ગાંધીયુગના અનેક તેજસ્વી તારલાઓમાં કવિ તથા પત્રકાર કૃષ્ણલાલ શ્રીધરાણીનું નામ કદી વિસ્મૃત થાય તેવું નથી. જીવનના પાંચ દાયકા પણ પૂરા થાય તેની રાહ જોયા સિવાય કવિ ગયા. ટૂંકા જીવનમાં પણ સાહિત્ય તથા પત્રકારત્વના ક્ષેત્રમાં નવા પરિમાણો સ્થાપીને ગયા. દેશના મુક્તિ સંગ્રામના કાળના સુવિખ્યાત પત્રકાર અમૃતલાલ શેઠની કર્તવ્યનિષ્ઠા તેમજ નિર્ભયતાના ગુણો કૃષ્ણલાલ શ્રીધરાણીમાં પણ જોઇ શકાય છે. મેઘાણીભાઇ જેમ સાહિત્ય તથા પત્રકારત્વ એમ બન્ને વિષયોમાં શ્રીધરાણીનું અવિસ્મરણિય યોગદાન રહ્યું. સાહિત્યકારની સાથેસાથેજ પત્રકાર શ્રીધરાણીનો સતત વિકાસ થતો હતો. અમૃતલાલ શેઠના અંગ્રેજી દૈનિક માટેતેઓ લખતા હતા. ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ જેવા માતબર અખબાર માટે પણ તેમણે લખ્યું. અમેરિકાના બાર વર્ષના રોકાણ પછી દેશમાં પરત આવીને દિલ્હીમાં રહ્યાં. દિલ્હીથી પણ તેઓ અમેરિકન – જર્મન તેમજ જાપાનના અખબારો માટે લખતા હતા. ડૉ. સર્વપલ્લી રાધાક્રિષ્ણન તથા પંડિત જવાહરલાલ નહેરુ સાથે તેમને કૌટુંબિક ધરોબો હશે તેમ તે સમયના ફોટા તથા વિગતો જોતા જણાય છે. શ્રીધરાણીના પુત્રી ‘કવિતા’ નું નામકરણ ડૉ. રાધાક્રિષ્ણને કર્યું હતું તેમ નોંધાયું છે. કવિનો વિશ્વ સાથેનો સક્રિય સંબંધ હોવા છતાં તેમના મૂળ સાથેના સંબંધો અકબંધ તથા લીલાછમ રહેલા છે. સાંજના કાઠિયાવાડની તેમની કલ્પના રમણિય છે.
ગોપને ગોપી, ગોપને ગોપી,
રાસ રમંતા વહેતું મૂકે વર્તુળ
સાંજનું કાઠિયાવાડ તે તો ગોકુળ.
ભાવનગરની દક્ષિણામૂર્તિ વિદ્યાલય તથા ગુજરાત વિદ્યાપીઠમાં જેમના સંસ્કારબીજ રોપાયા હોય તે માનવીમાં મૂલ્યનિષ્ઠા તથા કર્તવ્ય પ્રતિ જાગૃતિ હોય તે સ્વાભાવિક છે. કૃષ્ણલાલ શ્રીધરાણી આવા એક સદભાગી વ્યક્તિ હતા. દેશના મુક્તિ સંગ્રામમાં જોડાવાના સંસ્કાર તથા પ્રેરણા તેમને આ બન્ને સંસ્થાઓના માહોલમાંથી મળી હતી. તેથી દાંડીકૂચની અળગા રહેવું તેમના માટે મુશ્કેલ હતું. આ સમય જાગૃતિનો હતો. આ ઐતિહાસિક ઉષાકાળે સ્વતંત્રતા ન મળે ત્યાં સુધી જંપવાની કે સામ્રાજ્યવાદીઓને જંપવા દેવાની વાત દેશના યુવાનોને મંજૂર ન હતી. ગાંધીની શક્તિનો સૂર્ય મધ્યાન્હે હતો. કવિ શ્રીધરાણીએ યાદગાર શબ્દો તે સમયે લખ્યા.
જંપવું ન, જાલીમોય જંપશે ન,
સૌ ખુવાર ! મૃત્યુ કે સ્વતંત્રતા :
લખી ન આ લલાટ હાર !
દાંડીકૂચ દરમિયાન આ પત્રકાર તથા સમર્થ સર્જક કૃષ્ણલાલને પોતાની લખેલી તાજી કવિતા ગાંધીજીને બતાવવાનું મન થયું. કવિતા ગાંધીજીના સંદર્ભમાં લખવામાં આવી હતી. બાપુની ઝૂંપડીમાં કવિએ પ્રવેશ કર્યો. સોનેટ પ્રકારનું કાવ્ય આ મહાનાયકે ધ્યાનથી વાંચ્યું. આ કવિતા શા માટે લખી છે તેવા બાપુના આકરા અને અણધાર્યા પ્રશ્નનો કવિ ઉત્તર આપી શક્યા નહિ. પછી આ મહાત્માએ આ ટૂંકી મુલાકાતની પૂર્ણાહૂતિ કરતાં બે શબ્દો કવિ તથા પત્રકાર શ્રીધરાણીને કહ્યાં : ‘‘જ્યારે તારી પાસે કપાસ કાંતવાનો સરસ સમય હતો ત્યારે તેં કવિતાનું કાંતણ કેમ કર્યું ?’’ કવિ નિરાશ થઇને પાછા ફર્યાં. જો કે પછીથી તેમને કહેવામાં આવ્યું હતું કે ગાંધીજીને કવિનું આ સોનેટ ગમ્યું હતું. બાપુની વિદ્યાપીઠના અભ્યાસક્રમમાં પણ તે રચના સામેલ કરવામાં આવી હતી. પોતાના માણસોને તાવી જોવાની (કસોટી કરવાની) ગાંધીજીની પદ્ધતિ કંઇક જૂદીજ હતી. કવિ કૃષ્ણલાલ શ્રીધરાણીનો જન્મ ૧૯૧૧ માં ૧૬ મી સપ્ટેમ્બરના દિવસે ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામે થયો હતો. સપ્ટેમ્બર માસમાં કવિને સવિશેષ યાદ કરીને તેમની ઝંઝાવાતી જીવનગાથા તથા ઉમદા સાહિત્ય તરફ દ્રષ્ટિ કરીએ તો ગૌરવ તથા અહોભાવની લાગણી થાય તેવું છે. ગુજરાત સાહિત્ય અકાદમી તથા આપણી ભાષાના દિગ્ગજ સાક્ષર ભોળાભાઇ પટેલને કારણે કવિ શ્રીધરાણીનું સાહિત્ય સંપાદિત થઇને સુલભ બન્યું છે. આ રીતેજ પત્રકાર શ્રીધરાણીની પ્રતિભા વિશે વિષ્ણુભાઇ પંડ્યાની અસ્ખલિત વહેતી કલમેથી અનેક વિગતો આપણાં સુધી પહોંચી છે. શ્રીધરાણીની બહુમુખી પ્રતિભાને અંજલિ આપતાં તત્કાલિન ભાવનગર સમાચારમાં ઉચિત શબ્દો ટાંકવામાં આવ્યા.
‘‘માનવી એકથી વધુ એટલે કે એક કે બે દિશામાં પારંગત થઇ શકે છે. પરંતુ કવિ શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણી જેવી વિશારદતા તથા ગુણો જવલ્લેજ કોઇ એક વ્યક્તિમાં જોવા મળે છે. જેમના માટે ભાવનગર સમગ્ર રાજ્ય તથા દેશ અને દુનિયામાં પણ ગૌરવ લઇ શકે તેવા શ્રીધરાણી ૨૩ જુલાઇ-૧૯૦૬ ના રોજ આપણી વચ્ચેથી ચાલ્યા ગયા.’’
આપણે ત્યાં શિક્ષણની કેટલીક સંસ્થાઓ કે જેમાં યુવાનોનું સર્વતોમુખી ઘડતર થતું હતું તેમાં કવિગુરુની શાંતિનિકેતન ઉપરાંત ગુજરાત વિદ્યાપીઠ તેમજ દક્ષિણામૂર્તિ – ભાવનગરનો સમાવેશ કરી શકાય. શ્રીધરાણીનું વ્યક્તિત્વ ઘડતર આ ત્રણે સંસ્થાઓમાં થયું. માતૃભૂમિની મુક્તિ માટેના સંસ્કાર ગાંધીની વાણી થકી તે કાળના શ્રીધરાણી સહિતના યુવાનોએ ઝીલ્યા અને આ શિર સાટેની લડાઇમાં ઝૂકાવીને પોતાનું યૌવન સાર્થક કર્યું.
ન પુષ્પશૈયા પર વીર લેટતા
તુરંગના પથ્થર દેહ ભેટતા…
ઘરે પડ્યા તે નવ કો જવાનડા !
જીવી રહ્યાં દીન – ગરીબ જીવડાં !
દેશની તે સમયની સ્થિતિમાં આપણી માતાઓ – બહેનોએ અનેક પ્રસંગોએ પોતાના જીવથી પણ વહાલા સંતાનોને રાષ્ટ્રીય શિક્ષણ તેમજ રાષ્ટ્રીય જુવાળ તરફ ડગ ભરવા પ્રેરણા આપી. મહાસત્તા સામે લડવાના પરિણામો વિશે આવી માતાઓ માહિતગાર ન હોય તેમ બને નહિ. પરંતુ તેમને આવા કાર્યોમાં પોતાના પનોતા પુત્રો જોડાય તેમાંજ જીવનની સાર્થકતા લાગતી હતી. આવા ઉમદા વિચારથીજ વિધવા માતાએ પુત્ર કૃષ્ણલાલને નાનાભાઇ ભટ્ટ સ્થાપિત દક્ષિણામૂર્તિમાં અભ્યાસ માટે દાખલ કર્યો. દક્ષિણામૂર્તિ અને નાનાભાઇના ઘડતરમાં કોઇ મણા રહે નહિ. કૃષ્ણલાલને દક્ષિણામૂર્તિમાં જાણે પોતાનું બીજુ ઘર મળી ગયું. કવિ પ્રહલાદ પારેખ તથા સતીષ કાલેલકર જેવા સહાધ્યાયીઓ મળ્યા. દક્ષિણામૂર્તિમાં હરભાઇ ત્રિવેદી તેમને અંગ્રેજી ભણાવતા. હરભાઇ તરફથી મળેલું કૌશલ્ય તેમને ભવિષ્યમાં અનેક અંગ્રેજી પુસ્તકો લખવામાં ઉપયોગી થયું. દક્ષિણામૂર્તિ પછી જીવનના બીજા તબક્કાના વર્ષોનું ઘડતર ગુજરાત વિદ્યાપીઠમાં થયું. પરંતુ આ તમામ સંસ્કારોના મૂળમાં કવિ-પત્રકાર શ્રીધરાણીને પોતાના દાદીમા પાસેથી નાનપણમાં સાંભળવા મળેલી અનેક કથાઓ તેમજ ઉદાહરણો હતા. શાળા કરતાં પણ વધારે શિક્ષણ તો આ ‘ઘરે બેઠા ગંગા’ ના પાવન સ્ત્રોતમાંથીજ મળ્યું તેમ તેઓ લખે પણ છે. આ વાતનાજ સંદર્ભમાં સમાન કહી શકાય તેવી મુકુન્દરાય પારાશર્યની વાત યાદ આવે. તેમનું પણ તેમના મોટીબા પાસેથી સાંભળેલી તથા કાળજીથી નોંધેલી વાતો થકી જીવન ઘડતર તો થયુંજ પરંતુ જગતને પણ ‘સત્યકથાઓ’ ના સ્વરૂપે અમૂલ્ય સાહિત્ય મળ્યું. આપણી આ દાદા-દાદી તથા શિશુ વચ્ચેના સંવાદની ઉજળા તથા જીવન ઘડતરમાં ઉપયોગી પ્રથા આજે કદાચ અલ્પમાત્રામાં જળવાઇ રહી હશે. તેના કારણો ગમે તે હોય પરંતુ તેની એક પૂરી ન શકાય તેવી ખોટ બાળકના સર્વાંગી વિકાસમાં રહી જાય છે. દક્ષિણામૂર્તિ પછી વિશ્વભારતી સંસ્થા (શાંતિનિકેતન) કવિને સ્વર્ગ સમાન લાગી. કવિનું લેખન કાર્ય વેગથી આગળ વધ્યું. તેમની ઉજળી શૈક્ષણિક પ્રતિભા શાંતિનિકેતનમાં ઝળકી ઊઠી. કવિગુરુ ટાગોરે તે બાબત ધ્યાનમાં લઇને પ્રસન્નતાપૂર્વક એક પત્ર ભાવનગરના વિચક્ષણ દીવાન સર પ્રભાશંકર પટ્ટણીને લખ્યો. આ પત્રથી તેમણે શ્રીધરાણીને અમેરિકા જઇને ઉચ્ચ અભ્યાસ કરવા માટે રાજ્યની સ્કોલરશીપ આપવા ભલામણ કરી. પ્રજાલક્ષી રાજ્ય તથા પટ્ટણી સાહેબ જેવા વહીવટકર્તા હોય ત્યાં આવી બાબત માટે તો એક ક્ષણમાંજ મંજૂરી મળે. આ બાબતમાં પણ રાજ્યની સ્કોલરશીપ મંજૂર કરવામાં આવી. આ ઘટના કવિગુરુનો છાત્રો તરફનો સ્નેહ તેમજ ભાવનગર રાજ્યની ઉદાર શાસનપ્રથા તરફ પણ અંગુલિનિર્દેશ કરે છે.
કવિને બાળવયમાં ઘરમાંથી તેમજ યુવાનીમાં ગાંધીજી – ગુરુદેવ તથા નાનાભાઇ જેવા આભ-ઊંચેરા મહામાનવીઓના સ્નેહ તથા પ્રેરણા મળ્યા છે. આથી જગતને સ્નેહ તથા સુંદરતા વહેંચવાની તેમની ઝંખના રહી છે.
મધમાખી તું તારા જેવી
મુજને મીઠી ખંત દે !
કોયલબહેની ! તારા જેવો
મીઠો મીઠો કંઠ દે !
વિશ્વતણો મધુકોશ ભરું
ચૌદ લોક ટહુકાર કરું !
કવિ દાંડીકૂચમાં સામેલ થયા. જેલની સજા ભોગવી. જેલવાસ પૂરો થયા પછી પણ મુક્તિ સંગ્રામમાં સતત સક્રિય રહ્યા. દાંડીકૂચના આ નવયુવાન યાત્રીએ દાંડીકૂચના મહાનાયક ગાંધીજીની ધરપકડ થઇ તેનો જે અહેવાલ લખ્યો તેમાં સાહિત્યકાર શ્રીધરાણીની ભીતરમાં રહેલા હોનહાર પત્રકાર શ્રીધરાણીના દર્શન થતા હતા તેવુ વિષ્ણુભાઇ પંડ્યાનું અવલોકન યથાર્થ છે. આ સર્જકે પત્રકારત્વની શ્રેષ્ઠ ભૂમિ પર પણ વિહાર કર્યો હતો. ગાંધીજીના મીઠા વિરોધી કાનૂન સામેના મહાઅભિયાન સમાન દાંડીકૂચના સત્યાગ્રહને તેમણે વિશ્વ સમક્ષ સબળ રીતે રજૂ કર્યો. છગન ખેરાજ વર્મા તથા કૃષ્ણલાલ શ્રીધરાણી બન્ને એવા ગુજરાતી પત્રકારો હતા કે જેમનું આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ મૂલ્યવાન યોગદાન રહ્યું. ૧૯૫૮નો રણજિતરામ સુવર્ણચંદ્રક કવિના નામે જાહેર થયો. એવોર્ડની અર્પણવિધિ થાય તે પહેલા કવિએ મહાપ્રયાણ કર્યું. કવિ વનપ્રવેશ પણ કર્યા પહેલા જગતને અલવિદા કરી ગયા. કવિ દેશ – વિદેશમાં વિચર્યા પરંતુ તેમનું જોડાણ તેઓ જીવ્યા ત્યાં સુધી જગતના દુખિયારાઓ સાથે રહ્યું.
પૃથ્વી તણો દુ:ખિત પ્રાણ છેલ્લો,
ન મોક્ષના ઉંબર માંહી જ્યાં લગી,
દુખાર્ત સંગે બનું એક હું દુ:ખી,
ન મોક્ષનો લોભ શકે મને ઠગી !
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment