ગાંધીજીએ માત્ર દેશને આઝાદી પ્રાપ્ત થાય તેને લક્ષ બનાવીને જ જીવનકાર્યો હાથ ધર્યા હોત તો પણ એ બાબતને વ્યાપક સ્વીકૃતિ મળી હોત. પરંતુ ગાંધીજીને માત્ર દેશ આઝાદ થાય તેમાં જ ઇતિશ્રી લાગતું ન હતું. સમગ્ર સમાજના સર્વતોમુખિ વિકાસનું આયોજન એ ગાંધીની અગ્રિમતા હતી. શ્રમ-સાદગી સાથે સ્વચ્છતાના કામો પર તેમની નજર હતી. શિક્ષણમાં પરિવર્તન હોય કે શોષિતોના કલ્યાણની વાત હોય તેમા પણ મહાત્માનું અમૂલ્ય યોગદાન હતું. છોટુભાઇ દેસાઇ (મહાદેવ દેસાઇના ભાઇ) કે ઠકકરબાપા જેવા સમર્થ લોકોનું જીવન વંચિતોની વેદના ઠારવામાં ખર્ચાયું હતું. નાનાભાઇ અને દર્શક જેવા ગાંધી વિચારધારાના ચાહકોએ આપણી ભૂમિને અનુરૂપ તેવું શિક્ષણ બાળવયથી જ તમામને મળી રહે તે માટે વ્યવસ્થા ઊભી કરવાનો નિષ્ઠાપૂર્ણ પ્રયાસ કર્યો હતો. ભાવનગર શિશુવિહાર સંસ્થાના સ્થાપક માનભાઇ ભટ્ટ પણ આ ગાંધી ઘરાનાના જ વીરલા હતા. મોટાભાગે માનવ માત્રને નામ કમાવાની તથા પોતાની નામના જીવંત રહે તેવી એષણા રહેતી હોય છે. માનભાઇ નોખી માટીના માનવી હતા. પોતાના મરણ બાદ દુનિયાના સામાન્ય રિવાજ પ્રમાણે દિવંગતના ફોટાને હારતોરા કરવામાં આવે છે તેની ના પાડીને માનભાઇ ગયા. કોઇ સ્મારકની વાત તો તેમની નજીક પણ કયાંથી ફરકી શકે ? પોતે જ લખીને ગયા કે તેમના મરણ બાદ સંસ્થાની કોઇ પણ પ્રવૃત્તિ બંધ ન રાખવી. પોતાના મૃત શરીરની ભસ્મ શિશુવિહારના પ્રાંગણમાં છાંટી દેવી કે જેથી અનેક ભૂલકાઓ તેની પર ખેલકૂદ કરી આનંદપ્રમોદ પ્રાપ્ત કરે. વિચારોની આ ઊંચાઇ જીવનભરની સાધના સિવાય પ્રાપ્ત થઇ શકે તેવી નથી.
દેશ હજુ તે સમયે આઝાદ થયો ન હતો. પરંતુ આઝાદીની ઉષા ગમે ત્યારે દર્શન દેશે તેવીશ્રધ્ધા અને વિશ્વાસ જનસમૂહમાં પ્રગટાવવાના અઘરા કામમાં ગાંધીજી સફળ થયા હતા. રાજાશાહીના યુગમાં કોઇ રાજવીનું વાહન સડક પર આગ્રહપૂર્વક ઊભું રખાવવા કોઇ પ્રજાજન પ્રયાસ કરે તે વાત ગળે ઉતરે તેવી નથી. પરંતુ અહીં જેનો સંદર્ભ છે તે નોખી માટીના માનવીની વાત છે. સામા પક્ષે શાસક પણ મોટા ગજાના હોવા છતાં અન્ય શાસકોથી નિરાળા છે. આથી જ પ્રસ્તુત ઘટનામાં ભાવનગરમાં માનભાઇ ભટ્ટે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની મોટરકાર રસ્તા વચ્ચે ઊભી રખાવવા પ્રયાસ કર્યો ત્યારે મહારાજાએ ગાડી રોકાવી. માનભાઇની નિર્ભયતામાં તથા મહારાજાની મોટાઇમાં શોભાના એક એક પિંછા આ ઘટનાથી ઉમેરાયા. પરંતુ એ તો પ્રાથમિક વાત. મુદ્દાની વાત તો આ કર્મઠ ભૂદેવ હવે માંડે છે. મહારાજા ગાડીમાંથી ઉતરીને ધ્યાનથી સાંભળે છે. મહારાજને એ વાતની પ્રતીતિ છે કે નાનાભાઇ ભટ્ટની જેમ આ ભૂદેવ પણ વ્યવહારું જગત જેને ‘‘માથા ફરેલો’’ કહે છે તે પ્રકારનો છે. માનભાઇએ કહયું મારે ફરિયાદ અત્યારે અને અહીં જ કરવી છે. મહારાજાએ સંમતિ આપી. પ્રજા તરફની વત્સલતાનું આ ઉજળું ઉદાહરણ છે. થોડા ડગલા સાથે ચાલ્યા એટલે તરત જ સમસ્યાની સ્પષ્ટતા થઇ કે એક ખાડાવાળી તથા પ્રમાણમાં મોટી જગામાં ગંદકી થઇ છે. જગા મોટી છે તેથી ગંદકી તથા દુર્ગંધનું પ્રમાણ પણ વિશેષ છે. માનભાઇ જો માત્ર એટલું જ કહેત કે રાજયે આ ગંદકીના નિકાલ માટેનો ઉપાય કરવો જોઇએ તો એ વાત સાચી હોવા છતાં તેમાં ભાવિ દિશાના કાર્ય તરફ નિર્દેશ થઇ શકયો ન હોત. ગંદકી તો દૂર થાય પરંતુ ત્યાં બાળ કલ્યાણની વિવિધ પ્રવૃત્તિઓ થાય તેવી માનભાઇની અસરકારક રજૂઆત હતી. આવી કોઇ સારી પ્રવૃત્તિ રાજયે કરવી તેવો કોઇ ઉકેલ માનભાઇએ નહોતો સૂચવ્યો. પ્રવૃત્તિઓ જનજાગૃત્તિથી સામૂહિક રીતે થાય તથા રાજય જમીન આપે તેવી માગણી માનભાઇની હતી. ગંદકીના સ્થળે બાળ કલ્યાણની સમાજને હંમેશા ઉપયોગી એવી પ્રવૃત્તિ થાય. આ માગણી તથા વિચાર નોંધપાત્ર છે. આજના સંદર્ભમાં પણ પ્રસ્તુત છે. મહારાજા કહે કે કંઇક કરી બતાવો. માનભાઇનો મકસદ એ જ હતો. માનભાઇને માત્ર વિરોધ માટે વિરોધમાં નહિ પરંતુ વ્યવસ્થા બદલવામાં રસ હતો.
સિર્ફ હંગામા કરના મેરા મકસદ નહિ
મેરી કોશિશ હૈ કિ દુનિયા બદલની ચાહિએ
ઉપરની ઘટનાના સંદર્ભમાં અને માગણીવાળી જગા ઉપર ૧૯૩૯ના વર્ષમાં બેસતા વર્ષના આનંદ-ઉલ્લાસના તેમજ દિપોત્સવના પર્વ ઉપર માનભાઇએ એક ચિરસ્થાયી દિપક પ્રગટાવીને સંસ્થાકીય કાર્યના શ્રીગણેશ કર્યા. ગાંધી યુગના આ વિચારશીલ તેમજ કર્મનિષ્ઠ સજજનો અને સન્નારીઓએ હાથ પર લીધેલા પાયાના કામોનું સ્વરૂપ તથા તેનું પરિણામ જોતા આદર અને અહોભાવની લાગણી થાય છે. તેમની પાસે સાઘનો ઓછા પણ હૈયામાં હામ અખૂટ હતી. કામમાં જાતને હોમવાની તેમની પધ્ધતિ હતી. ઊંચા કે અઘરા લક્ષાંકોની તેમને ચિંતા ન હતી. કવિ સુંદરજી બેટાઇના શબ્દો યાદ આવે છે.
બંદર છો દૂર છે
જાવું જરૂર છે.
બેલી તારો, બેલી તારો,
બેલી તારો તું જ છે.
માનભાઇ ભટ્ટનું જીવન તથા કાર્યો આજે પણ પ્રસ્તુત તથા પ્રેરણાના સ્ત્રોત સમાન છે. ભાવનગર જિલ્લાના તળાજામાં માનભાઇ (માનશંકર ભટ્ટ)નો જન્મ ૧૯૦૮ની ૨૮ મી ઓગષ્ટે થયેલો. માનભાઇની મધુર સ્મૃતિને તાજી કરવાનું આ મહિનામાં સૂઝે છે. ચંદનને પુનઃ પુનઃ ઘૂંટવાથી સુંગધ વૃધ્ધિ પામે તેવું માનભાઇનું ચરિત્ર છે. સદૃભાગ્યે સુશ્રી મીરાંબહેન ભટ્ટ તથા ગંભીરસિંહજી ગોહિલના કાળજીપૂર્વકના લખાણોથી માનભાઇ તથા ભાવનગર રાજયની પ્રવૃત્તિઓ બાબતમાં સમાજને ઉપયોગી થાય અને પ્રેરણા મળે તેવી માહિતી મળે છે. શિશુવિહાર ભાવનગરનું વિશાળ વટવૃક્ષએ માનભાઇની આકરી તપશ્ચર્યાનું ઉજળું તથા સ્થાયી પરિણામ છે. તમામ બાળકોને ખીલવાનો તેમજ ખૂલવાની જગા મળે અને બાળપણના કિલકિલાટની માવજત થાય તે સામાન્ય સિધ્ધિ નથી. માનભાઇ કહેતા કે ઘરમાં વડીલો જયારે બાળકો રમતા હોય કે ધીંગામસ્તી કરતા હોય ત્યારે રોકે. ઘરો નાના અને સાંકડા થતા જાય છે. શેરીમાં બાળકો રમે તો નાના મોટા વાહનવાળાઓ બાળકોને ઘમકાવીને રમતા અટકાવે. શાળાઓમાં બાળકોની રમવાની જરૂરિયાત તથા તેમના શારીરિક વિકાસ તરફ દુર્લક્ષ સેવવામાં આવે. માનભાઇ આ અકળાવનારી સ્થિતિનું વર્ણન કરે છે. આજે તો આ સ્થિતિ વિશેષ ગંભીર બની છે. શાળાઓના રમતના મેદાન ઓછા થયા છે અને હજુ પણ ઓછા થતા જાય છે. બાળકોને ખુલ્લામાં રમવાનો વિકલ્પ નહિ રહેવાથી ઘરમાં પૂરાયેલા બાળકો પાસે ટેલીવીઝન સેટ સામે ગોઠવાઇ જવાનો રસ્તો ખુલ્લો થયો છે. સરળતાથી ઉપલબ્ધ પણ થયો છે. આ સ્થિતિમાં બાળકોના શારિરીક તેમજ માનસિક વિકાસની સામે આવેલા પ્રશ્નો આજે ભારત નહિ પરંતુ સમગ્ર વિશ્વને પજવતા થયા છે. ગિજુભાઇ બધેકા કે માનભાઇએ સૂચવેલા બાળ વિકાસના પ્રયાસો આપણી સ્થાનિક સ્થિતિને અનુરૂપ હતા. ખર્ચાળ ન હતા તેથી સૌને પરવડે તેવા હતા. બાળ શિક્ષણ તથા બાળ વિકાસના કાર્યોમાં પ્રયાસો તો અનેક થાય છે. નાણાં પણ ખર્ચવામાં આવે છે. પરંતુ સ્થિતિ સંતોષકારક નથી.
નાનાભાઇ-માનભાઇ જેવા લોકોએ સામાજિક કુરિવાજો કે બિનજરૂરી પ્રથાઓ હતી તે બદલવા પ્રયાસ કર્યો. આ હેતુ પાર પાડવા તેમણે ન ભાષણો કર્યા કે ન ઉપદેશ આપ્યા. તેઓએ સામાજને આવા કાર્યનો સંદેશ પોતાના આચરણના માધ્યમથી આપ્યો. માનભાઇએ પિતા ગુજરી ગયા બાદ એ કાળમાં સમાજને સ્પષ્ટ જણાવી દીધું કે પિતાના અવસાન નિમિત્તે કોઇ વ્યવહારિક કે ધાર્મિક ક્રિયા વિધિ કરવાના નથી. પિતાએ કારજ માટે રાખેલી રકમમાંથી ‘‘સાદું અને સરળ વૈદક’’ નામના પુસ્તકની બે હજાર નકલો છપાવી તેનું વિતરણ કર્યું. જીવન જીવવા અંગેનો તેમનો અભિગમ જ જાણે જૂદો હતો. બંધનોમાં બાંધી શકાય તેવા માનભાઇ ન હતા. એક અંજલિ સમાન જીવન તેઓ જીવી ગયા અને તેની સૌરભ મૂકતા ગયા. તેમનું જીવન યક્ષની આહૂતિ સમાન હતું. વમળોની વચ્ચે એ સ્થિર રહેનારા હતા. કવિ કરસનદાસ માણેકના શબ્દો યાદ આવે.
જીવન અંજલિ થાજો
મારું જીવન અંજલિ થાજો !
ભૂખ્યા કાજે ભોજન બનજો
તરસ્યાનું જળ થાજો
દીન-દુખિયાના આંસુ લોતા
અંતર કદી ન ધરાજો….મારું…
સતની કાંટાળી કેડી પર
પુષ્પ બની પથરાજો
ઝેર જગતના જીરવી જીરવી
અમૃત ઉરના પાજો ! મારું….
વણથાકયા ચરણો મારાં
નિત તારી સમિપે ધાજો
હૈયાના પ્રત્યેક સ્પંદને
તારું નામ રટાજો….મારું…
વમળોની વચ્ચે નૈયા મુજ
હાલકલોલક થાજો
શ્રધ્ધા કેરો દીપક મારો
ના કદીયે ઓલવાજો….
મારું જીવન અંજલિ થાજો !
૨૦૦૨ના વર્ષના જાન્યુઆરી માસમાં માનભાઇ મોટા ગામતરે ગયા ત્યારે માનભાઇ નામના દેહધારીની સ્મૃતિ જાળવવા કોઇ પણ પ્રકારનું સ્મારક કરવાની ના લખીને ગયા. સહજ અને સરળતાથી જગતની વિદાય લીધી- વૃક્ષ પરથી પાંદડું ખરે તેવી સહજતાથી જીવનલીલા સંકેલી. માનભાઇનું રેટી-ઇંટ તથા ચૂનાનું સ્મારક ન હોય તો પણ તેમની કાર્યકીર્તિનો કળશ તો સદા-સર્વદા ઝળહળતો રહેશે.
નામ રહંતા ઠકકરા, નાણાં નવ રહંત,
કીર્તિ કેરા કોટડા, પાડયા નવ પડંત.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment