દરેક સ્થળને પોતાનો ઇતિહાસ હોય છે. જેમ કુદરતે તેના દરેક સર્જન નિરાળા તથા એકમેકથી ભિન્ન કરેલા છે તેમજ દરેક સ્થળ સાથે સંકળાયેલા પ્રસંગો પણ નોખા તથા અનોખા હોય છે. સ્થળોના ઇતિહાસની જાળવણી કરવામાં આપણે એક સમાજ તરીકે સક્રિય કે જાગૃત નથી. યુરોપના નાના નાના દેશોમાં પણ જેમ સ્થળો તેમજ તેની સાથે સંકળાયેલા પ્રસંગોની કડીબધ્ધ વિગતો મોટા ભાગના કિસ્સાઓમાં મળી રહે છે તેવી સ્થિતિ આપણી નથી. કડીબધ્ધ ઇતિહાસની જાળવણી ન થઇ હોવાના કારણે ઘણાં મહત્વના સ્થાનો તથા પ્રસંગો વિસ્મૃતિમાં સરી ગયા છે અથવા તે બાબતમાં અનેક ક્વિદંતીઓ જોડી દેવામાં આવી છે. દર્શક આપણાં એક સુવિખ્યાત ઇતિહાસકાર પણ છે તે સુવિદિત છે. દર્શક એવા મતના હતા કે ભૂતકાળની વાતોનું આલેખન કરતી વખતે તે વિગતો સાથે જોડાયેલા તથ્યો કે હકીકતોની અવગણના થવી જોઇએ નહિ. આથી દર્શક દાદાએ ઐતિહાસિક બાબતોનું નિરૂપણ કરતા તે સંબંધેના તથ્યોનું પણ એટલુંજ જતન પોતાના નિરૂપણમાં કરેલું છે. બ્રિટીશ શાસન કાળમાં કેટલાક અંગ્રેજ અમલદારોએ પણ આપણાં દેશમાં રહીને આપણી સંસ્કૃતિને સમજવાનો પ્રયાસ કરેલો છે. આવા અધિકારીઓએ કેટલાક પુસ્તકો પણ લખ્યા છે. આવા પુસ્તકોને કારણે તત્કાલિન સમયનો ઇતિહાસ જળવાયો છે. આવું એક ઉજળું નામ એલેકઝાંડર કિન્લોક ફોર્બ્સનું છે. આપણે તેમને ફાર્બસ સાહેબના નામથી સારી રીતે ઓળખીએ છીએ. ફાર્બસ સાહેબની કળાપ્રિય દ્રષ્ટિમાં ગુજરાતના અનેક સુંદર સ્થળો આવ્યા. તેઓ આ સ્થળો તેમજ તેની સાથે જોડાયેલા ઇતિહાસથી પ્રભાવિત થયા. તેમને આ બધા સ્થળો તથા ભૂતકાળની અનેક ઘટનાઓનું આલેખન કરવાની ઇચ્છા થઇ. ભાષાની સરળતા રહે તે માટે તેમજ સાહિત્યનું નિરક્ષિર તારવીને તેમને સમજાવી શકે તે માટે કોઇ માર્ગદર્શકની જરૂર હતી. ઝાલાવાડના પનોતા પુત્ર કવિ દલપતરામનું નામ કોઇએ તેમને સૂચવ્યું. કવિ દલપતરામને વઢવાણથી આદર સહ નિમંત્રણ આપીને બોલાવવામાં આવ્યા. દલપત – ફાર્બસની મૈત્રીને કારણે રાસમાળાની રચનાનું ઐતિહાસિક કાર્ય થયું. રાસમાળા થકી મૂલ્યવાન ઐતિહાસિક સામગ્રી પ્રાપ્ત થઇ તે માટે આપણે ફાર્બસ સાહેબ તથા કવિ દલપતરામના ઋણી છીએ. આજ રીતે કચ્છના મદદનીશ કલેકટર કેપ્ટન જેમ્સ મેકમર્ડોએ અનેક પાળીયા તેમજ ખાંભીઓનો વિસ્તૃત અભ્યાસ કરીને કેટલીક મૂલ્યવાન નોંધો કરેલી છે. કેપ્ટન જેમ્સ મેકમર્ડોએ અંજારની નાયબ કલેકટર કચેરીમાં કરાવેલા કેટલાક મૂલ્યવાન ચિત્રો લાંબા સમય સુધી લોકોએ જોયેલા છે. આ યુવાન અધિકારીનું અકાળે કચ્છમાંજ અવસાન થયું. ડૉ. મગનભાઇ ગોંડલિયા કહે છે તેમ ખાંભી – પાળીયા તેમજ તેને સંબંધિત વિગતોનું સંકલન એક અમૂલ્ય બાબત છે તેમજ ઇતિહાસની ખૂટતી કડીઓ તે મેળવી આપે છે. ૧૯૭૫ માં ઊર્મિ નવરચના એ ખાંભી-પાળીયા વિશેષાંક કરેલો અને શ્રી જયમલ્લભાઇ પરમારના આ પ્રયાસને વ્યાપક આવકાર મળેલો હતો. કિનકેઇડ જેવા અંગ્રેજ અમલદારે પણ સૌરાષ્ટ્રના બહારવટીયાઓની કથાઓ પોતાની શૈલિ તથા દ્રષ્ટિ મુજબ લખી હતી. આપણી આ ભૂમિ તથા તેના પાત્રો અને પ્રસંગોથી અનેક લોકોને આથીજ આકર્ષણ થયેલું છે. કવિ નાનાલાલે આપણાં પ્રદેશના આ ભાતીગળ સૌંદર્યને સુંદર શબ્દદેહ આપેલો છે.
જ્યાં સિંહણ નિજ સંતાન ધવરાવે જાળે,
જ્યાં સાગર ઉછળે મીરમોતીની પાળે
જ્યાં પ્રેમભક્તિના ગાન ભક્તજને ગાયાં
જ્યાં સ્થળ સ્થળમાં ઇતિહાસ શુરાના સોહાયા.
જે રીતે સમગ્ર પ્રદેશના ઇતિહાસની એક શોભા હોય છે તેજ પ્રકારે દરેક ગામ કે નગરના ઇતિહાસની પણ એક અનેરી શોભા હોય છે. દરેક સ્થળનું સોંદર્ય તથા તેના અસ્તિત્વને વણી લેતી અનેરી વાતો હોય છે. દરેક ગામના નામ પાછળ પણ એક ઇતિહાસ પડેલો હોય છે. શ્રી સૂર્યકાન્તભાઇએ ધાંગધ્રાના અનેક ધર્મધામોની કાળજીપૂર્વક એકઠી કરેલી વિગતોના દીવડાઓ પ્રગટાવીને એક સુંદર તથા રસિક દસ્તાવેજનું નજરાણું સમાજ સમક્ષ રજૂ કરેલું છે. પ્રસિધ્ધ મંદિરોના ઇતિહાસ તો સામાન્ય રીતે લખાય છે પરંતુ નગરના નાના પરંતુ ઐતિહાસિક અને સામાજિક મહત્વ ધરાવતા ધામોનો પરિચય તો કોઇ વિરલ માનવીજ કરાવી શકે. આવા કામ માટે જે ધગશ તથા અભ્યાસ કરવાની વૃત્તિ જોઇએ તે આજકાલ સાર્વત્રિક રીતે જોવા મળતા નથી. સૂર્યકાન્તભાઇએ આ ધામોના ઝાંખા પડેલા પ્રકાશને દીવેટ સંકોરીને વિશેષ ઝળહળતો કરેલો છે. એ વાતનું સાનંદ આશ્ચર્ય થાય કે ધાંગધ્રામાં પણ અગિયારી ઓજસ તથા પવિત્રતા જાળવીને ઉભી છે ! વર્તમાનમાંતો પારસીનો માત્ર એક પરિવાર છે પણ ભૂતકાળની કેટલીયે મધુર સ્મૃતિઓ આ દેવસ્થાન સાથે જોડાયેલી છે ! દરિયાલાલ પણ તેમનું આસન જમાવીને ધાંગધ્રામાં બેઠેલા છે. જૈન મંદિરોનો તો દબદબો જૂદોજ છે. આમ પણ ઝાલાવાડના જૈન અગ્રણિઓએ રાજ્યમાંજ નહિ પરંતુ દેશમાં પણ પોતાનો પ્રભાવ પાથરેલો છે. હનુમાનજીની હાજરી ન હોય એવું તો કોઇ ગામ મળવું મુશ્કેલ છે. કવિ શ્રી દુલા ભાયા કાગે લખ્યું છે.
જમદઢ જાંબુવાન, નળ અંગદ સુગ્રિવ ના રહ્યા,
(પણ) હજુ લગી હનુમાન, કાયમ બેઠો કાગડા.
ઐતિહાસિક નગર ધાંગધ્રામાં મુસ્લિમ તથા ગૈર મુસ્લિમ શ્રધ્ધાળુઓની શ્રધ્ધા સાચવીને સૈયદ પીર મહમ્મદ મુસા પોતાનું સ્થાન શોભાવી રહેલા છે. લોબાનની પવિત્ર સુગંધથી માનવ માનવ વચ્ચેના લાગણીના સંબંધોને ઉષ્મા તથા બળ આપી રહેલા છે. ભગવાન સ્વામીનારાયણની હાજરી ધાર્મિક ક્રિયાઓ – પ્રસંગોની મૌલિક્તા તથા ભવ્યતાને ઉજાગર કરે છે.
લગભગ પોણા ત્રણસો વર્ષની યાત્રા આ કર્મથી યુવાન ભૂદેવ થકી આપણે કરી શક્યા છીએ. કોઇ સ્થાનિક સંસ્થા કે રાજ્ય સરકાર કરે તેવું કાર્ય સૂર્યકાન્તભાઇએ વ્યક્તિગત રીતે કરેલું છે તે એક નોંધપાત્ર ઘટના છે. આશરે દોઢસો વર્ષ પહેલા વીર નર્મદે નર્મકોશનું મુશ્કેલ કામ હાથ પર લઇને અનેક અગવડો વચ્ચે એક ગુજરાતી ભાષાનો કોશ તૈયાર કર્યો હતો. નર્મદે આ કામ એકલા હાથે કર્યું હતું. સૂર્યકાન્તભાઇનું આ વિસ્તૃત તથા ખંતપૂર્વક કરવામાં આવેલું કાર્ય પણ સાંપ્રત સમયનું એક વીરકર્મ છે. જગતના ઇતિહાસની ઝાંખી પોતાના અભ્યાસક્રમ થકી મેળવતા આપણા શાળાએ જતા બાળકો અને કિશોરો ઘર આંગણાંના તીર્થો સુધી પહોંચે તે આવશ્યક તેમજ ઇચ્છનિય છે. આવા કોઇ પ્રયાસો થતા હોય કે થાય તો સૂર્યકાન્તભાઇનો આ સંગ્રહ આવા કામને અસરકારક તથા વિશેષ હેતુપૂર્ણ બનાવશે. આપણે આપણાંજ સમૃધ્ધ વારસા તરફ ઉપેક્ષા કે દુર્લક્ષનો ભાવ સેવતા રહીશું તો પોતાની ઐતિહાસિક ‘‘ વિનિપાત ’’ વાતમાં ધૂમકેતુએ લખેલું વેદનાભર્યું વાક્ય આપણા સાંપ્રત સમાજને પણ લાગુ પડી શકે તેવું છે. ધૂમકેતુ લખે છે : ‘‘ પડે છે ત્યારે સઘળું પડે છે. ’’ ભૂતકાળની સારી બાબતો – પ્રથાઓને બચાવવા માટેના સામુહિક પ્રયાસ એ સમયની માગ છે.
સૂર્યકાન્તભાઇ દવેના આ પરિશ્રમયુક્ત પ્રયાસને સમાજ તરફથી ઉજળો હોંકારો મળશે તેમાં કોઇ શંકાનું કારણ નથી. સૂર્યકાન્તભાઇ તરફથી ભવિષ્યમાં પણ આવા મહત્વના વિવિધ વિષયો ઉપરના લખાણો – સંશોધનો મળતા રહે તેવી આશા આ તકે રાખવી તે ઉચિત ગણાશે. દવે સાહેબને શુભેચ્છાઓ તથા આ રળિયામણા અને સચિત્ર આલેખન માટે અંતરના અભિનંદન.
સ્વાતંત્રય દિવસ- ૨૦૧૫
વી. એસ. ગઢવી
કમિશનર, માહિતી આયોગ,
ગુજરાત રાજ્ય,
ગાંધીનગર.
Leave a comment