: સંસ્કૃતિ : શીલ, સંતોષ તથા સત્યના જયોતિર્ધરઃ કવિ ત્રિભુવન પ્રેમશંકર :

કેટલાક સુપાત્રોની વાતો સાંભળીને મનમાં ધન્યતાની તથા અહોભાવની લાગણી જન્મે છે. સૌજન્ય અને ઉદારતાના મેરૂ સમાન સર પ્રભાશંકર પટ્ટણીના સંદર્ભમાં આવી એક વાસ્તવિક ઘટનાની નોંધ મુકુન્દરાય પારાશર્ય તરફથી કરવામાં આવી છે. મસ્તકવિ ત્રિભુવન પ્રેમશંકર તદ્દન નોખી માટીના માનવી હતા. કવિ પોતે સમર્થ સર્જક પરંતુ જગતના કહેવાતા વ્યવહારિક શાણપણ સાથે તેમને કોઇ સંબંધ નહિ. મનસ્વી સ્વભાવ તથા કોઇની તમા નહિ તેવું સ્વમાની તથા સત્યવક્તાનું તેમનું જીવન હતું. કલાપી તથા ભાવનગર મહારાજા ભાવસિંહજી તેમને પેન્શન આપતા. ૧૯૧૯ માં મહારાજા ભાવસિંહજીનું અવસાન થતાં કવિનું પેન્શન બંધ થયું. કવિના મિત્ર તથા વહીવટી કારોબારીના સભ્ય કર્નલ જોરાવરસિંહજી કવિના આ બંધ થયેલા પેન્શનના પ્રશ્નના ઉકેલ માટે કવિને સર પટ્ટણી પાસે લઇ ગયા. પટ્ટણી સાહેબને જોરાવરસિંહજીએ મળતા પહેલા આ પ્રશ્નથી વાકેફ પણ કરેલા હતા. કવિ તથા કર્નલ સર પટ્ટણીને મળવા ગયા ત્યારે સર પટ્ટણી બીમાર હતા. મુલાકાત દરમિયાન સર પટ્ટણીએ પોતાની બીમારી અંગે ખેદ વ્યક્ત કર્યો. એટલામાંજ કવિએ તેમની પ્રકૃતિ અનુસાર કહી સંભળાવ્યું કે મંદવાડ એ કરેલા પાપનું પરિણામ છે. રોગ વિના કારણે આવતા નથી. જોરાવરસિંહજીના વાર્યા કવિ વળે તેવા ન હતા. ઉદારતાના સાગર સમાન પટ્ટણી સાહેબે સહેજ પણ અણગમો બતાવ્યા સિવાય કવિને કહ્યું કે તમે સાચી વાત કરી છે. 

કવિને પણ પાછળથી પટ્ટણી જેવા પ્રતાપી પુરૂષને આવી વાત કરી તેનો રંજ થયો. પરંતુ શબ્દબાણ છૂટ્યા પછી શું થાય ? પ્રશ્ન તો પ્રશ્નની જગાએ રહ્યો અને મુલાકાત પૂરી થઇ. આ મુલાકાત પછી કવિ કર્નલ જોરાવરસિંહજીને ત્યાં બેઠા હતાં ત્યારે જ ભાવનગર રાજ્યનો એક માણસ આવ્યો તથા પટ્ટણી સાહેબનો પત્ર કર્નલ સાહેબને આપી ગયો. તેમા સર પટ્ટણીએ લખ્યુ હતું કે મસ્તકવિ જેવા સત્યવક્તા રાજ્યની શોભા છે. તેમનું પેન્શન બંધ હતું તે ફરી શરૂ કરવા માટે તથા પેન્શનની રકમ બમણી કરી આપવા માટે તેઓએ સંબંધિત અધિકારીને સૂચના આપી છે. એક શાસકમાં અપમાનને ગળી જવાની શક્તિ ઉપરાંત ઊંડી સમજ તથા સંવેદન શીલતાનું રમણિય દર્શન આ પ્રસંગમાંથી થાય છે. આ પ્રસંગમાં જેમના સત્યવક્તાપણાંની ઝલક જોવા મળે છે તે કવિ ત્રિભુવન પ્રેમશંકર ત્રિવેદીનું જીવન સૂર્યના કિરણો સમાન તેજસ્વી રહ્યું છે. 

લાઠીના રાજવી કવિ કલાપીના ભલામણ પત્રના કારણે ભાવનગર મહારાજાએ કવિ ત્રિભુવન પ્રેમશંકર ત્રિવેદીને પેન્શન બાંધી આપેલુ. આ કવિ તેમના નિજાનંદી તોરના કારણે ‘‘ મસ્તકવિ‘‘ તરીકે જાણીતા બન્યા હતા. મહારાજા ભાવસિંહજીના શાસનનો આ સમય હતો. (ઇ.સ.૧૮૭૫ થી ૧૯૧૯) તે સમયે મહારાણી નંદકુંવરબા પોતાના તંત્રીપદે ‘‘બ્રિટિશ અને હિન્દી વિક્રમ’’ નામે સામયિક ચલાવતા. એકવાર મહારાણીએ મસ્તકવિને બોલાવીને સૂચના આપી કે તેમણે આ સામયિક માટે કાવ્યો લખી આપવા. આમ તો આ બાબત સામાન્ય ગણાય. કવિને કવિકર્મ માટેનું નિમંત્રણ હતું. પરંતુ આ નિજાનંદી કવિના દોર દમામ અલગ હતા. કાવ્ય તો અંતઃસ્ફૂરણા થાય તોજ લખાય તેમ તેઓ માનતા હતા. આથી કવિએ તરત જ અને મોઢામોઢ મહારાણીને સ્પષ્ટ નનૈયો ભણ્યો. ત્યાં હાજર હતા અને વ્યવહારુ ડાપણ ધરાવતા હતા તેવા એક અમલદારે ગર્ભિત ધમકી સાથે આ ‘અવ્યવહારુ’ કવિને સમજાવવા પ્રયાસ કર્યો. એ અધિકારી કહે છેઃ ‘‘ મહારાણીને ના ન કહેવાય. તમારે કાવ્યો લખી દેવા જોઇએ. તમે રાજ્યના પેન્શનર છો.’’  આ વાત તથા તેનો સૂચિચાર્થ સમજીને શાંત બેઠેલા કવિ ક્રોધ કરીને તથા હાથમાં રહેલો ડંગોરો પછાડીને તાડૂક્યા. ‘‘પેન્શન આપનારો તું કોણ છે ? આંચકી લે તારું પેન્શન. કોઇના કહેવાથી હું કંઇ ન લખું.’’ આટલું કહી સંભળાવી ગુસ્સે થયેલા કવિએ ચાલતી પકડી. વ્યવહારું જગતનું ગણતરી ભરેલું ડહાપણ આ કવિની આસપાસ કદી ફરકયું પણ નહિ. તેઓ જાણે જૂદું જ વિચારતા હતા. 

તેરે માંગન બહુત હૈ

તો મેરે ભૂપ અનેક.

જીવનમાં માત્ર મૂલ્યોને વળગીને જીવી ગયેલા આ કવિ શબ્દને ઉન્નત કરીને ગયા. આવા કવિની યશગાથા કાળના કપરા પ્રવાહમાં પણ ઝાંખી પડતી નથી. મસ્તકવિ જેવા તેજસ્વી મનિષિઓના સંદર્ભમાં સર પ્રભાશંકર પટ્ટણીના લખેલા શબ્દો યાદ આવે. 

અમે મસ્તાન વેરાગી

નહિ સંસારના રાગી

જગતનાં બાદશાહોની

અમારે શી પડી પરવા?

કવિનો જન્મ ર૩મી સપ્ટેમ્બર, ૧૮૬૫ના રોજ મહુવા (જિ. ભાવનગર) ખાતે થયો. આથી આ દિવસો કવિનું વિશેષ સ્મરણ કરીને તેમને ભાવાંજલિ આપવાના છે. સમર્થ સર્જક શ્રી મુકુન્દરાય પારાશર્યની કાળજીપૂર્વકની નોંધોને કારણે આવી કેટલીયે સત્વશીલ કથાઓ આપણને સાંપડી છે. કલાપીએ ભાવનગર મહારાજા ભાવસિંહજીને લખેલું કે મસ્તકવિના મિત્ર હોવું એ પણ ગૌરવની વાત છે. લાઠીના આ રાજવી કવિની કેવી શુભદ્દષ્ટિ હશે ? ભાવનગર મહારાણી સાહેબના આદેશને એક પળનાયે વિલંબ સિવાય ઠોકર મારનાર આ કવિએ કલાપીની ચિર વિદાયથી આઘાત પામી જીવનભર તેનો શોક પળ્યો. ઉપરાંત ‘‘કલાપીનો વિરહ’’ નામથી એક દીર્ઘકાવ્ય લખ્યું. કવિશ્રી નાનાલાલે ‘‘કલાપીનો વિરહ’’ કાવ્યગ્રંથની પ્રસ્તાવનામાં લખ્યું કે આત્માના પૂરથી ઊભરાતો આ ગ્રંથ છે. કારણ કે કલાપીના જવાથી આ કેસરીનું (મસ્તકવિનું) કાળજું વિંધાયુ છે.  આ કવિના ભાઇ હરગોવિંદ પ્રેમશંકર ત્રિવેદી પણ ભાઇની હરોળમાં ઉભા રહી શકે તેવા સમર્થ કવિ હતા. સાંસારિક આપત્તિઓ અને સમાજની ટીકાથી અસંતુષ્ટ રહેતા કવિ કાન્ત માટે પણ મસ્તકવિ એક હૂંફ પૂરી પડનાર સ્નેહી સમાન હતા. કાન્ત પણ આ જગતને કાયમી અલવિદા કરી ગયા તેનો આઘાત કવિને અસહ્ય થઇ પડ્યો હતો. તેઓએ અંતરની વ્યથાને શબ્દોમાં વાચા પણ આપી. 

પેલા બે પાંખો ગઇ,

શીશ ગયું છે આજ,

મસ્તકવિ ત્રિભુવન થયો

હવે કાળનું ખાજ.

રાજકોટ ઠાકોર સાહેબ લાખાજી રાજના નિમંત્રણથી કવિ રાજકોટ ગયા. રાજકોટમાં જ હ્રદયરોગના ભારે હુમલાથી છેલ્લાં શ્વાસ લીધાં. કલાપી અન કાન્તનો વિયોગ કવિને મન અસહ્ય હતો. કલાપીના પુત્રી તથા રાજકોટના મહારાણી રમણીયકુંવરબા પોતાના સમર્થ પિતાના અડિખમ મિત્રના મૃતદેહ પર પુષ્પહાર અર્પણ કરતા રડી પડ્યા. કવિ જેવું ઉજળું જીવન જીવ્યા તેવાજ ઉજળા મોતને વર્યા.

પિતાની છત્રછાયા મસ્તકવિએ કૂમળી વયમાં ગુમાવી. પરંતુ તેમનું તથા તેમના ભાઇઓનું ભરણપોષણ માતા અમૃતબાઇએ કઠોર પરિશ્રમ કરીને કર્યુ. બાળકો રાત્રે ઉંઘમાંથી ઝબકીને જાગે તથા જૂએ તો મા ઘંટી દળતી હોય ! ગામના દળણાં કરીને છોકરાઓને સ્વમાન તથા પરિશ્રમથી જીવન જીવવાની દીક્ષા આપી. માતાને અનેક ભજનો તથા પદો કંઠસ્થ હતા. આથી કાવ્ય દીક્ષા પણ બાળકોને માની પાસેથી જ મળી. મસ્તકવિના ભાઇ કવિ હરગોવિંદ પણ ભણવામાં ખૂબ હોંશિયાર હતા. આગળ ભણવા માટે આ વિદ્યાર્થી પાસે આર્થિક સવલત નથી તેની જાણકારી શાળાના આચાર્યને હતી. આથી તેમણે કોઇના પણ કહ્યા સિવાય હરગોવિંદની ફી માફ કરી. વિદ્યાર્થી  હરગોવિંદને ભણવા માટે ઉત્સાહ પૂરો પાડ્યો અને ફીની ચિંતા છોડી દેવા જણાવ્યું. આ વાતના બીજા જ દિવસે શકિતના જીવંત સ્વરૂપ જેવી પરિશ્રમી અને સ્વમાની માતા આચાર્યને મળીને ફી ભરી આવ્યા. આચાર્યએ ફી લેવા રકઝક કરી ત્યારે કહ્યુ કે વિધવાના છોકરા હતા માટે ફી માફ કરાવીને ભણ્યાં તેવી લાગણી છોકરાઓને થાય તે ઉચિત નથી.  આવી જનેતાની કૂખે આવા નરરત્નો નીપજે એની શી નવાઇ ? આવા પ્રતાપી લોકોના સંદર્ભમાં સર પટ્ટણીના શબ્દોની સ્મૃતિ થાય છે.  

સ્નેહી સાથે સુનમ્ર

ધૂર્ત બકને જેનું માથું ન નમે

ગંગાનુંય મલિન પાણી તજીએ

તે રાજહંસો અમે.

ધોળા બેય સમાન

ધૂર્ત બગલા ને રાજહંસો ભલે

ચાલે બેઉ સમાન ધીમી ગતિથી

નીતિજ્ઞ પેઠે ભલે

મત્સ્યોથી ઉદરો ભરાય બકના

ખાબોચિયામાં રમે,

ગંગાનુંય મલિન પણી તજીએ

તે રાજહંસો અમે.

સર્જક શ્રી મુકુન્દરાય પારાશર્ય તરફથી આવા ઉજળાં પાત્રોનું આલેખન કરવામાં આવ્યું. તેના થકી આપણી આ ઉજળી તથા અમૂલ્ય મૂડી સચવાઇ રહેશે. આપણી કુટુંબપ્રથામાં દાદા કે દાદી પાસે રાત્રે જમ્યા પછી બેસીને વાતો કહેવા-સાંભળવાની જે પ્રથા હતી. તેના કારણે આવા અસાધારણ લાગે છતાં વાસ્તવિક જગતમાં જીવી ગયેલા પાત્રોની વાતો કંઠો-પ-કંઠ કહેવાઇને પેઢી દર પેઢી  સુધી જીવંત રહી છે. આવી પ્રથાના કારણે આ કથાઓ તથા તેના પાત્રો તો જીવતાં રહ્યા છે. પરંતુ એક સંસ્કારની ધારાનું સિંચન પણ બાળકોને કૂમળી વયમાં સમયસર થયું છે. જગતમાં જીવવા માટે તેમજ જગત તરફ જોવા માટેની એક શુભ તથા કલ્યાણ કરનારી દ્દષ્ટિ ઉછરતી પેઢીને અનેક વર્ષો સુધી મળી છે. વિશ્વના અનેક દેશોના અનેક મહાપુરુષોના સર્વતોમુખી વિકાસના પાયામાં આવી વાતોના સંસ્કારોનું અમૃત સિંચન થયુ છે. આપણી જીવન જીવવાની પ્રથા કાળની ગતિમાં સતત બદલાતી રહે તે સ્વાભાવિક છે. કદાચ અનિવાર્ય પણ છે. પરંતુ એ બદલાયેલી સ્થિતિમાં કોઇ જૂદા સ્વરૂપ કે પદ્ધતિએ પણ સંસ્કારની આ સબળ વાતો Generation next સુધી કેવી રીતે પહોંચાડી  શકાય તેની કોઇ વ્યવસ્થા ટકાવી રાખવાની કે વિકસાવવાની વાત ગંભીરતાથી વિચારવા જેવી છે. સમજણપૂર્વકના પ્રયાસો હાથ ધરવાની અથવા વિકસાવવાની તક કે પડકાર ઝીલવા જેવા છે. 

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑