: ક્ષણના ચણીબોર : મળ્યું છે તો આપતો જાજે રે… :

આપણે જે યુગમાં જીવીએ છીએ તેને હરીફાઇનો યુગ કહી શકાય. હરીફાઇનું તત્વ જો કે સહજ રીતેજ માનવીના મનમાં હમેશા રહેલું હોય છે. પરંતુ સાંપ્રતકાળમાં આ હરીફાઇના તત્વનું જે પ્રમાણ – scale – છે તે અસાધારણ છે. આ શૈક્ષણિક વર્ષમાં દિલ્હીની સ્ટીફન કોલેજની અમૂક વિદ્યાશાખામાં પ્રવેશ માટેનું છેલ્લું ધોરણ – cut off marks – ૯૮% ઉપર છે તેવા અહેવાલો જોવા મળેલા છે. આ બાબત હરીફાઇની તીવ્રતા દર્શાવે છે. વ્યવસાયીક અભ્યાસક્રમો અને તેમાં પણ તબીબી અભ્યાસક્રમમાં જે જગાઓ ભરવાની હોય તેનાથી અનેકગણાં વધારે વિદ્યાર્થીઓ પોતાનું નસીબ દાવ પર લગાવે છે. ગમે તે ભોગે પ્રવેશ મેળવવાની ઘેલછા એવી છે કે પરીક્ષાર્થી ખૂબ મહેનત કરે તે ઉપરાંત પિતા કે વડીલો પણ પાછલા બારણેથી થઇ શકતા હોય તો તમામ પ્રયાસો કરે. સરવાળે કેટલાક પ્રસિધ્ધ તથા ચર્ચાપદ admission test કાનૂની દરમિયાનગીરીથી રદ કરવા પડે ! સરકારી નોકરીઓમાં ભરતી માટે યોજવામાં આવતી પરીક્ષાઓના પણ કેટલાક કિસ્સામાં આવાજ હાલ ! નિવૃત્ત ન્યાયમૂર્તિ અને વિદ્વાન શ્રી ચન્દ્રશેખર ધર્માધિકારીજીએ વિદ્યાપીઠમાં તાજેતરમાં યોજવામાં આવેલા એક પ્રવચનમાં આ માનસિક સ્થિતિના મૂળ તરફ તેમણે દ્રષ્ટાંત આપીને ધ્યાન ખેંચ્યું. યુરોપના એક દેશના સંદર્ભમાં તેમણે કહ્યું કે શાળામાં દાખલ થયેલા એક શીશુએ શાળાથી ઘેર આવ્યા બાદ ઉત્સાહથી માતાને કહ્યું કે મારી આસપાસ મારા વર્ગમાં ચાર પાંચ વિદ્યાર્થીઓ બેસે છે. આ બધાને મિત્ર બનાવ્યા તેની વધાઇ શીશુએ નિર્દોષતાથી માતાને કહી સંભળાવી. માતાએ ઠાવકું મોં કરીને જવાબ વાળ્યો : ‘‘ જો ! હું તને ચેતવું છું. એ બધા તારા ભવિષ્યના હરીફો છે ! તારે તેમનાથી આગળ જવાનું છે. ’’ આ ભાવનું નિરૂપણ શિશુમાં થાય તો સ્વસ્થ અને સંવેદનશીલ સમાજનું નિર્માણ એ દૂરનું સ્વપ્ન બની રહે. આ સંદર્ભમાં સહજ રીતે રોજીંદા જીવનમાં પાળવામાં આવતા સહજ ધર્મ બાબતમાં ગાંધીવાદી શિક્ષણશાસ્ત્રી શ્રી નવલભાઇ શાહે કરેલી વાત સાંભળ્યા પછી વિસરી શકાય તેવી તેવી નથી. નવલભાઇ કહે છે : 

એક સજ્જન વહેલી સવારે છાપાના ફેરિયાને રોકીને એક અખબાર આપવા માટે કહે છે. ફેરિયો કહે છે – સાહેબ ! હું તમને અખબાર નહિ આપી શકું. સજ્જન થોડા ચિડાઇને કહે છે કે કેમ ન આપી શકે ? તું છાપાનું વેચાણ કરીને તો તારી આજીવીકા મેળવે છે. ફેરિયો કહે છે કે એ વાત ખરી છે પરંતુ જે જગાએ આ સંવાદ ચાલતો હતો તે તથા નજીકની બે શેરી ફેરિયાઓએ સ્વેચ્છાથી લિમ્પી નામના છોકરા માટે અનામત રાખી છે. સજ્જને વિશેષ પૂછપરછ કરી તો ફેરિયાએ સમજાવ્યું કે તેમના બાળમિત્ર લિમ્પીએ બીમારીમાં એક પગ ગુમાવ્યો છે. લિમ્પી પણ અખબારની ફેરી કરીનેજ પોતાનું અને જૈફ ઉમ્મરની માતાનું ભરતપોષણ કરે છે. હવે લિમ્પી બીચારો ઘોડી લઇને લાંબી દોડાદોડ ક્યાંથી કરી શકે ? આથી અમે ફેરિયાઓએ નક્કી કર્યું છે કે આ ત્રણ શેરી જે લિમ્પીના ઘરથી નજીકમાં છે ત્યાં લિમ્પીજ ગ્રાહકોને અખબારનું વિતરણ કરે. બાકીના ફેરિયાઓ સ્વેચ્છાથી ત્યાં અખબારનું વેચાણ કરે નહિ. અંતે ફેરિયાએ ઉમેર્યું : આ અમારો રાજીખુશીનો સોદો છે ! એટલામાંજ લાકડાની ઘોડીની મદદથી આવતો લિમ્પી દેખાયો. સજ્જને લિમ્પી પાસેથી અખબાર ખરીદીને તીર્થસ્થાનમાં કરેલા સ્નાનની શિતળતા અનુભવી ! કોર્પોરેટ જગતમાં જ્યારે વેપાર વધારવા માટેના તમામ સાચા – ખોટા પ્રયાસો કરવાની નવાઇ રહી નથી ત્યારે સામાન્ય માનવીની આ વૈચારીક ઊંચાઇ જીવનની એક તેજોમય દિશાનું દર્શન કરાવે છે. કવિ ત્રાપજકરના શબ્દો યાદ આવે. 

મંદિરો કે મહેલ ન થાજે !

હીરો ના લાખનો થાજે !

રેઢા કોઇના ખેતરે તારા

હાડના ખાતર નાખતો જાજે રે !

મળ્યું છે તો આપતો જાજે રે..!

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑