અફાટ જળરાશીના અનેરા સૌંદર્યને માણતા બે મિત્રો દરિયાકાંઠાના ગામડાઓમાં ભટકતા હતા. એક ઝવેરચંદ કાળીદાસ મેઘાણી તથા બીજા કવિ દુલા ભાયા કાગ. મહુવા (ભાવનગર જિલ્લો)થી થોડે દૂર દરિયા કિનારે મેઘાણીભાઇએ એક દ્રશ્ય જોયું. રવિ પણ ન પહોંચી શકે ત્યાં કવિ પહોંચે એ ઉક્તિ પ્રમાણે મેઘાણીભાઇનું ધ્યાન એક જૈફ ઉંમરના માજી તરફ ગયું. આ વૃધ્ધ દેખાતા મહિલા માથે ઇંટો મૂકીને દરિયા કિનારે લાંગરેલા (ઊભા રહેલા) વહાણમાં ચડાવતા હતા. મહેનતનું કામ હતું તેનો અણસાર ડોશીમાના કપાળ પર બાજેલા પરસેવાના બિંદુઓ પરથી આવતો હતો. મેઘાણીભાઇએ ડોશીમાની નજીક પહોંચીને હળવા તથા હૂંફાળા સ્વરે વાત શરૂ કરી. માજી પાસેથી જાણવા મળ્યું કે તેમનો એકનો એક યુવાન પુત્ર જેનું વહાણ સામે પડેલું છે તે શેઠનાજ એક બીજા વહાણ પર કામ કરતો હતો. શેઠ વૈષ્ણવ હતા તેમજ સુખી સંપન્ન હતા. કાળની કોઇ ગોઝારી ક્ષણે દરિયાના અણધાર્યા તોફાનમાં શેઠનું એ વહાણ ડૂબ્યું. ડોશીમાનો એકનો એક દીકરો તે વહાણ પર ફરજ બજાવતો હતો. માજીના દિકરાએ પણ દરિયાના ખોળે કાયમી વિશ્રામ લીધો. ડોશીમાની જિંદગીમાં અચાનક સદાકાળ માટે પાનખર બેઠી. જીવનમૂડી જોતજોતામાં છીનવાઇ ગઇ હતી. ડોશીમા કહે છે હવે બે ટંકનો રોટલો રળવા આ શેઠની આકરી મજૂરી કરું છું. મેઘાણીભાઇએ સ્વાભાવિક પ્રશ્ન કર્યો કે તમે આજીવિકા માટે – વળતર મેળવવા માટે શેઠ પાસે કેમ ન ગયા ? ડોશીમાનો આભથી ઊંચેરી ખાનદાની તથા ખૂમારીવાળો જવાબ મેઘાણીભાઇને ઝંઝોળી નાખે છે. માજી કહે છે : ‘‘ ભાઇ ! શેઠનું વહાણ મારા દીકરાના હાથે ડૂબ્યું. હું શું મોઢુ લઇને શેઠ પાસે માગવા જાઉં ? ’’ ડોશી તો જવાબ આપીને ડગુમગુ ચાલે ત્યાંથી ગયા પરંતુ મેઘાણીભાઇ છાતી પકડીને બેસી ગયા. કવિને રૂદનની ધાર છૂટી. રડતા રડતા મહા મહેનતે મિત્ર કવિ કાગને કહે છે : ‘‘ દુલાભાઇ, આ બે વ્યક્તિઓમાં વૈષ્ણવ કોણ ? આ પીડિત માછીમાર મહિલા કે વહાણના માલિક શેઠ ? ’’ દૂભ્યા –દબાયેલા માનવીઓની વેદના સાથે ક્ષણમાત્રમાં ઐક્ય અનુભવી શકે તેવા આ રાષ્ટ્રીય શાયરની કલમેજ આ શબ્દો પ્રગટી શકે.
પીડિતની આંસુડાધારે – હાહાકારે
રેલ્યો કસુંબીનો રંગ
શહીદોના ધગધગતા નિશ્વાસે નિશ્વાસે
સળગ્યો કસુંબીનો રંગ
ધરતીના ભૂખ્યા કંગાલોને ગાલે
છલકાયો કસુંબીનો રંગ
બિસ્મિલ બેટાઓની માતાના ભાલે
મલકાયો કસુંબીનો રંગ….
રાજ મને લાગ્યો કસુંબીનો રંગ.
શ્રાવણી ભીનાશના વાતાવરણમાં જન્મ લેનાર અને આ ભીનાશને હમેશા હૈયામાં સંઘરી રાખનાર કવિનો જન્મદિવસ ઓગસ્ટ મહીનામાં આવે છે. ૨૮ મી ઓગસ્ટ ૧૮૯૬ ના દિવસેજન્મ ધારણ કરીને આ કવિ પોતાના સર્જનો થકી આપણી ભાષાને રળિયાત કરતા ગયા. સૃષ્ટિના અનેક રંગોને ઝીલીને તેની રંગોળી પૂરનાર આ કવિની નખશિખ સંવેદનશીલતા બેજોડ હતી. તેમનું ધ્યાન છેવાડાના માનવીઓ તરફ વિશેષ હતું. ભવ્ય-દિવ્ય કલ્પનાઓ એ કદાચ મેઘાણીભાઇની પ્રથમ પસંદગીનો વિષય ન હતો. જ્યારે ધરતી પરના અનેક માનવજીવો મૂઠીધાન (અનાજ) માટે ટળવળતા હોય ત્યારે કવિની સ્વભાવતગત સંવેદના તેમને તે તરફ ખેંચી જતી હતી.
દિનરાત જેઓની નસેનસમાં
પડે ઘોષ ભયંકર યંત્ર તણાં
પીએ ઝેરી હવા જે દમેદમમાં,
એને શાયર શું ? કવિતા શું ?
ફૂલો અને તારલિયામાં એ કેમ રમે ?
ત્યારે હાયરે હાય કવિ ! તુંને
કૃષ્ણ કનૈયાની બંસરી કેમ ગમે ?
દર્શકદાદા લખે છે કે ગાંધીજીએ ભણેલા લોકોને લોકાભિમુખ થવા પ્રેરણા આપી. મેઘાણીભાઇએ લોકની ખાનદાની તથા ખુમારીને ઉજાગર કરી સુખી-સંપન્ન તથા શિક્ષિત વર્ગ અને લોક તરીકે ઓળખ પામેલા વિશાળા જનસમુદાય વચ્ચે સેતુબંધ રચી આપ્યો. આથી દર્શકના મતે ગાંધીના વિચારને ભૂમિ પર ઉતારનાર આ કવિએ ગાંધી વિચારના પૂરકબળ તરીકે કામ કર્યું.
ભેદની ભીંતુંને આજ મારે ભાંગવી
મનડાની આખરી ઉમેદ.
કવિ ઉમાશંકર જોષી લખે છે કે ડિસેમ્બર – ૧૯૨૯ માં અમદાવાદમાં ભરાયેલી યુવાનોની પરિષદમાં ‘‘ ગરદન સુધીના વાંકડિયા કાળાં જુલફા અને મોટી સહેજ રતાશવાળી આંખો ’’ વાળા કવિએ હાથ ઊંચો કરી ગીત ઉપાડ્યું.
જાગો જગતા ક્ષુધાર્ત !
જાગો દુર્બલ અશક્ત !
ઇન્સાફી તખ્ત પર
કરાળ કાળ જાગે…..
ઉમાશંકરભાઇ સ્મૃતિને વાગોળતા કહે છે કે મેઘાણીભાઇના અવાજમાં રહેલા આરજૂ અને ખુમારી સાથે રેલાયેલા હુંકારના આ શબ્દોની સભાને ચોટ લાગી ગઇ. કવિના કાવ્યોમાં પીડિતો તેમજ શોષિતો તરફના ભાવ સાથે ઉજળી આવતીકાલ માટે જાગૃત થવાનો વીરતાભર્યો પડકાર પણ છે.
ગાંધીયુગના કવિઓ પર ગાંધી વિચારે અસર કરી છે. ગાંધી વિચારમાં દેશની સ્વાધિનતા માટેની ઝંખના તો છે. સાથે સાથે વ્યવસ્થા બદલવા તરફ પણ એટલુંજ ધ્યાન છે. સંઘર્ષ સાથેજ પુનઃનિર્માણનો સંકલ્પ છે. સત્તા બદલે પરંતુ વ્યવસ્થા ન બદલે તો ઘાતક પરિણામો આવી શકે છે તેની પ્રતિતી ગાંધી – વિનોબાને હાડોહાડ હતી. આ નૂતન વ્યવસ્થામાં પાંચ સાત શૂરાના જયજયકાર કરીને સંતોષ માનવાનો નથી. અહીં તો હળ અને દાતરડાના પરિશ્રમનો તથા દૂધ અને ઘોડિયા તરફ નજર રાખવાની વાતને અગ્રતા આપવામાં આવેલી છે. ઘણ અને એરણના રસપ્રદ તથા આંખ ઉઘાડે તેવા સંવાદમાં ખૂબી પૂર્વક લોકકવિ મેઘાણીએ આ વાત રજૂ કરી છે.
ઘણ રે બોલેને એરણ સાંભળે હો…જી
બંધુડો બોલે ને બેનડ સાંભળે હો…જી
એ જી સાંભળે વેદનાની વાત
વેણે રે વેણે હો સત-ફૂલડાં ઝરે હો…જી
બહુ દિન ઘડી રે તલવાર
ઘડી કાંઇ તોપું ને મનવાર
પાંચ સાત શૂરાના જયકાર
કાજ ખૂબ ખેલાણાં સંહાર :
જળ-થળ પોકારે થરથરી
કબરુંની જગા રહી નવ જરી
હાય, તોયે તોપુ રહી નવ ચરી.
બાળ મારા માગે અન્ન કરી દેગ
દેવ કોણ દાતરડું કે તેગ ?
ખાંડી ખાંડી ઘડો હલ કેરા સાજ
ઝીણી રૂડી દાતરડીના રાજ
ઘડો રાંક રેંટુડાની આરો
ઘડો દેવ તંબૂરાના તારો :
મનુબહેન ગાંધીએ તેમની ડાયરીમાં નોંધ્યું છે કે બાપુ ઘણીવાર મેઘાણીને યાદ કરીને કહેતા કે અજ્ઞાન પ્રજામાં કવિએ ગુણ, ભક્તિ તથા નેકદિલી જોયાં. બાપુ ઉમેરે છે કમભાગ્યે આવા સાહિત્યકારને આપણે સમજી શકતા નથી. તેમની ઝંખના અધૂરી રહી જાય છે. કવિ ગયા પરંતુ શબ્દને ઉન્નત કરીને ગયા.
આતમની એરણ પરે
જે દી અનુભવ પછડાય જી…
તે દી શબદ તણખાં ઝરે
રગરગ કડાકા થાય…
જી જી… જી જી… શબદનો વેપાર.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment