: સંતવાણી સમિપે : માયાને મમતા તણાં : જેના રૂદે ન લાગ્યા રોગ :

જગતના તમામ પ્રાણીઓ તરફ સંવેદનશીલતા એજ સંતોના જીવનનું ધ્યેય હોય છે. નિર્દોષ પ્રેમની અનુભૂતિ સતત રહે તથા તેની પ્રતીતિ સમગ્ર જગતને થાય તેવું સંતોનું જીવન હોય છે. ઋજુતાએ આવી સંવેદનશીલતાનું એક અભિન્ન અંગ છે. હરિઓમ આશ્રમવાળા સંતશ્રી મોટાનું જીવન આવા અલૌકિક ગુણથી સભર થયેલું હતું. ચિંતક તથા વિચારક વિદુષિ વિમલા ઠકાર કહેતા કે શ્રી મોટાને મળવાનું થાય ત્યારે તેઓ હંમેશા લાગણી સભર થઇને કહેતા કે આગલો જન્મ તેઓ સ્ત્રી દેહમાં લેવા માંગે છે. તેનું કારણ એટલું જ કે સ્ત્રીદેહમાં નિર્દોષ તેમજ સંપૂર્ણ પ્રેમની પ્રતીતિ સંભવી શકે છે. ગાંધીજીએ પણ કદાચ આવા જ કારણોસર મહિલાઓ પાસેથી વિશેષ કપરા કામની અપેક્ષા રાખી હતી. હિન્દુસ્તાનની મહિલાઓએ ગાંધીજીની અપેક્ષાને મજબૂત હોકારો પણ આપ્યો હતો. તે સુવિદિત છે. મોટાને તેમના માતા સ્વાદિયો કહેતા કારણ કે સ્વાદવાળું ખાવાના તેઓ શોખીન હતા. દરેક બાબત સમજમાં ન ઉતરે ત્યાં સુધી સતત પૂછપરછ કરતાં રહેવાની મોટાની બાળપણની ટેવને કારણે મા તેને ઝીણિયો પણ કહેતા હતા. માતાનો આ લાડલો સ્વાદિયો અને ઝીણિયો તેની  ઝીણી નજરથી અનેક સાર્વજનિક હિતના કાર્યો કરીને આપણાં સંતોની ઉજળી પરંપરામાં પોતાના યોગદાનથી અગ્રસ્થાન મેળળ્યું. કોઇ સંતને પોતાની માતૃભાષામાં પણ Encyclopaedia Britanica  જેવો વિશ્વકોશ તૈયાર કરવાની ઇચ્છા જાગે અને તેવા કાર્ય માટે નાણાકીય આયોજન કરવાનું પણ સૂઝે તે નાની વાત નથી. શ્રી મોટા જેવા સંતનો સંકલ્પ, શ્રી સાકળચંદ પટેલ (વિસનગર) જેવા પુણ્યાત્માનો સમયસરનો ટેકો તથા શ્રી ધીરૂભાઇ ઠાકર જેવા કર્મઠ તથા કાર્યને સમર્પિત સાક્ષરના પુણ્ય પ્રતાપે આજે લગભગ ૨૫૦૦૦ પાનમાં વિશ્વકોશના જ્ઞાનગ્રંથો આપણી શાળા-મહાશાળાઓ તથા પુસ્તકાલયોની શોભામાં અભિવૃધ્ધિ કરે છે. ગુજરાત રાજયની સ્થાપના પછીની મહત્વની ઉપલબ્ધિઓની ગણતરી માંડીએ તો તેમાં વિશ્વકોશના આ લોકભાગીદારીવાળા કામને અગ્રસ્થાન આપવું પડે. શ્રી મોટાનું આથી મોટું  સ્મારક બીજું કોઇ હોઇ શકે નહિ. ‘‘મારા નામનું ઇંટ-ચૂનાનું કોઇ સ્મારક કરવું નહિ’’ તેવું બેધડક લખાણ પોતાના વસિયતનામામાં ૧૯/૦૭/૧૯૭૬ના દિવસે લખનારઆ ક્રાંતિકારી સાધક ૨૩ જૂલાઇ-૧૯૭૬ના દિવસે આ નાશવંત સંસારનો ત્યાગ કરીને મહાપ્રયાણ કરી ગયા. અષાઢ-શ્રાવણના મેધગર્જન વચ્ચે આ ક્રાંતદૃષ્ટા ઋષિની સામાજિક કલ્યાણ માટેની વીરહાક આજે પણ સાંભળી શકાય છે, અનુભવી શકાય છે. આ માસ-જૂલાઇમાં પૂજય મોટાનું સ્મરણ તેમના ભકતો-પ્રશંસકોને ભીંજવે તે સહજ ઘટના છે. મોટાનું જીવન તથા કાર્યો ઉજળા સંન્યાસી જીવનના રોલ-મોડલ સમાન છે. કવિત્વ શકિત પણ પૂજય મોટાને વરી છે. વિધ્નથી હારે એ સાધુ નહિ, સાધુ તો વિધ્નને પણ પડકારનારો છે. લખે છેઃ 

વિધ્નના સાંપડયું કોને ?

બતાવો એક તો જગે,

પામશે વિધ્નથી લાભ

વિધ્નને જે વધાવશે.

અદ્વૈતની શાસ્ત્રોકત વાત કવિ મોટા પ્રથમ પચાવે છે અને પછી સરળ શબ્દોમાં આપણાં સુધી પહોંચાડે છે. 

આખરે એક તો સર્વ,

એકમાં સૌ સમાયેલું,

એકથી સૌ પરિવ્યાપ્ત,

છતાં કાં અન્ય લાગતું ?

પૂજય મોટાના વિચારો તેમના ગદ્ય તથા પદ્યમાં નિરંતર વહેતા રહેલા છે. મોટાનું એક સર્જક તરીકેનું મૂલ્યાંકન એ એક સ્વતંત્ર વિષય છે તેમ ચોકકસ કહી શકાય. પૂજય મોટાના દાનની ફીલોસોફી પણ અલગ ભાત પાડે તેવી છે. દરેક પૈસાનો વ્યય એ સમાજના સાર્વત્રિક ઉત્થાન માટે જ થાય તેવી તેમની ખેવના તથા તે માટેની ચોકસાઇ અસાધારણ હતા. કોઇ પણ પારિતોષિક સાથે પોતાનું નામ જોડવામાં ન આવે તેવો આ સંન્યાસીનો હઠાગ્રહ હતો ! ગુજરાતમાં ઘણાં વર્ષો સુધી પ્રાથમિક શાળાઓના ઓરડાની ઘટ રહેવા પામી હતી તે જાણીતી બાબત છે. જાહેર સેવાના અનુભવમાં પણ આ વાત વખતોવખત ધ્યાનમાં આવી છે. પૂજય મોટાએ આ કાર્યને અગ્રીમતા આપીને શિક્ષણના યજ્ઞમાં આપેલી આહૂતિ અદ્રિતિય છે અને સદાકાળ પ્રેરણા આપે તેવી છે. દરેક ઋતુમાં શાળાના શિક્ષણનું કામ પૂરતા સ્કૂલ રૂમો સિવાય કેવી રીતે સંભવ બને ? સહાય કરતી વખતે પણ સંપૂર્ણ ભકિતનો ભાવ એ મોટાનીખૂબી હતી. માત્ર એક શાળાના ઓરડાઓ બાંધવા માટેની સહાયનું કાર્ય તેમણે કર્યું હોત તો પણ તેમનું નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાયું હોત. શ્રી મોટાએ તો આ સિવાયના અનેક સમાજ ઉપયોગી ક્ષેત્રોમાં સહાયનો અસ્ખલિત પ્રવાહ વહેવડાવ્યો છે. 

રામકૃષ્ણ મિશનના પોતાના ગુરૂબંધુઓને સ્વામી વિવેકાનંદે ક્રિયાશીલ સંન્યાસી બનવા સલાહ આપી હતી. સંન્યાસી જો પોતાની આસપાસની દુનિયાના પ્રશ્નો-સમસ્યાઓને નજર અંદાજ કરી જીવન વ્યતિત કરે તો કદાચ વ્યકિતગત આત્મોન્નતિનો લાભ થાય. પરંતુ સામાજિક કર્તવ્ય ચૂકી જવાય. ગાંધીયુગ તથા ગાંધી વિચારના પ્રવાહના આકર્ષણથી દેશના મુકિત સંગ્રામમાં અનેક સંન્યાસીઓએ પણ ઝૂકાવ્યું. ગાંધીજીએ સૂચવેલા રચનાત્મક કામો એ આ સંગ્રામના અનિવાર્ય તથા મહત્વના અંગ સમાન હતા. ગાંધીજીની હાકલને સાંભળીને મોટાએ કોલેજ તો છોડી પરંતુ વિદ્યાપીઠનો અભ્યાસક્રમ પણ અધૂરો છોડીને દેશની સ્વાતંત્રય ચળવળમાં જોડાયા. સમાજમાં ઊંડે સુધી ઘરબાયેલા છૂઅછૂતના માનસનું નિર્મૂલન કરવાનું તથા નબળાવર્ગોના ભાંડૂઓની સંસ્થાઓના સંચાલનનું કામ શ્રી મોટા માટે અગ્રતાના વિષયો હતા. ગુજરાત વિદ્યાપીઠ સંચાલિત હરિજન શાળા ઉપરાંત ગુજરાત હરિજન સંઘનું કામ પણ તેઓ ચીવટથી સંભાળતા હતા. આ કામની સાથે જ નામસ્મરણનો ક્રમ તેઓ કદી ચૂકયા નહતા. આથી કામો ઘણાં કર્યા પરંતુ કદી હું પદનો ભાવ કે મોહ-મમતાનો સ્પર્શ પણ તેમને થયો નહિ.

માયાને મમતા તણાં

જેના રૂદે ન લાગ્ય રોગ

ઇ સંત સમરવા જોગ

દન ઉગ્યે દાદવા !

શ્રી મોટાના અનેક પ્રસંગો તથા વિચારોને આવરી લેતો તેમનો પત્ર લેખનનો પ્રવાહ સાહિત્યના એક જુદા જ સ્વરૂપનો તેમજ જીવન તરફ જોવાની એક નૂતન દૃષ્ટિનો પરિચય કરાવે છે. તેઓના મતે આધ્યાત્મિકતા એ શોખ કે ચર્ચાનો વિષય નથી. તેઓની દૃઢ નિષ્ઠા આચરણ દ્વારા નકકર પરિણામમાં છે. લોકસેવક કદી પણ અહંકારને ન પોષે તેનો ઉલ્લેખ અવારનવાર કરવાનું તેઓ ચૂકતા નથી. તેમની ભકિતની વ્યાખ્યામાં ચીવટ, ચોકસાઇ તથા નિપુણતાના લક્ષણોની વાત આવે છે. કોઇક બાબત આપણી બેદરકારીથી બને તો ‘‘પ્રભુને ગમ્યું તે ખરૂં’’ જેવી લાગણીનું આ સંત સમર્થન કરતા નથી. સાધક તથા સેવક માટે તેમણે પોતાના એક પદમાં તેમણે શ્રધ્ધા-વિશ્વાસનો ભાવ કાળજી તથા ખૂબીથી ગૂંથ્યો છે. 

કોણ વર્ષાવવા જામ વર્ષાને ?

કોણ ઋતુઓ લાવ્યા કરે જુદી જુદી ?

કોણ સૂર્ય ઉગાડતું ?

અનંત કાળથી વિશ્વ

ચાલ્યા જ કરતું દીસે

એની સંભાળ લેનારું

બેઠેલું કોક તો હશે ?

સર્વશ્રેષ્ઠ પ્રભુ જાણી

એને મહત્વ આપજો

જે તે કાર્ય મહી એનો

ઊંડો ખ્યાલ ધરાવજો.

સાધકના જીવનમાં શ્રધ્ધા, નિષ્ઠા તેમજ આત્મવિશ્વાસના અમૂલ્ય ગુણ શ્રી મોટા તેમના જીવન કાર્યો થકી ભરી ગયા. સૂર્ય સમાન તેજસ્વી આ સંન્યાસીની પ્રતિભા સાંપ્રતકાળમાં નિષ્કામ સેવાધર્મના ઉજવળ તથા અનુકરણિય ઉદાહરણ સમાન છે. 

(વી. એસ. ગઢવી)

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑