક અથવા બીજા પ્રકારની ભવ્ય ઉજવણીના માધ્યમથી વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ શુભ દિવસની પરોઢે સ્વાધીન બનેલા દેશના ઓલ ઇન્ડીયા રેડિયોએ પ્રસારણની શરૂઆત કરી તે યાદગાર ક્ષણ હતી. સ્વાધીન દેશના તથા ઓલ ઇન્ડિયા રેડિયોના આ પ્રથમ પરોઢે ‘‘વંદેમાતરમ’’ રજૂ થયું અને તે રજૂ કરનાર પંડિત ઓમકારનાથજી તથા પંડિત બળવંતરાય ભટ્ટ હતા. બન્ને સમગ્ર દેશના તથા ગુજરાતી હોવાથી વિશેષત: ગુજરાતના આભૂષણ સમાન વ્યક્તિઓ હતા. જોગાનુજોગ જેમની મંજૂરીથી આ પ્રસારણ શરૂ થયું તે પણ ઓલ ટાઇમ ગ્રેઇટ ગુજરાતી સરદાર વલ્લભભાઇ પટેલ હતા. આ મંજૂરી તેમણે સ્વતંત્ર દેશના પ્રથમ માહિતી તથા પ્રસારણ મંત્રી તરીકે આપી હતી.
દેશના મહાન સંગીતકાર પંડિત ઓમકારનાથ ઠાકુરના પટ્ટશિષ્ય પંડિત બળવંતરાય ભટ્ટે જીવનની અનેક સમસ્યાઓ સામે ઝઝૂમીને સિધ્ધિ મેળવી છે. શારીરિક સ્થિતિની વાસ્તવિકતા સ્વીકારીને સંગીતની અખંડ સાધના આ મહામનિષીએ કરી છે. ૨૩ સપ્ટેમ્બર-૧૯૨૧ માં તેમનો જન્મ ભાવનગરમાં થયો. આ રીતે આ માસમાં તેમની સ્મૃતિને પુન: તાજી કરવાનો તથા તેમના દીર્ઘ તથા સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરવાનો સમય છે. તેમની અનેક રચનાઓ છે. કેટલીક રચનાઓની પ્રસ્તુતિ સાંભળીને તેમની અગાધ શક્તિનું આછુ દર્શન થાય છે. તુલસીદાસજીની ચોપાઇઓની હરોળમાં ઊભી રહે તેવી તેમની રચનાઓ સદાકાળ તાજગીનું સિંચન કરી શકે તેવી છે.
નેત્રહીન તન મોહિ પ્રિય
ભયૌ નાદ સંધાન !
નારદસો વર પાયઉ
સીયરામ ગુનગાન !!
સીયરામ ગુણગાન ગીત
પ્રીત સો ગાઉં !
સ્વર પદ તાલ વિધાન
ભાવરંગ રંગાઉં !!
કેટલીક જાણીતી ગુજરાતી રચનાઓ તેમણે ખૂબજ સુંદર રીતે સ્વરબધ્ધ કરેલી છે. કવિ નાનાલાલની જાણીતી રચના ‘શતદલ પદ્મમાં પોઢેલો’ તેમજ કવિ બાલમુકુન્દ દવેની રચના ‘આપણે તે દેશ કેવો’ જેવી ચિરંજીવી રચનાઓ છે. સદભાગ્યે પંડિતજીના વિદુષી પુત્રી સુશ્રી લૈલિના ભટ્ટે એક સુંદર પુસ્તક લખીને પંડિતજીના ભાતીગળ જીવનનું વિદ્દવત્તાપૂર્ણ આલેખન કરેલું છે.
બનારસનું નામ લેતાંજ પતિતપાવની સરીતા તથા યુગોથી માતૃ સ્વરૂપા ગણાય છે તે ગંગામૈયાનું સ્મરણ થાય. બનારસનું નામ લેતાં ગંગા ઉપરાંત કેટલાક તેજસ્વી તારકોનું પણ સ્મરણ થાય. ઉસ્તાદ બિસમિલ્લાહખાન, ગિરિજા દેવી, રાજન-સાજન મિશ્રા તેમજ એક અને અદ્વિતિય પંડિત રવિશંકર જેવા સાધકોની સાધનાના તપથી આ શહેર ઉજળું તથા ઉન્નત બનેલું છે. પરંતુ આ બધામાં એક નામ સૌ સંગીતપ્રેમીઓને તથા દરેક ગુજરાતીને અચૂક યાદ આવવું જોઇએ તે પંડિત બળવંતરાય ભટ્ટનું ધન્યનામ છે. આ મોંઘેરા કાઠિયાવાડી ગુજરાતીએ આપણાં પ્રદેશ તથા આપણી ભાષાને ગૌરવ પ્રદાન કરેલું છે. સંગીતની સાધનાનો ભેખ પહેરીને જીવનના નવ દાયકા પસાર કરી જનાર પંડિતજી માટે આદરભાવ થવો સ્વાભાવિક છે. કેટલાક ગુજરાતી ગીતોની રચનાઓ અમદાવાદમાં યોજવામાં આવેલા ગરીમાયુક્ત કાર્ક્રમમાં સાંભળી અને તેથી વિશેષ આનંદ થયો. હવે જ્યારે જ્યારે બનાસરનો ઉલ્લેખ થશે ત્યારે તેજ પુંજ સમાન પંડિત બળવંતરાયની સ્મૃતિ સહેજે મનને પ્રફુલ્લિત કરવા આવી જશે. તેમના દીર્ઘ તથા સ્વસ્થ જીવન માટે ઇશ્વરને પ્રાર્થના કરવાનો આ શુભ અવસર છે. પંડિત બળવંતરાય ભટ્ટના વિદુષી પુત્રી ડૉ. સ્વરવંદના શર્મા તથા પંડિતજીના પુત્ર શ્રી રાહુલ ભટ્ટ પણ સંગીતની અખંડ સાધનાને સમર્પિત અને સક્રિય છે તે જોઇ – જાણીને વિશેષ આનદ થયો. ગંગાના પ્રવાહની જેમ પંડિત બળવંતરાય ભટ્ટની સંગીતયાત્રા અદ્વિતીય તથા અભૂતપૂર્વ છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment