: સંસ્કૃતિ : : એવા રે મળ્યા જોગીયા : જેના હૈયે હરિવરનો જોગ :

Aug-31-Jogiswami

હરિભક્તોને ત્યાં શુભપ્રસંગ હોય ત્યારે સાધુઓના ચરણે શ્રધ્ધા તથા વિવેક સાથે સાધુને ઉપયોગી થાય તેવી નાની મોટી ચીજવસ્તુ ભેટ સ્વરૂપે ધરવાની આપણી એક વણલખી પ્રથા છે. તેમાં સમર્પણનો ભાવ છે પરંતુ આપવાનો અહમ્ નથી. આવા એક પ્રસંગે હરિભક્તો સાધુઓને ધોતિયાં ઓઢાડતા હતા. પ્રજ્ઞાવાન જોગી સ્વામી ધોતિયાં ઓઢવાના પ્રસંગે દેખાયા નહિ એટલે પૂછપરછ શરૂ થઇ. સ્વામી કહે ‘‘ અમારે ધોતિયાં ઓઢવાં નથી. જે છે તેજ પૂરતા છે. ’’ જોગી સ્વામીના ગુરુ વાત્સલ્યથી પોતાના શિષ્ય માટે કહે છે કે કોઇ માણસ સામે બંદૂક તાકીને મુત્યુનો ભય દેખાડો તો તરતજ માણસ જલ્દીથી ભાગવાની પેરવી કરે છે. ગુરુ કહે છે કે આ રીતેજ મારો આ પ્રતાપી શિષ્ય – જોગી સ્વામી – જગતમાં રોજબરોજ સામે આવતી લાલચોથી જોજનો દૂર રહે છે. ભાગતો રહે છે. ગાંધીજીએ જેને અગિયાર મહાવ્રત તરીકે ઓળખાવ્યા તેમાં ‘‘વણજોતું નવ સંઘરવું’’ એ એક મહત્વનું વ્રત છે. જોગી સ્વામીના જીવનમાં આ વ્રત સહજ રીતે વણાયેલું હતું. મુક્તાનંદ સ્વામીએ જેને શાસ્ત્રોનો આધાર લઇ એષણાઓ તરીકે ઓળખાવી છે તેવી વિત્તેષણા કે લોકેષણા જોગી સ્વામીએ સવપ્નમાં પણ સેવી નથી. જેમને અંતરમાં કોઇ એષણા કે મેળવવાની ઉત્કંઠા હોય તેવા ભક્તોના ટોળા ભેગા કરવામાં સ્વામીને રસ પણ ન હતો. ‘‘મહારાજનું સતત સ્મરણ’’ એજ તેમને ભક્તિના બળથી પ્રાપ્ત થયેલી મહામૂલી મૂડી હતી. કીડીને કણ તથા હાથીને મણ આપી રહેનાર પરમ તત્વ સાથે તેમનું જીવન પર્યંત જોડાણ રહેલું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવા ઉજળા જીવતર વાળા તપસ્વી તેમજ તેજસ્વી સંતોની અનેક રમણિય કથાઓ છે.

સહજાનંદ સ્વામીને પોતાની અંતવેળાનો અણસાર આવી ગયો હતો. સ્વામીને પ્રતીતિ હતી કે જો બ્રહ્મમુનિ તેમની સાથે હશે તો પોતાને ધામમાં જતાં  રોકી લેશે. સ્નેહ શ્રધ્ધા અને નિષ્ઠાની શક્તિ ઘણીવાર સામાન્ય દ્રષ્ટિથી સમજી ન શકાય તેવી ગહન હોય છે. ભગવાન સ્વામીનારાયણ પ્રતાપી સાધુ બ્રહ્માનંદમાં આ શક્તિ જોઇ શકતા હતા. આથી જૂનાગઢના મંદિર સંબંધેની એક સમસ્યાનો ઉકેલ કરવા માટે સહજાનંદ સ્વામીએ બ્રહ્મમુનિને જૂનાગઢ જવા માટે આજ્ઞા આપી. બ્રહ્માનંદ સ્વામી મહારાજની આજ્ઞા ઉથાપી શકે નહિ. નિર્દોષ બાળક માતાથી તેમજ નાનું વાછરડું ગાયથી છૂટું પડતા જે વ્યથા અનુભવે તેવી વ્યથા બ્રહ્માનંદ સ્વામીએ મહારાજથી દૂર જતાં અનુભવી. બ્રહ્માનંદ સ્વામિની વિદાય બાદ મહારાજની આ લોકમાંથી ચિર વિદાયની ઘટના બની. બ્રહ્માનંદ સ્વામી સહિતના તમામ સંતોએ મહારાજની દૈહિક છત્રછાયા ગુમાવી તેની પારાવાર પીડા અનુભવી. ભગવાન પણ ભક્તોને આધિન હોય છે તેવી શાસ્ત્રો તથા સંતોએ વાત કરેલી છે. આ વાતના જીવંત પુરાવા સમાન ઉપરની ઘટના છે. સ્વામી બ્રહ્માનંદના જીવન પ્રસંગોની શ્રધ્ધા તેમજ કાળજીથી નોંધ કરનાર ભક્ત કવિ શ્રી માવદાનજી રત્નુએ આ ઘટનાનું સુંદર આલેખન કરેલું છે. બ્રહ્માનંદ સ્વામી, શ્રી રંગ અવધૂતજી મહારાજ, શ્રી પુનિત મહારાજ, શ્રી રણછોડદાસજી મહારાજ તેમજ પુજ્ય મોટા જેવા સંતોની ચરણરજ ગુજરાતની ધરતી પર પથરાયેલી છે. આ સંતોની હરોળમાં સ્થાન લઇ શકે તેવા એક સંત સમાન જોગી સ્વામીને બેશક ગણી શકાય. પૂર્વાશ્રમના દેવજી તથા દીક્ષા બાદ હરિપ્રકાશદાસજી નામધારી આ પવિત્ર સાધુ જગતમાં જોગી સ્વામી તરીકે સુવિખ્યાત થયા. દરેક શ્વાસ – ઉશ્વાસમાં હરિ સાથે ઐક્ય ધરાવનાર આ સમર્થ સાધુ પોતાના તપના બળે સાધુઓમાં પણ એક વિશિષ્ટ સ્થાન ધરાવતા હતા. જોગી સ્વામીનું જીવન યજ્ઞશીખા જેવું ઉજ્વળ તથા પવિત્ર હતું. ‘‘ જેવી મહારાજની મરજી ’’ એવા ભાવ સાથે જીવતર જીવી જનાર આ સાધુને હરિસ્મરણ શ્વાસોશ્વાસ જેવું સહજ અને નિરંતર હતું. હરિના સાનિધ્યની તથા હરિકૃપાની ઓઢણી એજ સ્વામિની ઓળખ હતી. કબીરદાસની જેમ તેમણે પણ જીવતરની ઓઢણી નિષ્કલંક રાખીહતી. એ ઉજ્વળ પરંપરાનાજ એક મણકા સમાન જોગી સ્વામીનું જીવન હતું.

સો ચાદર સુર નર મુનિ ઓઢી

ઓઢિકે મૈલી કીની ચદરિયા

દાસ કબીર જતનસે ઓઢી

જ્યોં કી ત્યોં ધરિ દીની ચદરિયા….

      રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકૂળના સંતવર્ય શ્રી કોઠારી દેવકૃષ્ણદાસજી સ્વામીના કારણે જોગી સ્વામીના પ્રસંગોનું દસ્તાવેજીકરણ આપણાં સુધી પહોંચ્યું છે. સાંપ્રતકાળના સાધુસંતોમાં પોતાના જ્ઞાન તથા કર્મશીલતાને કારણે આદરભર્યું સ્થાન ભોગવતા શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના લખાણની કૂશળ તથા રોચક શૈલીને કારણે જોગી સ્વામીના પ્રસંગો વધારે જીવંત તથા હેતુલક્ષી બન્યા છે.

સતત પરિવર્તનશીલ કાળના કોઇપણ સમયે સત્સંગનો એક અનેરો મહિમા છે તેમ સંતોએ સમજાવ્યું છે. સત્સંગના પ્રતાપે અનેક સામાન્ય લોકોમાં પણ ચેતનાની જ્યોત પેટાવી શકાય છે. આથીજ પગપાળા વિચરણ તથા લોકસંપર્કનું મૂલ્ય સંતો અને સામાજીક સુધારકોએ ઊંચું તેમજ અસરકારક ગણેલું છે. જોગી સ્વામીએ સત્સંગના પ્રસાર માટે ગામડાઓમાં ઘણું વિચરણ કર્યું. મોટાભાગે આ વિચરણ પગપાળા કર્યું. સ્વામીના જીવનની કઠોર તપશ્ચર્યાનો આ એક ભાગ હતો. ગામડાઓના તે સમયના ઉખડબાખડ રસ્તાઓમાં સ્વામીને કાંટો વાગે તો કાંટો ભાંગી જાય પરંતુ સ્વામીની કૂચ અટકવાનું નામ પણ લે નહિ. રવિશંકર મહારાજની પગપાળા વિચરણની આવી વાતો વિખ્યાત થયેલી છે. આવા સંતો – સેવકોએ કોણ જાણે કેટલાયે કાંટાઓની વેદના હ્રદયના છાને ખૂણે સંતાડીને સમાજને અમૃત પાન કરાવ્યું હશે ! કવિ શ્રી કાગે લખ્યું છે.

આપ બળે પર ઓલવે

લેતાં લથડિયાં એવા

ઘડનારે ઘડિયા જૂઓ

કોક કોક માનવ કાગડા.

       જોગી સ્વામીનું જીવન સાધુની નિસ્પૃહીતાના જીવતા જાગતાં ઉદાહરણ સમાન હતું. ખપ પૂરતુંજ ગ્રહણ કરવાના આકરા પ્રણને તેમણે જીવનભર જાળવી રાખ્યું. મહંત સ્વામી શ્રી કૃષ્ણજીવનદાસજીના આ પ્રતાપી શિષ્યે અન્ન–વસ્ત્ર કે જગતમાંથી મળતો માન-મરતબો જેવી દુન્વયી બાબતો કે લાલસાઓને કદી આસપાસ પણ ફરકવા દીધી નથી. સતત નામસ્મરણ તથા ચિંતનમાં અન્ય બાબતોને કોઇ સ્થાન ન હતું. સત્સંગમાં પણ ક્યાંય ડહોળા પાણી દેખાય તો જોગીનો જીવ વ્યથા અનુભવે. સ્વામિનારાયણમાં અખૂટ શ્રધ્ધા અને ભક્તિની નિર્મળ શક્તિને કારણે જોગી સ્વામીની માત્ર હાજરીને કારણે જ અનેક સમસ્યાઓ આપોઆપ ઉકલી છે. બુધ્ધિના સીમાડાઓની મર્યાદા બહારના આ પ્રસંગોના પુષ્પો શ્રધ્ધા અને ભક્તિની ફળદ્રુપ માટીમાં ખીલ્યાં છે.

એવા જો મળ્યા અમને જોગિયા

હૈયે જેને હરિવરનો જોગ

અખંડ રહે હરિ અંતરે

પલભર ન હોય રે વિજોગ….એવા રે…..

       જોગી સ્વામીના જીવનની વાસ્તવિક બનેલી ઘટનાઓમાંથી પસાર થતાં મેઘધનુષ્યના રળિયામણાં રંગોનું તેમાં દર્શન થાય છે, પરંતુ આ દરેક પ્રસંગમાંથી પ્રભુ તરફથી નિતાંત શ્રધ્ધા અને હરિભક્તો તરફ વહેતા વાત્સલ્યના અવિરત ધોધનું દર્શન થાય છે. ગુરુકૂળ તરફની તેમની ખાસ રુચિ પાછળ પણ શિક્ષણયજ્ઞ તરફની તેમની નિષ્ઠાનાજ દર્શન થતાં હતાં. જોગી સ્વામીના પુણ્ય તથા પ્રેરણાને કારણે આજે શિક્ષણની અનેક સંસ્થાઓ ગુજરાતના વિવિધ ભાગોમાં તેમજ ગુજરાત બહાર પણ અસરકારક કામ કરે છે. સ્વામીના વિચારમાં નાત-જાત કે સંપ્રદાયના કોઇ બંધન ન હતા. આ બાબતોથી તેઓ ઉપર ઉઠેલા હતા. શ્રમની ગરીમા તથા અંધશ્રધ્ધાનો નિષેધ એ તેમના જીવનના વિવિધ પ્રસંગોમાં અનુભવી શકાય છે. ગામડાઓમાં જ્યાં દોરાધાગા કે કામણટુમણનું દર્શન તેમને થયું ત્યાં તરતજ તેના પર પ્રહાર કર્યા. હરિ તરફની શ્રધ્ધા સાથેનું કર્મઠ જીવન એ તેમણે આચરણથી બતાવીને પ્રેરણા આપી. ઢોલરા નામના નાના ગામમાં આ ઉપાસક સાધુના વચન પ્રમાણે ભૂતળમાં જળનું દર્શન થયું તો પોતાનુ મહત્વ આંકવાના બદલે આ સાધુ કહે છે : ‘‘ મહારાજ મને ભૂલ્યા નથી એ વાત નક્કી છે. ’’  જોગી સ્વામીએ જગતના કલ્યાણ માટે પોતાની જાત ઘસી નાખી પરંતુ તેનો સહેજ પણ અહમભાવ નહિ.

જોગી સ્વામી સમાન સંતો જગતના કલ્યાણને હૈયામાં રાખીને જીવ્યા. સ્વકેન્દ્રી વૃત્તિઓથી દૂર રહ્યાં. અનંત ઉપકાર સહજ રીતેજ કર્યા પરંતુ કદી ગણાવ્યા નહિ. કવિ કાગે ગાયું છે તેમ આ ઉપકારી આત્માઓ હતા.

ઝાડવાં પોતે પોતાના

ફળ નથી ખાતાં રે

ઉપકારી એમનો આતમો….રે

વનમાં રઝળતી ને ઘાસ મુખે ચરતી રે

ગાવલડી પોતે રે દૂધ નથી પીતી….રે

ઉપકારી એનો આતમો.

રતન રુપાળાં મોંઘા મૂલવાળાં રે

દરિયો પેરે નહિં મોતીડાની માળા….

ઉપકારી એનો આતમો.

કાગે એક બ્રાહ્મણ ભાળ્યો

એના ખભે છે ઉચાળો….

મહારાજ ફરે છે પગપાળો ….રે

ઉપકારી એનો આતમો ….રે.

 ઉજ્વળ દીવા સમાન પ્રજ્વળીને આ સંતો – ભક્તો જગતમાં નૂતન દ્રષ્ટિનો પ્રકાશ પાથરી ગયા. જોગી સ્વામીના દર્શન કરવાની તક જ્યારે પણ મળી છે ત્યારે અંતરમાં પ્રસન્નતાના અનેરા ભાવ ઊઠ્યા છે. કયારેક કોઇ સ્થળે કે ઘટનામાં સાધુતા લાજે તેવો પ્રસંગ જોઇને મન વિક્ષૂબ્ધ થાય તો જોગી સ્વામીનું સ્મરણ શ્રધ્ધાને ટકાવી રાખવામાં અને ખિન્ન્તાને દૂર કરવામાં ઉપયોગી થાય છે. સ્વામી તો તા.૦૧-૦૯-૨૦૧૧ ના દિવસે ધામમાં ગયા પરંતુ તેમના વિચાર અને ઉન્નત જીવન પ્રેરણા અખૂટ સ્ત્રોત સમાન નજર સામે તરવરે છે. ૧૯૪૫ માં દીક્ષા ગ્રહણ કર્યા બાદ લગભગ સાત દાયકા સુધી તેમણે હરિભજન તથા ભક્તોના યોગક્ષેમ માટે તપસ્વી જીવન વ્યતિત કર્યું. ૧૦૦ વર્ષથી વધારે આયુષ્ય ભોગવીને અનેક લોકોની શ્રધ્ધા તથા પ્રેરણાનું કેન્દ્રસ્થાન બની રહ્યાં.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑