: ક્ષણના ચણીબોર : હેમુ ચંદન લાકડું : સળગીને દીયે સુવાસ :

વીસમી ઓગસ્ટ, ૨૦૧૫ના દિવસે અષાઢી કંઠના લોકગાયક હેમુ ગઢવીની વિદાયને અડધી સદી પૂરી થશે. કલાધરોના દેહ તો કાળની સ્વાભાવિક ગતિ પ્રમાણે મહાપ્રમાણ કરે છે પરંતુ તેમની કળા તથા કૌશલ્યની સ્મૃતિ લોકસમૂહમાં યુગો સુધી ધરબાયેલી રહે છે. માત્ર છત્રીસ વર્ષની ઉમ્મરે આ મીઠા અને ઘેઘૂર કંઠનો કસબી ગયો તેનો આંચકો સહન કરવો તે સાહિત્યના પ્રેમીઓને કપરો હતો. ૩૬ વર્ષના કળાધરની પ૦મી પુણ્યતિથિ આટલી વ્યાપક રીતે ઉજવાય તે જવલ્લેજ બને તેવો પ્રસંગ છે. લોકસાહિતત્યના અનેક કલાકારો પોતાની વ્યસ્તતાને અવગણીને પચાસ પચાસ પુણ્યતિથિના કાર્યક્રમો પોતાની સાહિત્ય સરવાણી થકી ઉજળા કરે તે પણ સાહિતત્ય જગતની એક અનેરી ઘટના છે. રામભાઇ કાગે હેમુભાઇની અનોખી હલક માટે લખ્યું છે.

હેતથી કરીને હલક

દુહાનો બાંધે દોર

માનવગળામાં મોર

હોંકારો જોને હેમવા.

હેમુ ગઢવીની માનવીય સંવેદનશીલતા પણ તેમના મધૂરા કંઠ ઉપરાંત  લોકભોગ્યતાનું એક કારણ હોઇ શકે છે. આ બાબતનો રુદ્રદત્ત રાણાએ લખેલો એક પ્રસંગ ફરી ફરી માણવો ગમે તેવો છે. એક જૈફ તથા સાધારણ સ્થિતિના દેખાતા મહિલા આકાશવાણી રાજકોટના ઉંબરે આવીને ઊભા છે. માજી પૂછપરછ કરે છે :  ‘‘ હેમુ ગઢવી કોણ છે ? ’’  હેમુભાઇને સંદેશો મળતા અજાણ્યાં માજીને સ્નેહથી મળે છે. માજી ધ્રૂજતા સ્વરે વાત કરે છે : ‘‘મારા એકના એક દિકરાનું અકાળ અવસાન થયું છે. મારા પર આભ તૂટી પડયું છે. દિકરાના આત્માની શાંતિ માટે ભજન કરવા છે. તમે આવો ખરા ? મારી પસે નાણાં નથી.’’ રુંધાયેલા કંઠે આટલું કહી માજી મૌન થઇ ગયા. તરતજ માજીનું સરનામું નોંધી લેવામાં આવે છે. ઢળતી સાંજે અને માતા શારદાની શાક્ષીએ તદ્દન અજાણ્યા માજીના નાના મકાનમાં હેમુભાઇ, નટવરગિરી ગોસ્વામી તથા ટપુભાઇ પૂરા ભાવ અને સન્માન સાથે સૂંઢાળા દેવનું તેમના સુરીલા અવાજમાં ભાવપૂર્વક આવાહન કરતા નજરે પડે છે.

પરથમ પહેલા પૂજા તમારી

મંગળ મૂરતિ વાળા..

ભજનના ભાવમાં તલ્લિન થઇને માજીનો સંતાપ સમે છે. ઘટના નાની છે પરંતુ લોક કલાકારો તથા લોક વચ્ચેના એકત્વને ઉજાગર કરે છે. આવા કલાધારોને લોક ક્યાં કદી વિસરે છે ? સમાજની દાદ મેળવવાના તેઓ સંપૂર્ણ હક્કદાર છે.

તન ચોખા મન ઉજળા

ભીતર રાખે ભાવ

કિનકા બૂરા ન ચિંતવે

તાકુ રંગ ચડાવ.

અઢારમી ઓગસ્ટે રાજકોટમાં અનેક ક્ષેત્રોના આગેવાનો તથા વિશાળ લોક સમૂહની ઉપસ્થિતિમાં ‘‘ હેમુ વરણી સાંજ ’’ ની પ્રસ્તુતિ સુવિખ્યાત કલાકારો ઉલ્લાસભેર કરવાના છે. હેમુભાઇની સ્મૃતિમાં આ વર્ષે પચાસમી પુણ્યતિથિને કારણે સળંગ કાર્યક્રમો ગાંધીનગર સહિત રાજ્યમાં અનેક સ્થળોએ યોજવામાં આવ્યા. હેમુ ગઢવી એ લોકગીતો, રેડિયો રૂપક, દુહા – છંદની પ્રસ્તુતિમાં જૂદી ભાત પાડી છે. હેમુની સ્મૃતિ ચિરંજીવી છે. કવિ દાદના સુવિખ્યાત શબ્દો યાદ આવે. 

મોંઘામૂલી સૌરાષ્ટ્રની રસધાર

જે રચતો ગયો,

એ કલમની વાચા બની,

તું ગીતડા ગાતો ગયો.

એ લોકઢાળો પરજના કોઇ

‘દાદ’ કંઠે ધારશે,

એ વખત આ ગુજરાતને

યાદ હેમુ આવશે.

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑