: સંસ્કૃતિ : હેમુ ચંદન લાકડું : સળગીને દીયે સુવાસ :

કલાકાર કલામય થઇને જીવતો હોય છે. કલા અને કલાકારને જૂદા તારવવા મુશ્કેલ છે. લોકસાહિત્યના કલાકારોને લોકોનો ભરપુર સ્નેહ મળ્યો તેનું કારણ સાહિત્યનના ઉમદા સત્વ ઉપરાંત લોકકલાકારોની સંવેદનશીલતા પણ છે. યાદ કરવો ગમે તેવો એક પ્રસંગ નોંધાયો છે. એક જૈફ ઉંમરના તથા સાધારણ સ્થિતિના દેખાતા મહિલા આકાશવાણી રાજકોટના ઉંબરે આવીને ઊભા છે. માજી પૂછે છે : ‘‘ હેમુ ગઢવી કોણ છે ! ’’ હેમુભાઇ અજાણ્યા માજીને સ્નેહથી મળે છે. માજી કહે છે : મારા એકના એક દિકરાનું અકાળ અવસાન થયું છે. મારા પર આભ તુટી પડ્યું છે. દિકરાની આત્મશાંતિ માટે ભજન કરવા છે. તમે આવો ખરા ? મારી પાસે નાણાં નથી ’’ રુંધાયેલા કંઠે આટલું કહીને માજી મૌન થઇ ગયા. તરતજ માજીનું સરનામુ નોંધી લેવામાં આવે છે. ઢળતી સાંજે અને માતા શારદાની શાક્ષીએ તદ્દન અજાણ્યા માજીના ઘરે હેમુભાઇ – નટવરગિરી ગોસ્વામી તેમજ હાજીભાઇ અને ટપુભાઇ ગણપતિ બેસાડીને ઘરનું વાતાવરણ બદલાવે છે. ભજનના ભાવમાં એકાકાર થઇને માજી સંતાપને વિસારીને શાંતિ પામ્યા. આ પ્રસંગ શ્રી રુદ્રદત્ત રાણાએ આલેખ્યો છે. નાની એવી આ ઘટના લોક કલાકારો તથા લોક સમૂહ વચ્ચેના એકત્વને ઉજાગર કરે છે. આથીજ લોકસાહિત્યના ઉપાસકોને જન સામાન્યનો અસાધારણ સ્નેહ પ્રાપ્ત થયો છે. આ લોકને અલવિદા કહીને ગયેલા આવા કર્મધર્મીઓને ફરી ફરી યાદ કરવા ગમે છે.

તન ચોખા મન ઉજળા

ભીતર રાખે ભાવ

કિનકા બૂરા ન ચિંતવે

તાકુ રંગ ચઢાવ.

લોકની સ્મૃતિ ટૂંકી હોય છે તેવી એક માન્યતા લાંબા અનુભવ પછી સ્થાપિત થયેલી છે. પરંતુ ઘણાં કિસ્સાઓ આ માન્યતાથી અલગ પડે તેવા પણ જોવા મળે છે. બેગમ અખ્તરની જન્મ શતાબ્દીનું આ વર્ષ છે. ગુજરાતથી દૂર – સુદૂર જન્મ લઇને અમદાવાદમાં છેલ્લા શ્વાસ ઘૂંટનાર બેગમના મખમલી અવાજને આજે પણ અનેક લોકો આદર સાથે યાદ કરે છે. બેગમની જન્મ શતાબ્દી નીમિત્તે યોજાતા કાર્યક્રમોમાં ભાવકોની ભીડ જોવા મળે છે. એમ જૂઓ તો  કુન્દનલાલ સાયગલ ક્યાં કદી ભૂલાયા છે ? સાયગલ સાહેબના ગીતોને સાંભળનાર તથા તેને માણી શકનાર લોકોનો આજે પણ મોટો વર્ગ છે. લોક સાહિત્યના ક્ષેત્રમાં હેમુ ગઢવીનું નામ આવુંજ એક મોટું નામ છે. હેમુભાઇની સ્મૃતિમાં યોજવામાં આવેલ ‘‘ હેમુ વરણી સાંજ ’’ ના છેલ્લા એક વર્ષના કાર્યક્રમોમાં હૈયેહૈયુ દળાય તેવી જનમેદનીની હાજરી આ વાતની શાક્ષી પૂરે છે. હેમુભાઇના સુમધુર કંઠે ગવાયેલા ગીતોને જેવી દાદ કચ્છ – સૌરાષ્ટ્રના ગામોમાં મળે છે તેવોજ પ્રતિસાદ મુંબઇના સભાગ્રહોમાં પણ મળે છે. હેમુભાઇની વ્યાપક લોકસ્વીકૃતિનો અણસાર આ હકીકતથી મળે છે. રાજકોટમાં બંધાયેલા રાજ્ય સરકારના આધુનિક સભાગ્રહને હેમુ ગઢવીના નામ સાથે જોડીને રાજ્ય સરકારે વ્યાપક જનમતના પડઘાને જીલ્યો છે. હેમુભાઇની સ્મૃતિને અંજલિ આપતા શ્રી રામભાઇ કાગે ઉચિત શબ્દો લખ્યા છે. 

હેતથી કરીને હલક

દુહાનો બાંધે દોર,

માનવગળામાં મોર

હોંકારો જોને હેમવા.

હેમુ ગઢવી વીજળીની માફક ઝળકીને ક્ષણવારમાં વિરાટના સ્થાયી અસ્તિત્વમાં ભળી ગયા. સાહિત્ય તથા સંગીતના ચાહકોએ જાણે ભૂકંપનો ભીષણ આંચકો અનુભવ્યો. માત્ર ૩૬ વર્ષની યુવાન વયે ૧૯૬૫ ના ઓગસ્ટ મહીનાની વીસમી તારીખે આ અષાઢી કંઠના કસબીએ જગતને અલવિદા કરી. ગોકુળ અષ્ટમીનો એ દિવસ હતો. કુષ્ણની બંસરીનો એક સૂર જાણે પુન: તેના સ્થાને ગોઠવાઇ ગયો. લાઠીના રાજવી કવિ કલાપી કે હેમુ ગઢવી જીવતર તો ટૂંકુ જીવ્યા પરંતુ પોતાની કળાના સ્થાયી સ્મારકો ઊભા કરીને ગયા. કાળના કપરા પ્રવાહ સામે પણ તેમની સ્મૃતિ જીવંત તથા જાગૃત થઇને ઊભી છે. શાયર સાહિર લુધિયાનવીનો એક જાણીતો શેર આ સંદર્ભમાં યાદ આવે છે. 

અબ એક રાત અગર

કમ જિએ તો કમ હી સહી,

યેહી બહોત હૈ કી હમ

મશાલેં જલાકે જિયે.

આ વર્ષમાં હેમુભાઇની વિદાયને ૫૦ વર્ષ પૂરા થયા. ૫૦ મી પુણ્યતિથિને ધ્યાનમાં રાખીને અનેક સંસ્થાઓએ ૨૦૧૪ તથા ૨૦૧૫ ના વર્ષોમાં અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું. મોંઘામૂલા હેમુની સ્મૃતિને ગૌરવભેર તાજી કરીને સમાજે એક કલાકારની કળાનું સંગીતમય તર્પણ કર્યું. માત્ર છત્રીસ વર્ષનું આયખું લખાવીને આવેલા માનવીને તેની ચિરવિદાય પછી જનસમૂહ સ્વેચ્છાએ પચાસ પચાસ વર્ષ સુધી પ્રતિવર્ષ નિયમિત રીતે યાદ કરે તેનાથી મોટો લોકપ્રિયતાનો પુરાવો બીજો શું હોઇ શકે ? 

હેમુભાઇની સંગીતયાત્રા સાથે સાથે આકાશવાણી (હવે પ્રસાર ભારતી)નું પ્રદાન વિસરી શકાય તેવું નથી. આકાશવાણી રાજકોટે હેમુભાઇના સ્વરને પાંખો આપી છે. સામા પક્ષે હેમુની મીઠાશના અમૂલ્ય ખજાના જેવા લોકગીતો તથા રેડિયો રૂપક આકાશવાણીને મળ્યા છે. કવિ તુષાર શુકલ (પૂર્વ કેન્દ્ર નિયામક, આકાશવાણી) યથાર્થ લખે છે કે ઉપભોક્તાવાદની સામે જનસાધારણની ઉપયોગિતા સાથે ઊભી રહેનારી પ્રસારણ સંસ્થા આકાશવાણીના યોગદાનની ઉપેક્ષા કરવા જેવી નથી. આકાશવાણી રાજકોટ તથા હેમુ ગઢવીની યાત્રા સમજવા તથા પામવા માટે અનુભવી તથા મર્મજ્ઞ ભરતભાઇ યાજ્ઞિક (રાજકોટ)ની પ્રસારણયાત્રાનું વૃતાંત ઉપયોગી થઇ પડે તેવું છે. ‘‘ બહુજન હિતાય, બહુજન સુખાય ’’ ના મંત્ર સાથે લોકજીવનને ધબકતું રાખવા આકાશવાણીનું માધ્યમ તમામ કસોટીમાંથી પાર પડેલું છે. ‘‘મન કી બાત’’ રજૂ કરવા માટે દેશના પ્રધાનમંત્રી આ મજબૂત માધ્યમનો ઉપયોગ કરે છે તે તેની સર્વવ્યાપકતા અને લોકભોગ્યતા સૂચવે છે. આકાશવાણીના માધ્યમને વિશાળ વટવૃક્ષનું સૌંદર્ય પ્રદાન કરવામાં ગિજુભાઇ વ્યાસ, હરસુખ કિકાણી, વેલજીભાઇ ગજ્જર, અરવિંદ ધોળકીયા, દિના ગાંધર્વ, નાનજી મિસ્ત્રી, રામજીભાઇવાણીયા અને કવિ ઇન્દુલાલ ગાંધી તેમજ કાનજી ભુટ્ટા બારોટ જેવા અનેક ધન્યનામ સહેજે યાદ આવે છે. કવિ દુલા ભાયા કાગના કંઠેથી વહેતા થયેલા ગાતા સરવાણ જનજન સુધી આકાશવાણીના અસરકારક માધ્યમથી પહોંચ્યા છે. ધાંગધ્રાના શ્રી સૂર્યકાન્તભાઇ દવે એ કલાકારો – કસબીઓના એકબીજા તરફના સ્નેહની સુંદર વાતો લખી છે. સૂર્યકાન્તભાઇએ આકાશવાણીમાં લાંબા સમય સુધી કાર્ય કરેલું છે. હેમુભાઇ અકાળે તથા અતચિંતવ્યા ગયા ત્યારે ગિજુભાઇ વ્યાસ ભાવવિભોર થઇને એટલુંજ બોલી શક્યા કે ‘‘ હેમુ ! બહુ ઉતાવળ કરી ભાઇ ! ’’ સૂર્યકાન્તભાઇએ લખેલો આ નાનો પ્રસંગ એ બધા મોટા અને માયાળુ મનના માનવીઓની રુજુતાનો પરિચય કરાવે છે. મેઘાણીભાઇની રસધારની વાતો તથા મેઘાણીના સંપાદિત ગીતોને હેમુનો મધમીઠો કંઠ મળ્યો તે એક સુખદ યોગાનુયોગ છે. આપણાં સાંપ્રત કાળના લોકપ્રિય કવિ દાદે યથાર્થ લખ્યું છે.

મોંઘા મૂલી સૌરાષ્ટ્રની

રસધાર જે રચતો ગયો

ઇ કલમની વાચા બની

તું ગીતડા ગાતો ગયો

એ લોકઢાળો પરજના કોઇ

‘દાદ’ કંઠે ધારશે

તે વખત આ ગુજરાતને

યાદ હેમુ આવશે.

આકાશવાણી પરથી નિયમિત રીતે વહેલી સવારે પ્રસારીત થતા ભજનો – ભક્તિ સંગીતના કાર્યક્રમને સાંભળનારો એક મોટો વર્ગ છે. હેમુ ગઢવી, મુગટલાલ જોશી, કનુભાઇ બારોટ, નટવરગિરી ગોસ્વામી, પ્રાણલાલ વ્યાસ, મોહનલાલ રાયાણી તથા યશવંત ભટ્ટ જેવા દિગ્ગજ કલાકારોએ આ કાર્યક્રમમાં પ્રાણ રેડેલો છે. નાટક સહિત અનેક વિષયોમાં સૂઝ એ હેમુભાઇની વિશિષ્ટતા હતી. ‘‘ એ જાતે બહુ ભણેલો નહિ પરંતુ પાતાળકૂવા જેવી કોઠાસૂઝનો માણસ ’’ એવું હસમુખ રાવળનું વિધાન યથાર્થ છે. ભજનોના માધ્યમે કદાચ આ મર્મીઓને એક અનેરી આધ્યાત્મિક ઊંચાઇ પણ આપી હશે. જે ધન્યભાગી લોકોને રુદિયાના રુદનની પ્રતિતિ તથા અનુભૂતિ થાય તેમની વેદના જગતને તો શિતળતાજ પ્રદાન કરે છે.

રોઇ રોઇ કોને સંભળાવું

તોરાંદે ! આવા દુઃખ કોની આગળ ગાઉં

એમ જાડેજો કહે છે  એજી 

રુદિયો રુવે ને માંયલો ભીતર જલે.

અમે રે હતા તોળી રાણી

કડવી વેલે તુંબડા

જી…રે તોળાંદે  તમ થકી

મીઠા હોય… એમ જાડેજો કે છે…

ગુરુ પ્રતાપે તોળી રાણી જાડેજો બોલીયા

જીરે તોળાંદે તમે રે તર્યાને અમને તારો ….

રુદિયો રુવે ને માયલો ભીતર જલે.

દાસી જીવણ કે જેસલ – તોરલ જેવા પ્રતાપી સાધકોની રચનાઓમાં પોતીકું તેજ છે. આથી એ ટકશે જરૂર અને તેમાં કોઇ શંકા નથી. અલબત્ત, નવી પેઢી સુધી આ ખજાનો લઇ જવાની ખેવના રાખીએ તો સામાજિક સ્વસ્થતા મજબૂત કરવામાં આ સાહિત્ય ઉપયોગી થાય તેવું છે. આપણાં સૌ સામે આ એક પડકાર પણ છે. બાકી તો અષાઢી સાંજના અંબર ગાજશે ત્યાં સુધી હેમુ ગઢવીનો સુમધુર સ્વર ગૂંજતો -ગાજતો રહેશે તે નિર્વિવાદ છે. 

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑