ઘૂના નદીએ ધૂધવે
ધર ડુંગરની ધાર
થાનક ઠારો ઠાર
તારા ખાણેને પાણે ખોડલી
સાંપ્રત કાળના લોકપ્રિય કવિ દાદના ઉપરના શબ્દોમાં એ વાતની પ્રતિતી થાય છે કે માતાજીઓ અનેક સ્વરૂપે તથા અનેક સ્થળે બેસીને જગત કલ્યાણની ચિંતા સેવે છે. યા દેવી સર્વ ભૂતેષુ…વાળી શાસ્ત્રોની વાત આપણાં લોક કવિઓએ સરળ ભાષામાં રજૂ કરી છે. ‘‘ખાલી ન કોઇ સ્થળ છે વિણ આપધારો….બ્રહમાંડમાં અણું અણું મહી વાસ તારો’’ વાળી પ્રાર્થનામાં પણ આ ભાવના ઝીલવામાં આવી છે. આવી સર્વવ્યાપ્ત જોગમાયાના કેટલાક સ્થાયી સ્થાનકો આજે હજારો-લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર બનીને ઊભા છે. દેશના કોઇ પણ છેડે વસતા ભારતીયને વૈષ્ણોદેવીના દર્શનનું આકર્ષણ રહેતુ હોય છે તે આપણી શ્રધ્ધાનું જવલંત ઉદાહરણ છે.
દેવીપુત્ર ચારણોની જનસંખ્યા રાજસ્થાન તથા ગુજરાતમાં સારા એવા પ્રમાણમાં છે. ચારણો દેવીપુત્ર તરીકે સુવિખ્યાત થયા તે એક ઐતિહાસિક ઘટના છે. કોઇ પણ સમાજ કે વ્યકિત માટે દેવીપુત્ર હોવાનું ગૌરવ એ સામાન્ય વાત નથી. અનેક જોગમાયાઓ આ કૂળમાં પ્રગટ થઇ તેથી ચારણને દેવીપુત્રનું બિરૂદ સમાજે તથા ઇતિહાસકારોએ આપેલું છે. ચારણોની જગદંબા તરફની નિષ્ઠા પણ અનોખી રહી. ભકત કવિ પદમશ્રી દુલા ભાયા કાગે લખ્યું છેઃ
ભાન બેભાનમાં માત તુજને રટ્યા
વિસારી બાપનું નામ દીધું
ચારણો જન્મથી પક્ષપાતી બની
શરણ જનની તણું એક લીધું
જગત જનની તરફની આ નિષ્ઠાને જીવનમાં પૂર્ણતઃ ઉતારી સાદું તથા પવિત્ર જીવનાર અનેક ચારણની પુત્રીઓએ સમાજના કાર્ય માટે તથા લોક કલ્યાણના ઉમદા હેતુ માટે જીવનને ગતિ આપી છે. આથી તેમના જન્મસ્થળ કે કર્મસ્થળને તીર્થધામનું મહત્વ આપોઆપ લોક સમૂહે આપેલું છે. મઢડાધામ આવું એક લોક સમૂદાયનું મહત્વનું તીર્થસ્થાન છે. આઇ સોનબાઇની ચિર વિદાયને ચાર દાયકાનો સમય થયો છે. પરંતુ આજે પણ માતાજીની દિવ્ય ચેતનાની અનુભૂતિ ત્યાં થાય છે. અનેક સ્થળોએથી લોકસમૂહ મઢડા આવીને માના દર્શન કરે છે. નામ સ્મરણ કરે છે. જૂનાગઢથી વેરાવળ જવાના રાષ્ટ્રીય માર્ગ ઉપર કેશોદ પાસે અને મુખ્ય રસ્તાથી લગભગ નવ કિ.મી. દૂર આ પવિત્ર તથા પ્રભાવી સ્થાનક આવેલું છે. માતાજીનું ભવ્યમંદિર તથા આગંતુકોને ભાવ સાથે ભોજન પીરસવાના નિરંતર કાર્યને કારણે દિન પ્રતિદિન સ્થળની મહત્તા વધતી રહી છે. દરેક સમાજના લોકો માના બારણે શિર નમાવવા આવે છે. નવરાત્રીમાં વિશિષ્ટ તેમજ ભકિતભાવપૂર્ણ ઉજવણી થાય છે. પૂજય સોનબાઇમાના જાગૃત પ્રતિનિધિ જેવા આઇ શ્રી બનુમા આજે પણ નાદુરસ્ત તબિયત હોવા છતાં કાળજીપૂર્વક વ્યવસ્થા સંભાળે છે. પૂજય બનુમાના જીવનમાં પણ ચારણ આઇને છાજે તેવા સાદગી તથા પવિત્રતાના તમામ ગુણનું દર્શન થાય છે. આથી એક ચૈતન્ય પ્રવાહનું સાતત્ય પણ જળવાયું છે. અતિથિને જોઇને શિઘ્ર પ્રસન્નતા અનુભવતા બનુમાએ દરેકે દરેક દર્શનાર્થી માટે ભોજન પ્રસાદની સુંદર ગોઠવણ કરી છે. સૌરાષ્ટ્રના તીર્થસ્થાનો સૈકાઓથી તેના સદાવ્રત માટે સુવિખ્યાત થયેલા છે.ગીરમાં તુલસીશામ હોય કે પરબની જગા હોય એ બધા જ સ્થળે થતું સદાવ્રતનું કામ આશ્ચર્ય તથા આદર ઉપજાવે તેવા છે. આ સંતો ‘‘(રોટલાનો) ટુકડો ત્યાં હરિ ઢૂકડો’’ એવી ફીલોસોફીને પચાવીને બેઠા છે. મઢડા (સોનલધામ) પણ આવું જ એક ધામ છે. પૂજય આઇશ્રી સોનબાઇને પણ અતિથિને અચૂક ભોજન એ અગ્રતાનો વિષય હતો. ભાવનગરના કવિ બળદેવભાઇ નરેલાએ યથાર્થ લખ્યું છે.
દેવી છે દયાળુ જેના થાનકે મળે છે થાળી
આતમો ઉલ્લાસે અતિથિને ભાળી…..
માતાજી તારી મૂરતિ
મઢડામાં ભાળી મેં મરમાળી રે……
માતાજી તારી મૂરતિ
લોકકથાઓ તેમજ લોકગીતો-ગરબાઓમાં અનેક સ્થળો-પ્રસંગો સાથે વિવિધ માતૃસ્વરૂપા દેવીઓના ચરિત્રો સંકળાયેલા છે. આવી રચનાઓ લોકજીભે રમતી રહે છે અને તેથી જીવંત રહેવા પામી છે. પરંતુ મોટાભાગે આ દેવીઓના જીવન તેમજ કાર્યનો કડિબધ્ધ ઇતિહાસ જળવાયો નથી. આથી કેટલીક મહત્વની કડીઓ વિસ્મૃત થવા પામી હોય તેમ બનવાનો સંભવ છે. કેટલીક કિવદંતીઓ પાછળથી ઉમેરાઇ હોય તે પણ શકય છે. આ બાબતમાં મઢડાધામ વાળા આઇ સોનબાઇની વાત જુદી પડે છે. તેનુ એક કારણ એ છે કે તેઓ હમણાં સુધી આપણી વચ્ચે વિહરતા હતા. બીજુ સોનલ આઇ સાથે રહેલા અને ખૂબ જ સુશિક્ષિત ચારણ શ્રી પિંગળશીભાઇ પાયકે આઇમાના જીવનની નાની-મોટી ઘટનાઓ નિયમિતતા તથા ચોકસાઇથી નોંધી હતી. પિંગળશીભાઇ પોતે પણ એક બહુશ્રુત વિદ્વાન હતા. આથી થોડા ઘણાં જે સુખદ અપવાદરૂપે માતાજીના ચરિત્ર કડિબદ્ધ રીતે જળવાયા છે. તેમાં આઇ સોનબાઇમાના ચરિત્રનો સમાવેશ થાય છે. માતાજીનું આ ચરિત્ર “માતૃદર્શન” નું પ્રકાશન ૧૯૮૪ માં ઉત્તરાયણના પવિત્ર દિવસે થયું હતું. આજ પુસ્તકનું પુનઃ પ્રકાશન કરવાનું પણ નક્કી થયું છે.
માતૃ દર્શનમાં જે કેટલીક ઐતિહાસિક તેમજ વાસ્તવિક ઘટનાઓ નિરૂપાયેલી છે તે જોતાં આઇ સોનબાઇની લોકજાગૃતિ તથા વ્યસનમુક્તિના કાર્યો ઊડીને આંખે વળગે તેવા છે. માતાજી પોતે જે વિસ્તારમાં નિવાસ કરતા હતા ત્યાંના સામાન્ય લોકોના પ્રશ્નો તેમજ સમસ્યાઓ તરફ તેમનો અભિગમ કેવો હતો તેની પ્રતિતિ માતૃદર્શનમાં નોંધાયેલા એક પ્રસંગ પરથી થાય છે. દેશને આઝાદી મળી તે સાથે જ જૂનાગઢને આઝાદી ન મળી તે એક વિખ્યાત ઐતિહાસિક ઘટના છે. બાબી વંશના અવિચારી શાસકે રાજયના દિવાન શાહનવાઝ ભુટ્ટોની સલાહથી પાકિસ્તાન સાથે જોડાવાનો વિકલ્પ આપ્યો. પ્રજામત સ્વાભાવિક રીતે જ હિન્દુસ્તાનમાં જોડાવાનો હતો. આથી પ્રજામાં એક ભય તેમજ ભવિષ્યની અસલામતીની લાગણી પ્રબળ બની. આથી માણાવદર-કેશોદ-બાંટવા વિસ્તારના કેટલાક આગેવાનો આઇ સોનબાઇને મળ્યા તથા પોતાની આ કટોકટી ભરેલી સ્થિતિની વાત કરી. નવાબના નિર્ણય મુજબ પાકિસ્તાન સાથે જોડાવાનુ થાય તો કેવી સ્થિતિ થાય? મળવા આવેલા લોક પ્રતિનિધિઓને આઇમાએ જણાવ્યુ કે પાકિસ્તાન સાથે જૂનાગઢ રાજ્યનુ જોડાણ થશે નહિ. તેમણે કહેલુ કે નવાબનો આ નિર્ણય અવ્યવહારૂ તેમજ અમલમાં લાવી શકાય તેવો નથી. કટોકટીની આ ક્ષણે સંપૂર્ણ ધીરજ તેમજ સ્વસ્થતા જાળવવા તેમણે લોકસમૂહને જણાવ્યું. આરઝી હકુમતની ઉગ્ર બનતી જતી લડત એ વીજ સ્વરૂપે કટોકટીના આ કાળા વાદળોમાં પણ ઝબૂકી રહી છે તેમાં વિશ્વાસ રાખવા કહ્યું. લડતને સમર્થન આપવા તેમજ જરૂર પડે ત્યાં બલિદાન આપવા માટે જનમત જાગૃત કરવા માતાજીએ આ રીતે શક્તશાળી પ્રયાસ કર્યો. લોકસમૂહ પર આવા વિભૂતિઓના વચનોનો જૂદો જ પ્રભાવ પડતો હોય છે. અંતે તો આઇમાએ ઉચ્ચારેલી વાત સાચી પડી. સરદાર સાહેબ તથા શામળદાસ ગાંધી જેવા શક્તિશાળી નેતૃત્વને કારણે આ પ્રશ્ન ઉકેલાયો. ઘીના ઠામમાં ઘી પડ્યુ. નવાબ અને ભૂટ્ટોએ ભાગી જવું પડ્યુ. જૂનાગઢ તથા ગિરનાર આજે પણ ભારત વર્ષની શોભા બનીને અડિખમ ઉભા છે.
મઢડાવાળી મા જીવ્યા ત્યાં સુધી સમાજમાં ફેલાયેલા વ્યસનો તથા અનેક પ્રકારના સામાજિક દૂષણો સામે ઝઝૂમતા રહ્યાં. અંધશ્રદ્ધાના સ્થાને કર્મપ્રધાન જીવન પદ્ધતિ વિકસાવવા લોકોને પ્રેર્યા. કેળવણી પર ભાર મૂક્યો કવિ શ્રી કાગે લખ્યું
માડી તેં તો દોરા ધાગાના વેમ ટાળ્યા
કરમની કેડી ચિંધી રે લોલ
માડી તારા વચનુના બી જેણે વાવ્યા
કોઠારે રૂડા કણ ભર્યા રે જી
માતાજી સાથે તેમના પડછાયાની જેમ રહેનાર આઇમાના ભત્રીજા શ્રી દાદભાઇ મોડ આજે ૮૫ વર્ષની ઉંમરે પણ માતાજી વિશે અધિકૃત તથા અનુભવેલી વાતો કહેતા કહી થાકતા નથી. પોતાને આઇમાનું સાનિધ્ય લાંબાકાળ સુધી સાંપડ્યુ તેની ખુમારી દાદભાઇના રણકામાં સંભળાય છે. મૂક સેવક રવિશંકર મહારાજ હાઇ-વેથી પગે ચાલીને માતાજીને મળવા આવ્યા તે વાત યાદ કરતા દાદભાઇ ભાવ વિભોર થઇ જાય છે. માતાજીના સર્વ જન હિતાય સર્વ જન સુખાય કાર્યોમાં મહારાજને ખૂબ રસ પડતો હતો. ભારત સરકારના ભૂતપૂર્વ નાણાંમંત્રી અને નિવૃત્ત આઇ. સી. એસ. અધિકારીશ્રી એચ. એમ. પટેલની મઢડા યાત્રા પણ જાણે દાદભાઇની સ્મૃતિમાં લીલીછમ થઇને પડી છે. અનેક અગવડો વેઠીને માના દર્શને આવેલા પોરબંદર રાણા સાહેબ તથા જામનગરના જામસાહેબ જેવા મોટા રાજ્યોના રાજવીઓની વાતો પણ સમયના પ્રમાણ સાથે દાદભાઇ કહેતા હોય છે. ભગત બાપુએ જેમને ‘આભ કપાળી’ કહ્યા છે તેવા માનું વ્યક્તિત્વ મેઘધનુષ્યના અનેક રંગોની જેમ ખીલ્યું છે. તેની પ્રતિતી આ પ્રસંગોમાંથી થાય છે. આ રીતે મઢડાનું આકર્ષણ એ બહોળા લોક સમૂદાયને સતત રહેલું છે. નાના એવા મઢડા ગામમાં કોઇ જ્ઞાતિ આધારિત ભેદભાવ ન રહે તે માટે માતાજી જાગૃત રહેલા હતા. જગતજનનીનું વાત્સલ્ય તો સૌના તરફ પુષ્પની સૌરભ જેમ પ્રસરતું રહે છે.
શાસ્ત્રોમાં તેમજ અનેક પ્રચીન ગ્રંથો-પ્રસંગોમાં માતૃત્વ શક્તિનો આદર આ દેશની ઉજળી પરંપરા રહી છે. આપણી ધ્યાન ઉપાસનાની પાટ પરંપરામાં તો સતીનું-માતૃત્વનું વિશેષ મૂલ્ય છે. જીવનના તમામ ક્ષેત્રોમાં મહિલાઓએ અનોખુ યોગદાન આપેલુ છે. પાશ્ચાત્ય પરંપરાથી આપણે તેમાં પાછળ નથી. કાળક્રમે વ્યવહારમાં જે મર્યાદાઓ કે અપૂર્ણતાઓ દેખાવા લાગી તેનો પ્રતિકાર મહિલા શક્તિએ જ કર્યો. મધ્યયુગની અનેક મહિલા સંતોએ પોતાની વાણી થકી અન્યાય સામે વિદ્રોહની ચિનગારી પેરાવી. આ તમામ હકીકતો- ઘટનાઓને સાચવીને આજે પણ ઉન્નત મસ્તકે મઢડાધામ જેવા અનેક માતૃત્વ શક્તિના દૂર્ગ સમાન તીર્થસ્થાનો અડિખમ ઉભા છે. માની શક્તિના સ્ત્રોતે આપણને સારા-માઠા સમયમાં દિશા-દોરવણી આપેલા છે.
યા દેવી સર્વ ભૂતેષુ
શક્તિ રૂપેણ સંસ્થિતાઃ
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ
નમસ્તસ્યે નમો નમઃ
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment