ઓગસ્ટ માસમાં જેમની જન્મજયંતિ આવે છે તેવા વિચક્ષણ વહીવટકર્તા તેમજ સમર્થ ઇતિહાસકાર શ્રી શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઇની સ્મૃતિ સવિશેષ થાય તે સ્વાભાવિક છે. કુશળ વહીવટદાર તેમજ બહુશ્રુત વિદ્વાન શંભુભાઇએ સરકારી સેવામાં રહીને સંશોધનના પણ અનેક ક્ષેત્રોમાં યોગદાન આપ્યું. જૂનાગઢ રાજ્યની સેવાથી શરૂ કરી ભારતીય વહીવટી સેવા (આઇ.એ.એસ.) સુધીની તેમની કારકિર્દી ભાવી વહીવટકર્તાઓ માટે માર્ગદર્શક બને તેવી છે. એક વહીવટી અધિકારી ઉપરાંત ઇતિહાસના કર્મજ્ઞ તેમજ વિશિષ્ટ કાવ્યશક્તિ પણ ધરાવતા હોય તેવા જૂજ દાખલાઓ હશે. કવિ શ્રી દુલા ભાયા કાગના શંભુભાઇ મિત્ર હતા. ઉપરાંત કવિ શ્રી કાગ તથા લીંબડી રાજ્યકવિ શંકરદાનજી દેથા દેસાઇ સાહેબની કવિત્વ શક્તિની મૂકતકંઠે પ્રશંસા કરતા હતા. ઇતિહાસના ઊંડા અભ્યાસુ દેસાઇ સાહેબે સૌરાષ્ટ્ર ઇતિહાસ સંશોધન સભાની સ્થાપના ૧૯૭૪ માં કરી હતી. સુવિખ્યાત પંડિત કે. કા. શાસ્ત્રી શંભુભાઇને સર્વસંગ્રહ જેવો સૌરાષ્ટ્રનો ઇતિહાસ લખવા માટે અંતરથી બીરદાવે છે. શંભુભાઇની ઇતિહાસ દ્દષ્ટિની મુકતમને પ્રશંસા કરતા સુવિખ્યાત સાક્ષર ડોલરભાઇ માંકડ લખે છે કે શંભુપ્રસાદભાઇની નજર માત્ર ઇતિહાસના વિવિધ સંગ્રામો ઉપર કે હારજીતના કિસ્સાઓ સુધી મર્યાદિત રહી નથી. શંભુભાઇએ તો ઇતિહાસના જે તે કાળના સાહિત્ય, સમાજ, શિલ્પ તેમજ કળાઓ બાબતમાં પણ ઐતિહાસિક જાણકારીનો ધોધ વહાવ્યો છે. છત્રાવાના કવિ શ્રી પિંગળશીભાઇ લીલા તેમની અનોખી શૈલીમાં શંભુભાઇને બિરદાવે છે.
ડગ્યા નથી ડગશે નહિ
મેરૂ તણાં મુકામ
રહેશે કાયમ હરદયમાં
શંભુ તણાં સન્માન.
દેસાઇ સાહેબની વહીવટી સૂઝ તથા પ્રજાલક્ષી અભિગમની અનેક વાતો પુનઃ વાગોળવી ગમે તેવી છે.
આ વાત જૂનાગઢના દેશ આઝાદ થયો તે પહેલાના નવાબી શાસન હેઠળના સમયની છે. આ રાજયમાં જમીન મહેસૂલની વસૂલાત અંગે કોઇ ઢીલ દાખવવામાં આવતી ન હતી. ખેડૂત વિઘોટી (મહેસૂલ) ન ભરેતો ખેડૂતના જમીન-મકાન જેવી માલિકીની મિલકત રાજય જપ્ત કરે. આવી ઘટનાઓ બન્યા કરતી હતી. રાજયના મહેસૂલી અધિકારીઓ તેમના કડક વલણ માટે જાણીતા હતા. એક મહેસૂલી અધિકારી આ બાબતમાં અપવાદરૂપ હતા. તેમનું નામ શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઇ. રાજયનો નિયમ પણ જળવાય તેમજ ખેડૂતની જમીન પણ સલામત રહે તેવી તજવીજમાં આ અધિકારી હંમેશા સક્રિય રહેતા હતા. દેસાઇ સાહેબ ઉના(જૂનાગઢ-સોરઠ)માં ફરજ બજાવે. ઉના વિસ્તારના ફાટસર ગામના એક ખેડૂતની જમીન રૂા.૪૦/- માટે જપ્ત થવાની તૈયારીમાં હતી. દેસાઇ સાહેબ એવું કેમ થવા દે ? ખેડૂતની જમીન ખૂબ કિંમતી તથા સિંચાઇની સવલતવાળી તથા ફળદ્રુપ હતી. ખેડૂતને રાજયની વસૂલાતના નાણાં ભરવા સમય આપ્યો પરંતુ તે વ્યવસ્થા કરી શકયો નહિ. નિરાશ તથા અસહ્ય બનીને તે રાજયની જપ્તીના ભયથી ધ્રુજી ગયો. દેસાઇ સાહેબ મનોમન વિચારતા હતા કે ખેડૂતની જમીન બચાવવી શી રીતે ? એવામાં દેસાઇ સાહેબને મળવા બે હરિભકતો તેમની સંસ્થા માટે જમીન ગ્રાન્ટ કરાવવાની વિનંતી લઇને આવ્યા. દેસાઇ સાહેબે સમજાવટ તથા કુનેહથી પેલા વ્યથિત ખેડૂતના વતી ૪૦ રૂપિયા તેમને મળવા આવેલા હરિભકતો પાસે ભરાવી દીધા. ગરીબ ખેડૂતની જમીન બચી ગઇ ખેડૂતને આ યુવાન તથા ઉમદા અમલદારમાં ઇશ્વરના દર્શન થયા. દેસાઇ સાહેબને આ કાર્ય કર્યાનો લેશ માત્ર ગર્વ નહિ. ખેડૂતપુત્રને તેની માતા સમાન ભૂમિથીજુદા થતા અટકાવી શકાયો તેની પ્રસન્નતા સાહેબના વદન પર સૌ કોઇ જોઇ શકતા હતા. શાસનના ભાગ હોવા છતાં પ્રજાના સુખદુખમાં ભાગીદાર થવાની તત્પરતાનો સર પ્રભાશંકર પટ્ટણીનો ભાવનગરી વારસો જાણે દેસાઇ સાહેબ જૂનાગઢમાં જીવતો જાગતો રાખીને બેઠા હતા.
જનમન અંદર પેસી શકીને
દુઃખમાં ભાગિયો થાઉં
બની શકે તો શાંતિ કરું
નહિ તો અશ્રુએ એના નહાઉ,
બતાવો ઉપાય કો એવો
દુખે બનું ભાગિયો એવો.
છઠ્ઠી ઓગસ્ટ, ૧૯૦૮ના રોજ ઘૂઘવતા સાગરના સાંનિધ્યમાં જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામે જન્મેલા શંભુપ્રસાદ સાગરપેટા થઇને જીવ્યા. માતાપિતાના સંસ્કાર તો ઉજાળ્યાં પરંતુ રાજયની સેવામાં ફરજ બજાવતા અનેક અધિકારીઓ માટે નવા માપદંડો સ્થાપીને ગયાં. કર્મક્રતા, સ્પષ્ટ વકતાપણું તથા પ્રામાણિકતા તેમના ઘટનાઓથી ભરપૂર જીવનના દરેક તબકકે સ્પષ્ટ રીતે જોવા મળે છે. એક પ્રસંગે ગિરના ઘુંસીયા નામના ગામમાં શિયાળાની તીવ્ર ઠંડીમાં એક ઓરડીમાં સાહેબ આરામ કરતા હતા. સાથે રહેલા એક સિપાહીએ ભૂલથી ઓરડીનું બારણું ખુલ્લું રાખ્યું. ઠંડીથી પરેશાન એક ડાલામથ્થો વનરાજ ઓરડીમાં ઠંડીથી રક્ષણ મેળવવા ધૂસી ગયો. ગિરના એ વિસ્તારમાં ઇલેકટ્રીક લાઇટની તો એ સમયે કલ્પના જ ન થઇ શકે. પરંતુ ફાનસ પણ નહિ. સિપાહીનું ધ્યાન ગયું. ગભરાઇને સાહેબને જગાડયા. સ્વસ્થતાથી મૂર્તિ જેવા શંભુપ્રસાદ ઓરડીની બહાર નીકળ્યાં. પછી આ ઘટનાને યાદ કરીને હંમેશા રમૂજમાં કહેતા કે હું તો સિંહ સાથે એક ઓરડામાં રાત રહયો છું ! વનરાજ સમાન સાહસવૃત્તિ કયાં મફતમાં મળે છે ? ભૂજ-કચ્છના શ્રી કંચનપ્રસાદ કેશવલાલ છાયાએ સંપાદિત કરેલી આવી અનેક દિલધડક વાતો દેસાઇ સાહેબના ઉજળા વ્યકિતત્વને ઉજાગર કરે છે. દેસાઇ સાહેબના પુત્ર એડવોકેટ શ્રી હરીશભાઇ દેસાઇ આજે પણ વિવેક તથા સૌજન્યની ભાષામાં પોતાના આભ ઉંચેરા પિતા તથા દાદાની સ્મૃતિઓ વાગોળે છે. માત્ર છવ્વીસ વર્ષની વયે જૂનાગઢ રાજયની સેવામાં જોડાયેલા શંભુપ્રસાદ કારર્કિદીના અંત સુધી એક જ સરખા અસરકારક તથા અનોખા રહયાં.
૧૯૪૦થી ૧૯૫૦ નો દસકો હિન્દુસ્તાનના ઇતિહાસમાં અનોખો તથા યાદગાર સમયગાળો રહયો. રાજકીય ક્ષિતિજે ગાંધીજી છવાયા અને દેશને સ્વાધીનતા મળી. જૂનાગઢના નસીબમાં બાકીના સમગ્ર દેશની સાથે આઝાદ થવાનું લખાયું ન હતું. જૂનાગઢના નવાબ તથા તેમના દિવાન શાહનવાઝ ભુટ્ટોના અવાસ્તવિક તથા અવ્યવહારુ વલણના કારણે જૂનાગઢના મુકિત સંગ્રામનો એક જૂદો તથા ભાતીગળ ઇતિહાસ રચાયો. ઓગસ્ટ-૧૯૪૭માં દેશ આઝાદ થયો પછી જૂનાગઢમાં રહેવું કે હેમખેમ જૂનાગઢ છોડવું મુશ્કેલ બન્યું. લોકોની જૂનાગઢમાંથી હિજરતના કારણે નવા પ્રશ્નો ઊભા થયા. ભય તથા અસલામતીની લાગણી જનસમૂહના મનમાં હતી.પોતાના કુંટુંબને અસલામતીના કારણોસર અમદાવાદ મૂકવા જનાર શંભુભાઇને રાજયના કર્મચારીએ રોકયા. પોતાના જ તાબા હેઠળ ગઇ કાલ સુધી કામ કરતા એક કર્મચારીનો આ અવિવેક શંભુભાઇને કયાંથી રોકી શકે! શંભુભાઇનું રૌદ્ર સ્વરૂપ જોઇને રાજયનો કર્મચારી શાંત થયો. અસલામતી તથા ઉદ્વેગના આવા વાતાવરણમાં પણ દેસાઇ સાહેબ સ્વસ્થ રહયા તથા અનેક લોકોને સ્વસ્થ રહેવાની પ્રેરણા આપી. સોરઠની ઐતિહાસિક લડત તથા તેના નવનિર્માણના આ કપરા કાળમાં શંભુભાઇનું ઐતિહાસિક યોગદાન રહયું.
વિધિએ તેમના ભાગ્યમાં સરકારી સેવા લખી હતી. આથી તેમની વ્યકિતગત પ્રબળ અનિચ્છા હોવા છતાં સરકારી સેવામાં જોડાયાં. પરંતુ તેમાં તેમણે પોતાના વ્યકિતત્વ તથા કાર્યોથી એક જુદી ભાત પાડી. સરકારી સેવામાં દાખલ થયા પછી વહીવટની સ્થિતિ જોઇને તેમના કવિ હૃદયે શબ્દોમાં અંતરની વેદના વ્યકત કરી.
હાય રંકજનોની રૂધિર ભરી
એના અંતર ઉંડાણોમાં આથડતી
કાળી ચીસ દુખ્યા ભૂખ્યા દરિદ્રોની
ભીતરમાં એના ભાટકતી
જેના અંતરમાં અભીમાન ભર્યાં
ગળે ગર્વ તણાં મુખ શ્વાસ ફૂંકયાં
જેને માયા નથી મન માનવની
એવા હૈયા વિહોણાંને શીષ ઝૂકયાં,
અમલદારોની નીતિ રીતિ તથા પરાધીન પ્રજાની દારૂણ સ્થિતિ જોઇને તેઓએ સરકારી નોકરી છોડવાનો વિચાર કર્યો. પરંતુ એક સ્નેહી શિક્ષકની સલાહ હતી કે વહીવટમાં રહીને લોકસમૂહની સેવા વિશેષ થઇ શકશે. આ વાત તેમના ગળે ઉતરી. નૂતન સંકલ્પ તેમજ અગાધ વિશ્વાસ સાથે સરકારી નોકરીના પડકારને સ્વીકાર્યો.
ઝેરી જીવનના ઘૂંટડાં
ભરતો જજે જીતવા !
દાવ ફેંકમાં છે તે
પૂરા કરતો જજે જીતવા !
આજ તું ગભરાઇને
અકળાય કાં જીતવા !
શિર પડયુ તે લે સ્વીકારી
અચકાય કાં જીતવા !
જો તે ઝુકાવ્યું જંગમાં
ગભરાય કાં જીતવા !
મર્દ બની લડજે સમર
કોઇ કહી જાય શું જીતવા !
જૂનાગઢ નવાબની, સૌરાષ્ટ્ર રાજયની તથા દ્વિભાષી મુંબઇ રાજ્ય અને ગુજરાત સરકારની સેવા તેમણે જન સાધારણ તરફના સ્નેહ થકી દીપાવી જાણી. સ્વમાનના ભોગે કોઇ કામ કર્યુ નહિ. કવિઓના માનીતા આ વહીવટદાર વહીવટની એક નવી મીસાલ કાયમ કરતા ગયા. ઇતિહાસનું હેતુલક્ષી આલેખન પણ તેમની ઉજળી કારર્કિદીના એક મહત્વના ભાગ સમાન બની રહયું. ગુજરાત રાજયના જાહેર વહીવટના ક્ષેત્રમાં દેસાઇ સાહેબનું યોગદાન ચિરકાળ સુધી માર્ગદર્શક બની શકે તેવું છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
.
Leave a comment