ધનતેરસનો દિવસ તો ફુલચંદભાઇએ ખૂબજ સુયોગ્ય પસંદ કર્યો હતો. નવા કાર્યનું મંગળચરણ કરવા ધનતેરસ એટલે તો વગર જોયું મુહૂરત ગણાય. નવું કાર્ય પણ ઉત્તમ હતું. સરસ્વતીના મંદિર – શાળાનું નિર્માણ કરવાનું કામ હતું. વીસમી સદીના પ્રારંભના પહેલા દસકાનો સમય હતો. (૧૯૦૬) એ સમયના ઝાલાવાડ (સુરેન્દ્રનગર જિલ્લો)માં શિક્ષણાના દીપ પ્રાગટ્યનું આ કાર્ય હતું. વ્યાપક જનસમૂહની જરૂરિયાત પણ હતી. સજ્જનોની સખાવત પણ ઉદાર રીતે મળવાની હતી. સ્વાતંત્ર્ય સેનાની અને સુધારાવાદી શિવાનંદજી જેવા સમર્થ સાથીનો ફુલચંદભાઇને સાથ હતો. આ રીતે રાષ્ટ્રીય શાળાનું ઐતિહાસિક મંડાણ થયું. શાળા એ ફૂલચંદભાઇ તથા શિવાનંદજીને મન ઉપાર્જનનું નહિ પરંતુ ઉપાસનાનું કાર્ય હતું. શાળા શરૂ થયાના થોડા સમયમાંજ તેની ખ્યાતિ પ્રસરી ગઇ. જોતજોતામાં તો ૩૦૦-૪૦૦ વિદ્યાર્થીઓની આ શાળા વાલીઓના આકર્ષણનું કેન્દ્ર બની. પરંતુ સમસ્યા હવે સામે આવી. સમસ્યા તો જૂની અને જાણીતી હતી. કોચરબ આશ્રમમાં આવીજ સમસ્યા આફ્રિકાથી નવાસવા આવેલા બેરિસ્ટર ગાંધીભાઇ સામે આવી હતી. ભાવનગરના પ્રખર સુધારક તથા શાક્ષર નાનાભાઇ ભટ્ટ સામે ગ્રામ દક્ષિણમૂર્તિમાં પણ આજ સમસ્યા આવી હતી. ફૂલચંદભાઇ સામે વઢવાણમાં આજ સમસ્યા મોં ફાડીને ઊભી હતી. સમસ્યા શી હતી ? બધીજ કોમના–જ્ઞાતિના છોકરા એક સાથે શી રીતે ભણી શકે ? આવું તે કઇ રીતે ચલાવી લેવાય ? કહેવાતા ઉચ્ચવર્ગના લોકોએ વિરોધનો વંટોળ આ પ્રકારના પ્રશ્નો પૂછીને ઊભો કર્યો. ફૂલચંદભાઇએ શું કર્યું હશે ? તેમણે એજ કર્યું જે ગાંધીજી તથા નાનાભાઇ ભટ્ટે કર્યું હતું. સરસ્વતી મંદિરમાં વળી જ્ઞાતિભેદ શાનો ? ફૂલચંદભાઇએ પણ સહન કરવું પડ્યું જે ગાંધીજી તથા નાનાભાઇએ નૈતિક તાકાત અને સ્વસ્થતાથી સહન કર્યું હતું. ૩૦૦-૪૦૦ વિદ્યાર્થીઓની શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા પચાસથી પણ ઓછી થઇ. ગમા-અણગમા તથા માન્યતાઓના વર્ષો જૂના પૂર્વગ્રહોએ સમાજને સ્વસ્થ સમાજ થતાં રોક્યો છે. ગાંધીજી તથા ડૉ. બાબાસાહેબ જેવાના પારસમણી સ્પર્શ પછી સ્થિતિમાં સુધારો થયો હશે. તેમછતાં આ બાબતમાં સતત જાગૃતિનો કોઇ વિકલ્પ નથી. ભાઇ શ્રી રામજીભાઇ વાણીયાના શબ્દો યાદ આવે.
માનવના મનડા કટાણા,
સરાણીયા માનવના મનડા કટાણા,
ઇ પારસ અડ્યે ન પલટાણા,
સરાણીયા માનવના મનડા કટાણા.
આ પ્રકારના પ્રસંગોમાં મક્કમતા દાખવીને જીવનમાં પાંચ દાયકા પણ પૂરા થવાની રાહ જોયા સિવાય ફૂલચંદભાઇ કસ્તુરચંદ ગયા. ગાંધીના આ ભડવીર સેનાનીએ ૩૦ ઓગસ્ટ ૧૯૪૧ ના દિવસે મહાપ્રયાણ કર્યું. ગાંધીજીએ આ અકાળ મરણની વ્યથા અનુભવી અને લખ્યું : ‘‘ આપણે સૌ બહાદુર અને ઉત્તમ કાર્યકર્તા ગુમાવ્યો. તે યુવાન હતો. પણ તેણે મરી જાણ્યું. ’’ ઓગસ્ટ માસ બેસવાના પ્રારંભના સમયે ફૂલચંદભાઇની સ્મૃતિ ભાવથી ભીંજવી જાય છે. વિધ્વાન તથા કર્મઠ શ્રી અરવિંદભાઇ આચાર્ય પાસેથી તેમની હયાતી દરમિયાન સમાજનો એક ભાગ જેમને ‘‘ માથા ફરેલ ’’ ગણે છે તેવા વીરલાઓની વાતો સાંભળવા મળતી. સદ્દભાગ્યે અરવિંદભાઇએ કથાઓ સારા એવા પ્રમાણમાં ગ્રંથસ્થ પણ કરી છે. કથળતા જતા સ્વાસ્થ્યની સ્થિતિમાં પથારીમાં સૂતેલા ફુલચંદભાઇના ફોટા સાથે મેઘાણીભાઇએ તેમને બિરદાવતું કાવ્ય લખીને પ્રસિધ્ધ કરેલું.
ભોગાવાની રેતના હે તપસ્વી
રા’ ની દેવડીની ચિતાને
બેઠો છું તું તાપતો જતિ શો
વર્ષોથી ? ના, ના યુગોથી એકલો.
ફૂલચંદભાઇ આ ગીત વાંચીને પ્રસન્ન થયા. પછી કહ્યું કે હવે અંતિમ પ્રવાસની તૈયારી કરો. જીવનમાં કોઇ કામ કદી પણ એકલા હોવાના કારણે પડતુ ન મૂકનાર આ માનવી મૃત્યુના અજાણ્યા પ્રદેશમાં પણ ઉત્સાહભેર એકલો પ્રવેશ કરવા તૈયાર થઇ જાય તેમાં કોઇ નવાઇની વાત નથી. કવિગુરુ ટાગોરે આવા મરજીવાઓના સંદર્ભમાંજ આ શબ્દો લખ્યા છે જેનો અદ્દભૂત અનુવાદ મહાદેવભાઇ દેસાઇ થકી આપણી ભાષામાં ઉતર્યો છે અને અમર થયો છે.
જો સૌએ પાછા જાય
ઓરે ઓરે ઓ અભાગી !
સૌ એ પાછા જાય
ત્યારે કાટા રાને તારે
લોહી નીગળતે ચરણે
ભાઇ ! એકલો ધાને રે….
સમાજ માટે કે દેશ માટે કંઇક કરી છૂટવાના આ સંસ્કાર અનેક કિસ્સાઓમાં માતાપિતા કે ગુરુજનો તરફથી મળ્યા હોય છે. ફૂલભંદભાઇના મા એ કાળમાં કે જ્યારે મહિલાઓ ઘુમટો કાઢ્યા સિવાય ઘરનો ઉંબરો ઓળંગતી ન હતી તે સમયે સત્યાગ્રહની લડતમાં ભાગ લીધો હતો. મા તથા દીકરો બન્ને એક સમયે એક સાથે સત્યાગ્રહ કરીને જેલમાં હતા. જેલ જીવનની તમામ પ્રકારની અસુવિધાઓ સાથે ૭૫ વર્ષની જૈફ વયના અમરતબહેન જેલમાં પણ સામયિક કરવાનું ચૂકતા ન હતા. તીર્થંકરો તેમજ સાધુ ભગવંતોની પ્રસન્નતા અને આશીર્વાદ ધાંગધ્રાની આ કાળમીંઢ જેલમાં પૂરાયેલા અમરતબહેન પર જરૂર વરસ્યા હશે. અરવિંદભાઇ આચાર્ય યથાર્થ રીતે નોંધે છે કે જેલની આ ઓરડી જ્યાં અમરતબહેન સામયિક કરતા તે ઓરડી ઉપાશ્રય બની હશે ! સાધના થકી મેળવેલી અમરતબહેનની આ સ્વસ્થતા કદી પણ ડગી ન હતી. ફૂલચંદભાઇને જન્મ આપનાર આ માતાને બીરદાવવા શબ્દો ઝાંખા પડે છે.
સ્વાતંત્રય સંગ્રામમાં કૂચગીતો – સંગ્રામના ગીતોનું એક વિશેષ મહત્વ હોય છે. જનસામાન્ય તેનાથી જાગૃત તથા પ્રોત્સાહિત થતો હોય છે. ફૂલચંદભાઇ આવા કૂચગીતો પણ લખતા અને બૂલંદ સ્વરે લલકારતા રહેતા હતા. ‘‘we shall overcome’’ ના જોડિયા ભાઇ જેવું નવો આત્મવિશ્વાસ પ્રગટાવતું તેમનું એક કૂચગીત ખૂબ જાણીતુ બન્યું હતું.
ડંકો વાગ્યો લડવૈયા
શૂરા જાગજો રે…
શૂરા જાગજો રે
કાયર ભાગજો રે… ડંકો…
માથુ મેલો સાચવવા
સામી ટેક ને રે…..
તોડી પાડો સરકારી
જુલમી કાયદા રે
ભારત મુક્તિને કાજે
કાયા હોમજો રે
બહેનો જાગજો રે
વિદેશી ત્યાગજો રે…
ફૂલચંદભાઇ યુધ્ધ કવિ હતા. જાણીતા સત્યાગ્રહી ભક્તિબા તથા દરબાર સાહેબ ગોપાળદાસ દેસાઇના કહેવાથી બહેનોને સભામાં ગવડાવી શકાય તેવો ત્રણ તાળીનો રાસડો પણ તરત જ મોકલી આપ્યો. બારડોલી સંગ્રામનો આ કાળ હતો.
બારડોલી તણા તે યુધ્ધમાં
ખેડૂત વેઠે કેવા દુઃખ મારા બંધવા.
સામાન્ય રીતે રાષ્ટ્રીય સ્તરે જાણીતા હોય તેવા સ્વાતંત્ર્ય વીરોની સ્મૃતિ સમયે સમયે માધ્યમો કે તે અંગેના કાર્યક્રમો દ્વારા થતી રહે છે. એ બાબત ઉચિત પણ છે. પરંતુ ફૂલચંદભાઇ જેવા કેટલાયે આપણાં ઘર દીવડાઓ કાળના બદલાતા પ્રવાહમાં સ્મૃતિશેષ થતા જાય છે. આ પ્રકારના સમર્પિત જીવનવાળા વ્યકિતવિશેષો અનેક સ્થળે પથરાયેલા હશે. તેમની સ્મૃતિને પણ વંદન કરવાથી એક અનોખા સંતોષની લાગણી થાય છે. તેમના ખમીર તથા ખુમારી અસાધારણહતા. નવી પેઢી સુધી આ વાત વિસ્તરે તો એ ઉત્તમ ગણાય. તે માટે કદાચ ખાસ પ્રયાસો યોજવા પડે. પ્રસિધ્ધિ મેળવવા આ લોકોએ ખુંવારી વહોરી ન હતી. એમણે તો એમનું જીવન એક ધ્યેય માટે સ્વેચ્છાએ હોમી દીધું હતું. વઢવાણ રાષ્ટ્રીય શાળા જે આજે ઘરશાળા તરીકે ઓળખાય છે ત્યાં ગાંધીના ગોવાળ ફૂલચંદભાઇની સમાધિ ઊભી છે અને સ્વસ્થતા – સ્થિરતા તથા વીરતાની સૌરભ મુંગા મોઢે પ્રસરાવતી રહે છે. દેશ આઝાદ થયો તે મહિનામાં ફૂલચંદભાઇ જેવા સત્યાગ્રહીઓને વિશેષ યાદ કરીને શ્રધ્ધા સુમન અર્પણ કરવાથી અનોખો આત્મ સંતોષ થાય છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment